You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લેબનોન: વૉકી-ટૉકીમાં વિસ્ફોટોથી 25નાં મૃત્યુ, 600થી વધુ ઘાયલ
લેબનોનની રાજધાની બૈરુતમાં પેજર વિસ્ફોટોના એક દિવસ બાદ વૉકી-ટૉકીમાં વિસ્ફોટ થયા, જેમાં 25 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 600થી વધુ ઘાયલ થયા છે. હિઝબુલ્લાહના લડવૈયાઓ દ્વારા આ સંદેશાવ્યવહારનાં સાધનોનો ઉપયોગ થતો હતો.
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રી ફિરાસ અબૈદના કહેવા પ્રમાણે, વૉકી-ટૉકીમાં ધડાકાને કારણે ઓછામાં ઓછા 25 લોકોનાં મોત થયાં છે, જ્યારે 608થી વધારે લોકો ઘાયલ થયા છે.
આ સિવાય પેજરોમાં થયેલા ધડાકાને કારણે12 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે બે હજારથી વધુ ઘાયલ થયા છે.
અબૈદે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે વિસ્ફોટો મુદ્દે અમે સુરક્ષાપરિષદની બેઠક બોલાવવાની માગ કરી છે. અમને આશા છે કે ત્યાં આ મુદ્દે સાર્થક ચર્ચા થશે.
લેબનોનની સરકારી ન્યૂઝ એજન્સી (એનએનએ)એ જણાવ્યું હતું કે દક્ષિણી બેકા ખીણના સોહમર શહેરમાં ઉપકરણોમાં થયેલા વિસ્ફોટોને કારણે ત્રણ લોકોનાં મોત થયાં છે.
એનએનએએ જણાવ્યું કે દક્ષિણ લેબનોનમાં બેરુતના દક્ષિણ ઉપનગરનાં ઘરોમાં “જૂના પેજરો”માં વિસ્ફોટો થયા હતા.
લેબનોન રેડ ક્રૉસે કહ્યું કે અલગ-અલગ વિસ્તારોમાં થયેલા વિસ્ફોટો પછી અમારી ટીમો દેશના દક્ષિણ અને પૂર્વ વિસ્તારોમાં ગ્રાઉન્ડ પર છે.
રેડ ક્રૉસે પોતાના નિવેદનમાં કહ્યું કે લગભગ 30 ઍમ્બ્યુલન્સની ટીમો તહેનાત છે અને મોટા ભાગની ટીમો “હાઈ ઍલર્ટ” પર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા ઈજાગ્રસ્તોને રાજધાની બેરુત અને બાલબેકની હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
એનએનએના એક સંવાદદાતાએ જણાવ્યું કે સૅન્ટ્રલ બેકાના અલી અલ-નાહરી ગામમાં રસ્તાના કિનારે એક ઘડાકો થયો જેમાં બે લોકો ઘાયલ થયા.
બીજા એક સંવાદદાતાએ જાણકારી આપી કે દક્ષિણ બેકાના જાએદેત માર્જેયૂનના કબ્રસ્તાન નજીક એક કારની અંદર પેજરમાં વિસ્ફોટ થયો.
દક્ષિણ લેબનોનના ભૂમધ્યસાગર કિનારે સિડોનમાં એક ફોનની દુકાનમાંથી ધુમાડાની તસવીરો જોવા મળી હતી. પ્રથમદર્શીય ધુમાડાનું કારણ સ્પષ્ટ નહોતું થયું. જોકે, લેબનોનમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘણા વિસ્ફોટો થયા છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કહ્યું કે લેબનોનમાં વૉકી-ટૉકીમાં થયેલા વિસ્ફોટોની ચર્ચા માટે અઠવાડિયાના અંતે બેઠક કરીશું. સુરક્ષા પરિષદના અધ્યક્ષે નિવેદન બહાર પાડીને આ વિશે જાણકારી આપી હતી.
આ વિસ્ફોટ માટે હિઝબુલ્લાહે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. ઇઝરાયલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
અંતિમયાત્રા દરમિયાન વિસ્ફોટ
હિઝબુલ્લાહના ગઢ ગણાતા દક્ષિણ બેરુતમાં ચાર લોકોની અંતિમયાત્રા દરમિયાન એક વિસ્ફોટ થયો હતો.
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રૉયટર્સે આપેલી માહિતી પ્રમાણે, હિઝબુલ્લાહ જે કૉમ્યુનિકેશન ઉપકરણોનો ઉપયોગ કરે છે તેમાં આ વિસ્ફોટો થયા છે.
રૉયટર્સે સૂત્રોનો હવાલો આપીને કહ્યું કે હિઝબુલ્લાહે આ રેડિયો ઉપકરણોને પાંચ મહિના પહેલાં પેજરની સાથે જ ખરીદ્યા હતા.
લેબનોનની સરકારી ન્યૂઝ એજન્સીએ કહ્યું કે દક્ષિણ બેરુતમાં ઘરોની અંદર કેટલાંક જૂનાં પેજરમાં પણ વિસ્ફોટ થયા છે.
સરકારી સમાચાર એજન્સીએ કહ્યું કે હાલમાં થયેલા વિસ્ફોટોમાં સોહમાર કસબામાં ત્રણ લોકોનાં મોત થયાં છે.
ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
એજન્સીએ જણાવ્યું કે ઘણા ઘાયલોને બેરુતની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રૉયટર્સ સમાચાર એજન્સીએ બેરુતના આકાશનો જે વીડિયો જાહેર કર્યો છે તેમાં આકાશમાં ધુમાડો જોઈ શકાય છે. શહેરના ઘણા વિસ્તારોમાં આકાશમાં ધુમાડો ઊડતો જોવા મળી રહ્યો છે.
બીજી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું કે આ ધડાકાઓ વૉકી-ટૉકીમાં થયા છે.
લેબનોનમાં મંગળવારે થયેલા પેજર વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં હતાં.
વિસ્ફોટોના એક દિવસ પછી બુધવારે મૃત્યુ પામેલા લોકોની અંતિમયાત્રા બેરુતમાં કાઢવામાં આવી હતી.
મંગળવારે થયેલા પેજર વિસ્ફોટમાં 12 લોકોનાં મોત
લેબનોનમાં મંગળવારે થયેલા પેજર વિસ્ફોટોમાં 12 લોકોનાં મોત થયાં અને લગભગ બે હજાર 800થી લોકો ઘાયલ થયા હતા.
લેબનોનના સ્વાસ્થ્યમંત્રી ફિરાસ અબિયાદે કહ્યું કે મૃત્યુ પામનાર લોકોમાં એક આઠ વર્ષની બાળકી અને 11 વર્ષનો છોકરો પણ સામેલ છે.
પ્રેસ-કૉન્ફ્રરન્સ દરમિયાન અબિયાને કહ્યું કે પેજર વિસ્ફોટોમાં મૃત્યુ પામેલા લોકોમાં સ્વાસ્થ્યકર્મીઓ પણ સામેલ છે. ઘાયલ થયેલા બે હજાર 750 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે કેટલાક ઘાયલોને વધુ સારવાર માટે વિદેશ મોકલવામાં આવશે. અબિયાદે આપેલી માહિતી પ્રમાણે કેટલાક ઘાયલ લોકોને ઈરાન અને સીરિયા મોકલવામાં આવ્યા છે. જોકે, 98 ટકા ઘાયલ લોકોની સારવાર લેબનોનમાં જ થઈ રહી છે.
આ દરમિયાન લેબનોનના સાંસ્કૃતિકમંત્રી મહમદ વિસામે વિસ્ફોટો વિશે કહ્યું કે ઇઝરાયલ વિરુદ્ધ વિજય નક્કી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “ઇઝરાયલના પાપોની કોઈ સીમા નથી અને ગઈકાલે થયેલા હુમલાઓએ પુરવાર કર્યું છે કે ઇઝરાયલ માનવતાનો દુશ્મન છે.”
ઇઝારયલની સેના તરફથી અત્યાર સુધી કોઈ નિવેદન આવ્યું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન