You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીત્યા પહેલાં જ તાક્યું ભારત પર નિશાન
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે વર્ષ 2016માં પહેલી વાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ભારતની અનેક નીતિઓ પર પોતાની આપત્તિ દર્શાવી ચુક્યા હતા.
એક વાર ફરીથી તેઓ ચૂંટણીમેદાનમાં છે અને ભારત પર નિશાન તાકી રહ્યા છે. જોકે, એ અલગ વાત છે કે ભારતનાં કેટલાંક હિન્દુવાદી સંગઠનો ટ્રમ્પને લઈને હંમેશા ઉત્સાહિત રહે છે.
ટ્રમ્પ એ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર છે અને હાલમાં તેમનો ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.
ગત સપ્તાહે જ મિશિગનની એક ચૂંટણીસભામાં તેઓ ચીનની વાત કરતા ભારતની આર્થિક નીતિઓ પર જાણે કે વરસ્યા હતા.
ટ્રમ્પે કહ્યું, “જો તમે ચીનમાં કશુંક ઉત્પાદન કરવા માંગો છો, તો અમે એ ઇચ્છીશું કે આપણે એ વસ્તુઓ અહીં બનાવીએ અને ત્યાં મોકલીએ. પછી તેઓ આપણા પર 250 ટકા ટૅક્સ લગાવશે. અમે એવું ઇચ્છતા નથી. પછી તમને નિમંત્રણ આપવામાં આવે અને એ કંપનીઓ ત્યાં જાય છે.”
ત્યારબાદ ટ્રમ્પે ભારતનો ઉલ્લેખ પણ કર્યો. ટ્રમ્પે કહ્યું કે, “હાર્લી ડૅવિડસન સાથે ભારતે પણ એ જ કર્યું. હાર્લી ડૅવિડસન પર પણ 200 ટકા ટૅક્સ લગાવવાને કારણે તે પોતાની બાઇક ત્યાં ન વેચી શકી.”
ટ્રમ્પે ભારતને લઈને બીજું શું કહ્યું?
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રમ્પે ચૂંટણીસભામાં કહ્યું હતું કે, “હાર્લી ડૅવિડસનના માલિક મને વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. હું બહુ નિરાશ થયો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્લી ડૅવિડસન દુનિયાની જાણીતી બાઇક કંપની છે. આ કંપનીની બાઇક લાખો રૂપિયાની હોય છે અને સુપરબાઇક કહેવાતી હાર્લી ડૅવિડસન 'અમીરોમાં ખૂબ લોકપ્રિય' રહે છે.
વર્ષ 2018માં કંપનીએ ભારતમાં પાંચથી લઈને 50 લાખ રૂપિયા સુધીની કિંમતની બાઇક લૉન્ચ કરી હતી.
ટ્રમ્પે કહ્યું કે, “મેં હાર્લી ડૅવિડસન કંપનીના માલિકને પૂછ્યું કે ભારતમાં તમારો વેપાર કેવો ચાલી રહ્યો છે? તો મને એવો જવાબ મળ્યો કે સારો નથી. આપણે 200 ટકા ટૅક્સ કેમ આપી રહ્યા છીએ? બીજા શબ્દોમાં કહીએ તો આપણે બાઇક વેચીએ છીએ તો તેઓ આપણા પર આટલો ટૅક્સ કેમ લગાવે છે?”
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, “મેં તેમને કહ્યું કે જો 200 ટકા ટૅક્સ લાગી રહ્યો છે તો તમે ત્યાં બાઇક કેવી રીતે વેચી શકો. પરંતુ ભારતે હાર્લી ડૅવિડસનને બાઇકનો પ્લાન્ટ લગાવવા માટે આમંત્રણ આપ્યું અને કંપની ત્યાં ગઈ પણ ખરી. કંપની ત્યાં પ્લાન્ટ બનાવી રહી છે. પરંતુ આ દેશો આવી રીતે કામ કરી રહ્યા છે. હું તેના માટે ભારતને જવાબદાર નથી ઠેરવતો. આ પરિસ્થિતિ માટે જવાબદાર આપણે જ છીએ કે આપણે આવું થવા દીધું. હવે પછી આવું નહીં થાય.”
શું ભારત હકીકતમાં 200 ટકા કર લગાવે છે?
ટ્રમ્પનાં જ જૂનાં નિવેદનો જોઈએ તો તેઓ 2017થી લઈને 2024 સુધી અલગ-અલગ કરની વાત કરી ચૂક્યા છે.
ટ્રમ્પે સૌપ્રથમ 2017માં અમેરિકી કૉંગ્રેસ સામે પણ આ મુદ્દો ઊઠાવ્યો હતો.
વર્ષ 2018માં જ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે આ બાઇક પર જે 60-75 ટકા ટૅક્સ લગાવ્યો છે એ ખોટો નિર્ણય છે. પછી મોદી સરકારે તેને ઘટાડીને 50 ટકા કર્યો હતો.
2019માં પણ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે અમેરિકી મોટરસાઇકલો પર ટૅક્સ 100 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દીધો છે પરંતુ હજુ પણ એ ખૂબ વધારે છે અને તેનો સ્વીકાર ન કરી શકાય.
ટ્રમ્પે કહ્યું હતું કે, “અમે મૂર્ખ દેશ નથી. તમે ભારતને જુઓ. નરેન્દ્ર મોદી મારા ખૂબ સારા મિત્ર છે. તમે જુઓ કે તેમણે શું કર્યું છે. મોટરસાઇકલ પર તેઓ 100 ટકા ટૅક્સ લગાવે છે. આપણે તેમના પર કોઈ ટૅક્સ લગાવતા નથી. એક ફૉન કૉલ પર મોદીએ 50 ટકા ટૅક્સ ઘટાડી દીધો. હજુ પણ એ અસ્વીકાર્ય છે. ભારત તેના પર કામ કરી રહ્યું છે.”
જોકે, ઇકોનૉમિક ટાઇમ્સે વર્ષ 2018ના પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે હાર્લી ડૅવિડસનને ભારતની વધુ જરૂર છે. આ રિપોર્ટમાં વિશ્વસ્તરે હાર્લી ડૅવિડસનનું વેચાણ ઘટ્યું હોવાની વાત છે.
અખબારના અહેવાલ અનુસાર, જ્યારે ટ્રમ્પ ભારતની 100 ટકા ટૅક્સ લગાવવાની વાતનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ટૅક્સ 75 ટકા હતો.
જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે હાર્લી ડૅવિડસન કંપનીનો ભારતમાં માર્કેટ શૅર ઘટ્યો હતો. 2013માં લક્ઝરી સેગમેન્ટમાં કંપનીની ભારતમાં હિસ્સેદારી 92 ટકા હતી. 2018માં તે ઘટીને 56 ટકા થઈ ગઈ હતી.
જોકે, ટ્રમ્પે 2018માં આ વાત કરી હતી તો વિદેશ મંત્રાલયે તેના પર કોઈ ટિપ્પણી કરી ન હતી. ટ્રમ્પ-મોદીની વાતચીત વિશે જાહેર થયેલા નિવેદનમાં પણ હાર્લી ડૅવિડસનનો ઉલ્લેખ થયો ન હતો.
ટ્રમ્પ ભારતને લઇને શું-શું કહી રહ્યા છે?
ટ્રમ્પ પણ રાષ્ટ્રપતિ બન્યા બાદ ફેબ્રુઆરી 2020માં ભારત આવ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રમ્પના સ્વાગત માટે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાદમાં જ્યારે પીએમ મોદી અમેરિકા ગયા ત્યારે ભારતીય મૂળના લોકો વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં ટ્રમ્પ પણ હાજર હતા.
આ કાર્યક્રમને 'હાઉડી મોદી' નામ આપવામાં આવ્યું હતું.
જોકે, ટ્રમ્પ પોતાના મૂડ મુજબ અલગ-અલગ પ્રસંગે ભારતને લઈને નિવેદનો આપતા રહ્યા છે.
નવેમ્બર 2019માં ટ્રમ્પે પ્રદૂષણને લઈને ભારત પર નિશાન સાધ્યું હતું.
તે સમયે ભારતના ઘણા ભાગોમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તરે પહોંચી ગયો હતો.
ટ્રમ્પે કહ્યું હતું કે, “ભારત, ચીન અને રશિયાની ગંદકી લૉસ એન્જલસમાં વહી રહી છે. તમે જાણો છો કે અહીં એક સમસ્યા છે. અમારી પાસે જમીનનો તુલનાત્મક રીતે જોઇએ તો નાનો ટુકડો છે. જો તમે ચીન, રશિયા અને ભારત જેવા અન્ય દેશો સાથે સરખામણી કરો તો તેઓ સ્વચ્છતા અને ધુમાડાને રોકવા માટે કંઈ કરી રહ્યા નથી. તેઓ તેમની ગંદકીને સમુદ્રમાં ઠાલવી રહ્યા છે અને તે લૉસ એન્જલસ તરફ વહે છે.”
જોકે, રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ ટ્રમ્પે પાકિસ્તાન પર ‘આતંકવાદને પ્રોત્સાહન’ આપવાનો આરોપ લગાવ્યો હતો.
ભારત પણ આ પ્રકારનું વલણ અપનાવે છે.
ગલવાનમાં હિંસક અથડામણ બાદ પણ ટ્રમ્પે મધ્યસ્થીની વાત કરી હતી, જેને ભારતે ફગાવી દીધી હતી. ટ્રમ્પે આ મામલે ચીનને સાથ આપ્યો હતો.
અમેરિકા ચીનને પોતાનો હરીફ માને છે અને સમયાંતરે ચીનને અન્ય રીતે આ વાતનો અહેસાસ કરાવે છે.
રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂરો કરતા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝા સિસ્ટમમાં પણ ઘણા ફેરફારો કર્યા હતા.
ટ્રમ્પના આ નિર્ણયથી ભારતીયો સૌથી વધુ પ્રભાવિત થયા છે.
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને તો ભારતનું વલણ શું હશે?
ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારમાં આંતરરાષ્ટ્રીય મામલાના વિશેષજ્ઞ સી. રાજામોહને ટ્રમ્પને બીજીવાર રાષ્ટ્રપતિ બને તેવી પરિસ્થિતિમાં ભારતની વિદેશનીતિ સામેની કેટલાક પડકારો જણાવ્યા છે.
આ પડકારો એ પાંચ મુદ્દાઓ સાથે સંબંધિત છે, જેની અમેરિકા સાથેના સંબંધો પર અસર પડી શકે છે. આ અસર સકારાત્મક પણ હોઈ શકે છે અને તેનાથી ભારત સામેના પડકારો પણ વધી શકે છે.
- વેપાર અને આર્થિક વૈશ્વિકીકરણ
- સુરક્ષા અને સહયોગ
- લોકશાહી અને તેમાં દખલ
- પ્રવાસીઓ અને ખુલ્લી સરહદો
- જળવાયુ અને ઊર્જા