ખેડૂત આંદોલન : દિલ્હીમાં કડકડતી ટાઢ અને માથે વરસાદ વચ્ચે શું છે ખેડૂતોનો હાલ?

નરેન્દ્ર મોદી સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામેનું ખેડૂતોનું આંદોલનને 40મો દિવસ થઈ રહ્યો છે અને આંદોલનની જેમ હાડ ગાળતી ઠંડી પણ નવા વિક્રમો નોંધાવી રહી છે. શુક્રવારે દિલ્હીમાં છેલ્લા 15 વર્ષની સૌથી વધારે ઠંડી હતી. એ પછી શનિવારે અને રવિવારે કડાકાભડાકા સાથે ભારે વરસાદ પણ થયો છે અને આંદોલનકારીઓ માટે વિકટ સ્થિતિ ઊભી થઈ છે.

હવામાન વિભાગના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું છે કે આગામી ત્રણ દિવસ દિલ્હી-એનસીઆરમાં વરસાદ થઈ શકે છે. સોમવારે કરા પડવાનું પણ અનુમાન છે.

એમણે કહ્યું, "આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન 7થી 8 ડિગ્રી સેલ્સિયસ રહેશે. એનસીઆરના કેટલાક વિસ્તારોમાં રવિવારે અને દિલ્હીમાં સોમવારે કરાવર્ષા પણ થઈ શકે છે."

હવામાન વિભાગ મુજબ હવાની ગતિ શનિવારે સરેરાશ 15 કિલોમિટર પ્રતિકલાક હતી જે સોમવાર સુધી 25 કિલોમિટર પ્રતિકલાક થઈ શકે છે.

દિલ્હીમાં પ્રદૂષણ સ્તર પણ ગંભીર થઈ ગયું છે. શનિવારે દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 443 હતો.

આંદોલન સ્થળનો હાલ

દુષ્કર વાતાવરણ છતાં ખેડૂતો હજી પણ દિલ્હીની સરહદો પર અડગ છે. જોકે, શનિવારે અને રવિવારે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે આંદોલન સ્થળે વ્યવસ્થાઓને ખોરવી નાખી છે.

સિંઘુ બૉર્ડર પર મંચ પાસે લગાવવામાં આવેલા ખેડૂતોના ગાદલાંઓ પણ પલળી ગયા અને કાર્યક્રમ ચલાવવામાં મુશ્કેલી ઊભી થઈ.

જ્યાં ખાવાનું બને છે ત્યાં કેટલાક તંબૂઓમાંથી પાણી ટપકવાં લાગ્યું અને લોકોને ખવડાવવામાં પણ અગવડ પડી.

સિંઘુ બૉર્ડર પર લંગર સેવા માટે કામ કરતા સાહેબ સિંહે હિંદુસ્તાન ટાઇમ્સ અખબારને કહ્યું, "ખાવાનું બનાવવું મુશ્કેલ થઈ ગયું કેમ કે બહાર લાકડાં પલળી ગયા છે. અમે જેમતેમ કરી બચી ગયેલાં સૂકા લાકડાં અને ગેસ સિલિન્ડરથી કામ ચલાવ્યું. જોકે, ખરી સમસ્યા લોકોને ખાવાનું વહેંચવામાં આવી. જે ચટ્ટાઈ પર લોકોને જમાડતાં હતા એ પલળી ગઈ. કીચડની વચ્ચે લોકોએ ઊભાં ઊભાં ખાવું પડ્યું."

ધ હિંદુ અખબાર મુજબ ખેડૂતોએ કહ્યું કે તેમની પાસે પૂરી વ્યવસ્થા છે. પાણી અંદર ન આવે તે માટે ટ્રકોની ઉપર પ્લાસ્ટિકની શીટ લગાવી છે.

એક ખેડૂત સુખજિત સિંહે ધ હિંદુને કહ્યું, "આગામી કેટલાક દિવસો સુધી વરસાદની આગાહી છે. અમે તૈયારી કરી હતી પણ આ સમયે કપડાં સૂકાવામાં તકલીફ થાય છે, મચ્છર વધી જાય છે અને કીચડને કારણે કપડાં ખરાબ થાય છે. પણ અમે અહીંથી હઠીશું નહીં. આમ પણ જો કૃષિકાયદાઓ પાછા ન લેવાય તો પાછા જવા માટે બચ્યું શું છે?"

દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક લોકો વરસાદમાં આંદોલનસ્થળની તસવીરો અને વીડિયો શૅર કરે છે.

સોશિયલ મીડિયા યૂઝર સંદીપ સિંહે ટવીટર પર આ વીડિયો પોસ્ટ કરી છે.

અન્ય એક સોશિયલ મીડિયા યૂઝર પરમજિત સિંહે સિંઘુ બૉર્ડર પર શનિવારે સવારે વરસાદના સમયનો વીડિયો શૅર કર્યો છે.

સોશિયલ મીડિયા યૂઝર કમલપ્રીત કૌરે સિંઘુ બૉર્ડર પર વરસાદનો વીડિયો શૅર કરતાં લખ્યું કે, મોદી સરકારને શરમ આવવી જોઈએ જેણે ખેડૂતોને આ સહન કરવા મજબૂર કર્યાં. ખેડૂતોના સાહસ અને હિંમતને સલામ.

આજે થઈ રહેલા વરસાદ પછી લોકો ધરણાંસ્થળની તસવીરો ટ્વિટર પર શૅર કરી રહ્યાં છે. ટ્રેક્ટર ટૂ ટ્વિટર યૂઝર હૅન્ડલે આજે આ તસવીર શૅર કરી છે.

ખેડૂતો અને સરકાર વચ્ચે છ વાર વાતચીત થઈ ચૂકી છે. 30 ડિસેમ્બરની વાતચીતમાં પરાળ સળગાવવા બદલ સજાની જોગવાઈ હઠાવવા માટે અને વીજ સબસિડીની માગણી સરકારે સૈદ્રાંતિક રીતે માની હતી.

જોકે, ખેડૂતો ત્રણ કૃષિકાયદા પરત લેવામાં આવે તે માગણી પર હજી અડગ છે. કિસાન સંયુક્ત મોરચાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે આગામી વાતચીતમાં મુખ્ય માગણીઓ પર નક્કર નિર્ણય નહીં આવે તો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાકદિન નિમિત્તે તેઓ દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ કાઢશે.

ખેડૂતો અને સરકાર વચ્ચે સોમવાર, 4 જાન્યુઆરીએ ફરી વાતચીત થવાની છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો