ડિવાઇન નાઇન: ચાલીસ લાખ મહિલાઓનું સંગઠન જે કમલા હૅરિસની જીતમાં મુખ્ય ફાળો આપી શકે

    • લેેખક, સૅમ કાબ્રાલ
    • પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન

કમલા હૅરિસ જો રાષ્ટ્રપતિપદે ચૂંટાય તો તેઓ એકસાથે અનેક રેકૉર્ડ તોડી શકે છે. તેમાંનો એક રેકૉર્ડ એ બનશે કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારાં પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ મહિલા બનશે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે ગત અઠવાડિયે ‘ઝેટા ફાઈ બીટા’ સંસ્થાના દ્વિવાર્ષિક સંમેલનને સંબોધિત કર્યું હતું. કમલા હૅરિસ એ ‘આલ્ફા કાપ્પા આલ્ફા’ સંસ્થાનાં આજીવન સભ્ય છે.

આ બે સંગઠનો અમેરિકાના અશ્વેત મહિલા સમુદાયમાં અતિશય પ્રભુત્વ ધરાવે છે. આ સંસ્થા એ નેશનલ પાન-હૅલેનિક કાઉન્સિલ અંતર્ગત આવે છે.

નેશનલ પાન-હૅલેનિક કાઉન્સિલને ‘ડિવાઇન નાઇન’ તરીકે ઓળખવામાં આવે છે. આ સંગઠનમાં લગભગ ચાલીસ લાખ લોકો કામ કરે છે જે કમલા હૅરિસના રાષ્ટ્રપતિ બનવામાં સીક્રેટ હથિયાર તરીકે કામ આવી શકે છે.

જો બાઇડને જ્યારથી કમલા હૅરિસને પોતાના સ્થાને ડૅમોક્રેટિક પક્ષ તરફથી ઉમેદવાર બનાવવા માટે સમર્થન આપ્યું તેના 24 કલાકમાં જ આ સંગઠને અભૂતપૂર્વ મતદારોનું રજિસ્ટ્રેશન, માર્ગદર્શન અને તેમને સક્રિય બનાવવા માટેની ઝુંબેશ લૉન્ચ કરી હતી.

એક બિનસરકારી સંગઠન તરીકે નેશનલ પાન-હૅલેનિક કાઉન્સિલ એ અધિકૃત રીતે કમલા હૅરિસને સમર્થન ન આપી શકે.

પરંતુ તેમણે ચલાવેલી આ મોટી ઝુંબેશ એ "આ સંગઠન નીચે આવતી અનેક સંસ્થાઓ અને વિભાગોને ઍક્ટિવ કરશે જેના કારણે આ સંગઠન જે સમુદાયોમાં કામ કરે છે તેમાં ઊંચું મતદાન થવાની સંભાવના છે."

ડિવાઇન નાઇન સંગઠન શું છે?

ડિવાઇન નાઇનના ઐતિહાસિક પરિદૃશ્યને જોઈએ તો તેનાથી પણ આ વાત સ્પષ્ટ થાય છે. 59 વર્ષીય કમલા હૅરિસને તેનાં સભ્યો ભૂતકાળમાં પણ સમર્થન આપી ચૂક્યાં છે જેના થકી તેઓ રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં વધુ મજબૂત બન્યાં છે.

અમેરિકાની યુનિવર્સિટીના કૅમ્પસમાં ગ્રીક જીવન પર નજર ફેરવીએ તો તેમાં સામાન્ય રીતે શ્વેત યુવાનો અને યુવતીઓની તસવીર દેખાતી હતી જેઓ ગ્રૂપમાં રહેતાં હતાં હોય અને લાલ કપમાંથી દારૂ પીતાં હોય.

પરંતુ 20મી સદીના અંતભાગમાં અમેરિકામાં અશ્વેત ગ્રીક-લેટર ક્લબનો ઊભરો આવ્યો. આ ક્લબોએ અશ્વેત વિદ્યાર્થીઓ માટે એક સહાયક પ્રણાલીનું કામ કર્યું. જેનાથી બહુમતી-શ્વેત સંસ્થાઓમાં અલગતા અને સામાજિક ભેદભાવનો અનુભવ કરતાં અશ્વેત વિદ્યાર્થીઓને સધિયારો મળ્યો હતો.

‘ડિવાઇન નાઇન: ધી હિસ્ટ્રી ઑફ આફ્રિકન અમેરિકન ફ્રેટરનિટીઝ ઍન્ડ સોરોરિટીઝ’ના લૉરેન્સ સી રૉસ જણાવે છે કે, "આ ‘આલ્ફા ફાઈ આલ્ફા’ નામનું પહેલું અશ્વેત જૂથ એ વર્ષ 1906માં કોર્નેલમાં એક સ્ટડી ગ્રૂપ તરીકે શરૂ થયું હતું."

તેના સભ્યોમાં માનવાધિકરારોના આઇકન ગણાતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ થરગુડ માર્શલ અને ઑલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ જેસી ઑવેન્સ પણ સામેલ છે.

દેશના સૌથી જૂના અશ્વેત મહિલા સંગઠન ‘આલ્ફા કાપ્પા આલ્ફા’માં કમલા હૅરિસ કૉલેજના ચોથા વર્ષ દરમિયાન જોડાયાં હતાં. ત્યારે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી, વોશિંગ્ટન ડીસીમાં અભ્યાસ કરતાં હતાં.

તેમણે ભૂતકાળમાં કહ્યું હતું કે અહીંના અનુભવે જ તેમનું જીવન બદલી નાખ્યું છે.

કમલા હૅરિસનો આ સંગઠન સાથેનો અનુભવ

વ્યક્તિગત રીતે જોઈએ કે સામુદાયિક સહયોગની રીતે, ડિવાઇન નાઈન સમૂહ એ સ્કૉલરશિપ, નાગરિકોનું જોડાણ અને સામુદાયિક સેવાના મૂલ્યોની આસપાસ કામ કરતું રહ્યું છે.

સી રૉસના પુસ્તક અનુસાર, આ સંગઠને ભૂતકાળમાં દરેક મુદ્દાઓ પર ખુલીને પોતાની માંગણી કરી છે. એ પછી કેન્દ્રીય ઍન્ટિ-લિન્ચિંગ કાયદો હોય કે અશ્વેત યુવાનો માટે આર્થિક મદદની માંગણી હોય તેણે તમામ મુદ્દે કામ કર્યું છે.

તેઓ લખે છે કે આ સંસ્થાનું સભ્યપદ આજીવન હોય છે, જે ‘મોટેભાગે આધ્યાત્મિક’ હોય છે અને ‘તમને એ વાતની અનુભૂતિ કરાવે છે કે તમારી સ્વાર્થી જરૂરિયાતો કરતાં તમારા જીવનનો બીજો ઘણો સારો ઉપયોગ છે.’

કમલા હૅરિસે આ સંસ્થા સાથેના તેમના જોડાણ અંગે 2019માં કહ્યું હતું કે, "તમારા સમગ્ર જીવન દરમિયાન અહીંથી એવા મિત્રો મળે છે જે તમારો પરિવાર બની જાય છે, તેઓ તમને ઘડવામાં અને તમારા જીવનના અનુભવોને સુધારવામાં મદદ કરે છે. મારા માટે આલ્ફા કાપ્પા આલ્ફા મહિલાઓ એ મારી બહેનો બની ગઈ છે."

જ્યારે કમલા હૅરિસ કૅલિફોર્નિયાનાં સેનેટર તરીકે પહેલી વાર રાષ્ટ્રપતિપદની ચૂંટણીની દોડમાં ઊભાં રહ્યાં ત્યારે પણ આ મહિલાઓએ ‘હર ફૅલો સોરર્સ(મહિલાઓનું જૂથ)’ નામે એક કેમ્પેઇન લૉન્ચ કર્યું હતું.

તેઓ જ્યારે ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર બન્યાં ત્યારે પણ આલ્ફા કાપ્પા આલ્ફા ગ્રૂપ અને ડિવાઇન નાઇન સમૂહનાં સભ્યોની તસવીરો જ્યૉર્જિયાની એક ઇવેન્ટમાં ભાગ લેતાં વાઇરલ થઈ હતી.

આ રાજ્યમાં બાઇડન-હૅરિસની જોડીનો પાતળી સરસાઈથી વિજય થયો હતો, જેમાં અશ્વેત મતદારોનું ઊંચું પ્રમાણ મુખ્ય પરિબળ માનવામાં આવે છે.

પહેેલેથી જ હૅરિસને મળ્યું છે આ 'બહેનોનું પીઠબળ'

ભલે કમલા હૅરિસની ઉમેદવારીની વાત તાજેતરની હોય પરંતુ તેમની આ બહેનોનું તેમને મળતું પીઠબળ પહેલેથી જ સ્પષ્ટ છે.

ગત રવિવારે રાત્રે ઝૂમ કૉલ પર તેમણે અનેક અશ્વેત મહિલાઓ સાથે વાત કરી હતી જેમાં ડિવાઇન નાઇન મેમ્બર્સનાં કેટલાંક સભ્યો પણ સામેલ હતાં. આ ઇવેન્ટ દરમિયાન તેમણે ત્રણ કલાકમાં જ દસ લાખ (એક મિલિયન) ડૉલર જેટલું ફંડ એકઠું કર્યું હતું.

આલ્ફા કાપ્પા આલ્ફાના નેતા ક્રિસ્ટલ સેવેલે સીબીસી ન્યૂઝને કહ્યું હતું કે, "લોકો અતિ ઉત્સાહમાં છે. અને તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ તથા તેમની ઉમેદવારીની શક્યતાઓને લઈને પણ અતિશય ઉત્સાહમાં છે."

કમલા હૅરિસ અમેરિકાનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ સર્જવાની આશા રાખી રહ્યાં છે જેના કારણે પણ મતદારોમાં ઉત્સાહ છે.

‘ઝેટા ફાઈ બીટા’ સંસ્થાની મહિલાઓને ઇન્ડિયાનાપોલીસમાં એક કન્વેન્શન સેન્ટરમાં સંબોધન કરતાં જો તેઓ ટ્રમ્પને હરાવી દે તો અનેક વચનો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

તેમણે આ સંબોધનમાં ગર્ભપાત, ગન કન્ટ્રોલ અને પ્રોજેક્ટ 2025 જેવા અનેક મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. આ મુદ્દાઓ પર બાઇડન પણ ભાર મૂકી રહ્યા હતા.

"આપણે દેશ માટે બે અલગ પ્રકારના વિઝનની વચ્ચે લડાઈ જોઈ રહ્યાં છીએ. એકનું ધ્યાન ભવિષ્ય પર છે જ્યારે બીજાનું ધ્યાન ભૂતકાળ પર છે. તમારા સમર્થનથી હું દેશના ભવિષ્ય માટે લડી રહી છું."

"તો આપણે લડવાનું ચાલુ રાખીએ, કારણ કે જો લડીશું, તો જ જીતીશું."