હવામાન : ઠંડી ઘટવાથી ઘંઉના ઘટતા ઉત્પાદન અને કપાસ મગફળીને ભારે વરસાદથી થતા નુકસાનનો ઉપાય શું?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • તાપમાન, વરસાદની માત્રા અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં ફેરફારની ખેતી પર પ્રત્યક્ષ અસર પડે છે જ્યારે કે પરોક્ષ રીતે જમીનના આરોગ્ય પર અસર પડે છે અને રોગ-જીવાતોના ઉપદ્રવમાં વધારો થાય છે
  • કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે છેલ્લાં વર્ષોમાં વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે જેને કારણે વરસાદનું પ્રમાણ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધ્યું છે
  • ચોમાસાના દિવસોમાં ખાસ ફેરફાર થયો નથી પરંતુ ભારે વરસાદના બનાવો વધ્યા છે. વર્ષારહિત ગાળો પણ લંબાયો છે અને ભારે વરસાદ સાથે તોફાની પવન અને વાવઝોડાંનું પ્રમાણ, ખાસકરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધ્યું છે
  • ગુજરાતમાં જૂનમાં વરસાદનો આરંભ થાય છે પણ પહેલા રાઉન્ડનો વરસાદનો સમય અને ત્યારબાદના રાઉન્ડના વરસાદના સમય વચ્ચેનું અંતર પણ વધ્યું છે
  • કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર, ગુજરાતના કાંઠે ત્રાટકનારા વાવાઝોડાંની સંખ્યા પણ વધી છે. જેને કારણે ખેડૂતોના પાકોના ધોવાણની માત્રા પણ વધી છે
  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં રજૂ થયેલા આ સંશોધનપત્રમાં હવામાન પરિવર્તનથી મગફળીનું ઉત્પાદન 6થી 28 ટકા ઘટવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, તેમજ જુવારનું ઉત્પાદન પણ 2થી 4 ટકા ઘટી શકે છે
  • ઘઉં, ડાંગર, મકાઈ અને બાજરાનું ઉત્પાદન તાપમાનમાં વધારો થવાથી ઘટે. તાપમાનમાં 2.5 ડિગ્રી જેટલો વધારો થાય તો ડાંગર અને ઘઉંના ઉત્પાદનમાં 32થી 40 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે

વૈજ્ઞાનિકો વિશ્વને આબોહવા પરિવર્તનથી થતો અસરો વિશે અનેક ચેતવણીઓ આપી રહ્યા છે તેમાં કૃષિ ઉત્પાદકતા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આબોહવા પરિવર્તનની અસર થવાની વાત પણ કહેવામાં આવી છે.

ખેતી પર તાપમાન, વરસાદની માત્રા અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં ફેરફારની પ્રત્યક્ષ અસર પડે છે જ્યારે કે પરોક્ષ રીતે જમીનના આરોગ્ય પર અસર પડે છે અને રોગ-જીવાતોના ઉપદ્રવમાં વધારો થાય છે.

કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર, આબોહવા પરિવર્તનથી પાકના ઉત્પાદનને લઈને નિશ્ચિતતા રહેતી નથી. એટલું જ નહીં વૈજ્ઞાનિકો માને છે કે આબોહવા પરિવર્તનની લાંબાગાળે મોટા ભાગના પાકો પર વધુ વિપરીત અસરો થઈ શકે છે.

કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે છેલ્લાં વર્ષોમાં વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે જેને કારણે વરસાદનું પ્રમાણ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધ્યું છે.

ચોમાસાના દિવસોમાં ખાસ ફેરફાર થયો નથી, પરંતુ ભારે વરસાદના બનાવો વધ્યા છે. વર્ષારહિત ગાળો પણ લંબાયો છે અને ભારે વરસાદ સાથે તોફાની પવન અને વાવઝોડાંનું પ્રમાણ, ખાસકરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધ્યું છે.

સામાન્ય રીતે ગુજરાતમાં જૂનમાં વરસાદનો આરંભ થાય છે પણ પહેલા રાઉન્ડના વરસાદનો સમય અને ત્યારબાદના રાઉન્ડના વરસાદના સમય વચ્ચેનું અંતર પણ વધ્યું છે.

કૃષિ વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે ગુજરાતના કાંઠે ત્રાટકનારા વાવાઝોડાંની સંખ્યા પણ વધી છે. જેને કારણે ખેડૂતોના પાકોનાં ધોવાણની માત્રા પણ વધી છે.

ગુજરાત સરકારની એજન્સી ગુજરાત સ્ટેટ મૅનેજમૅન્ટ ઑથોરિટી (જીએસડીએમએ)ના આંકડા અનુસાર ગત વર્ષે 122 ટકા વરસાદ પડ્યો હતો.

સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા દરમિયાન કુલ 850 મીલીમિટર જેટલો વરસાદ પડે છે, જેની સામે ગત વર્ષે 1037.88 મિલીમિટર વરસાદ પડ્યો હતો. કચ્છમાં 186 ટકા વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં 122 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 99.53 ટકા અને સૌરાષ્ટ્રમાં 111 ટકા તેમજ દક્ષિણ ગુજરાતમાં 135 ટકા વરસાદ નોંધાયો હતો.

હવામાનની પાક પર અસર

જૂનાગઢ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રૉફેસર એમ. સી. ચોપરા બીબીસી સાથે વાત કરતા કહે છે, "છેલ્લાં કેટલાક વર્ષોથી ગુજરાતમાં અને ખાસકરીને સૌરાષ્ટ્રમાં વરસાદ વધારે પડે છે. પરંતુ તેનું વિતરણ અસમાન હોવાથી ખરીફ પાક પર ગંભીર અસર થાય છે."

ઉદાહરણ આપતા તેઓ કહે છે, "સૌરાષ્ટ્રમાં બે મુખ્ય પાક છે મગફળી અને કપાસ. મગફળીના પાકને ભારે વરસાદથી ભારે નુકશાન થાય છે. તો ઠંડીના દિવસો ઘટવાને કારણે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે."

ગ્લોબલ વૉર્મિંગની આબોહવા પરિવર્તન પર અસર અને પાક ઉત્પાદન માટેના ઉપાયો વિષય પર જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ પેપર રજૂ કર્યું હતું.

આ સંશોધનપત્ર અનુસાર, જો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો ડાંગર, ઘઉં, તેલીબિયા અને કઠોળના પાકના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.

પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટિંબડિયા બીબીસી સાથે વાત કરતા કહે છે, તાપમાન વધવાથી પાકમાં ફૂલ બેસવા અને દાણાં ભરાવાની પ્રક્રિયાઓમાં અનિયમિતતા સર્જાય છે. વરસાદની અનિયમિતતાને કારણે પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા પર પણ અસર પડે છે.

તેઓ ઉમેરે છે, "વાદળછાયા હવામાનને લીધે સૂર્યપ્રકાશ ઓછો મળવાથી પાકના ઉત્પાદન પર માઠી અસર થાય છે. ધાન્ય પાકોમાં 6 સપ્તાહે ડૂંડીની શરૂઆત થતી હોય છે ત્યારે સૂર્યપ્રકાશ ઓછો હોય તો ફૂલ અવસ્થામાં અનિયમિતતા આવે અને દાણાંની સંખ્યા ઘટે તથા ડૂંડીની વંધ્યતા અને ખાલી ડૂંડીની સંખ્યા વધે."

એવું પણ તારણ સામે આવ્યું છે કે રાત્રિના તાપમાનમાં વધારો થાય તો ચોખ્ખા સૂકા પદાર્થ ઘરાવતા પાકોમાં ઘટાડો થાય છે.

મગફળીના પાકની ફૂલથી ડોડવા ભરાવાની અવસ્થા દરમિયાન જો વાદળછાંયુ હવામાન હોય તો ઉત્પાદનમાં ભારે ઘટાડો થાય છે.

'તો ડાંગર અને ઘઉંના ઉત્પાદનમાં 32થી 40 ટકાનો ઘટાડો થઈ શકે'

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં રજૂ થયેલા આ સંશોધનપત્રમાં હવામાન પરિવર્તનથી મગફળીનું ઉત્પાદન 6થી 28 ટકા ઘટવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તેમજ જુવારનું ઉત્પાદન પણ બેથી ચાર ટકા ઘટી શકે છે.

આ સંશોધનમાં કહેવાયું છે કે તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસમાં વધારો થાય તો મગફળી ઉપરાંત ઘઉં, સોયાબીન, રાઈ અને બટાટાના ઉત્પાદનમાં 3થી 7 ટકાનો ઘટાડો થઈ શકે છે.

તાપમાન વધવાને કારણે કપાસમાં જીંડવાની વૃદ્ઘિ ઘટે અને જીવાતોનું પ્રમાણ વધે છે.

કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર, હવામાન પરિવર્તનની રવી કરતાં ખરીફ પાકો પર વધુ માઠી અસર થશે.

ઘઉં, ડાંગર, મકાઈ અને બાજરાનું ઉત્પાદન તાપમાનમાં વધારો થવાથી ઘટી શકે છે. તાપમાનમાં 2.5 ડિગ્રી જેટલો વધારો થાય તો ડાંગર અને ઘઉંના ઉત્પાદનમાં 32થી 40 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે.

શિયાળામાં તાપમાન વધવાને કારણે શેરડીનું ઉત્પાદન પણ ઘટી શકે.

તાપમાન વધતાં મોટા ભાગના પાકોના સમયગાળામાં એક સપ્તાહનો ઘટાડો થાય.

મરી-મસાલા, કંદમૂળ, શાકભાજી અને ફળપાકો પર હવામાન પરિવર્તની વધારે માઠી અસર થાય છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીના ફ્રૂટ વિભાગના ઍસોસિયેટ રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. અંકુર પટેલ બીબીસી સાથે વાત કરતા કહે છે, "જે પ્રકારે હાલ શિયાળાના દિવસો ઘટી રહ્યા છે અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તે જોતાં દક્ષિણ ગુજરાતમાં ચીકુના પાક પર તેની ગંભીર અસર થઈ રહી છે."

"ચીકુના પાકમાં કળી આવે ત્યારથી લઈને તેને પાકવા સુધીનો સમય 240થી 280 દિવસનો હોય છે. પણ જો તાપમાન 35 ડિગ્રી થાય તો તેના ફળને પાકવાના દિવસો ઘટી જાય છે અને તે ઝાડ પરથી ખરી પડે છે."

"જો વરસાદ વધારે પડે તો ચીકુના ફળને પાકવાના દિવસો લંબાય છે."

બાગાયત પર અસર

ડૉ. અંકુર પટેલના તર્ક અનુસાર આ વખતે વરસાદની સિઝન લાંબી ચાલી તેથી તેના પરિપક્વ થવાના સમયમાં વધારો થયો તેથી હવે રમઝાનમાં જ્યારે માગ હશે ત્યારે ચીકુનું ઉત્પાદન ઓછું હશે.

પપૈયા પણ પાણી બાબતે સંવેદનશીલ પાક છે. ડૉ. અંકુર પટેલ અનુસાર, જો વધારે વરસાદ પડે તો પપૈયામાં પીએસઆરવી નામની ફૂગ લાગે છે અને જો ઠંડી વધી જાય તો પપૈયા નથી પાકતા.

કેળાના પાક વિશે તેઓ કહે છે કે જો ઠંડી વધારે પડી તો કેળા પાકવાનો સમયગાળો લંબાય છે.

કેરી પર સંશોધન કરી રહેલા કૃષિ વૈજ્ઞાનિક ડૉ. ડી. કે. શર્માનું કહેવું છે કે આ વર્ષે ઠંડી પડી એટલે આંબા પર મોર સારો આવ્યો છે, પણ કમોસમી વરસાદ મોરનો નાશ કરે તો કેરીનો પાક ઘટી શકે છે.

તેઓ કહે છે કે, "જે પ્રકારે હાલ ફેબ્રુઆરીમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને દિવસે અને રાત્રે તાપમાનના અંતરમાં વધારો દેખાય છે તે કેરીના પાક માટે નુકસાનકારક છે. આ અંતર જો હજુ વધે તો કેરીના મરવા ખરી પડવાની સંભાવના છે."

ડૉ. શર્મા વધુમાં જણાવે છે કે ગત વર્ષે પણ નવેમ્બર ડિસેમ્બરમાં વરસાદ પડ્યો હતો તેને કારણે મૅંગો હૉપર્સ નામના કીડાઓને કારણે કેરીનો પાક બગડી ગયો હતો.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રોનોમીના હેડ ડૉ. પી. ડી. કુમાવત બીબીસી સાથે વાત કરતા કહે છે, "તાપમાનમાં વધારો થવાથી મગફળીના દાણા ભરાવદાર બનતા નથી અને ઉત્પાદન ઓછું આવે છે. ગયા વખતે ગરમી વધારે પડી તેની અસર મગફળીના ઉત્પાદન પર પડી હતી."

ડૉ. કુમાવત ઘઉંના પાક પર પણ આબોહવા પરિવર્તનની અસર વિશે કહે છે કે વધારે તાપમાનને કારણે ઘઉંના દાણા બરાબર બનતા નથી અને ગરમીને કારણે સંકોચાઈ જાય છે.

શું છે ઉપાય

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આબોહવા પરિવર્તનના સંદર્ભમાં આ ઉપાયો કરી શકાય છે:

  • ઉનાળામાં જમીન ખેડ કરીને તેને તપાવવી, જેથી પાણી જમીનમાં ઊતરે અને જમીનું ધોવાણ અટકે.
  • પવન અવરોધક વાડ બાંધીને કે વૃક્ષોનું વાવેતર કરીને પવનની ઝડપ ઓછી કરી શકાય અને ઉષ્ણતામાનમાં ઘટાડો કરી શકાય.
  • સેન્દ્રિય ખેતી અપનાવવાથી ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન ઓછું થાય અને કાર્બનની ખાળ ક્ષમતા વધે.
  • પિયતની સગવડ ધરાવતા વિસ્તારોમાં મગફળીનું આગોતરું વાવેતર બહુ વહેલું ન કરતાં મે માસના બીજા પખવાડિયામાં કરવું.
  • મગફળીમાં ગાદી ક્યારા પદ્ધતિ અપનાવવાથી ઓછા વરસાદમાં ભેજ સંગ્રહ અને વધુ વરસાદમાં પાણીનો નિકાલ કરી શકાય.
  • ચોમાસામાં પાણીની ખેંચ સામે પ્રતિકારશક્તિ ધરાવતા પાકો જેવા કે બાજરો, મગ, અડદ, તુવેર,સોયાબીન, દિવેલાં વગેરે પસંદ કરવા. આ પાકો મગફળી અને કપાસ કરતા વધારે તાપમાન સહન કરી શકે તથા વાવઝોડાંથી નુકસાન ઓછું થાય.
  • જે તે વિસ્તારને અનુરૂપ આંતરપાક અને રીલે-આંતરપાક પદ્ધતિ અપનાવવી.
  • તુવેરની સાથે જુવાર, મગફળીની અને અડદ તેમજ દિવેલાં સાથે ગુવાર,ચોળી અને મગ વાવવાથી જીવાતોનો ઉપદ્રવ ઘટે.
  • એક જ પાકનું વાવેતર ન કરતાં વિસ્તારને અનુરૂપ પાક વૈવિધ્ય અને વૈકલ્પિક પાકો અપનાવવા.
  • ઘઉં, લસણ અને જીરૂંના પાકો કરતા ચણાં, રાઈ, ઘાણાં, વરિયાળી, બાજરો, જુવાર, મકાઈ વગેરે પાકોની તાપમાન સહન કરવાની શક્તિ તેમજ ચોખ્ખું વળતર વધારે છે તેથી શિયાળુ પાકમાં વિસ્તાર પ્રમાણે ફેરફાર કરવો.
  • વાવણીના સમયમાં પણ ફેરફાર કરવો અને પાકને અનુકૂળ તાપમાન હોય તે પ્રમાણે વાવણી કરવી.
  • રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગને ટાળવો.
  • સમયસર અને યોગ્ય પદ્ધતિથી રોગ-જીવાતનું નિયંત્રણ કરવું અને બને ત્યાં સુધી રસાયણિક દવાઓનો ઉપયોગ ઓછો કરવો.

"તાપમાનમાં થયેલા વધારાને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રૂ. 450 કરોડ જેટલું નુકસાન"

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. સાહિલ સિંધીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે ખેડૂતોએ આબોહવા પરિવર્તનની અસરને ખાળવા માટે પાકના વાવેતરના સમયમાં ફેરફાર કરવો જોઈએ. એટલું જ નહીં પરંતુ ખેતીપદ્ધતિમાં પણ ઘરમૂળથી ફેરફાર કરવો જોઈએ. ડૉ. સિંધીના જણાવ્યા પ્રમાણે પાક લેવાની સિઝનનો સમય વધી રહ્યો છે તેથી તે માટે વૈજ્ઞાનિક સમજ અને અભિગમ અપનાવવાની જરૂર છે.

આ અંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. અલ્પેશ લેઉવાએ વર્ષ 2016થી લઈને 2019 સુધી 1200 ખેડૂતો પર એક સંશોધન કર્યું. તેમના સંશોધન મુજબ વર્ષ 2000 પછી દક્ષિણ ગુજરાતનાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તેમના અંદાજ પ્રમાણે તાપમાનમાં થયેલા વધારાને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રૂ. 450 કરોડ જેટલું નુકસાન ઉઠાવવું પડ્યું હશે. તેમાં પણ કેરી અને ચીકુની વાડી ધરાવતા ખેડૂતોને મહત્તમ નુકસાન થયાનો અંદાજ છે.

ડૉ. અલ્પેશ લેઉવાના સર્વેનાં તારણો પ્રમાણે 85 ટકા ખેડૂતોએ તેમને સર્વેમાં જણાવ્યું છે કે સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં તાપમાન વધ્યું છે અને વરસાદ ઘટ્યો છે.

ડૉ. લેઉવા જણાવે છે કે જો 2.5 ડિગ્રી તાપમાનનો વધારો થાય તો ખેતીના પાકને હેક્ટર દીઠ 1657 રૂપિયાનું નુકસાન થાય તેમ છે.

જો તાપમાનમાં 5 ડીગ્રીનો વધારો થાય તો ખેતીના પાકને હેક્ટર દિઠ 2600 રૂપિયાનું નુકસાન થાય તેમ છે. ઉપરાંત જો વરસાદ 4 ટકા ઘટે તો પ્રતિ હેક્ટર પાકને 385 રૂપિયાનું નુકસાન જાય તેમ છે.

આમ કૃષિ વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ હાલમાં ઉપલબ્ધ કૃષિ તકનિકી જ્ઞાન, મશીનરી ને સંસાધનોનો જે તે વિસ્તાર અને પરિસ્થિતિ પ્રમાણે સમજણપૂર્વક ઉપયોગ થાય તો આબોહવા પરિવર્તનની અસર પર અનુકૂલન સાધી શકાય તેમ છે.

વિસ્તાર પ્રમાણે હવામાન પરિવર્તન અને તેની દરેક પાક પર અસર તથા ઉપાયો, હવામાન પૂર્વાનુમાન પદ્ધતિ અને તેનું અસરકારક પ્રસારણ તથા કૃષિ વીમાનું કવર કરવાની જરૂરીયાત પર ભાર મૂકવો જોઈએ જેથી જળવાયુ પરિવર્તનને કારણે થનારા નુકસાનને ખાળી શકાય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો