You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીપ બનાવવાના ઉદ્યોગમાં ચીનના દબદબાને ભારત ગુજરાતના રસ્તે કઈ રીતે તોડવા માગે છે?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
વીસમી સદીના પ્રસિદ્ધ જર્મન અર્થશાસ્ત્રી ઈ. એફ. શુમાકરે માનવજાતની પ્રગતિ માટે નાની-નાની ચીજોના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે તેમના પુસ્તક ‘સ્મોલ ઇઝ બ્યુટીફૂલ’માં આ વિચાર ભારપૂર્વક રજૂ કર્યો હતો. સેમી-કન્ડક્ટર ચીપની દુનિયાના સંદર્ભમાં નાનામાં નાની ચીજ પણ હવે બહુ મોટી છે. 'આઈબીએમ' જેવી એક-બે વિરાટ ટેકનૉલૉજી કંપનીઓએ એક નેનો ચીપ વિકસાવી છે, જે માણસના એક વાળ કરતાં પણ પાતળી છે.
આપણા દૈનિક વપરાશના લગભગ દરેક ડિજિટલ ગૅજેટ કે મશીનમાં માઈક્રોચીપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કમ્પ્યુટરથી માંડીને સ્માર્ટફોન, વિમાનથી માંડીને ડ્રોન અને ચિકિત્સા-ઉપકરણોથી માંડીને એઆઈ ઉપકરણોનો સમાવેશ થાય છે. આપણે જે કાર ચલાવીએ છીએ તેમાં સરેરાશ 1,500 ચીપ્સ લગાવવામાં આવેલી હોય છે. આપણે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ તેમાં કમસે કમ એક ડઝન ચીપ્સ હોય છે. નિષ્ણાતો ચીપની તુલના ઑઇલની સાથે કરે છે અને ઑઇલની માફક સેમી-કન્ડક્ટર ઉદ્યોગ પર પણ મુઠ્ઠીભર દેશોનું વર્ચસ છે.
ચીપ બનાવવાનો અત્યંત જટિલ અને મોંઘો ઉદ્યોગ એક સમયે કૉર્પોરેટ દિગ્ગજો વચ્ચે જોરદાર સ્પર્ધા સુધી મર્યાદિત હતો. હવે તે કેટલાંક મોટાં રાષ્ટ્રો વચ્ચેની સ્પર્ધા બન્યો છે. આ દોટમાં જે જીતશે તેનું વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ભૂ-રાજકીય નીતિ પર પ્રભુત્વ હશે, એવું વ્યાપક રીતે માનવામાં આવે છે.
ચિપની સ્પર્ધામાં ક્યો દેશ મોખરે?
અમેરિકા અને ચીન વચ્ચેની રાજકીય તથા વ્યાપારી લડાઈ બાબતે આપણે બધા જાણીએ છીએ, પરંતુ હવે આ બન્ને મોટાં અર્થતંત્રો ચીપ ઉદ્યોગમાં મોખરે રહેવા એકમેકની સામે ટક્કર લઈ રહ્યાં છે. ચીન આજે પણ અમેરિકાથી ઘણું પાછળ છે, પરંતુ તેની ગતિ ઘણી વધારે છે. લેખક ક્રિસ મિલરે તેમના પુસ્તક ‘ચીપ વૉર’માં જણાવ્યું છે “ચીન વિમાનના વૈશ્વિક વ્યાપારની તુલનામાં ચીપ્સ ખરીદવા માટે દર વર્ષે વધારે પૈસા ખર્ચે છે. એવી જ રીતે ચીન જેટલા પૈસા ઑઇલની આયાત માટે ખર્ચે છે તેના કરતાં વધુ પૈસા સેમી-કન્ડક્ટર ચીપ્સની આયાત માટે ખર્ચે છે.”
સ્માર્ટફોન અને ટેલિકોમ ક્ષેત્રની ચીનની દિગ્ગજ કંપની હુઆવે(Huawei)એ તેનો નવીનતમ સ્માર્ટફોન Mate60 Pro ઑગસ્ટમાં લોન્ચ કર્યો ત્યારે અમેરિકન પ્રમુખ જો બાઇડનની સરકારે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેનું કારણ શું હતું? આ ફોનને શક્તિ પ્રદાન કરતી 'સેવન નેનોમીટર ચીપ'નું ઉત્પાદન કરવામાં ચીન સફળ કેવી રીતે થયું તે વાતનું અમેરિકન વહીવટી તંત્રને આશ્ચર્ય હતું. અમેરિકા એવું વિચારતું હતું કે સેવન નેનોમીટર ચીપ માટે ઉપયોગમાં લેવાતાં ઉપકરણો તથા ટેકનૉલૉજી સંદર્ભે તેણે ચીન પર પ્રતિબંધ લાદ્યો હતો. તેથી ચીનમાં તેનું ઉત્પાદન અશક્ય હતું, પરંતુ ચીને આ માટે જરૂરી ઉપકરણોની વ્યવસ્થા કરી હતી અને જટિલ સેવન નેનોમીટર ચીપ બનાવવામાં સફળતા મેળવી હતી.
એ સિવાય અમેરિકન સરકારે 2019માં રાષ્ટ્રીય ચિંતાનું કારણ આપીને હુઆવેને અમેરિકાની હાઈ-ઍન્ડ ચીપ બનાવતી કંપનીઓના ટૂલ સુધી પહોંચતી અટકાવી દીધી હતી, પરંતુ ચીન પર તેની કોઈ અસર થઈ નહોતી.
અમેરિકન વહીવટી તંત્રને ભલે આશ્ચર્ય થયું હોય, પરંતુ કૅનેડામાં વિશ્વના અગ્રણી સેમી-કન્ડક્ટર નિષ્ણાતો પૈકીના એક ડેન હચિસનને જરાય આશ્ચર્ય થયું નહોતું.
બીબીસી સાથેની એક વાતચીતમાં તેમણે કહ્યું હતું, “તેમાં કશું આશ્ચર્યજનક નથી. જે ટેકનીક તથા ઉપકરણનો ઉપયોગ તાઇવાન સેમી-કન્ડક્ટર મૅન્યુફેક્ચરિંગ કંપની (ચીએસએમસી) અને ઇન્ટેલ કરે છે તેનો જ ઉપયોગ હુઆવેએ કર્યો છે. તેમાં કશું આશ્ચર્યજનક નથી. તેમની પાસે ટૂલ સેટ છે તે આપણે જાણતા હતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચિપની સ્પર્ધામાં સામેલ થયું ભારત
ચીપ બનાવવાની સ્પર્ધામાં હવે ભારત પણ સંપૂર્ણ તૈયારી સાથે કૂદી પડ્યું છે. ભારતે દેશમાં ઍન્ડ-ટુ-ઍન્ડ સેમી-કન્ડક્ટર ઈકૉસિસ્ટમ બનાવવા માટે એક મહત્ત્વાકાંક્ષી અભિયાન આદર્યું છે.
આ સંદર્ભમાં પ્રથમ પગલું ગયા મહિના ગુજરાતના સાણંદમાં લેવામાં આવ્યું હતું. અમેરિકાની 'માઈક્રોન ટેકનૉલૉજી'એ એક અત્યાધુનિક સેમી-કન્ડક્ટર ઍસેમ્બ્લી, પૅકેજિંગ અને પરીક્ષણ યુનિટ માટે સાણંદમાં ભૂમિપૂજન કર્યું હતું. એ ફેકટરીનું નિર્માણ 2.75 અબજ ડૉલરના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. તેમાં માઇક્રોન 825 મિલિયન ડૉલરનું રોકાણ કરવાની છે. ભારત તથા ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના નિર્માણનો કૉન્ટ્રેક્ટ 'ટાટા પ્રોજેક્ટ્સ'ને આપ્યો છે. આ ફેસિલિટી આગલા વર્ષના ડિસેમ્બર સુધીમાં ચાલુ થવાની આશા છે.
સેમી-કન્ડક્ટર માઇક્રોચીપની બાબતમાં એક મહત્ત્વનો દેશ બનવાનું મિશન વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે જેટલું મહત્ત્વનું છે, તેટલું જ ભારત માટે પણ છે. ઇલેક્ટ્રૉનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનૉલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ભૂમિપૂજન સમારંભમાં ઉપસ્થિત લોકોને કહ્યું હતું, “મોદીજીએ તમને ભવિષ્યની ગૅરંટી આપી છે કે તેઓ ભારતને સેમી-કન્ડક્ટરનું એક મોટું કેન્દ્ર બનાવશે.”
ભારતનો ઈરાદો નેક, પરંતુ પડકારો અનેક
સેમી-કન્ડક્ટર ઇકૉસિસ્ટમમાં ડિઝાઇનિંગ, ઉત્પાદન, પરીક્ષણ અને પૅકેજિંગનો સમાવેશ થાય છે. એ ઉપરાંત ચીપ્સ બનાવવા માટે આધુનિક ઉપકરણો, ખનીજો અને ગૅસની પણ જરૂર હોય છે. ચીપ ડિઝાઇનિંગ ભારતમાં સ્થાપિત છે. તેનો બેઝ બેંગલુરુમાં છે, પરંતુ દેશમાં ઉત્પાદન, પૅકેજિંગ, ઉપકરણ અને કાચા માલનો અભાવ છે.
એક મોટા ચીપઉત્પાદક બનવા માટે નીચે મુજબના પડકારોને પહોંચી વળવાનું હોય છે.
- ભારતે પ્રોજેક્ટ્સમાં મોટું રોકાણ કરવા ઉપરાંત આ ક્ષેત્રના મોટા વૈશ્વિક ખેલાડીઓને આકર્ષવા પડશે. માઇક્રોન એક સારી શરૂઆત છે, પરંતુ આ રીતે અનેક કંપનીઓને ભારતમાં રોકાણ માટે રાજી કરવી પડશે.
- ભારતને કેમિકલ્સ, ગૅસ અને ખનીજોની જરૂર છે, જે હાલ મુઠ્ઠીભર દેશો પાસે છે.
- આ ઉદ્યોગમાં ભારતના કે ભારતીય મૂળના ઘણા લીડરો મોટી કંપનીઓમાં મોટાં પદ પર કાર્યરત્ છે. તેમને ભારતમાં લાવવા પડશે, પરંતુ તેમનાં જંગી પગાર તથા ભથ્થાંને કારણે તેમને આકર્ષવાનું આસાન નહીં હોય. તેઓ આવી જાય તો ચીપ-ઉદ્યોગ ઝડપભેર આગળ વધી શકે છે.
- સેમી-કન્ડક્ટર એક ઉચ્ચ પ્રકારની ચોકસાઈ માગતો ઉદ્યોગ છે. તેમાં જંગી રોકાણ કરવું પડે છે અને વધુ સમય લાગે છે. તેમાં લાંબા સમય સુધી ટકી રહેવું અને લાંબા સમયની પરિયોજનામાં જોડાયેલું રહેવું જરૂરી છે. તેમાં ખાનગી કંપનીઓ અને સરકારે સમાન પ્રતિબદ્ધતા દાખવવી પડશે.
આઈઆઈટી, રોપડના ડિરેક્ટર પ્રોફેસર રાજીવ આહૂજા માને છે કે 10-15 વર્ષ પછી મૅન્યુફેક્ચરિંગ શરૂ કરતાં પહેલાં તેમાં બીજી અનેક વસ્તુઓની જરૂર હોય છે. આ કોઈ સાધારણ ઉદ્યોગ નથી, એમ જણાવતાં તેઓ કહે છે, “તેમાં બહુ કામ કરવું પડે છે અને ઉચ્ચ સ્તરીય ઉપકરણો, સામગ્રીની જરૂર પડે છે. સામગ્રીનું ઉત્પાદન ભારતમાં જ થવું જોઈએ.”
ઉદ્યોગના નિષ્ણાતોના કહેવા મુજબ, ભારત હાલ સેમી-કન્ડક્ટર ચીપ બનાવવાની સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં છે. આ સ્પર્ધાની અંતિમ રેખા સુધી પહોંચવામાં તાઇવાન તથા દક્ષિણ કોરિયાને દાયકાઓ થયા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ભારતને વૈશ્વિક ખેલાડી બનવામાં 10થી 20 વર્ષ થઈ શકે છે. ડેન હચિસનના જણાવ્યા મુજબ, ભારતે તેનું લક્ષ્ય હાંસલ કરવા માટે ધૈર્યવાન અને દૃઢ બની રહેવાની જરૂર છે.
તેઓ કહે છે, “પરિયોજનાનો સારી રીતે અમલી બનાવવામાં આવે તો તેમાં વાસ્તવિક રીતે 10થી 20 વર્ષ થઈ શકે. દોડવાનું શરૂ કરતાં પહેલાં ચાલવાનું શીખવું પડે. એ માટે માઇક્રોન પ્રોજેક્ટ સફળ થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.”
સેમી-કન્ડક્ટર ચીપના ઉત્પાદનમાં 150થી વધુ પ્રકારના કેમિકલ્સ અને 30થી વધુ પ્રકારના ગૅસ તથા ખનીજોની જરૂર અનિવાર્ય રીતે પડે છે. હાલ આ ચીજો કેટલાક દેશોમાં જ ઉપલબ્ધ છે. ભારત સમક્ષ આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો પડકાર છે.
કેટલાક નિષ્ણાતો માને છે કે ભારત માટે વધુ એક મુખ્ય પડકાર ચીપઉદ્યોગ માટે સહાયક ઉદ્યોગ તૈયાર કરવાનો છે. ચીનની રાજધાની બીજિંગસ્થિત ચારહર ઇન્સ્ટિટ્યૂટ ડેવિડ ચેન કહે છે, “સેમી-કન્ડક્ટર ઉદ્યોગને ટેકો આપવા માટે ચીન પાસે બહુ મજબૂત સહાયક ઉદ્યોગ છે. તેમાં કેટલોક કાચો માલ અને ખનીજ છે, જે ભારત પાસે નથી. એ ઉપરાંત ચીન આ ઉદ્યોગ પાછળ દર વર્ષે અબજો ડૉલર ખર્ચે છે. મેં થોડા દિવસ પહેલાં એક અહેવાલ વાંચ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા લોકો સુધી હજુ વીજળી પહોંચી નથી. ભારત સરકાર તેનાં તમામ સંસાધનોનો ખર્ચ સેમી-કન્ડક્ટર ઉદ્યોગમાં કરે તો પોતાના લક્ષ્યને હાંસલ કરી શકે, પરંતુ ભારત સરકાર એક જ ઉદ્યોગમાં બધી મૂડી રોકી દેશે તેવું મને લાગતું નથી. કદાચ રોકાણ કરે તો પણ ભારત આટલું મોટું જોખમ ઉઠાવશે ખરું?”
ભારતની ભૂતકાળના નિષ્ફળતા અને રહસ્યમય આગ
ભારતની એકમાત્ર જાણીતી ચીપનિર્માતા 'ફાઉન્ડ્રી સેમી-કન્ડક્ટર લૅબોરેટરી'(એસસીએલ)માં 1984માં ઉત્પાદન શરૂ થયાનાં ત્રણ વર્ષ બાદ તાઇવાનની ટીએસએમસીની સ્થાપના કરવામાં આવી હતી. આજે ટીએસએમસી વિશ્વની સર્વોચ્ચ લૉજિક ચીપ બનાવતી કંપની છે. તેનું વાર્ષિક ટર્નઓવર 70 અબજ ડૉલરથી વધુનું છે, જ્યારે એસસીએલનું માત્ર 50 લાખ ડૉલરનું છે.
એસસીએલ 100 નેનોમીટરથી મોટા કદની ચીપ્સનું ઉત્પાદન કરે છે, જે અનેક પેઢીઓ જૂની છે અને આ સરકારી કંપનીનું આધુનિકીકરણ કરવાના સખત જરૂર છે. અહીં ઉત્પાદિત ચીપ્સનો ઉપયોગ ઈસરોનાં અંતરિક્ષ અભિયાનોમાં કરવામાં આવે છે.
ભારત એક અગ્રણી ચીપઉત્પાદક બની શકે તેમ હતું, પરંતુ 1989માં બનેલી એક મોટી ઘટનાએ દેશને સેમી-કન્ડક્ટરના અંધારયુગમાં ધકેલી દીધો હતો. એસસીએલની મોહાલી ખાતેની ફેકટરીમાં 1989માં લાગેલી રહસ્યમય આગમાં નષ્ટ થઈ ગઈ હતી. તે દૂર્ઘટના હતી કે તોડફોડનું કાવતરું હતું તે કોઈ જાણતું નથી.
એ પછી ફેકટરી ફરી શરૂ તો થઈ ગઈ, પરંતુ દોડમાં બહુ પાછળ રહી ગઈ. ડેન હચિસન 1970ના દાયકાથી ભારતીય ચીપઉદ્યોગ પર નજર રાખી રહ્યા છે. તેઓ કહે છે, “મેં મારી સમગ્ર કારકિર્દીમાં ભારતને આ ઉદ્યોગ માટે પ્રયાસ કરતું જોયું છે. તેને માત્ર નિષ્ફળતા મળી છે. હવે ભારતે સફળ થવું જરૂરી છે. મુદ્દો કેટલીક મહત્ત્વની બાબતોનો છે. જેમ કે એક સ્થિર પાવર ગ્રીડ તથા પાણીની સતત ઉપલબ્ધતા આ ઉદ્યોગનું નિર્માણ શક્ય બનાવે છે.”
ભારત આ પડકારોનો સામનો કેવી રીતે કરી શકે?
તાઇવાનની સફળતાનું શ્રેય તાઇવાની મૂળના લોકોને મળે છે. તેમણે અમેરિકામાં સેમી-કન્ડક્ટરનો અનુભવ મેળવ્યો હતો અને મોટાં પદો પર કામ કર્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે મોટી કંપનીઓમાં મોટા હોદ્દાઓ પર ભારતીયોની કોઈ કમી નથી. એ બધા અમેરિકા તથા અન્ય જગ્યાએ સેમી-કન્ડક્ટર બિઝનેસમાં સારું કામ કરી રહ્યા છે. ડેન હચિસનના કહેવા મુજબ, ભારત એવા લોકોને આકર્ષી શકશે તો આ ઉદ્યોગને મોટું પ્રોત્સાહન મળશે.
ભારત માટે આશાનું કિરણ જરૂર છે, એમ જણાવતાં ડેવિડ ચેન કહે છે, “ભારતે ઉત્પાદન બાબતે બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારત પાસે બહુ કુશળ એન્જિનીયરો છે, જે ડિઝાઇન કરી શકે છે. અમેરિકામાં અનેક ભારતીય ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર્સ છે. તેથી ડિઝાઇન ક્ષેત્રે તેમનો દબદબો છે. તે ભારત માટે વિશિષ્ટ બાબત છે અને બહુ મોટો લાભ છે. ભારત બહુ વિચારપૂર્વક આગળ વધે તો આ ઉદ્યોગમાં આજે પણ એક મોટી ભૂમિકા ભજવી શકે.”
પ્રોફેસર રાજીવ આહૂજા માને છે કે ભારતીય આઈઆઈટીએ સેમી-કન્ડક્ટર ઉદ્યોગને મદદરૂપ થાય તેવો અભ્યાસક્રમ શરૂ કરવાની જરૂર છે. તેઓ કહે છે, “અમે આઈઆઈટીમાં બી. ટેક પ્રોગ્રામ શરૂ કર્યો છે. એન્જિનિયરિંગ ફિઝિક્સ શું છે? તે સેમી-કન્ડક્ટર ફિઝિક્સ છે. તેથી સેમી-કન્ડક્ટર માટે કૌશલ્યવિકાસ પહેલાંથી જ થઈ રહ્યો છે. ભારતમાં મૅનપાવરની કોઈ કમી નથી. કૌશલ્યવાન કર્મચારીઓની કમી છે. તેનું નિવારણ પ્રશિક્ષણ અને ઉચિત અભ્યાસક્રમ દ્વારા કરી શકાય છે.”
ભારત નવી પરિયોજનાઓ શરૂ કરવા અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે કરાર કરવાની અણી પર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે આ પરિયોજનાઓમાં રસ લઈ રહ્યા છે. તેઓ જાણે છે કે ભારતે અગ્રણી ભૂ-રાજકાયી દેશ બનવું હશે તો તેણે સેમી-કન્ડક્ટર ક્ષેત્રે મોખરાની ભૂમિકા ભજવવી પડશે.
નિષ્ણાતોના કહેવા મુજબ, ગુજરાતમાં માઈક્રોનની પેકેજિંગ ફેક્ટરીની સ્થાપના આ દિશામાંનું યોગ્ય પગલું છે. ડેન હચિસન કહે છે તેમ, “આ એક મહાન પ્રારંભિક પગલું છે. દક્ષિણ કોરિયા, તાઇવાન અને ચીન બધાની શરૂઆત પૅકેજિંગ એકમોથી થઈ હતી.”