You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ XYZ ફૉર્મ્યુલા જે ગૂગલ જેવી મહાકાય કંપનીમાં નોકરી મેળવવામાં કામ લાગી શકે
- લેેખક, ક્રિસ્ટીના જે. ઓર્ગઝ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
ગૂગલ દુનિયાની ટોચની કંપનીઓમાં આવે છે અને આઈટી ક્ષેત્રે કામ કરતા લોકો જ નહીં વિવિધ ક્ષેત્રમાં સ્કિલ્સ હાંસલ કરેલા લોકો ગૂગલ જેવી કંપનીમાં પડાપડી કરે છે.
એટલે જ વર્ષ દરમિયાન આ અમેરિકન ટેકનૉલૉજી કંપનીમાં લાખો જૉબ ઍપ્લિકેશન આવે છે.
નોકરી માટેની તેની ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ખૂબ અઘરી અને થકાવી નાખનારી હોય છે. પરંતુ આ કંપની તેના કર્મચારીઓ સાથે જે પ્રકારનો વ્યવહાર કરે છે, જે પ્રકારના લાભો આપે છે તેના કારણે લોકો તેના તરફ આકર્ષાય છે.
પરંતુ ગૂગલમાં નોકરી કરવાનું સપનું પૂરું કરવા માટે ઉમેદવારે પ્રતિસ્પર્ધીઓથી ભરેલા બજારમાં અન્યોથી જુદા પડે તેવી ક્ષમતા દર્શાવવી પડે છે.
ઉમેદવાર ઇન્ટરવ્યૂના તબક્કા સુધી પહોંચે તે પહેલાં એ જરૂરી છે કે તેનો રેઝયૂમે કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટના ધ્યાને આવે.
ગૂગલમાં નોકરીએ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે જવાબદાર રિક્રૂટિંગ ટીમનો દાવો છે કે આ XYZ ફૉર્મૂલાનો ઉપયોગ કરીને તમે તમારી પસંદગી થવાના ચાન્સ વધારી શકો છો.
તમારી કારકિર્દી દરમિયાન મેળવેલી સફળતાઓને હાઇલાઇટ કરવા માટે રેઝ્યૂમ લખવાની આ પદ્ધતિ કારગત છે. તમે આ પદ્ધતિથી તમારો રેઝ્યૂમે વધુ પ્રભાવશાળી બનાવી શકો છો.
વાંચવામાં સરળ, બે પાનાંથી વધારે લાંબો નહીં- આ એવી ભલામણો છે કે જેનું પાલન કરવાથી તમારો રેઝ્યૂમે અલગ તરી આવે. તેનાથી દેખાય છે કે તમે કઈ રીતે અન્ય કંપનીઓમાં કામ કરીને તમારો પ્રભાવ છોડયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતો એવું સૂચન કરે છે કે ‘હાલનું કામ સૌથી ઉપર અને સૌથી પહેલું કામ છેલ્લે’ - રેઝ્યૂમેમાં એ ક્રમનું પાલન કરવું જોઈએ. કારણ કે તેનાથી તમે તમારી પ્રગતિ સરળતાથી રજૂ કરી શકો છો.
XYZ ફૉર્મૂલા શું છે?
"જે પ્રોજેકટ પર તમે કામ કર્યું છે અથવા તો તમે સંચાલન કર્યું તેના વિશે ખૂબ ચોકસાઈથી લખવું જોઈએ.” જ્યારે તમને શંકા જાય, ત્યારે આ XYZ પેટર્નને વળગી રહેવું જોઈએ એવું ગૂગલ તેના બ્લૉગ પર કહે છે.
આ ફૉર્મૂલા આ રીતે કામ કરે છે.
- X = તમે મેળવેલાં પરિણામો અને સફળતાઓ, તમે શું મેળવ્યું?
- Y = તમે મેળવેલ સફળતાઓને કઈ રીતે માપી શકો છો? તેનાથી શું અસર થઈ?
- Z = તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટેની યાત્રાને ક્રમવાર સમજાવવી. તમે કઈ રીતે તેને હાંસલ કર્યું?
આ ફૉર્મૂલા એટલે અસરકારક છે કારણ કે તે પરિણામો પર કેન્દ્રિત છે.
તમે શું મેળવ્યું છે એ બતાવવું, તમારી સફળતાને તમે કઈ રીતે માપો છો એ બતાવવું, અને ત્યાં સુધી તમે પહોંચવા કેવા પગલાં લીધાં એ કહેવું – આ ફૉર્મૂલાનો મુખ્ય આધાર છે.
કંપનીમાં નોકરી માટે ભર્તીઓ કરનાર લોકોને તમારે આ માહિતી જણાવવી મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેનાથી તેમને તમારી આવડત અને અનુભવને સમજવામાં મદદ મળે છે.
ગૂગલ રીક્રૂટર્સ દ્વારા બનાવવામાં આવેલા યુટ્યૂબ વીડિયોઝમાં રહેલા ઉદાહરણો પરથી આ પ્રક્રિયાને આસાનીથી સમજી શકાય છે.
ઉદાહરણ તરીકે, ધારો કે આવેદન કરનાર એક વ્યક્તિ એવું સમજાવવા ઇચ્છે છે કે તેણે એક ડેવલોપર ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
તો ગૂગલ પ્રમાણે તેણે આ રીતે સમજાવી શકાય:
સારું: "હું હૅકેથૉનમાં બીજા સ્થાને આવ્યો."
તેનાથી સારું: "હું એ હૅકેથૉનમાં બીજા સ્થાને આવ્યો જેમાં 50 ટીમો ભાગ લઈ રહી હતી."
શ્રેષ્ઠ: "હું એ હૅકેથૉનમાં બીજા સ્થાને આવ્યો જેમાં પચાસ ટીમો ભાગ લઈ રહી હતી. મેં મારા બે સાથીઓ સાથે મળીને એક એવી ઍપ્લિકેશન બનાવી હતી કે જે મોબાઇલ કૅલેન્ડર્સને સિંક કરવાનું કામ કરે છે."
ગૂગલની થોડી ટિપ્સ:
ચોક્કસ બનો: માત્ર એવું ન કહો કે "વેબસાઇટ પરનો ટ્રાફિક વધાર્યો" પણ એવું કહો કે "તમે વેબસાઇટ પરનો ટ્રાફિક કેટલો વધાર્યો અને તેનાથી શું ફર્ક પડ્યો અથવા તો તમે તેને કઈ રીતે માપ્યો."
આંકડાઓનો ઉપયોગ કરો: આંકડાઓની મદદથી તમે તમારી ઉપલબ્ધિઓથી તેમને વધુ આકર્ષિત કરી શકો છો.
સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં રજૂઆત કરો: ઍકશન વર્ડ્સનો ઉપયોગ કરો અને એવા શબ્દોનો ઉપયોગ ટાળો કે જે બીજા માટે સમજવા મુશ્કેલ બને.
કીવર્ડ્સનો ઉપયોગ કરો: તમે જે જૉબ માટે આવેદન કરી રહ્યા છો તેના સંબંધિત કીવર્ડ્સનો ઉપયોગ કરો.
પહેલાં કરેલું કામ
ટેકનૉલૉજી જાયન્ટ મનાતી કંપનીએ અમુક પ્રશ્નો તૈયાર કર્યા છે જે તેની આવેદન પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં પૂછવામાં આવે છે અને આવેદકોને તેમના પર વિચારો રજૂ કરવા કહેવાય છે.
નિષ્ણાતો માને છે કે આ તકને કારણે તમે તમારી કૅરિયરને ક્યાં લઈ જવા માગો છો તે દર્શાવવામાં તમને મદદ મળે છે.
- તમે એવી કઈ એક વસ્તુ શીખી છે જેણે પછી તમારા જીવનમાં આવેલી બધી વસ્તુઓ સરળ બનાવી દીધી?
- તમારી સફળતાઓ પાછળ તમારા એકના જ પ્રયત્નો રહેલા છે કે તમે કોઈની સાથે મળીને ગ્રૂપમાં સફળતાઓ મેળવી છે? તમને મળેલી સફળતાઓ પાછળ શેનો ફાળો વધુ છે?
- તમને સૌથી વધુ શું ગમે છે? સમસ્યાઓ ઊકેલવી કે ચર્ચાઓને પ્રોત્સાહન આપવું?
- જેનાથી તમને સૌથી વધુ ફાયદો થયો હોય એવી કોઈ જૉબ તમે કરી છે?
- તમે જેમની સાથે કામ કર્યું હોય તેવી શ્રેષ્ઠ ટીમનું વર્ણન કરો. એ અનુભવને કારણે તમે અન્ય લોકોથી કઈ રીતે અલગ પડો છો?
જવાબો તૈયાર કરતી વખતે તમે ઉદાહરણો તૈયાર રાખો. ક્યાં? ક્યારે? કઈ રીતે? તમે તમારી આવડતનું પ્રદર્શન કર્યું એ બધી બાબતોનાં ઉદાહરણો તમને જૉબ ડિસક્રિપ્શનમાં મળી રહેશે.
તમારી સફળતાઓ આસપાસ ગૂંથેલી આ નાની વાર્તાઓ અને પહેલાંના અનુભવો તમારી પહેલાંની જૉબનું મહત્ત્વ શું હતું એ રજૂ કરે છે. જો તમને પસંદ કરવામાં આવે તો તમે શું કરી શકો તેની પણ ઝાંખી રજૂ કરે છે.
"તમારી આવડત, રસ અને લક્ષ્ય એ તમારા જીવન, અનુભવો, સફળતાઓ અને નિષ્ફળતાનું પરિણામ હોય છે." ગૂગલ કહે છે.
"જો અમે તમને તમારી આવડતના બળે પસંદ કરીએ તો અમને યોગ્ય ઉમેદવાર મળે છે. જો અમે તમને તમારી આવડત, તમારું ઝનૂન, તમારા દ્રષ્ટિકોણ, તમારા અલગ-અલગ અનુભવોના આધારે પસંદ કરીએ તો જ અમને ‘ગૂગલર’ મળે છે. અને અમને એ જ જોઈએ છે"