આખી દુનિયામાં કમ્પ્યુટરોમાં ગરબડ થઈ, પણ ચીન કેવી રીતે બચી ગયું?

    • લેેખક, નિક માર્શ
    • પદ, બીબીસી ન્યૂઝ

શુક્રવારે આખી દુનિયા માઇક્રોસૉફ્ટથી ચાલતી કમ્પ્યુટર સિસ્ટમોમાં થયેલી ગરબડને કારણે પરેશાન હતી, પરંતુ ચીનમાં બધું જ બરોબર ચાલી રહ્યું હતું.

ગત શુક્રવારે સાયબર સિક્યૉરિટી કંપની ક્રાઉડસ્ટ્રાઇકની એક અપડેટને કારણે માઇક્રોસૉફ્ટની સિસ્ટમથી ચાલતાં કમ્પ્યુટરો પર બ્લૂ સ્ક્રીન દેખાવા લાગી. આ કારણે વિશ્વના કેટલાક ભાગોમાં વિમાનસેવાઓ અને બિઝનેસ સર્વિસને પણ ભારે અસર થઈ હતી, પરંતુ ચીન બચી ગયું.

આ પાછળ શું કારણ છે? ચીને એવું શું કર્યું કે વિશ્વભરમાં ફેલાયેલી ગરબડની અસર ચીનમાં ન બરાબર થઈ.

આ સવાલનો જવાબ ખૂબ જ સરળ છે, કારણ કે ચીનમાં ક્રાઉટસ્ટ્રાઇકનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે.

ક્રાઉડસ્ટ્રાઇકની એક અપડેટને કારણે માઇક્રોસૉફ્ટ સિસ્ટમથી ચાલતાં કમ્પ્યુટરો અચાનક જ કામ કરતાં બંધ થઈ ગયાં હતાં.

ચીનમાં ખૂબ જ ઓછી બિઝનેસ કે સર્વિસ કંપની છે જે કોઈ અમેરિકાની કંપની પાસેથી સૉફ્ટવૅર કરવાનું પસંદ કરે, કારણ કે અમેરિકાની કંપનીઓ ચીનને પોતાની સાયબર સિક્યૉરિટી માટે એક ખતરો માને છે.

ચીનમાં પેદા થતા કથિત સાયબર જોખમોને લઈને આ કંપનીઓ અવાજ ઉઠાવતી રહે છે.

બાકી દુનિયાની જેમ ચીન માઇક્રોસૉફ્ટ પર આધાર રાખતું નથી. ચીનના બજારમાં અલીબાબા, ટેન્સેન્ટ અને ખ્વાવે જેવી ચીનની કંપનીઓનું વર્ચસ્વ છે અને મોટા ભાગની ક્લાઉડ સર્વિસ પર આ કંપનીઓનો કબજો છે.

આ કારણે જ્યારે આઉટેજના અહેવાલો આવ્યા ત્યારે ચીનમાં વધારે ચિંતા જોવા ન મળી. ચીનમાં આ આઉટેજને કારણે માત્ર વિદેશ કંપનીઓ અને સંગઠનો પ્રભાવિત થયાં હતાં.

ચીનના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કેટલાક ઉપયોગકર્તાઓ ફરિયાદ કરતા જોવા મળ્યા કે તેઓ ચીનનાં શહેરોમાં શૅરેટન, મૅરિએટ અને હયાત જેવી આંતરરાષ્ટ્રીય હોટલોમાં ચેક-ઇન કરી ન શક્યા.

પશ્ચિમની આઇટી કંપનીઓથી ચીન કેમ દૂર રહે છે?

ચીનમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારી સંસ્થાઓ, કંપનીઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઑપરેટરોએ પોતાની આઈટી સિસ્ટમો વિદેશી કંપનીઓની બદલે ચીનની કંપનીઓને સોંપી દીધી છે. કેટલાક વિશ્લેષકો આ સમાંતર નેટવર્કને “સ્પલિન્ટરનેટ” કહે છે.

સિંગાપુરમાં રહેતા સાયબર સિક્યૉરિટી વિશેષજ્ઞ જોશ કૅનેડી વ્હાઇટે કહ્યું, “આ વાત વિદેશ ટેકનૉલૉજી ઑપરેશનો વિશે ચીનની રણનીતિ દર્શાવે છે.”

તેમણે જણાવ્યું, “માઇક્રોસૉફ્ટ ચીનમાં એક સ્થાનિક સહયોગી 21વાયાનોટ થકી કામ કરે છે. 21 વાયાનોટ વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રકચરથી સ્વતંત્ર રહીને સેવા આપે છે. આ પ્રકારના સેટઅપને કારણે કોઈ વૈશ્વિક આઈડી ગરબડની સ્થિતિમાં ચીનનું બૅન્કિંગ અને એવિએશન સૅક્ટર સુરક્ષિત રહે છે.”

“ચીનની નજરમાં વિદેશ સિસ્ટમ પર આધારને રાખવાથી પોતાની રાષ્ટ્રીય સુરક્ષા પર પણ જોખમ રહે છે. આ જ કારણે ચીનની સરકાર આ પ્રકારની સિસ્ટમ પર ઓછો આધાર રાખવાની વાત પર જોર આપી રહી છે.”

આ બરાબર એ જ પગલું છે જે 2019માં કેટલાક પશ્ચિમી દેશોએ લીધું હતું, જ્યારે તેઓએ ચીની ટેક કંપની ખ્વાવેની ટેકનૉલૉજી પર પ્રતિબંધ મૂક્યો હતો.

બ્રિટનની સરકારે પણ આ જ રીતે સરકારી ઉપકરણોમાં ચીનના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટિકટૉકના ઉપયોગ પર રોક લગાવી હતી.

ત્યાર બાદ અમેરિકા સતત પ્રયત્ન કરી રહ્યું છે કે ચીનને ઍડવાન્સ સેમિકન્ડક્ટર ચીપ વેચવામાં ન આવે. આ ઉપરાંત અમેરિકાની કંપનીઓને ચીનની ટેકનૉલૉજી કંપનીઓમાં રોકાણ કરતા પણ અટકાવવામાં આવે છે.

અમેરિકાની સરકારનું કહેવું છે આ બધા પ્રતિબંધો રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા છે.

ચીનના સરકારી સમાચારપત્ર ‘ગ્લોબલ ટાઇમ્સે’ શનિવારે છાપેલા એક તંત્રલેખમાં આ વાત તરફ ઇશારો કર્યો હતો કે ચીનની ટેકનૉલૉજીને આ પગલાંને થકી રોકવામાં આવી રહી છે.

તંત્રીલેખમાં લખાયું છે, “કેટલાક દેશો વારંવાર સુરક્ષાની વાત કરે છે. તેમણે આ ખ્યાલને સરળ બનાવ્યો છે. પરંતુ તેઓ વાસ્તવિક સુરક્ષાની અવગણના કરે છે. આ એક વિડંબના છે.”

ખુલ્લા વૈશ્વિક બજારની હિમાયત પરંતુ સ્થાનિક બજાર પર નિયંત્રણ

ચીનમાં એ તર્ક આપવામાં આવે છે અમેરિકા નક્કી કરવાના પ્રયત્નો કરે છે કે વૈશ્વિક ટેકનૉલૉજીનો કોણ અને કેવી રીતે ઉપયોગ કરી શકે છે.

જોકે, અમેરિકાની જ એક કંપનીએ સાવચેતી લીધા વગર શુક્રવારે વૈશ્વિક સ્તરે અરાજકતા ફેલાવી દીધી.

‘ગ્લોબલ ટાઇમ્સ’ સમાચારપત્રે એકાધિકારની પ્રવૃત્તિવાળી મોટી ઇન્ટરનેટ કંપનીઓ પર કડક ટિપ્પણી કરી હતી.

સમાચારપત્રે લખ્યું, “કેટલાક દેશો નેટવર્ક સિક્યૉરિટી માટે માત્ર અમુક શીર્ષ કંપનીઓ પર સંપૂર્ણપણે આધાર રાખવાની વકાલાત કરે છે. જોકે, આ કારણે ગવર્નન્સનાં પરિણામોની સમાન વહેંચણી અટકે છે અને સુરક્ષાને લગતાં નવાં જોખમો પણ ઊભાં કરે છે.”

અહીં સમાન લાભોનો સંદર્ભ કદાચ બૌદ્ધિક સંપત્તિ અધિકારો પર ચાલી રહેલી ચર્ચાના સંદર્ભમાં છે, કારણ કે ચીન પર વારંવાર પશ્ચિમી ટેકનૉલૉજીની નકલ અથવા ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યા છે.

જોકે, શુક્રવારે ગ્લોબલ આઈટી આઉટેજથી ચીન સંપૂર્ણપણે અળગું ન હતું. કેટલાક કર્મચારીઓ પર આઉટેડની અસર પડી હતી. આ કારણે તેમનો વિકેન્ડ જલદી શરૂ થઈ ગયો.

સોશિયલ મીડિયા સાઇટ પર શુક્રવારે જલદી રજા મળવાને કારણે “આભાર માઇક્રોસૉફ્ટ” ટ્રેન્ડ કરી રહ્યું હતું. ઘણી પોસ્ટમાં આઈટી આઉટેજને કારણે કમ્પ્યુટરોની બ્લૂ સ્ક્રીન પર એરર ચિહ્નવાળી તસવીરો પણ હતી.