એક ઓરડીમાં સ્થપાયેલી કંપની કેવી રીતે લાખો કરોડની બની ગઈ?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

શુક્રવારે દેશની અગ્રણી આઈટી કંપની એચસીએલ ટેકનૉલૉજીએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યાં છે. વર્ષ-દર-વર્ષની સરખામણીએ કર પછીના નફામાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીએ રૂ. ચાર હજાર 257 કરોડનો નફો કર્યો છે તથા દરેક શૅરધારકને રૂ. 12નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

સિલિકૉન વૅલીની કોઈ કહાણીની જેમ એક જગ્યાએ કામ કરતા છ મિત્રોએ વર્ષ 1975માં દિલ્હીની એક સામાન્ય ઓરડીમાં કંપનીની સ્થાપના કરી. આ કંપનીએ દેશનું સૌપ્રથમ પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું.

કોઈ પણ આઈટી કંપનીમાં બને છે એમ એક તબક્કે કંપનીના સહ-સ્થાપકો અલગ થતા ગયા, પરંતુ કંપનીની આગેકૂચ ચાલુ રહેવા પામી હતી.

કંપની તથા મિત્રવર્તુળના કેન્દ્રમાં શિવ નાદર હતા, જેમનાં પુત્રી રોશની કંપનીની ધુરા સંભાળે છે. દેશની આર્થિકનીતિઓ સાથે કંપનીનું ભાગ્ય જોડાયેલું રહ્યું, જેના કારણે તેમાં ચઢાવ-ઉતાર આવતા રહ્યા છે.

દક્ષિણમાં જન્મ, ઉત્તરમાં ઉન્નતિ

શિવ નાદરનો જન્મ બ્રિટિશ ભારતમાં વર્ષ 1946માં તામિલનાડુના એક ગામડામાં થયો હતો. તેમના પિતા જજ હતા. સાત ભાઈઓ-બહેનોમાં શિવ એક હતા. એમનું પ્રાથમિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં થયું હતું.

જિયૉફ હિસકૉકે તેમના પુસ્તક 'ઇન્ડિયાસ ગ્લોબલ વૅલ્થ ક્લબ' નામના પુસ્તકના પંદરમા પ્રકરણમાં શિવ નાદર વિશે લખ્યું છે, જેમાં તેઓ લખે છે કે શીવે કોઇમ્બતૂરની પીએસજી કૉલેજ ઑફ ટેક્નૉલૉજીમાંથી બૅચલર ઑફ આર્ટ્સ/સાયન્સનો અભ્યાસ કર્યો.

અહીંથી તેમણે દિલ્હીની વાટ પકડી અને કૂપર એન્જિનિયરિંગમાં (વર્ષ 1968) જોડાયા.

એ પછી તેઓ ડીસીએમ ડેટા પૅટર્ન કંપનીમાં જોડાયા. ડીસીએમ દ્વારા વિદેશથી ચીપ વગેરે આયાત કરીને ભારતમાં ડિજિટલ કૅલ્ક્યુલેટર બનાવવામાં આવતા. જેમાં સરવાળો, ભાગાકાર, ગુણાકાર અને બાદબાકી જેવાં સામાન્ય કામો થઈ શકતાં હતાં.

ડીસીએમ દ્વારા તેના કર્મચારીઓમાં સંચાલનક્ષમતાનો વિકાસ કરવા માટે વિશેષ કોર્સ ચલાવવામાં આવતા. અહીં તેમની મુલાકાત અજય ચૌધરી, અર્જુન મલ્હોત્રા, સુભાષ અરોરા, ડીએસ પુરી તથા યોગેશ વૈદ્ય સાથે થઈ. તેઓ સાથે મળીને કંઈક કરી છૂટવા માટે બેબાકળા થઈ ગયા.

વર્ષ 1975માં તેમણે કંપની છોડી દીધી. રાજીવ અસીજાએ તેમના પુસ્તક 'એચસીએલ લૉર'માં કંપનીમાં પ્રવર્તમાન એક કિવદંતી ટાંકી છે. જે મુજબ તમામ છ મિત્રોએ એક જ દિવસે એક જ કવરમાં રાજીનામાં મૂકીને મૅનેજમૅન્ટને સોંપ્યાં હતાં.

એ જમાનામાં માતબર કહી શકાય એવી પોણા બે લાખ રૂપિયાની રકમ આ મિત્રોએ એકઠી કરી હતી, જેમાંથી શિવનો ફાળો સૌથી વધુ હતો.

આ મિત્રોએ અર્જુનનાં દાદીનાં ઘરમાં છત ઉપરની રૂમમાં તેમણે માઇક્રોકૉમ્પની શરૂઆત કરી. વારંવાર વીજળી લાંબા સમય માટે વીજળી જતી અને ધાબાના રૂમમાં ગરમી સહન કરતા.

તેમણે ડિજિટલ કૅલ્ક્યુલેટર વેચવાનું શરૂ કર્યું. કંપનીનો વિસ્તાર થતો ગયો, તેમ-તેમ એક રૂમની સાથે બૅડરૂમ તથા ડ્રોઇંગરૂમ પણ ઉમેરાયા. અર્જુનનાં દાદી આંગતુકોની સાથે વાતો કરતાં અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરતાં.

કંપનીના સહ-સંસ્થાપક અર્જુન 'વ્હાય યુ મસ્ટ નૉ અબાઉટ ધીસ મૅન' નામના પુસ્તકના સહ-લેખક છે, જે જાહેરાત અને માર્કેટિંગના નિષ્ણાત અમિત દત્તા ગુપ્તા વિશે છે.

પુસ્તકમાં મલ્હોત્રા લખે છે કે કૅલ્ક્યુલેટર વેચવા પાછળની ગણતરી કમ્પ્યુટર વિશે સંશોધન કરી શકાય તે માટેનું ફંડ એકઠું કરવાની હતી. ઑક્ટોબર-1975માં કંપનીએ ઔપચારિક રીતે શરૂઆત કરી.

એ પછી સ્થાપકોને ખબર પડી કે કમ્પ્યુટરનું ઉત્પાદન કરવા માટે લાઇસન્સ લેવું પડે અને તે સરકારીક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યું હતું. આવું એક લાઇસન્સ યુપી ઇલેક્ટ્રૉનિક ડેવલ્પમૅન્ટ કૉર્પોરેશન (અપટ્રૉન) પાસે હતું. અપટ્રૉન સાથે મળીને છ સહ-સંસ્થાપકોએ નવી કંપનીની સ્થાપના કરી. આમ હિંદુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ (એચસીએલ) અસ્તિત્વમાં આવી.

કમ્પ્યુટરનું લાઇસન્સ ઉત્તરપ્રદેશ સરકાર માટે હતું, એટલે કંપનીનું ઉત્પાદનએકમ યુપીના નોઇડામાં નાખ્યું, એ સમયે દિલ્હી સાથે જોડાયેલો આ વિસ્તાર ઔદ્યોગિક એકમો માટે વિકસી રહ્યો હતો. આજે પણ કંપનીનું મુખ્ય મથક નૉઇડામાં છે. કંપનીએ જાપાનની તોશિબા સાથે કાગળિયાની નકલ કરતાં મશીનોને ભારતમાં વેચવા માટેના કરાર કર્યા.

અત્રે એ યાદ રાખવું ઘટે કે કંપનીની ઔપચારિક શરૂઆતના ચારેક મહિના પહેલાં જ તા. 25 જૂનના રોજ તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ દેશ ઉપર કટોકટી લાદી હતી.

દેશનું પહેલું પીસી

મલ્હોત્રા લખે છે, વર્ષ 1976માં કંપનીએ 'માઇક્રૉ 2200' બજારમાં ઉતાર્યું, જે મુખ્યત્વે વિજ્ઞાની, સંશોધન તથા શૈક્ષણિક સંસ્થાનો માટે હતું. તે જટિલ વૈજ્ઞાનિક, ગાણિતિક તથા આંકડાશાસ્ત્રીય કામો તથા વિશ્લેષણ સરળતાથી કરી આપતું. જોકે, આને માટે પણ એકથી ત્રણ મિનિટ લાગી જતી.

આ ગણકયંત્રનો ભાવ રૂ. 20-25 હજારનો હતો અને જો રૂ. 10 હજાર વધુ આપો તો મૅગ્નેટિક કાર્ડ રીડર પણ સાથે આવતું, જેથી કરીને એક વખત પ્રોગ્રામ લખ્યા પછી 1200-1400 સ્ટેપ્સ ફરીથી લખવા ન પડે.

એ સમયે એચસીએલની સ્પર્ધા ડીસીએમ, ઓઆરજી તથા તાતા જૂથની નૅલ્કો જેવી કંપનીઓ સાથે હતી. જેમને 'સ્ટાર્ટ-અપની સરખામણીમાં વધુ સ્થિર અને સલામત કંપની' માનવામાં આવતી. આ સિવાય આઈબીએમ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ભારતમાં હતી.

વર્ષ 1977માં કંપનીએ 8C અને 8C-R લૉન્ચ કર્યા, માઇક્રૉ-પ્રૉસેસર આધારિત આ સિસ્ટમમાં રૉકવેલ પીપીએસ-8 ચીપનો ઉપયોગ કર્યો હતો. તેમાં 'રૅન્ડમ ઍક્સેસ મૅમરી' તથા 'રીડ-ઑનલી મૅમરી' હતાં. તેમાં સાડા પાંચ ઇંચની મિની ફ્લૉપી તથા આઠ ઇંચની ફ્લૉપી ડિસ્ક વાપરી શકાતી. એક, બે, ત્રણ કે ચાર. જરૂર પ્રમાણે, આ ફ્લૉપીનો તેમાં ઉપયોગ થઈ શકતો.

એ સમયે દેશમાં વીજળીની સમસ્યા હતી, જેને દૂર કરવા માટે કંપનીએ 'પાવર શટ ઑટો રિસ્ટાર્ટ' નામનું ફિચર આપ્યું હતું.

કંપનીએ ટ્રકની બૅટરી સાથે પોતાનું સ્ટૅબિલાઇઝર બનાવ્યું હતું, જેથી કરીને વીજળી જતી રહે તો પ્રોગ્રામના પૉઇન્ટર તથા મૅમરી સ્ટેટસ યથાવત્ જળવાઈ રહે અને પાવર આવે ત્યારે પ્રોગ્રામરે નવેસરથી શરૂઆત ન કરવી પડે.

કંપનીનો દાવો છે કે લગભગ ઍપલની સાથે તથા આઈબીએમ કરતાં છ મહિના પહેલાં તેમણે કમ્પ્યૂટર બજારમાં ઉતાર્યું હતું.

કંપનીનો દાવો છે કે લગભગ ઍપલની સાથે તથા આઈબીએમ કરતાં છ મહિના પહેલાં તેમણે કમ્પ્યુટર બજારમાં ઉતાર્યું હતું.

અંધાધૂંધી વચ્ચે આગેકૂચ

દેશમાં ફરી એક વખત રાજકીય પરિવર્તન આવ્યું. મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા મોરચાની સરકાર અસ્તિત્વમાં આવી. જ્યૉર્જ ફર્નાન્ડીઝે આંતરરાષ્ટ્રીય કંપનીઓને સ્થાનિક કંપનીઓ સાથે હિસ્સેદારી કરવાની તથા કોકા-કૉલા જેવી કંપનીઓને પોતાની બનાવટની ફૉર્મ્યૂલા જાહેર કરવા કહ્યું અને સ્વદેશીકરણ પર ભાર મૂક્યો.

કોકા-કોલા આમ કરવા તૈયાર ન હતી એટલે તેને દેશ છોડી દીધો. દેશમાં 'થમ્પ્સ-અપ', '77' તથા 'કૅમ્પા-કોલા' જેવી ઠંડાંપીણાંની કંપનીઓ અસ્તિત્વમાં આવી. આઈટી કંપની આઈબીએમ દેશમાંથી ઉચાળાં ભરી ગઈ.

આમ તો આ સ્થિતિ એચસીએલ જેવી ટેક્નૉલૉજી કંપની માટે પડકારજનક હતી, પરંતુ તેમાંથી બે સારી બાબત કંપની માટે થઈ. કંપનીને અમિત દત્તા ગુપ્તા (દત્તા ગુપ્તા જ) જેવા માર્કેટિંગ અને પ્રચારના જિનિયસ મળ્યા, જેઓ અગાઉ કોકા-કોલા માટે કામ કરતા હતા.

આ સિવાય એચસીએલના ઉત્પાદનો આઈબીએમના યુનિટ રેકર્ડ મશીનના વિકલ્પ બની રહ્યા. જોકે, અમુક પાર્ટ્સની આયાત કરવી જ પડે, એવું બાબુઓ અને નેતાઓને સમજાવવા માટે એચસીએલના મૅનેજમૅન્ટે ભારે જહેમત કરવી પડી.

એ સમયે ભારતમાં વૅન્ચર કૅપિટલિસ્ટનું ચલણ ન હતું અને આ ઉદ્યોગસાહસિકો આપબળે તથા કંપનીના સંસાધનોમાંથી જ નવો ચીલો ચાતરી રહ્યા હતા.

વર્ષ 1980માં ઇંદિરા ગાંધીનાં નેતૃત્વમાં કૉંગ્રેસની સરકારનું પુનરાગમન થયું. કંપનીના અન્ય સ્થાપક અજય ચૌધરી તેમના પુસ્તક 'જસ્ટ અરાઇઝ' નામના પુસ્તકમાં (પ્રકરણ ત્રણ) લખે છે કે કંપનીની સ્થાપનાને ચાર વર્ષ નહીં થયા હોય કે સિંગાપોરે ઇલેક્ટ્રૉનિક્સક્ષેત્રના વિકાસ માટે નવી નીતિ અપનાવી, જેના પગલે એચસીએલને ત્યાં ઉત્પાદનએકમ સ્થાપવા માટે આમંત્રણ મળ્યું. ચૌધરી તથા સુભાષ અરોરાએ આ કામ સંભાળ્યું.

અમિત દત્તા-ગુપ્તાએ તૈયાર કરેલી 'તમારી ટાઇપિસ્ટ પણ તેને ચલાવી શકે છે' જાહેરાત અનેક રાષ્ટ્રીય અખબારોમાં પહેલાં પાને આખા પૃષ્ઠના કદમાં આપવામાં આવી હતી, જેણે આ ઉત્પાદન વિશે કૌતુક ઊભું કર્યું હતું.

વર્ષ 1982માં શિવે એનઆઈઆઈટીની સ્થાપના કરી, જેથી કરીને દેશમાં આઈટીક્ષેત્રે કુશળ માનવ સંશાધન ઊભું કરી શકાય. વર્ષ 1984માં ઇંદિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા. જેમણે આઈટી અને કમ્પ્યુટરક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું.

આ બાજુ, ડેટાબેઝ મૅનેજમૅન્ટ સિસ્ટમ (1983), યુનિક્સ આધારિત કમ્પ્યુટર (1985) તથા મૅગ્નમ નામની સિમૅટ્રિક પ્રૉસેસરે (1988) કંપનીને મહત્ત્વપૂર્ણ સફળતા અપાવી.

શિવ નાદરના કહેવા પ્રમાણે, '1985માં અમે મહિનામાં 100 કમ્પ્યુટર વેચતા, તો એ પણ અમારા માટે ઉજવણી સમાન સ્થિતિ હતી. મોટાં ભાગનાં સંશોધનો અમેરિકામાં થઈ રહ્યાં હતાં. શરૂઆતથી મારા મનમાં સ્પષ્ટ હતું કે અમારી સિદ્ધિઓનું કેન્દ્ર અમેરિકામાં હશે. સંશોધનની બાબતમાં તે કેન્દ્રમાં હશે, એટલે અમેરિકામાં પ્રવેશવું હતું.'

વર્ષ 1988માં કંપનીએ અમેરિકાના બજારમાં પગપેસારો કર્યો અને 1989માં એચસીએલ અમેરિકાની સ્થાપના થઈ. વર્ષ 1991માં કંપનીએ એચપી સાથે તથા વર્ષ 1995માં નોકિયા સાથે ટાય-અપ કરીને માર્કેટમાં પોતાની પેઠ વધારી. (ઇન્ડિયા ઇન્ક, વિકાસ પોટા, 174-192)

1997 આસપાસ કંપનીને અહેસાસ થયો કે માત્ર હાર્ડવૅર તથા ઑફિસ મશીન્સ વેચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી નહીં ચાલે અને આઈટી ઇન્ડસ્ટ્રીમાં સૉફ્ટવૅર પણ મહત્ત્વપૂર્ણ છે.

ઇન્ફોસિસ, વિપ્રો તથા ટાટા જેવી કંપનીઓ અગાઉથી જ આ ક્ષેત્રમાં હતી અને વિદેશના વેપાર માટે તેમની સાથે સ્પર્ધા કરવાની હતી. આથી કંપનીએ તેના વરિષ્ઠ અધિકારીઓને નાની અને નફાકારક વ્યવસાય ધરાવતી કંપનીઓના અધિગ્રહણના કામે લગાડ્યા.

વર્ષ 1999માં ભારત સહિત વિશ્વમાં 'ડૉટ કૉમ તેજી' ચાલી રહી હતી, ત્યારે એચસીએલનું શૅરબજારમાં લિસ્ટિંગ થયું. ચાર વર્ષ પહેલાં કંપનીએ નેશનલ સ્ટૉક એક્સચેંજનું ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (આઈટી) માળખું ઊભું કરવામાં મદદ કરી હતી. એ પછી કંપનીએ બીપીઓ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું.

બિછડે સભી બારી-બારી

વર્ષ 1994માં યોગેશ વૈદ્યે એચસીએલ છોડ્યું. અમેરિકાના ઑપરેશન્સના સીઈઓ હોવાથી તેમણે ત્યાં જ સૉફ્ટવેર પ્રોફેશન્લ્સને શિક્ષણ તથા તાલીમ મળી રહે તે માટે સૉફ્ટવૅર ટૅક્નૉલૉજી ગ્રૂપની સ્થાપના કરી.

વર્ષ 2015માં તેમણે દેશ-વિદેશના દર્દીઓને પરામર્શ આપતી ગ્બોલબ મૅડી ઍડ્વાઇઝરીની સ્થાપના કરી.

વર્ષ 1995માં સહ-સંસ્થાપક સુભાષ અરોરાએ એચસીએલ કૉર્પોરેશન છોડ્યું. તેમણે અલગ-અલગ કંપની સાથે કામ કર્યું અને જોયું કે દેશમાં લાઇફ સાયન્સ તથા તબીબીક્ષેત્રે કર્મચારીઓ મેળવી આપે તેવી કોઈ નિપુણ કંપની નથી એટલે તેમણે એક્ઝિક્યુટિવ સર્ચની સ્થાપના કરી.

આંતરરાષ્ટ્રીય ફંડોની મદદથી સહ-સંસ્થાપક અર્જુન મલ્હોત્રાએ વર્ષ 1998માં 'ટેકસ્પાન'ની સ્થાપના કરી અને પાંચ વર્ષ પછી કંપની હૅડસ્ટ્રૉંગ સાથે મર્જ થઈ ગઈ.

વર્ષ 20111માં જેનપૅક્ટે તેનું અધિગ્રહણ કર્યું, તે પહેલાં સુધી તેઓ કંપનીના સીઈઓ તથા ચૅરમૅનપદે રહ્યા.

1997માં ડીએસ પુરી એચસીએલની સક્રિય કામગીરીથી અલગ થયા. એ પછી વર્ષ 1998માં ડીએસ પુરી એચસીએલના બોર્ડમાં સામેલ થયા અને 2014 તેમાં રહ્યા. તેમણે હોટલની શૃંખલા પણ સ્થાપી.

અજય ચૌધરી તેમના પુસ્તકમાં લખે છે કે વર્ષ 2012માં તેમણે કંપનીનું ચૅરમૅનપદ છોડી દીધું. એ પછી તેઓ અનેક સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તથા સખાવતી પ્રવૃત્તિઓ કરે છે.

શિવના જીવનનાં રોશની અને કિરણ

આજે શિવ નાદર એચસીએલના સક્રિય વહીવટમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને તેમનાં દીકરી રોશની કંપનીની કમાન સંભાળે છે. તેઓ શિવ તથા કિરણનાં એકમાત્ર સંતાન છે. કંપનીની માર્કેટ કૅપિટલ રૂ. ચાર લાખ 20 હજાર કરતાં વધુ છે.

રોશનીએ નૉર્થવૅસ્ટર્ન કૉલેજમાંથી સ્નાતકનો તથા કેલૉગ સ્કૂલ ઑફ ઍડમિનિસ્ટ્રેશનમાંથી બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યું છે.

રોશનીએ વર્ષ 2009માં શિખર સાથે લગ્ન કર્યું, જેમને તેઓ દસેક વર્ષથી ઓળખતા હતા. શિખરનો પરિવાર મૂળ કુવૈતનો છે, જ્યાં તેઓ કાર ડિલરશિપ ધરાવતા હતા.

શિખર એચસીએલ કૉર્પોરેશનમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે તથા કંપનીના બોર્ડના સભ્ય પણ છે.

શિવ નાદરને પદ્મભૂષણથી તથા કિરણને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં છે. કિરણ એશિયન ગેમ્સમાં ભાગ લઈ ચૂક્યા છે અને તેઓ આર્ટ કલેક્શનનો શોખ ધરાવે છે. દિલ્હીમાં તેમની બે આર્ટ ગૅલરી છે.

શીવ વર્ષ 1994માં સ્થાપિત તેમની સખાવતી સંસ્થા મારફત સેવાકાર્યો કરતા રહે છે. વર્ષ 2023ની ફૉર્બની યાદી પ્રમાણે બે લાખ 20 હજાર કરોડ કરતાં વધુના માલિક છે.