You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્ય પૂર્વમાં નવા યુદ્ધના ભણકારા, લેબનનમાં શું ચાલી રહ્યું છે કે અનેક દેશોએ પોતાના નાગરિકોને દેશ છોડવા કહ્યું
- લેેખક, ટૉમ બૅનેટ અને હ્યુગો બૅચેગા
- પદ, બીબીસી ન્યૂઝ, મધ્ય પૂર્વના સંવાદદાતા
વિશ્વના ઘણા દેશોએ પોતાના નાગરિકોને લેબનન છોડી દેવા કહ્યું છે. અમેરિકાએ તો પોતાના નાગરિકોને ‘જે ટિકિટ મળે તેમાં’ આ દેશ છોડી દેવાનું કહ્યું છે. તેના કારણે મધ્યપૂર્વના દેશોમાં સંઘર્ષ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે.
ઈરાને ઇઝરાયલ સામે ‘બદલો લેવાની’ જાહેરાત કરી છે. ઈરાન હમાસના પૉલિટિકલ લીડર ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ પાછળ ઇઝરાયલને જવાબદાર ઠેરવી રહ્યું છે. ઇઝરાયલે આ વિશે કશું જ કહ્યું નથી.
ઇઝરાયલે હિઝબુલ્લાહના સિનિયર કમાન્ડર ફુઆજ શુકરને બૈરુતમાં માર્યા ત્યાર પછીના થોડા કલાકોમાં જ હાનિયાની હત્યાના સમાચાર સામે આવ્યા હતા.
પશ્ચિમી દેશોના અધિકારીઓને એ વાતનો ડર છે કે ઈરાનનું પીઠબળ ધરાવતું તથા સશસ્ત્ર અને રાજકીય તાકાત ધરાવતું લેબનન સ્થિત જૂથ હિઝબુલ્લાહ એ આ પ્રકારના બદલામાં મુખ્ય ભાગ ભજવી શકે છે. જેના કારણે ઇઝરાયલ જો વળતો હુમલો કરે તો એ અતિ તીવ્ર હશે તેમ મનાઈ રહ્યું છે.
અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો આ ક્ષેત્રમાં તણાવને ઘટાડવા માટે રાજદ્વારી પ્રયાસો કરી રહ્યા છે.
પરંતુ આ પ્રકારની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અમેરિકા, યુકે, કૅનેડા, સ્વીડન, ફ્રાન્સ અને જૉર્ડેને પોતાના નાગરિકોને જેટલું બને તેટલું જલ્દી લેબનન છોડી દેવા માટે કહ્યું છે. કારણ કે લેબનનના બૈરુતમાં આવેલા એકમાત્ર ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કૅન્સલ અથવા તો સસ્પેન્ડ થઈ રહી છે.
કેટલીક ઉડાણોનાં ભાડાં વધી રહ્યાં છે પરંતુ લોકોમાં ભાગી જવા માટેનો કોઈ ડર હાલમાં દેખાઈ રહ્યો નથી.
ઇઝરાયલ અને લેબનન વચ્ચે સંઘર્ષ વધ્યો
જોકે, જ્યારે હમાસે સાતમી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયલમાં હુમલો કર્યો તેના બીજા દિવસથી જ હિઝબુલ્લાહે ઇઝરાયલ પર હુમલા કરવાના શરૂ કર્યા હતા. ત્યાર બાદ બંને વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ વધવાનો ડર સતત જળવાઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ બંને વચ્ચે મોટાભાગની હિંસા અત્યાર સુધી સરહદી વિસ્તારોમાં જ થઈ છે અને બંને બાજુથી એવા સંકેતો મળી રહ્યા છે કે તેમની કોઈ મોટા સંઘર્ષમાં રસ નથી.
જોકે, હિઝબુલ્લાહે તેના કમાન્ડર શુકરની હત્યાનો બદલો લેવાની જાહેરાત કરી છે. તેમની હત્યા બૈરુતના દક્ષિણી ટાપુ વિસ્તારના દાહિયેહમાં થઈ હતી જે હિઝબુલ્લાહની મજબૂત પકડ હોવાનું ગણાય છે.
ગઈકાલે મધરાતે જ હિઝબુલ્લાહે ઉત્તર ઇઝરાયલના બેઇત હિલેલ નામના ટાઉનમાં ડઝનબંધ રૉકેટ છોડ્યા હતા. સ્થાનિક સમય પ્રમાણે રાત્રિના ત્યારે 00:25 વાગ્યા હતા.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફૂટેજમાં જોઈ શકાતું હતું કે ઇઝરાયલની આઇરન ડોમ ઍર સિસ્ટમ રૉકેટ્સને ઇન્ટરસેપ્ટ કરી રહી હતી. જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી.
ઇઝરાયલની ઍરફૉર્સે પણ દક્ષિણ લેબનનમાં વળતા પ્રહારો કર્યા છે.
રવિવારે સવારે ઇઝરાયલના હોલોન શહેરમાં બે લોકોની ચાકુ મારીને હત્યા પણ થઈ છે. પોલીસના કહ્યા પ્રમાણે હુમલાખોરને પણ ઢાળી દેવામાં આવ્યો છે.
અનેક દેશોએ પોતાના નાગરિકોને લેબનન છોડવા કહ્યું
લેબનનમાં આવેલા અમેરિકી દૂતાવાસે શનિવારે નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, "જેઓ લેબનનમાં છે તેમણે ‘આકસ્મિક પરિસ્થિતિ’ માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કોઈ જગ્યાએ ‘લાંબા સમય માટે આશરો લેવાની’ પણ તૈયારી રાખવી જોઈએ."
અમેરિકી સંરક્ષણ મંત્રાલય એટલે કે પેન્ટાગોને કહ્યું છે કે તે વધારાનાં યુદ્ધજહાજો અને ફાઇટર જેટ્સ પણ આ ક્ષેત્રમાં ઉતારી રહ્યું છે જેથી કરીને તે ઈરાન અને તેમના સહયોગીઓથી ઇઝરાયલને રક્ષણ આપી શકે.
આ જ પ્રકારની સ્ટ્રેટેજી અમેરિકાએ એપ્રિલ મહિનામાં પણ અપનાવી હતી જ્યારે ઈરાને ઇઝરાયલ પર 300 ડ્રૉન અને મિસાઇલ છોડ્યાં હતાં.
તેમણે સ્ટ્રાઇક માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું.
ઘણા લોકોને એ વાતનો ડર છે કે આવી પરિસ્થિતિમાં ઈરાન પણ વળતો હુમલો કરી શકે છે.
યુનાઇટેડ કિંગ્ડમનું કહેવું છે કે તેઓ વધારાના જવાનો, કૉન્સ્યુલર સ્ટાફ અને બૉર્ડર ફૉર્સના અધિકારીઓને મોકલી રહ્યા છે જેથી કરીને નાગરિકોને દેશ છોડવામાં મદદ કરી શકાય. તેણે પણ જ્યાં સુધી કૉમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ છે ત્યાં સુધીમાં પોતાના નાગરિકોને લેબનન છોડી જવા માટે કહ્યું છે.
બ્રિટનનાં બે યુદ્ધજહાજો એ વિસ્તારમાં જ રાખવામાં આવ્યાં છે અને રૉયલ ઍરફૉર્સે તેના ટ્રાન્સપોર્ટ હૅલિકોપ્ટરને સ્ટૅન્ડબાય પર મૂકી રાખ્યાં છે.
યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું હતું કે, "આ ક્ષેત્રમાં વધી રહેલો તણાવ જલ્દીથી વધી શકે છે."
ઈરાનના હાલના વિદેશમંત્રી અલી બાકેરી કાનીએ યુરોપિયન યુનિયનના પૉલિસી ચીફ જોસેફ બોરેલને શુક્રવારે એક ફૉનકોલમાં કહ્યું હતું કે, "ઈરાન એ ઇઝરાયલને સજા આપવા માટે કાયદેસરનો હક જરૂર વાપરશે."
ઈરાનની સરકારી ટીવી ચેનલના ઍન્કરે પણ ચેતવણી આપી હતી કે "વિશ્વ સામે અપ્રત્યાશિત અને અભૂતપૂર્વ ઘટનાઓ આકાર લઈ શકે છે".
ઈરાનની ઇઝરાયલને ધમકી
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવની શરૂઆત 12 બાળકોની હત્યાથી થઈ હતી, જેમાં ઇઝરાયલના કબ્જાવાળા ગોલાન હાઇટ્સમાં હુમલો થયો હતો.
ઇઝરાયલે તેના માટે હિઝબુલ્લાહને જવાબદાર ઠેરવ્યું હતું અને ‘તીવ્ર’ પ્રતિકારની ધમકી આપી હતી. જોકે, હિઝબુલ્લાહે પોતે આ હુમલામાં સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો.
આ ઘટનાના થોડા દિવસ પછી હિઝબુલ્લાહના નેતા હસન નસરુલ્લાહના નજીકના સાથી મનાતા શુકરનું ઇઝરાયલે બૈરુતમાં કરેલી ઍરસ્ટ્રાઇકમાં મૃત્યુ થયું હતું. આ સ્ટ્રાઇકમાં ચાર અન્ય લોકોનું પણ મૃત્યુ થયું હતું જેમાં બે બાળકો પણ સામેલ હતાં.
તેની થોડી જ કલાકો પછી હમાસના વડા ઇસ્માઇલ હાનિયાની ઇરાનમાં હત્યા કરવામાં આવી હતી. તેઓ હમાસના કર્તાહર્તા હતા. તેઓ ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ સમારોહમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા.
ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈએ કહ્યું હતું કે, "આના માટે ઇઝરાયલને ઘણું સહન કરવું પડશે."
હાનિયના મૃત્યુથી ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસો તથા બંધકોને છોડાવવાના પ્રયાસોને પણ મોટો ઝટકો લાગ્યો છે. જો એ પ્રયાસો સફળ થયા હોત તો લેબનન-ઇઝરાયલની બૉર્ડરે પણ શાંતિના પ્રયાસોને બળ મળ્યું હોત.