ગુજરાતમાં હજી ચાર દિવસ વરસાદની આગાહી, માવઠાથી કેરી સહિતના પાકોને કેટલું નુકસાન?

ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હજી પણ કેટલાક દિવસો સુધી ખેડૂતોને માવઠાથી રાહત મળવાના અણસાર દેખાતા નથી.

ગુજરાતમાં આજે પણ અનેક વિસ્તારોમાં વાદળછાયું હવામાન જોવા મળશે તો કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું હવામાન રહેવાની સંભવાના છે. એક અઠવાડિયા કરતાં વધારે સમયથી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન ગયું છે.

ઉનાળાની શરૂઆતથી જ રાજ્યમાં કમોસમી વરસાદ પડતા રવી પાક લેતા ખેડૂતો પર માઠી અસર થઈ છે અને હજી પણ હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે.

હાલ દેશભરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. માર્ચથી મે મહિનાની વચ્ચે પડતા વરસાદને પ્રિ-મૉનસૂન વરસાદ ગણવામાં આવે છે.

ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવનારા ત્રણથી ચાર દિવસ સુધી હજી વરસાદ પડવાની સંભવાના છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભવાના છે.

21 માર્ચના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ તથા સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, ભરૂચ તથા વડોદરાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તથા અરવલ્લી જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

આવનારા ત્રણથી ચાર દિવસ સુધી હજી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 માર્ચ સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.

હવામાન વિભાગે જારી કરેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આજથી વરસાદના વ્યાપમાં ઘટાડો નોંધાવાનો શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. એવી સંભાવના છે કે 25 માર્ચ સુધી રાજ્યમાં વરસાદ લગભગ બંધ થઈ જવાની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં ફરીથી તાપમાનમાં વધારો થશે?

રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ હતી અને તે બાદ માર્ચ મહિનાની શરૂઆત સુધીમાં તાપમાન અનેક વિસ્તારોમાં મહતમ 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.

જોકે, માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ કમોસમી વરસાદની પણ શરૂઆત થતાં તાપમાનમાં વધારો નોંધાયો ન હતો. સતત પડી રહેલા વરસાદ બાદ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહતમ તાપમાન લગભગ 30 ડિગ્રી સેલ્સિયની આસપાસ છે.

હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા ત્રણથી ચાર દિવસમાં તાપમાનમાં વધારો થવાનો શરૂ થઈ જશે. રાજ્યમાં લગભગ 4થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની શક્યતા દેખાઈ રહી છે.

વરસાદ બંધ થતા ફરી ગુજરાતમાં ઉનાળાનો ખરો રંગ જોવા મળશે અને તાપમાનમાં ઝડપથી વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે.

તાજેતરમાં જ કમોસમી વરસાદની વચ્ચે ગુજરાતમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં એક તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરવામાં આવી હતી.

અનેક વર્ષો બાદ ગુજરાતમાં એવું જોવા મળ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં જ હીટ વેવની ચેતવણી આપવામાં આવી હોય. કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ફેબ્રુઆરી મહિનામાં જ હીટ વેવ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં હાલના કમોસમી વરસાદ દરમિયાન અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. સામાન્ય રીતે ભારે ગરમીની વચ્ચે થતા વરસાદમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે.

સુરેન્દ્રનગર સહિત ઘણા જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો કે વીજળીના થાંભલા તૂટી પડ્યાની પણ ઘટના જોવા મળી હતી. સાથે જ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટના પણ બની છે.

હજી બે-ત્રણ દિવસ સુધી કેટલા વિસ્તારોમાં ગાજવીજ અને ઝડપી પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. જોકે, આવનારા ચારથી પાંચ દિવસમાં હવે વરસાદનું જોર ઘટવાની સંભાવના છે અને તેના કારણે રાજ્યના ખેડૂતોને રાહત મળવાની સંભવાના છે.

ભારે પવનને કારણે ખેતરમાં ઊભેલા કે લણણી કરીને રાખેલા પાકને સૌથી વધારે નુકસાન થયું છે અનેક વિસ્તારોમાં ઘઉં પકવતા ખેડૂતોના ઘઉં પડી ગયા હતા અને ઉપર વરસાદ થતાં તેને વધારે નુકસાન થયું છે.

આ સિવાય, જીરું, ધાણા, વરિયાળી, રાયડો, ઇસબગુલ, ચણા, બાગાયતી પાકો તથા કેરી સહિતના અનેક રવી પાક પર આ વરસાદ આફત સમો હતો. સરકારે ખેડૂતોને થયેલા નુકસાન મામલે બેઠક કરી હતી અને રાજ્યમાં ખેત ઉત્પાદનમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરી હતી.