ભારત-પાકિસ્તાન વચ્ચેનો એ કરાર જે કરોડો લોકોનું ભવિષ્ય નક્કી કરે છે

શુક્રવારે ભારત અને પાકિસ્તાને એકબીજા સાથે પોતપોતાનાં પરમાણુ પ્રતિષ્ઠાનો અને સંસ્થાનોની યાદી શૅર કરી છે.

ખરેખર, આ દર વર્ષે થનારી એક પ્રક્રિયા છે જે બંને દેશો વચ્ચે થયેલી એક સમજૂતી અંતર્ગત થાય છે.

ભારતના વિદેશમંત્રાલયની એક જાન્યુઆરીની પ્રેસ રિલીઝ પ્રમાણે, “ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં એક સાથે રાજદ્વારી મારફતે એ પરમાણુ પ્રતિષ્ઠાનો અને ફૅસિલિટીઓની યાદીની આપલે કરવામાં આવી જે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ પરમાણુ પ્રતિષ્ઠાન અને ફૅસિલિટી વિરુદ્ધ હુમલાની નિષેધ સમજૂતી અંતર્ગત આવે છે.”

“આ સંધિ 31 ડિસેમ્બર, 1988ના રોજ થઈ હતી અને 27 જાન્યુઆરી 1991થી લાગુ છે. તેની અંતર્ગત ભારત-પાકિસ્તાન આગામી પરમાણુ પ્રતિષ્ઠાનો વિશે દર વર્ષે એક જાન્યુઆરીના રોજ એકબીજાને જણાવે છે.”

”પહેલી વખત એક જાન્યુઆરી 1992ના રોજ આ જાણકારી શૅર કરાઈ હતી અને ત્યારથી સતત 30મી વખત આ જાણકારી શૅર કરાઈ.”

આ સંધિ પ્રમાણે બંને દેશ એકબીજાનાં પરમાણુ પ્રતિષ્ઠાનો પર હુમલો નથી કરી શકતા.

પાકિસ્તાનના વિદેશમંત્રાલયે જણાવ્યું કે એક જાન્યુઆરીની સવારે 11 (પાકિસ્તાનના સમયાનુસાર) વાગ્યે ભારતીય હાઈ કમિશનના પ્રતિનિધિને આ યાદી સોંપી દેવાઈ અને દિલ્હીમાં ભારતના વિદેશમંત્રલયે સવારે 11 વાગ્યે (ભારતના સમયાનુસાર) પાકિસ્તાન હાઈ કમિશનના પ્રતિનિધિએ પોતાનાં પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદી સોંપી દીધી.

આ પ્રક્રિયા એવા સમયે કરવામાં આવી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.

ફેબ્રુઆરી 2019માં પુલાવામા હુમલાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બાલાકોટમાં ઍરસ્ટ્રાઇક બાદથી જ બંને દેશો વચ્ચેની સ્થિતિ તણાવપૂર્ણ છે.

આ તણાવ જ્યારે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવીને રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો ત્યારે તેમાં વધારો થયો.

પાકિસ્તાને ત્યારે ભારતીય ઉચ્ચાયુક્તને નિષ્કાસિત કરી દીધા હતા.

ભારતે આ નિર્ણયને પોતાનો આંતરિક મામલો ગણાવી કાશ્મીરમાં લગાવાયેલા પ્રતિબંધોને યોગ્ય ઠેરવ્યા હતા.

કોની પાસે કેટલાં પરમાણુ હથિયાર?

ભારત અને પાકિસ્તાનમાં પાછલાં દસ વર્ષોમાં પરમાણુ બૉમ્બોની સંખ્યા બે ગણા કરતાં વધુ થઈ ગઈ છે અને હાલનાં વર્ષોમાં પાકિસ્તાને ભારતની સરખામણીએ વધુ પરમાણુ બૉમ્બ બનાવ્યા છે.

વિશ્વમાં હથિયારોની સ્થિતિ અને વૈશ્વિક સુરક્ષાનું વિશ્લેષણ કરનાર સ્વીડનની સંસ્થા ‘સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’એ પોતાના નવા વાર્ષિક રિપોર્ટમાં આ વાત જણાવી છે.

ઇન્સ્ટિટ્યૂટના પરમાણુ નિરસ્ત્રીકરણ, શસ્ત્ર નિયંત્રણ અને અપ્રસાર કાર્યક્રમના નિદેશક શેનન કાઇલે બીબીસી સંવાદદાતાને જણાવ્યું હતું કે દુનિયામાં પરમાણુ હથિયારોનું કુલ ઉત્પાદન ઘટી ગયું છે, પરંતુ દક્ષિણ એશિયામાં તે વધી રહ્યું છે.

તેમણે કહ્યું હતું, “વર્ષ 2009માં અમે જણાવ્યું હતું કે ભારત પાસે 60થી 70 પરમાણુ બૉમ્બ છે. એ સમયે પાકિસ્તાન પાસે લગભગ 60 પરમાણુ બૉમ્બ હતા, પરંતુ દસ વર્ષ દરમિયાન બંને દેશોએ પોતાના પરમાણુ બૉમ્બોની સંખ્યા બમણી કરતાં વધારી લીધી છે.”

શેનન કાઇલે કહ્યું હતું કે, “પાકિસ્તાન પાસે હવે ભારત કરતાં વધારે પરમાણુ બૉમ્બ છે. વિભિન્ન સ્રોતોથી મળેલી જાણકારીના આધારે અમે કહી શકીએ છીએ કે ભારતમાં હવે 130થી 140 પરમાણુ બૉમ્બ છે, જ્યારે પાકિસ્તાન પાસે 150થી 160 પરમાણુ બૉમ્બ છે.”

”વર્તમાન સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને આ પરમાણુ બૉમ્બોની સંખ્યા વધારવા તરફ ઇશારો કરે છે. જોકે, બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારોની એવી કોઈ સ્પર્ધા નથી જે શીત યુદ્ધ દરમિયાન અમેરિકા અને રશિયામાં જોવા મળી હતી.”

તેમણે કહ્યું હતું, “હું આ સ્ટ્રૅટિજિક આર્મી કૉમ્પિટિશન કે રિવર્સ મોશન ન્યૂક્લિયર આર્મી રેસ કહીશ. મને લાગે છે કે નજીકના ભવિષ્યમાં આ સ્થિમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો