You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પ કૅમ્પનો જો બાઇડનની જીત સ્વીકારવા ફરી ઇનકાર, તપાસપંચની માગ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપતિ તરીકેની અવધિ પૂર્ણ થવાને ગણતરીના દિવસો છે ત્યારે ફરી ચૂંટણીમાં કથિત ગેરરીતિને લઈને રાજકારણ ગરમાયું છે.
અમેરિકામાં કેટલાક સૅનેટર્સના જૂથનું કહેવું છે કે તેઓ જો બાઇડનના વિજયને પ્રમાણિત નહીં કરે.
તેમનું કહેવું છે કે, જ્યાં સુધી મતદાનમાં ગેરરીતિની તપાસ માટે પંચ નહીં નિમવામાં આવે ત્યાં સુધી તેઓ વિજયને પ્રમાણિત નહીં કરે.
રિપબ્લિકન પાર્ટીના ટેડ ક્રૂઝના નેતૃત્ત્વમાં 11 સૅનેટર્સ અને નવાચૂંટાયેલા સૅનેટર્સ ઇચ્છે છે કે મતદાન મામલે તપાસ થવી જોઈએ તેમાં 10 દિવસનું ઑડિટ કરવામાં આવે.
જોકે તેમની આ રજૂઆત સફળ થાય એવી શક્યતા નથી જણાતી કારણ કે મોટાભાગના સૅનેટર્સ 6 જાન્યુઆરીના રોજ જો બાઇડનનું રાષ્ટ્રપતિપદ માટે સમર્થન કરે એવી શક્યતા છે.
બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ પણ હાર નથી માની. તેઓ વારંવાર પુરાવા આપ્યા વગર મતદાનમાં ગેરરીતિના આક્ષેપ કરતા આવ્યા છે.
તેમની ટીમ દ્વારા કોર્ટમાં પરિણામોને પડકારવામાં આવ્યા હતા પરંતુ તેમાં પણ સફળતા નથી મળી.
પરંતુ એક વાત એ પણ છે કે યુએસના ઇલેક્ટોરલ કૉલેજે બાઇડનને 306 બેઠકો સાથે દરેક રાજ્યના પૉઇન્ટ્સ આપીને તેમની જગ્યા પાક્કી કરી છે. તો ટ્રમ્પ પાસે 232 બેઠકો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે તેમના મતોને 6 જાન્યુઆરીને કૉંગ્રેસ દ્વારા પુષ્ટિ મળવી જરૂરી છે. તથા 20મી તારીખે શપથવિધી યોજાશે. જેમાં પ્રમુખ અને ઉપ-પ્રમુખ શપથ લેશે.
ટ્રમ્પના સહયોગીઓ શું ઇચ્છે છે?
ટૅક્સાસના સૅનેટર્સ ટેડ ક્રૂઝની આગેવાનીમાં 11 સેનેટર્સે એક નિવેદનમાં કહ્યું કે ચૂંટણીના મતદાન અને પરિણામોમાં ગેરરીતિ થઈ છે. એટલે જેમ 1877માં પરિણામોમાં બંને પાર્ટીએ જીતના દાવા બાદ એક પંચ નિમવામાં આવ્યું હતું અને તપાસ થઈ હતી તે જ રીતે જે રાજ્યોમાં પરિણામોમાં વિવાદ છે ત્યાં 10 દિવસનું તત્કાલિક ઑડિટ હાથ ધરવામાં આવે.
તેમનું કહેવું છે કે એક વાર ઑડિટ પત્યા પછી તે રાજ્યો તેનું મૂલ્યાંકન કરીને એક ખાસ સત્ર બોલાવીને મતદાન કરીને પરિણામો જાહેર કરવામાં આવે.
જોકે તેમણે ખુદ કહ્યું કે તેમની આ માગ સ્વીકારાય એવી ઓછી શક્યતા છે. અને તેમણે અન્ય સૅનેટર્સને પણ ટેકા માટે અપીલ કરી છે.
બાઇડનના સહયોગીનું શું કહેવું છે?
જો બાઇડનના સહયોગી બર્ની સેન્ડર્સે ટ્વીટર પર એક નિવેદન જારી કરીને રિપબ્લિકન્સ સામે પ્રહાર કર્યો છે અને બાઇડનના સમર્થનમાં વાત કરી છે.
તેમણે તેમાં કહ્યું કે 20મી જાન્યુઆરીની બપોરે બાઇડન રાષ્ટ્રપતિ બનશે. રિપબ્લિકન્સ પરિણામોને ઉલટાવવા માગે છે પરંતુ આવો પ્રયાસ કરીને તેઓ લોકશાહી અને અમેરિકાના મતદારોનો તિરસ્કાર કરી રહ્યા છે.
6 જાન્યુઆરીએ શું થશે?
સેનેટર્સ અને ગૃહના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓ પર સાંસદો બે કલાક ચર્ચા કરશે અને પછી મતદાન કરશે.
પરંતુ ઇલેક્ટોરલ વૉટને ફગાવી દેવા માટે બંને ગૃહના બહુમતી સભ્યો દ્વારા તેને રદ કરવામાં આવે તે જરૂરી છે. તો જ તે મત રદ ગણાશે.
પરંતુ ડેમૉક્રેટ્સ પાસે ગૃહમાં બહુમતી છે અને કેટલાક રિપબ્લિકન્સે પહેલાં જ કહી દીધું છે કે તેઓ આમાં ભાગ નહીં લે.
ટોચના રિપબ્લિકન્સ નેતાઓ કહે છે કે, ચૂંટણીપરિણામોને પ્રમાણિત કરવામાં સૅનેટની ભૂમિકા માત્ર એક પંરપરા પ્રકારની છે. તે વિવાદો પર ચર્ચાઓ કરવા માટે નથી.
ઉપરાંત સૅનેટના બહુમતી નેતા મિચ મૅકકૉનેલે બાઇડનની જીતને સ્વીકારી લીધી છે અને રિપબ્લિકન્સને કહ્યું પણ છે કે તેઓ તેમાં વાંધા રજૂ ન કરે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો