You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હોટલમાં વાસણો ધોયાં અને હવે ગૂગલ, માઇક્રોસૉફ્ટ કરતાં પણ મોટી કંપની કેવી રીતે સર્જી?
જેન્સેન હુઆંગ દ્વારા 1993માં સ્થાપવામાં આવેલી એનવીડિયા (Nvidia) કંપનીના નામમાં ત્રણ તત્ત્વોનું સંયોજન છે. તેમાં NV શબ્દ next vision માટે (ભવિષ્યનું વિઝન) છે. VID શબ્દ વીડિયો માટે છે, કારણ કે કંપનીએ કમ્પ્યુટર્સ માટે ગ્રાફિક કાર્ડ્ઝ બનાવવાથી શરૂઆત કરી હતી, પરંતુ તેમાં લેટિન ભાષાનો Invidia શબ્દ પણ છે, જેનો અર્થ થાય છેઃ ઈર્ષ્યા.
આ ટેકનોલૉજી કંપનીના ગયા વર્ષના અદ્ભુત રિઝલ્ટ્સને ધ્યાનમાં લેતાં સ્પર્ધકોને કંપની તથા તેના સ્થાપક માટે ઈર્ષ્યાની લાગણી થાય તે શક્ય છે.
મંગળવારે એનવીડિયા દુનિયાની સૌથી વધુ વૅલ્યુ ધરાવતી કંપની બની ગઈ છે. દુનિયાની સૌથી વધુ વૅલ્યુ ધરાવતી કંપની માઇક્રોસૉફ્ટને પણ તેને પાછળ છોડી દીધી હતી.
કંપનીના શૅરનો ભાવ 3.5 ટકા વધીને 136 ડૉલર નજીક પહોંચી ગયો હતો, ગયા મહિને કંપનીના શૅર એપલ કરતાં પણ વધુ મોંઘા બન્યા હતા.
એનવીડિયાના મૂલ્યમાં ઝડપી વધારાનું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આજુબાજુનો ધમધમાટ અને એ હકીકત છે કે આ કંપની તે ટેકનોલૉજીને શક્ય બનાવતી 70 ટકાથી વધુ ચિપ્સની સપ્લાયર છે.
અલબત્ત, જેન્સેન હુઆંગના વિઝન સિવાય આવું થવું શક્ય ન હતું. આ માર્કેટ અસ્તિત્વમાં જ નહોતું ત્યારે જેન્સેને તેમાં ઝંપલાવ્યું હતું અને તેને હકીકત બનાવવામાં ફાળો આપ્યો હતો.
વાયર્ડ સામયિકે તાજેતરમાં જણાવ્યું હતું તેમ, હુઆંગને “કલાક, વર્ષ અને કદાચ દાયકાના માણસ” ગણવામાં આવે છે, જ્યારે અમેરિકન ટીવી નેટવર્ક સીએનબીસીના રોકાણ વિશ્લેષક જિમ ક્રેમરે જણાવ્યું હતું કે એનવીડિયાના સ્થાપકે સ્વપ્નદૃષ્ટા (વિઝનરી) તરીકે ઍલન મસ્કને પાછળ છોડી દીધા છે.
હુઆંગની જીવનકથા મુશ્કેલીઓ, જોખમો અને સખત મહેનત વિનાની નથી. તેમાં શૌચાલયો અને વેઈટિંગ ટેબલ્સની સફાઈનો પણ સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુધારણા ગૃહમાં એક સ્થળાંતરિત બાળક
1963માં જન્મેલા હુઆંગે તેમનું બાળપણ તાઇવાન અને થાઇલૅન્ડમાં વિતાવ્યું હતું, પછી તેમનાં માતા-પિતાએ તેમને અને તેમના ભાઈને અમેરિકા મોકલવાનો નિર્ણય કર્યો હતો.
બન્ને ભાઈઓ અંગ્રેજી બોલી શકતા ન હતા. તેમને થોડા સમય પહેલાં જ ઇમિગ્રેટ થયેલા તેમના કાકાઓ પાસે મોકલવામાં આવ્યા હતા. કાકાઓએ બન્ને ભાઈઓને કેન્ટુકીની ઓનિડા બાપ્ટિસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવા મોકલ્યા હતા. એ સમયે આ ઇન્સ્ટિટ્યૂટ રેગ્યુલર સ્કૂલ કરતાં સુધારણા ગૃહ જેવી વધારે હતી.
એ સ્કૂલ દ્વારા 2016માં પ્રકાશિત એક ન્યૂઝલેટરમાં જણાવ્યા અનુસાર, બન્ને ભાઈઓને સંસ્થામાં રહેવા, ખાવા અને કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સંસ્થામાં ત્યારે હાઇસ્કૂલ સુધીનું જ શિક્ષણ આપવામાં આવતું હતું.
નાના જેન્સનનું કામ શૌચાલયો સાફ કરવાનું હતું.
ઉદ્યોગપતિએ એનપીઆરને 2012માં આપેલી મુલાકાતમાં કહ્યું હતું, “નાનાં બાળકો ખરેખર તોફાની હતાં. બધા પાસે ખિસ્સામાં છરીઓ રહેતી હતી અને બાળકો વચ્ચે ઝઘડા થાય તે સારું નથી, પરંતુ એવું થતું ત્યારે બાળકોને ઈજા થતી હતી.”
અનેક મુશ્કેલી હોવા છતાં હુઆંગ કાયમ કહેતા રહ્યા છે કે તે બહુ મોટો અનુભવ હતો અને તેઓ ત્યાં આનંદથી રહ્યા હતા.
હકીકત એ પણ છે કે હુઆંગ અને તેમનાં પત્ની લોરીએ 2016માં તે સ્કૂલમાં કન્યાઓ માટે વર્ગખંડો અને શયનગૃહો સાથેની ઇમારતના નિર્માણ માટે 20 લાખ ડૉલરનું દાન આપ્યું હતું.
નસીબની શોધ
થોડાં વર્ષો પછી તેમનાં માતા-પિતા અમેરિકા ઇમિગ્રેટ થયાં અને ઓરેગોનમાં રહેતાં થયાં ત્યારે બન્ને ભાઈઓ તેમની સાથે રહેવા ચાલ્યા ગયા હતા.
હુઆંગે ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.
તેમના કહેવા મુજબ, એ અભ્યાસ દરમિયાન કમ્પ્યુટર “પાછળના જાદુ” બાબતે તેમની આંખ ઊઘડી હતી અને ત્યાં જ તેમની મુલાકાત તેમનાં પત્ની લોરી સાથે થઈ હતી. લોરી તેમના લૅબોરેટરી પ્રેક્ટિસ પાર્ટનર હતાં.
લોરીનો સમાવેશ 80 વિદ્યાર્થીઓના ક્લાસમાંની ત્રણ છોકરીઓમાં થતો હતો. 2013માં એ યુનિવર્સિટીમાં આપેલા એક ભાષણમાં હુઆંગે તેમની મુલાકાત એનવીડિયાના બે સહ-સ્થાપક ક્રિસ માલાચોસ્કી અને કર્ટિસ પ્રિમ સાથે કેવી આકસ્મિક રીતે થઈ હતી તેની વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, “હું ઘણી વાર કહું છું કે સફળતા માટે આકસ્મિકતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.”
એનવીડિયાના ત્રણેય સહ-સ્થાપકોને કૅલિફોર્નિયાના સાન જોસ ખાતેની ડેનીઝ ફાસ્ટ ફૂડ ચેઈન રેસ્ટોરાંમાં નાસ્તો કરતી વખતે કંપની બનાવવાનો વિચાર આવ્યો હતો.
એક અબજ ડૉલર માટે 2023માં આ કંપની શૅરબજારમાં સૂચિબદ્ધ થવામાં સફળ થઈ પછી તે રેસ્ટોરાંમાં એક તકતી મૂકવામાં આવી છે, જે આ હકીકતની યાદ અપાવે છે.
હુઆંગને ડેનીઝ સાથે લાંબા સમયથી સંબંધ છે, કારણ કે ડેનીઝના પોર્ટલૅન્ડમાં આવેલા એક સ્ટોરમાં 15 વર્ષની વયે તેમને ડીશ ધોવાની, ટેબલ સાફ કરવાની અને વેઇટર તરીકે સેવા આપવાની પ્રથમ નોકરી મળી હતી.
પોતે એ કામ કેટલી સારી રીતે કરતા હતા તેની વાતો હુઆંગ વારંવાર કરે છે. તેમણે કહ્યું હતું, “તે ઉત્તમ નોકરી હતી. હું ભલામણ કરું છું કે દરેક વ્યક્તિએ રેસ્ટોરાં બિઝનેસમાં પોતાની પ્રથમ નોકરી શરૂ કરવી જોઈએ. તે નોકરી નમ્રતા અને સખત મહેનત શીખવે છે.”
સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસમાં તાજેતરમાં આપેલા એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું, “ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બનતા પહેલાં મારી પ્રથમ નોકરી વાસણો ધોવાની હતી અને એ કામ મેં બહુ સારી રીતે કર્યું હતું.”
તેમના કહેવા મુજબ, ડેનીઝમાં કામ કરવાથી તેમને શરમાળપણું દૂર કરવામાં મદદ મળી હતી.
તેમણે ન્યૂયૉર્ક ટાઇમ્સને કહ્યું હતું, “હું લોકો સાથે વાત કરતાં ખૂબ જ ગભરાતો હતો.”
પડકારો જરૂર સ્વીકારવા
હુઆંગ 1984માં એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. તેમણે કહ્યું હતું, “તે સ્નાતક થવા માટે પરફેક્ટ વર્ષ હતું,” કારણ કે સૌપ્રથમ મેકિન્ટોશના પ્રકાશન સાથે એ જ વર્ષે પર્સનલ કમ્પ્યુટર્સનો યુગ શરૂ થયો હતો.
એ પછી તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું હતું. એ પૂર્ણ કરવામાં તેમને આઠ વર્ષ લાગ્યાં હતાં.
અભ્યાસની સાથે તેઓ એડવાન્સ્ડ માઇક્રો ડિવાઈસ્ડ (એએમડી) અને એલએસઆઈ લોજિક જેવી ટેકનોલૉજી કંપનીઓમાં અલગ-અલગ નોકરી પણ કરતા હતા. એનવીડિયાની સ્થાપનાના થોડા સમય પહેલાં તેમણે એ નોકરી છોડી દીધી હતી.
ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં 2013માં આપેલા ભાષણમાં તેમણે કહ્યું હતું તેમ કંપની બનાવતા પહેલાં ત્રણેય સ્થાપકોએ ખુદની જાતને સવાલ પૂછ્યા હતા કે આ કામ કરવાનું આપણને ખરેખર ગમે છે? આ કામ કરવા યોગ્ય છે? આ કામ કરવું ખરેખર મુશ્કેલ છે?
હુઆંગે કહ્યું હતું, “હું આજે પણ મારી જાતને એ જ સવાલ કાયમ પૂછું છું, કારણ કે તમને ગમતું ન હોય તેવું કામ તમારે કરવું ન જોઈએ અને તમારા જીવનમાં મહત્ત્વનું હોય તેવું કામ જ કરવું જોઈએ.”
સ્પષ્ટ સ્થાપિત માર્કેટ ન હોવા છતાં પણ આવી મહત્ત્વની વસ્તુઓ કરવાનું જોખમ લેવું, એ તેમની વર્ક ફિલોસોફીનો એક મહત્ત્વનો ભાગ છે.
સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસમાં તેમણે કહ્યું હતું, “અમને બજારના કદમાંથી નહીં, પરંતુ કામના મહત્ત્વમાંથી પ્રેરણા મળે છે, કારણ કે કામનું મહત્ત્વ ભાવિ માર્કેટનો પ્રારંભિક સંકેત હોય છે.”
તેમણે મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહેવાની ભલામણ પણ ત્યાં કરી હતી, કારણ કે તેઓ ભારપૂર્વક માને છે કે તે એક એવી બાબત છે, જે તકોનું સર્જન કરે છે.
આ પ્રકારના વિચારોનો અમલ કરીને હુઆંગે હોરિઝોન્ટસ સ્ટ્રક્ચર સાથેની એક કંપનીનું સર્જન કર્યું છે. એ કંપનીમાં 40થી વધારે કર્મચારીઓ નથી અને એ બધા સીધા હુઆંગને રિપોર્ટ કરે છે. તેઓ કંપનીમાં છેક નીચલા સ્તરેથી ટ્રાન્સવર્સલ કમ્યુનિકેશનને પણ પ્રોત્સાહિત કરે છે.
તેમણે સમજાવ્યું હતું કે તે આઇડિયાઝ અને માહિતીના પ્રવાહને સરળ બનાવવા ઉપરાંત મારી ટીમના બેસ્ટ આઇડિયાઝથી સતત વાકેફ રહેવાનો એક માર્ગ છે.
સ્ટેનફોર્ડ ખાતેના ભાષણમાં તેમણે કહ્યું હતું, “મહાન સિદ્ધિ હાંસલ કરવા લોકોનું નેતૃત્વ કરવું, બીજાને પ્રેરિત કરવા, સશક્ત બનાવવા અને તેમને ટેકો આપવો, આ બધા હેતુસર કંપનીમાં કામ કરતા બધા લોકો માટે એક મૅનેજમૅન્ટ ટીમ હોય છે.”
એનવીડિયાના રિઝલ્ટ્સને જોતાં લાગે છે કે આ ફિલોસોફી કારગત સાબિત થઈ છે. અલબત્ત, તેમની કંપની મુશ્કેલ સમયમાંથી પણ પસાર થઈ છે.
કંપનીના પહેલા બે વર્ષમાં ડીઆરએએમ મેમરીની ઊંચી કિંમતની સમસ્યા માટે ટેકનોલૉજિકલ નિરાકરણ શોધતી વખતે તેની કિંમતમાં 90 ટકા ઘટાડો થયો હતો.
એ માટે કરેલી મહેનત નકામી સાબિત થઈ હતી અને સર્વેશ્રેષ્ઠ ગ્રાફિક ચિપ્સ વિકસિત કરવાની દોડમાં સ્પર્ધા કરવા ડઝનબંધ કંપનીઓ માટે દરવાજા ખૂલી ગયા હતા.
એનવીડિયાએ નવેસરથી પ્રયાસ શરૂ કર્યા હતા અને 1999માં ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ (જીપીયુ) લૉન્ચ કર્યું હતું. આ જીપીયુ એક માઇક્રોપ્રોસેસર છે, જેણે કમ્પ્યુટર ગેમ્સને નવેસરથી પરિભાષિત કરી છે.
એ પછી કંપનીએ જીપીયુ-એક્સેલેરેટડ કમ્પ્યુટિંગના વિકાસનું કામ સતત ચાલુ રાખ્યું છે. જીપીયુ-એક્સેલેરેટડ કમ્પ્યુટિંગ એક એવું કમ્પ્યુટિંગ મૉડલ છે, જેમાં પેરલલ ગ્રાફિક્સ પ્રોસેસરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને એનાલિસીસ, ડેટા સિમ્યુલેશન, વિઝ્યુઅલાઇઝેશન તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા, બહુ મોટા પ્રમાણમાં કમ્પ્યુટેશનલ પાવરની જરૂર હોય તેવા, પ્રોગ્રામ્સનું કામ ઝડપી બનાવે છે.
આ કામને કારણે એનવીડિયાના શૅર્સની કિંમતમાં જંગી વધારો થયો હતો અને તેની સાથે હુઆંગની વ્યક્તિગત નેટવર્થ 79 અબજ ડૉલરે પહોંચી હતી. ફોર્બ્સ સામયિકના જણાવ્યા અનુસાર, તેઓ વિશ્વના 18મા સૌથી શ્રીમંત માણસ બન્યા છે.
આ સુપર ચિપ્સના ઉત્પાદનમાં એનવીડિયાની લગભગ મોનોપોલી હોવાથી તેમાં વધુ વધારો થવાની આશા છે. આ સુપર ચિપ્સની માગ સતત વધતી રહેવાની અપેક્ષા છે.
ધ ન્યૂયૉર્કર સામયિકમાં ટાંકવામાં આવેલા વોલ સ્ટ્રીટના એક વિશ્લેષકના કથન અનુસાર, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેમાં એનવીડિયા એકમાત્ર શસ્ત્ર વિક્રેતા છે.”
જેન્સેન હુઆંગનું કિસ્મત સતત ચમકતું રહેશે એવું લાગે છે.