You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આટલો વરસાદ કેમ પડી રહ્યો છે? હજી પાંચ દિવસ વરસાદની આગાહી, ખેડૂતોને રડવાનો વારો આવ્યો
ગુજરાતમાં આવનારા પાંચ દિવસ સુધી હજી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા છે, તો અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
હવામાનવિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હજી માવઠાની આફત ટળી નથી, હજી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભવાના દેખાઈ રહી છે.
રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ શરૂ થયો હતો, જે બાદ એકાદ અઠવાડિયાના વિરામ બાદ ફરી માવઠાની શરૂઆત થઈ ગઈ છે. હાલ સમગ્ર દેશમાં વરસાદ પડી રહ્યો છે.
ઉનાળાની શરૂઆતમાં જ સમગ્ર દેશમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રવી પાકની સિઝનમાં થયેલા આ વરસાદને કારણે ખેડૂતોએ ભારે નુકસાન થયું છે.
ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
ગુજરાતમાં આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પર કમોસમી વરસાદનો ખતરો છે. હવામાનવિભાગે જે માહિતી આપી છે એ અનુસાર હજી રાજ્યમાં માવઠું બંધ થવાની શક્યતા દેખાતી નથી.
20 અને 21 માર્ચના રોજ રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
22 માર્ચથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જે બાદ બે દિવસ સુધી કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા તથા સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાયના જિલ્લાઓમાં પણ કોઈ સ્થળે છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં હજી 24 માર્ચ સુધી કમોસમી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ પણ આવનારા પાંચ દિવસો સુધી માવઠાની આગાહી કરી રહ્યું છે.
ગુજરાતમાં હાલ વરસાદ કેમ પડી રહ્યો છે?
ગુજરાત સહિત દેશભરમાં હાલ થઈ રહેલા વરસાદનું એક મોટું કારણ વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી વેધર સિસ્ટમો છે. આ સિસ્ટમોને કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
હાલ રાજસ્થાન પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલાં છે, જમ્મુ-કાશ્મીર પર સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં છે.
આ ઉપરાંત અરબ સાગરમાં એક ઍન્ટિ-સાયક્લોન સિસ્ટમ બનેલી છે.
આ ઍન્ટિ-સાયક્લોનને કારણે અરબ સાગર પરથી ભેજવાળા પવનો ગુજરાત પર આવી રહ્યા છે.
બીજી તરફ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી હોવાથી ગરમી છે.
આ ભેજવાળા પવનો ગરમ થઈને ઉપર જાય છે અને પછી ઠંડા પડે છે, ફરી નીચે આવે છે, ફરી ઉપર જઈને ઠંડા પડે છે. જેથી ભેજ પાણીના સ્વરૂપમાં ફેરવાય છે અને વરસાદ પડે છે.
આ ઉપરાંત મધ્ય ભારત અને પૂર્વોત્તર પરના વરસાદમાં બંગાળની ખાડી મુખ્ય ભાગ ભજવી રહી છે.
એટલે કે બંગાળની ખાડી પરથી જતા પવનો ભેજ લઈને જાય છે.
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન
રાજ્યમાં હાલ રવી પાકની લણણીનો સમય ચાલી રહ્યો છે અને જીરા, રાયડો, ધાણા, ઘઉં, ચણા સહિતના પાકો તૈયાર થઈને ખેતરોમાં પડ્યા છે. આ વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ અને કરાએ લહેરાતા પાકની ઘણી ખરાબ પરિસ્થિતિ કરી દીધી છે.
બિયારણ, દવાઓ મજૂરી વેગેરેના વધી ગયેલા ભાવને કારણે ખેડૂત પહેલાથી જ પરેશાન હતા, તેવામાં કમોસમી વરસાદે આ ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ જેવી થઈ ગઈ છે.
સુરેન્દ્રનગરના ચુડા અને આસપાસના તાલુકાનાં ગામોમાં કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ઘઉં, કપાસ, વરિયાળા, જીરુંના પાકને મોટાપાયે નુકસાન થયું છે, ત્યારે લગભગ 1200થી 1400 વીઘા વિસ્તારમાં પાકને નુકસાન પહોંચ્યું છે.
આ પરિસ્થિતિમાં ખેડૂત પણ મૂંઝવણમાં છે કે હવે આ પાકનું શું કરવું. તેમને બજારમાં આ પાકના કેવા ભાવ મળશે એ સવાલથી પણ ખેડૂત ચિંતિત છે. ખેડૂતોએ પોતાની ચિંતા વ્યક્ત રડી પડ્યા હતા અને કહ્યું હતું કે અમને ખબર ન હતી કે કુદરત લપાટ મારશે.
સુરેન્દ્રનગરના પિયુષભાઈએ જણાવ્યું હતું કે, "આ ઘઉં વઢાયા પછી કેવા નીકળે છે, દાણો કાળો પડી ગયો છે કે કેમ, વેપારી લેશે કે કેમ એ પણ ચિંતા સતાવી રહી છે, બે-ત્રણ દિવસ પછી તડકો નીકળે અને ઘઉં તપે પછી જ ખબર પડે શું કરવું."
ત્યારે જુગાભાઈ ખેડૂતે કહ્યું હતું કે, "વરસાદમાં પલડી જવાના કારણે ઘઉં સાવ ઝીણા અને કાળા પડી જાય છે. આવા ઘઉં ખાવામાં કોઈ લે પણ નહીં અને વેપારીઓ પણ આવા ઘઉં લે નહીં, ત્યારે આ ઘઉંનું શું કરવું એ મૂંઝવણ ઘણી મુંઝાવી રહી છે."
કૃષિ નિષ્ણાંત યોગેશભાઈએ જણાવ્યું હતું કે, "કમોસમી વરસાદના કારણે ખાસ કરીને શિયાળુ પાકને ઘણું નુકસાન થયું છે, જે પાક કાપણીની અવસ્થામાં હતા, તે પાકને પણ ઘણું નુકસાન થયું છે."
નિષ્ણાંત જયેશ દીલાડે જણાવ્યું હતું કે, "અમારા વડીલોની ખાસ કહેવત હતી કે ખેડૂતોને ચોર, મોર અને ઢોર ખાય, ત્યારે હવે નવું ઉમેરાયું છે કે માવઠું પણ ખેડૂતોને ખાય છે."
"પરિવર્તનમાં ફેરફાર થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને ઘણું નુકસાન થયું છે."
ખેડૂતોના નુકસાન અંગે મુખ્ય મંત્રીની બેઠક
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, રાજ્યના 27 જિલ્લાના 111 તાલુકાઓમાં તાજેતરમાં કમોસમી વરસાદ પડ્યા બાદ રવિ પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારના રોજ વીડિયો કૉન્ફરન્સ દ્વારા કલેક્ટરની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
જેમાં ભૂપેન્દ્ર પટેલને અમરેલી, જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે રવિ પાકોની ગુણવત્તા, ઉનાળુ પાક અને ફળોને થયેલા નુકસાન અને અન્ય નુકસાનની પ્રાથમિક વિગતો આપવામાં આવી હતી.
મુખ્ય મંત્રીને ટાંકીને એક સરકારી રિલીઝમાં માહિતી આપવામાં આવી છે કે, "રાજ્યના 27 જિલ્લાના 111 તાલુકાઓમાં 1 મીમીથી 47 મીમીનો વરસાદ નોંધાયો છે. 18 જિલ્લામાં મુખ્યત્વે 33 તાલુકા એવા છે કે જ્યાં 10 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. એટલું જ નહીં, 5 માર્ચથી 9 માર્ચ સુધી 27 જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ થયો હતો."
ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરને તેમના સંબંધિત જિલ્લાઓમાં કૃષિ નુકસાનનો પ્રારંભિક સર્વે હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો અને અસરગ્રસ્તોને "ચુકવણીઓ" સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીએ કલેક્ટરને "માનવ મૃત્યુ અથવા પ્રાણીઓના નુકસાનને ટાળવા" સાવચેતી અને સલામતીના પગલાં લેવા વિનંતી કરી હતી."