You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ અને હિઝબુલ્લાહે કહ્યું કે 'અમે યુદ્ધ નથી ઇચ્છતાં, પરંતુ યુદ્ધ માટે તૈયાર છીએ'
- લેેખક, જૉન ડોનિસન
- પદ, બીબીસી ન્યૂઝ સંવાદદાતા
ઇઝરાયલ અને હિઝબુલ્લાહે એકબીજા પર કરેલા હુમલાઓને કારણે મધ્ય પૂર્વમાં તણાવમાં ઉલ્લેખનીય વધારો થયો છે.
ઇઝરાયલની સેનાએ કહ્યું કે રવિવારે સવારે 100 ફાઇટર વિમાનોએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાઓ પર હુમલાઓ કર્યા. હિઝબુલ્લાહે ત્યારબાદ ઉત્તરી ઇઝરાયલ પર રૉકેટ અને મિસાઇલો છોડી હતી.
ઇઝરાયલની સેનાનો 100 ફાઇટર વિમાનનો આંકડો સાચો હોય તો તે 2006માં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલા યુદ્ધ પછીનો ઇઝરાયલનો લેબનોન પર સૌથી મોટો હુમલો છે.
ઇઝરાયલનો હુમલો સ્થાનિક સમય પ્રમાણે લગભગ 4 : 30 વાગ્યે કરવામાં આવ્યો હતો. ઇઝરાયલે કહ્યું કે હિઝબુલ્લાહ સ્થાનિક સમય 5 : 00 વાગ્યે એક મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું.
અંગ્રેજી સમાચારપત્ર ન્યૂયૉર્ક ટાઇમ્સે એક ઇઝરાયલી અધિકારીના હવાલાથી જણાવ્યું કે ઇઝરાયલના સૌથી મોટા શહેર તેલ અવીવ પર પણ રૉકેટથી હુમલો કરવાની તૈયારી હતી.
હિઝબુલ્લાહે અંતે કહ્યું કે તેને ઉત્તર ઇઝરાયલમાં સૈન્ય ઠેકાણાઓને નિશાનો બનાવીને 300થી વધારે રૉકેટ અને મિસાઇલો છોડી હતી, જ્યાં હવાઈ હુમલાના સાઇરનો વાગી રહ્યાં હતાં.
આખા વિસ્તારમાં ડર છે કે આ વધી રહેલો તણાવ એક વખત ફરીથી યુદ્ધમાં ફેરવાઈ શકે છે.
હિઝબુલ્લાહે એક નિવેદનમાં કહ્યું કે 30 જુલાઈના રોજ બેરૂતમાં ઇઝરાયલે એક હુમલામાં વરિષ્ઠ કમાન્ડર ફૌદ શુક્રની હત્યાની પ્રતિક્રિયાનું આ પ્રથમ ચરણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું માનવામાં આવે છે કે ઈરાનનાં પાટનગર તહેરાનમાં થયેલા હુમલામાં હમાસના સર્વોચ્ચ નેતા ઇસ્માઇલ હાનીયાની હત્યા પાછળ પણ ઇઝરાયલનો હાથ હતો.
આ વિસ્તાર ત્યારથી જ હિઝબુલ્લાહ અને ઈરાનની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યો છે.
જોકે, આ કાર્યવાહી હિઝબુલ્લાહથી પ્રથમ મહત્ત્વપૂર્ણ પ્રતિક્રિયા લાગી રહી છે.
અમેરિકાની ચેતવણી
ગાઝામાં જ સંકટ છે તે એક વ્યાપક ક્ષેત્રીય સંધર્ષમાં ન ફેરવાય તે માટે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી રાજકીય પ્રયત્નો થઈ રહ્યા છે.
અમેરિકાએ ચેતવણી આપી છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ અને બંધકોને છોડવા બાબતે સમજૂતી નહીં બને તો આ વ્યૂહાત્મક પ્રયત્નો અસફળ રહેશે.
જોકે, અમેરિકા તરફથી ભારે દબાણ હોવા છતાં 10 મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા યુદ્ધ પછી પણ ગાઝામાં યુદ્ધ વિરામ સમજૂતી લાગુ કરવા માટે થઈ રહેલી વાતચીતનું કોઈ પરિણામ જોવા મળ્યું નથી.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તે બંને મોર્ચા પર યુદ્ધ માટે તૈયાર છે. ગાઝામાં અને લેબનાનની સાથે તેની ઉત્તરી બૉર્ડર પર.
જોકે, હિઝબુલ્લાહની તાકાત હમાસની તુલનામાં અનેક ગણી વધારે છે.
એક અનુમાન પ્રમાણે હિઝબુલ્લાહ પાસે એક લાખ 50 હજાર રૉકેટ છે, જેમાં કેટલાક રૉકેટની ક્ષમતા ઇઝરાયલમાં કોઇપણ સ્થળે હુમલો કરી શકે તેટલી છે.
હિઝબુલ્લાહના કેટલાક લડવૈયાઓ સીરિયાના યુદ્ધમાં પણ લડી ચૂક્યા છે અને હમાસના લડવૈયાઓની તુલનામાં વધારે તાલીમબધ અને તૈયાર છે.
ગાઝામાં સંઘર્ષનાં લગભગ એક વર્ષ પછી કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે શું ઇઝરાયલને વધારે એક યુદ્ધ કરવાની ઇચ્છા છે.
ગાઝામાં લડવા માટે ઇઝરાયલની સેનાએ રિઝર્વ સૈનિકોને બોલાવ્યા છે, જે મોટાભાગે કેટલાક પ્રવાસો પર સેવા આપે છે.
જોકે, કેટલાક ઇઝરાયલના લોકો, ખાસ કરીને ઉત્તર ઇઝરાયલના લોકો કહે છે કે હિઝબુલ્લાહની સમસ્યાનો પણ ઉકેલ લાવવો જોઈએ.
ગાઝામાં યુદ્ધ શરૂ થયાં પછી ત્યાં રહેતા હજારો લોકોએ તેમનાં ઘર છોડવા પડ્યા છે અને ઘણાં લોકોનો વેપાર ખતમ થઈ ગયો છે.
દક્ષિણ લેબનોનમાં પણ ઇઝરાયલના હુમલાના ડરને કારણે હજારો લોકો પોતાનું ઘર છોડવા માટે મજબૂર બન્યાં છે.
આગળ શું થશે?
હિઝબુલ્લાહે કહ્યું છે કે સંગઠને ફૌદ શુક્રની હત્યાના બદલાનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે.
ઇઝરાયલ પર આજે સવારે થયેલા હુમલામાં અપેક્ષા કરતાં ઓછું નુકસાન થયું છે અને બંનો પક્ષોમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઇઝરાયલનું માનવું છે કે તેણે હિઝબુલ્લાહના એક મોટા હુમલાને સફળતાપૂર્વક અસફળ કર્યો છે.
પ્રશ્ન એ થાય છે કે શું હવે આપણે બંને પક્ષોને વધુ નિયમિત ક્રૉસ બૉર્ડર "જેવા સાથે તેવા"ની નીતિ પર પાછા ફરતા જોઈશું જે ગયા ઑક્ટોબરમાં ગાઝામાં યુદ્ધની શરૂઆતથી ચાલી રહ્યું છે? કે પછી આજના હુમલાઓ બાદ સ્થિતિ વધારે ભયાનક બની શકે છે?
ઇઝરાયલ અને હિઝબુલ્લાહના નેતાઓ કહે છે કે અમે યુદ્ધ નથી ઇચ્છતાં, પરંતુ અમે યુદ્ધ માટે તૈયાર છીએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન