હિઝબુલ્લાહ શું છે અને ઇઝરાયલ સામે જંગે ચઢવાની તેની તાકત કેટલી?

હિઝબુલ્લાહના લડવૈયાઓ દ્વારા વપરાશમાં લેવાતા વૉકી-ટૉકીમાં બુધવારે વિસ્ફોટ થયા હતા, જેમાં 25 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 608થી વધુ ઘાયલ થયા છે. આ માહિતી લેબનોનના આરોગ્ય મંત્રી ફિરાસ અબૈદે આપી હતી.

બીબીસી સાથે વાત કરતા અબૈદે કહ્યું હતું કે લેબનોને આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિની બેઠક બોલાવવાની માગ કરી છે. એમને આશા છે કે આ મુદ્દે સાર્થક વાતચીત થશે.

આ પહેલાં મંગળવારે હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા પેજરમાં વિસ્ફોટ થયા, જેમાં 12 ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં છે અને બે હજારથી વધુ ઘાયલ થયા હતા.

હિઝબુલ્લાહે આ ધડાકા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં હમાસના લડાકૂઓએ ગાઝામાંથી ઇઝરાયલ ઉપર હુમલો કર્યો એ પછી હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચેનો સરહદ પારનો તણાવ પણ વકર્યો છે.

ઇઝરાયલે લેબનોનસ્થિત ઉગ્રવાદી સંગઠનના આરોપો ઉપર કોઈ જવાબ નથી આપ્યો, પરંતુ આઈડીએફનું કહેવું છે કે "યુદ્ધમાં નવા અધ્યાયની શરૂઆત" થઈ છે.

નસરુલ્લાહના ઉદયનો આગાજ

હિઝબુલ્લાહ લેબનોનમાં ઈરાનના સમર્થનવાળી શિયા ઇસ્લામી રાજકીય પાર્ટીનું અર્ધસૈનિક સંગઠન છે. વર્ષ 1992થી હસન નસરુલ્લાહ તેની આગેવાની કરી રહ્યા છે.

આ નામનો અર્થ ‘અલ્લાહનું દળ’ એવો થાય છે. નસરુલ્લાહ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈની નજીક માનવામાં આવે છે.

વર્ષ 1980ના દાયકાની શરૂઆતમાં લેબનોન પર ઇઝરાયલના કબજા દરમિયાન ઈરાનની નાણાકીય અને સૈન્ય સહાયથી હિઝબુલ્લાહનો ઉદય થયો.

એ દક્ષિણ લેબનોનમાં પરંપરાગત રીતે કમજોર શિયા મુસ્લિમોનું રક્ષણ કરતી તાકાત તરીકે એ સામે આવ્યું. જોકે, તેનાં વૈચારિક મૂળ વર્ષ 1960 અને 1970ના દાયકામાં લેબનોનમાં શિયા પુનરુત્થાન સુધી વિસ્તરે છે.

વર્ષ 2000માં ઇઝરાયલની પીછેહઠ બાદ હિઝબુલ્લાહે પોતાની સૈન્ય ટુકડી ઇસ્લામિક રેઝિસ્ટન્સને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું.

આ સમૂહ રેઝિસ્ટન્સ બ્લૉક પાર્ટી પ્રત્યે પોતાની વફાદારીને કારણે ધીમે-ધીમે લેબનોનની રાજકીય વ્યવસ્થામાં એટલું મહત્ત્વપૂર્ણ બની ગયું કે તેણે આ દેશની કૅબિનેટમાં વીટો વાપરવાના અધિકાર પણ હાંસલ કરી લીધા.

હિઝબુલ્લાહ પર વર્ષોથી ઇઝરાયલી અને અમેરિકન ઠેકાણાંને નિશાન બનાવવાના અને ષડ્યંત્ર ઘડવાના આરોપો લાગતા રહ્યા છે. પશ્ચિમના દેશ, ઇઝરાયલ, આરબ ખાડી દેશો અને આરબ લીગ હિઝબુલ્લાને ‘આતંકવાદી’ સંગઠન માને છે.

વર્ષ 2011માં જ્યારે સીરિયામાં ગૃહયુદ્ધ શરૂ થયું તો સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદના કટ્ટર સમર્થક મનાતા હિઝબુલ્લાહે પોતાના હજારો ઉગ્રવાદીઓને બશર અલ – અસદ માટે લડવા મોકલ્યા.

વિદ્રોહીઓના કબજામાં આવી ચૂકેલાં ક્ષેત્રો, ખાસ કરીને પહાડી લેબનોન સીમા નજીકના વિસ્તારોને પરત મેળવવામાં આ વ્યૂહરચના ખૂબ નિર્ણાયક સાબિત થઈ હતી.

ઇઝરાયલ અવારનવાર સીરિયામાં ઈરાન અને હિઝબુલ્લા સાથે સંકળાયેલાં ઠેકાણાં પર હુમલા કરે છે. પરંતુ હુમલાની કબૂલાત ક્યારેક જ કરે છે.

જોકે, સીરિયામાં હિઝબુલ્લાહની ભૂમિકાને કારણે લેબનોનનાં કેટલાંક સમૂહોમાં તણાવ વધ્યો છે.

સીરિયન રાષ્ટ્રપતિ પ્રત્યે તેના સમર્થન અને ઈરાન સાથે મજબૂત સંબંધોને કારણે ઈરાનના મુખ્ય ક્ષેત્રીય પ્રતિસ્પર્ધી સાઉદી અરેબિયાના નેતૃત્વમાં આરબ ખાડી દેશોની તેની સાથેની દુશ્મનાવટ પણ ગાઢ થતી જઈ રહી છે.

7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસના ઇઝરાયલ પરના અચાનક હુમલા બાદ હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે સામસામો ગોળીબાર થતો રહ્યો છે. હમાસના હુમલામાં ઓછામાં ઓછા 1,400 ઇઝરાયલીઓનાં મૃત્યુ થયાં હતા.

ઇઝરાયલે જ્યારે ગાઝા પર જવાબી હુમલા કર્યા, તો તેમાંય હજારો લોકોના જીવ ગયા, એ સમયે હિઝબુલ્લાએ કહ્યું કે એ ઇઝરાયલ વિરુદ્ધ જંગમાં યોગદાન આપવા માટે ‘સંપૂર્ણપણે તૈયાર’ છે.

હિઝબુલ્લાએ સૈન્ય, સુરક્ષા અને રાજકારણના બળે ક્ષેત્રમાં પ્રભાવ અને સાથોસાથ સામાજિક સેવાના બળથી પોતાની છબિ દેશની અંદર જ અલગ દેશ હોય તેવી બનાવી છે. હિઝબુલ્લાની તેના પ્રતિદ્વંદ્વીઓ ખૂબ ટીકા કરે છે.

અમુક બાબતોમાં આ સંગઠનની ક્ષમતા લેબનોનના સૈન્ય કરતાં પણ વધી ગઈ છે. અને તેની ઝલક ઇઝરાયલ વિરુદ્ધ વર્ષ 2006ના યુદ્ધમાં પણ જોવા મળી હતી.

અમુક લેબનોનીઓ હિઝબુલ્લાહને પોતાના દેશની સ્થિરતા માટે ખતરો માને છે, પરંતુ આ સંગઠન શિયા સમુદાય વચ્ચે ખૂબ લોકપ્રિય છે.

હિઝબુલ્લાહ કેવી રીતે શક્તિશાળી બન્યું?

વર્ષ 1982માં પેલેસ્ટાઇનિયન ઉગ્રવાદીઓના હુમલાના જવાબમાં દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલની ઘૂસણખોરી બાદ હિઝબુલ્લાહની અગાઉ રહેલા સંગઠનનો ઉદય થયેલો.

એ સમયે ઉગ્રવાદી હુમલાનું સમર્થન કરી રહેલા શિયા નેતાઓએ 'અમાલ આંદોલન'થી પોતાની જાતને અલગ કરી લીધા.

આ નેતાઓએ એક નવું સંગઠન ‘ઇસ્લામિક અમાલ’ બનાવ્યું. આ સંગઠનને ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ પાસેથી સારી એવી સૈન્ય અને સંગઠનાત્મક મદદ મળી. આ સંગઠન સૌથી વધુ અસરકારક અને મોટા શિયા મિલિશયા તરીકે સામે આવ્યું અને આગળ ચાલીને એ જ હિઝબુલ્લાહ બન્યું.

આ સંગઠને ઇઝરાયલી સૈન્ય અને તેના સહયોગી સાઉથ લેબનોન આર્મી સાથે મળીને દેશમાં મોજૂદ વિદેશ તાકાતો પર હુમલા શરૂ કર્યા.

એવું મનાય છે કે વર્ષ 1983માં અમેરિકન દૂતાવાસ અને યુએસ મરીન બૅરક પર થયેલો બૉમ્બમારો તેણે કરાવ્યો હતો. આ હુમલામાં કુલ 259 અમેરિકનો અને ફ્રેન્ચ નાગરિકોનાં મૃત્યુ થયાં. એ બાદ લેબનોનથી પશ્ચિમના દેશોની શાંતિ સેનાએ પીછેહઠ કરી હતી.

વર્ષ 1985માં હિઝબુલ્લાહે ઔપચારિકપણે એક ‘ખુલ્લો પત્ર’ પ્રકાશિત કરીને સ્થાપનાનું એલાન કર્યું. આ પત્રમાં અમેરિકા અને સોવિયેત સંઘને ઇસ્લામના સિદ્ધાંતોનો દુશ્મન ગણાવાયો અને ઇઝારયલને ‘ખતમ’ કરવાનું આહ્વાન કરાયું.

હિઝબુલ્લાહનું કહેવું હતું કે ઇઝરાયલ મુસ્લિમોની જમીન પર કબજો કરી રહ્યું છે. હિઝબુલ્લાહે એવું પણ આહ્વાન કર્યું કે “લોકોની મુક્ત અને પ્રત્યક્ષ પસંદગીને આધારે ઇસ્લામી વ્યવસ્થા અપનાવાય, ના કે બળજબરીપૂર્વક અમલી બનાવવી જોઈએ.”

વર્ષ 1989ના તાએફ સમાધાને લેબનોનનું ગૃહયુદ્ધ સમાપ્ત કરી દીધું. જે બાદ દેશનાં તમામ સંગઠનોને હથિયાર હેઠાં મૂકવાનું કહેવાયું. હિઝબુલ્લાહે તેનો ઇનકાર કર્યો અને પોતાની મિલિટરી પાંખને 'ઇસ્લામિક રેઝિસ્ટન્સ' કહેવાનું શરૂ કર્યું. તેમનો તર્ક હતો કે તેઓ ઇઝરાયલના કબજામાંથી જમીનને મુક્ત કરાવવા માટે પ્રતિબદ્ધ છે.

સીરિયાના સૈન્યે વર્ષ 1990માં લેબનોનમાં શાંતિ સ્થાપિત કરેલી, પરંતુ હિઝબુલ્લાહે દેશની દક્ષિણ દિશાએ ગેરિલા યુદ્ધ ચાલુ રાખેલું.

એ બાદ સંગઠને દેશના રાજકારણમાં રસ દાખવવાની શરૂઆત કરી. વર્ષ 1992માં લેબનોનમાં થયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં પ્રથમ વખત હિઝબુલ્લાહ સામેલ થયું તથા એ પછીની દરેક ચૂંટણી લડી છે.

ઇઝરાયલે જ્યારે 2000ની સાલમાં લેબનોન છોડ્યું તો હિઝબુલ્લાહે તેમને ખદેડવાની ક્રૅડિટ લેવાનું શરૂ કરી દીધું. ફરી એક વાર ગ્રૂપ હથિયાર હેઠાં મૂકવાના દબાણને વશ ન થયું અને દક્ષિણ લેબનોનમાં પોતાની સૈન્ય મૌજૂદગી જાળવી રાખી.

તેમનો તર્ક હતો કે ઇઝરાયલની શેબા ફાર્મ્સ અને અન્ય વિવાદિત સ્થળોએ મોજૂદગી છે તેથી તેઓ હથિયાર હેઠાં ન મૂકી શકે. આજે હિઝબુલ્લાહ પાસે હજારો લડાકૂ અને અત્યાધુનિક હથિયારો છે.

વર્ષ 2006માં હિઝબુલ્લાહે ઇઝરાયલ સીમાએ હુમલો કરી દીધો અને આઠ ઇઝરાયલી સૈનિકોનું મૃત્યુ નિપજાવ્યું. તેમજ બેનું અપહરણ પણ કરી લીધું.

તેના જવાબમાં ઇઝરાયલે લેબનોન પર તાબડતોડ હુમલા શરૂ કરી દીધા અને યુદ્ધ ફાટી નીકળ્યું. ઇઝરાયલનાં યુદ્ધ વિમાનોએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાનાં ઠેકાણાં પર ભારે બૉમ્બમારો કર્યો. જવાબમાં હિઝબુલ્લાહે ઇઝરાયલ પર લગભગ ચાર હજાર રૉકેટ છોડ્યાં.

34 દિવસ સુધી ચાલેલા આ જંગમાં લેબનોનમાં 1,125 લોકોનાં મૃત્યુ થયાં, જે પૈકી મોટા ભાગના સામાન્ય લોકો હતા. ઇઝરાયલના પણ 119 સૈનિક અને 45 સામાન્ય લોકોનાં મૃત્યુ થયાં.

હિઝબુલ્લાહ આ યુદ્ધ પછી પણ મજબૂત રહ્યું ને તેની હિંમત પહેલાં કરતાંય ખૂબ વધી ગઈ. હવે હિઝબુલ્લાહ પાસે ઘણા નવા લડવૈયા છે અને તેની પાસે પહેલાંથી ઘણી વધુ સુવિધા-સામાન છે. પરંતુ દક્ષિણ લેબનોનમાં હવે સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સેના તહેનાત છે.

હિઝબુલ્લાહની તાકત કોણ અને કેટલી?

નસરુલ્લાહ છેલ્લા ઘણા વર્ષોથી જાહેરમાં જોવા નથી મળ્યા, કથિત રીતે તેમને ઇઝરાયલ દ્વારા હત્યાનો છે. આમ છતાં હિઝબુલ્લાહ માટે તેઓ આદરણીય છે. નસરુલ્લાહ નિયમિત રીતે ટેલિવિઝન ઉપર ભાષણ આપતા રહે છે.

હિઝબુલ્લાહ વિશ્વના સૌથી શક્તિશાળી બિન-સૈન્ય સંગઠનોમાંથી એક છે. ઇરાન દ્વારા તેને નાણાંકીય અને શસ્ત્રસહાય આપવામાં આવે છે.

નસરુલ્લાહનો દાવો છે કે એક લાખ લડવૈયા તેમના સંગઠન સાથે જોડાયેલાં છે. જોકે, કેટલાક સ્વતંત્ર અનુમાનો પ્રમાણે, આ આંકડો 20થી 25 હજારની આસપાસનો છે. આમાંથી ઘણાં ખૂબ જ તાલીમબદ્ધ અને લડવાનો અનુભવ ધરાવે છે. તેઓ સીરિયાનું ગૃહયુદ્ધ પણ લડ્યા છે.

સેન્ટર ફૉર સ્ટ્રૅટજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ નામના થિંક ટૅન્કનું અનુમાન છે કે હિઝબુલ્લાહ એક લાખ 20 હજારથી બે લાખ જેટલાં રૉકેટ અને મિસાઇલ્સ ધરાવે છે. જેમાંથી મોટાભાગે નાના, સરફેસ-ટુ-સરફેસ અને નિયમનપ્રણાલી વગરના રૉકેટ છે.

એવું માનવામાં આવે છે કે હિઝબુલ્લાહ પાસે ઇઝરાયલમાં ઊંડે સુધી પ્રહાર કરી શકે તેવી ઍન્ટિ-ઍરક્રાફ્ટ અને જહાજવિરોધી મિસાઇલો છે. હિઝબુલ્લાહના હથિયારો હમાસ કરતાં વધુ આધુનિક અને ઘાતક હોવાનું માનવામાં આવે છે.

ઇઝરાયલ સાથે યુદ્ધની હિઝબુલ્લાહની હેસિયત છે?

ગત વર્ષની તા. આઠમી ઑક્ટોબરથી હિઝબુલ્લાહ અને ઇઝરાયલની વચ્ચે તણાવ વકર્યો છે. એના એક દિવસ પહેલાં હમાસના બંદૂકધારીઓ ઇઝરાયલમાં પ્રવેશ્યા હતા, જે યહૂદી રાષ્ટ્રની સ્વતંત્રતા પછીનો સૌથી મોટો હુમલો હતો.

એ સમયે હિઝબુલ્લાહએ પેલેસ્ટાઇનવાસીઓના સમર્થનમાં ઇઝરાયલ સાથેની સરહદ અને ચોકીઓ ઉપર ગોળીબાર કર્યો હતો. ત્યારથી હિઝબુલ્લાહે ઉત્તર ઇઝરાયલ અને ગોલાન હાઇટ્સ ઉપર આઠ હજાર કરતાં વધુ રૉકેટ છોડ્યા છે.

સંગઠને ઇઝરાયલની બખ્તરબંધ ગાડીઓ ઉપર ટૅન્કવિરોધી મિસાઇલોથી હુમલા કર્યા છે. આ સિવાય ઇઝરાયલના સૈન્યઠેકાણાં ઉપર ડ્રોનથી વિસ્ફોટકો ફેંક્યા છે.

જવાબમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે (આઈડીએફ) હિઝબુલ્લાહના ઠેકાણાં ઉપર હવાઈ, તોપ અને ટૅન્કહુમલા કર્યા છે.

લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, ઑક્ટોબર-2023થી અત્યારસુધીમાં 137 નાગરિકો સહિત 589 લોકો મૃત્યુ પામ્યા છે. મોટાભાગના મૃતક હિઝબુલ્લાહના લડવૈયા હતા.

ઇઝરાયલનું કહેવું છે કે હિઝબુલ્લાહના હુમલાઓને કારણે તેના ઓછામાં ઓછા 25 નાગરિક અને 21 સૈનિક મૃત્યુ પામ્યા છે.

હિંસાના કારણે સરહદની બંને બાજુએ લગભગ બે લાખ લોકો તેમનાં ઘરોને છોડવાં માટે મજબૂર બન્યાં છે. બંનેમાંથી કોઈએ ભારે તણાવ અને હિંસા છતાં સરહદ ઓળંગી નથી, પરંતુ એવી આશંકા સેવાઈ રહી છે કે તાજેતરના હુમલા બાદ યુદ્ધ ફાટી શકે છે.

ઇઝરાયલે પણ તેની સેનાને ગાઝાથી ખસેડીને ઉત્તરની સરહદ ઉપર કેન્દ્રિત કરી છે.

તા. 27 જુલાઈના રોજ ઇઝરાયલના તાબા હેઠળના ગોલન હાઇટ્સ ખાતે થયેલા રૉકેટહુમલામાં 12 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. ઇઝરાયલે આ હુમલા માટે હિઝબુલ્લાહને જવાબદાર ઠેરવ્યું હતું, પરંતુ સંગઠને પોતાની સંડોવણી નાકરી હતી.

તા. 30મી જુલાઈના આઈડીએફે હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર ફુહદ શુકરની હત્યા કરવાની જવાબદારી લીધી હતી. આ માટે દક્ષિણ બૈરુતમાં હવાઈહુમલો કરવામાં આવ્યો હતો.

એ પછીના દિવસે ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસના ટોચના નેતા ઇસ્માઇલ હનિયાની હત્યા કરી દેવામાં આવી હતી. ઇઝરાયલે તેમાં સંડોવણીનો સ્વીકાર કે ઇન્કાર નહોતો કર્યો.

એ પછીથી હિઝબુલ્લાહ અને ઇરાને વેર વાળવાના સમ ખાધાં હતાં, જેના કારણે આ વિસ્તારમાં તણાવ વકરશે એવું માનવામાં આવે છે.

અમેરિકાએ હમાસ દ્વારા ગાઝામાં બંધક બનાવાયેલા ઇઝરાયલીઓને છોડાવવા માટે તથા બંને પક્ષો વચ્ચે સંઘર્ષવિરામ સ્થપાય તે માટે મધ્યસ્થી હાથ ધરી છે. આ માટે તે બંને પક્ષો ઉપર દબાણ પણ લાવી રહ્યું છે.

હિઝબુલ્લાહનું કહેવું છે કે ગાઝામાં સંઘર્ષ અટકશે તે પછી જ તે વલણમાં નરમાશ લાવશે.

ઇતિહાસની આરસીમાં હિઝબુલ્લાહ

વર્ષ 2008માં પશ્ચિમ સમર્થિત લેબનોનની સરકારે હિઝબુલ્લાહના ખાનગી ટેલિકૉમ્યુનિકેશન નેટવર્કને બંધ કરી દીધેલું. સાથે જ બેરૂત ઍરપૉર્ટના પ્રમુખને ગ્રૂપ સાથે સંબંધ હોવાને કારણે નોકરીમાંથી હઠાવી દેવાયેલા.

જવાબમાં હિઝબુલ્લાહે મોટા ભાગ બેરૂત શહેર પર કબજો કરી લીધેલો અને સુન્ની પ્રતિદ્વંદ્વી સમૂહ વિરુદ્ધ જંગ શરૂ કરી દીધો.

આ ગૃહયુદ્ધમાં 81 લોકોનાં મૃત્યુ થયેલાં. તેને રોકવા માટે સરકારને નમવું પડ્યું અને હિઝબુલ્લાહ સાથે એક પાવર શૅરિંગ સમાધાન કરવું પડ્યું. વર્ષ 2009માં થયેલી ચૂંટણી આ ગ્રૂપે દસ સંસદીય બેઠકો પર જીત હાંસલ કરી અને લેબનોનની યુનિટી સરકારનું અંગ બની ગયું.

બાદમાં એ વર્ષે જ હિઝબુલ્લાહના મહાસચિવ શેખ હસન નસરુલ્લાહે એક નવો મૅનિફેસ્ટો જાહેર કર્યો. આ મૅનિફેસ્ટોમાં ગ્રૂપના રાજકીય દૃષ્ટિકોણનો ઉલ્લેખ હતો.

તેમાં 1985માં જે ઇસ્લામિક રિપલ્બિકના ગઠનની વાત હતી તેને હઠાવી દેવાયેલી. પરંત ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ કડક વલણ ચાલુ રખાયેલું.

વર્ષ 2011માં હિઝબુલ્લાહ અને તેના સહયોગીઓએ લેબનોનની સાઉદી સમર્થનવાળી સાદ હરીરીની સરકારને પાડી દીધી.

સાદ હરીરીના પિતા રફીક હરીરીની વર્ષ 2005માં હત્યા થઈ ગયેલી અને હિઝબુલ્લાહના ચાર લોકોને આ કૃત્ય માટે આરોપી બનાવાયા હતા, જે બાદ ગ્રૂપે સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધેલું.

ડિસેમ્બર 2020માં હિઝબુલ્લાહના સભ્ય સલીમ અય્યાશને રફીક હરીરીની હત્યાના આરોપમાં સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત ટ્રિબ્યૂનલે ઉંમરકેદની સજા સુણાવેલી.

લેબનોનમાં સ્થપાયેલી સરકારોમાં હિઝબુલ્લાહ અને તેના સહયોગી સામેલ રહ્યા હોવાથી સરકારમાંય તેમનો ખાસ્સો પ્રભાવ રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.