You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગૂગલ-જિયો રોકાણની કહાણી, સુંદર પિચાઈ ભારતમાં કેમ મોકલી રહ્યા છે અબજો ડૉલર?
- લેેખક, અપૂર્ણ કૃષ્ણ
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વવિખ્યાત ટેક કંપની ગૂગલે ભારત માટે એક સ્પેશિયલ ફંડ બનાવ્યું છે- ગૂગલ ફૉર ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડ. તે આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં 10 અબજ ડૉલર એટલે કે અંદાજે 750 અબજ ડૉલરનું મોટું રોકાણ કરશે.
તો ગૂગલ શું કરશે? કોઈ અન્ય કંપનીમાં પૈસા રોકશે, કે કોઈ કંપની સાથે ભાગીદારી કરશે? જેવી રીતે ફેસબુકે રિલાયન્સ જિયો સાથે કર્યું?
આ અંગે કંપનીના સીઈઓ સુંદર પિચાઈને જ્યારે અખબાર ઇકૉનૉમિક્સ ટાઇમ્સે પૂછ્યું તો કહ્યું, "અમે ચોક્કસ રીતે બંને તરફની શક્યતાઓને જોશું. અમે બીજી કંપનીમાં પૈસા લગાવીશું, જે અમે પહેલાંથી પોતાના એકમ ગૂગલ વેન્ચર્સના માધ્યમથી કરી રહ્યા છે. પણ ચોક્કસ રીતે આ ફંડ જેટલું મોટું છે, તેમાં એ શક્યતા પણ છે કે અમે બીજી કંપનીઓમાં પણ રોકાણ કરીશું."
તો સુંદર પિચાઈ હજુ સુધી બધાં પત્તાં ખોલ્યાં નથી કે તેઓ શું કરશે.
આથી કેટલાક પાયાના સવાલો થઈ રહ્યા છે-
- ગૂગલ ક્યાં પૈસા રોકવા જઈ રહી છે?
- રોકાણ છે, તો તેનું રિટર્ન પણ આવશે. કોના ખિસ્સાથી ગૂગલની તિજોરી ભરાશે?
- અને ખિસ્સું હળવું કરનારને બદલામાં શું મળશે?
- તેની સામાન્ય લોકો પર કોઈ અસર થશે, કે માત્ર તકનીકી કંપનીઓના કામના સમાચાર છે?
- શું આમાં કંઈ એવું છે કે લોકોએ સતર્ક રહેવું જોઈએ?
આ કેટલાક જરૂરી સવાલો છે જેને સમજતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે હાલના સમયમાં ગૂગલ ભારતમાં પૈસા રોકવાનું એલાન કરનારી એકમાત્ર દિગ્ગજ કંપની નથી.
ગૂગલ પહેલાં આ વર્ષે એમેઝોને ભારતમાં એક અબજ ડૉલરના રોકાણની જાહેરાત કરી હતી. એ પહેલાં તેણે પાંચ અબજ ડૉલરના રોકાણનું એલાન કર્યું હતું.
બાદમાં ફેસબુકે રિલાયન્સ જિયોમાં 5.7 અબજ ડૉલર લગાવવાનું એલાન કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અને ગત મહિને માઇક્રોસોફ્ટના રોકાણ એકમ એમવનટુએ કહ્યું કે તેઓ ભારતમાં રોકાણની શક્યતા માટે પોતાની એક ઑફિસ ખોલશે, જેમાં મુખ્ય રીતે બિઝનેસ-ટૂ બિઝનેસ સોફ્ટવેર સ્ટાર્ટઅપ કંપનીઓ પર ધ્યાન અપાશે.
ભારત કેમ?
તેનો સીધો જવાબ છે- બજાર. જોકે બજારમાં તો ભારતમાં પહેલાં પણ હતું. પછી અચાનક આ સમયે આ મોટી કંપનીઓમાં અહીં પૈસા કેમ રોકી રહી છે?
જાણકારો કહે છે કે ભારતમાં હવે આ બજાર બદલાઈ રહ્યું છે. ખાસ કરીને ડિજિટલ ક્રાંતિ અને સ્માર્ટ ફોન ક્રાંતિ આવ્યા બાદ.
અખબાર ફાયનાન્સિયલ એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ એડિટર અને તકનીકી મામલાના જાણકાર ઋષિ રાજ કહે છે કે છેલ્લા કેટલાક સમયમાં એ જોવા મળ્યું છે કે આ કંપનીઓનાં કામમાં એક કન્વર્જેન્સની સ્થિતિ નજરે આવી રહી છે.
ઋષિ રાજ કહે છે, "હવે એક જ કંપની ટેલિકૉમ સેવા આપે છે, એ જ એન્ટરટેઇન્મેન્ટ પણ આપે છે, ઈ-કૉમર્સ પણ કરે છે, એ જ ઈ-પૅમેન્ટનું માધ્યમ છે, એ સર્ચ એન્જિનનું કામ પણ કરે છે, નેવિગેશનનું કામ પણ કરે છે. પહેલાં પણ કન્વર્જેન્સની વાત થતી હતી, પણ પહેલાં એ મોટા પાયે થતી હતી કે ટીવી-મોબાઇલનું કન્વર્જેન્સ થશે, પણ તેનો વિસ્તાર બહુ વધી ગયો છે."
ટેકનૉલૉજી અને તેની સાથે જોડાયેલા મામલાના જાણકાર વરિષ્ઠ પત્રકાર માધવન નારાયણ કહે છે કે ઇન્ટરનેટ સુપરમાર્કેટ બની ગયું છે, જ્યાં સોફ્ટવેર પણ વેચાય છે. કૉન્ટેન્ટ પણ.
તેઓ કહે છે, "જેમ કે એમેઝોન હવે પોડ્યુસર બની ગઈ છે, ત્યાં ફિલ્મો રિલીઝ થઈ રહી છે, ફેસબુકની તો વાત જ અલગ છે, મિત્રતાથી લઈને ધંધો સુધી થઈ રહ્યો છે."
માધવન નારાયણ કહે છે, "કૉન્ટેન્ટ, કૉમર્સ, કનેક્ટિવિટી અને કૉમ્યુનિટી- આ ચાર સી ઇન્ટરનેટમાં ઉપલબ્ધ છે. અને આ ફેંગ એટલે ફેસબુક, એમેઝોન, નેટફ્લિક્સ અને ગૂગલ- તેમાં આ ચારેય ઉપલબ્ધ છે. નેટફ્લિક્સને થોડી અલગ કરી દઈએ તો બાકીની ત્રણ કંપનીઓ નાના વ્યવસાયોનું કામ કરી રહી છે, જ્યાં તમે એડવર્ટાઇઝ પણ કરી શકો છે. તેનાં સોફ્ટવેર પણ ભાડે લઈ શકો છો, જેમ કે વીડિયો કૉન્ફરન્સ વગેરે. આ ત્રણ કંપનીઓ ક્યાંક ને ક્યાંક બધાને સ્પર્શી રહી છે- પછી યૂટ્યૂબ હોય, ઓલા-ઉબેર હોય કે ડિજિટલ ક્લાસ."
તેઓ કહે છે કે જ્યારે ભારતમાં આટલી મોટી વસતી અને બજારનું મિશ્રણ હોવાથી સ્વાભાવિક છે કે મોટી કંપનીઓ તેમાં રસ લેશે.
ઇન્ટરનેટનો ફેલાવો અને વધતી કમાણી
ભારતની એક અબજ 30 કરોડની વસતીમાં મોબાઇલ ફોન લગભગ એક અબજ હાથમાં પહોંચી ચૂક્યો છે. પણ તેમાં 40થી 50 કરોડ લોકો એવા છે, જેમની પાસે સામાન્ય ફીચર ફોન છે, જેમાં ઇન્ટરનેટ નથી. જોકે ફીચર ફોન અને સ્માર્ટફોનનું અંતર સતત ઘટી રહ્યું છે.
માધવન નારાયણ કહે છે કે આ સંખ્યા આગામી ચાર-પાંચ વર્ષમાં આરામથી બમણી થઈ જશે, કેમ ફોન સસ્તા થઈ રહ્યા છે અને ડેટા પ્લાન પણ.
ઋષિ રાજ કહે છે કે "આ જે 60 કરોડ ઇન્ટરનેટ સ્માર્ટફોન ગ્રાહક છે, તે મોબાઇલ ઑપરેટરો પાસે છે અને તેમના માધ્યમથી જ એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ જેવી કંપનીઓની સામગ્રીઓ ગ્રાહકો સુધી પહોંચી રહી છે."
તેઓ કહે છે, "મારા મતે ગૂગલને એ આભાસ થઈ ગયો છે કે આ જ સમય છે કે ભારતમાં તેઓ પહેલેથી ઉપલબ્ધ પોતાની સેવાઓનું કોઈ પણ કંપની સાથે ટાઇ-અપ કરી લે, તો તેઓ જે પૈસા લગાવશે એ કોઈને કોઈ રીતે ગ્રાહકો સુધી પહોંચશે, જેથી તે કોઈને કોઈ રીતે કમાણી પણ કરી શકે. જે હજુ સુધી થઈ શકતું નહોતું."
ડેટાનો ભંડાર અને ચિંતાઓ
ગૂગલ જેવી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓના ભારત તરફના વલણનું એક મોટું કારણ છે ડેટા, જે ભારતમાં આરામથી એકઠો કરી શકાય છે.
ઋષિ કહે છે, "આ કંપનીઓ ભારતમાં એટલા માટે આવે છે કે તેમને અહીં ડેટા મળી રહે છે અને ડેટા પ્રોફાઇલિંગથી કંપનીઓ પાસે એક મોટો ભંડાર બની જાય છે, જેનાથી તેઓ ગ્રાહકોની આદતોની જાણ કરી શકે છે, માર્કેટ રિસર્ચ કરી શકે છે."
પરંતુ તેનાથી ફરીથી ચિંતા પેદા થઈ છે કે ક્યાંક આ ડેટાનો ખોટો ઉપયોગ તો નહીં થવા લાગે ને?
ઋષિ કહે છે કે સૌથી મોટી પરેશાનીની વાત એ છે કે જે ગતિથી આ કામ વધી રહ્યું છે, એ હિસાબે ડેટાના વૉચ અંગે, તેને સુરક્ષિત અંગે, તેના એકાધિકારને નિયંત્રિત કરવા અંગે કોઈ કામ થયું નથી.
તેઓ કહે છે, "તેનું કોઈ માધ્યમ કે પ્રક્રિયા જ નથી, તો મંજૂરી કે નામંજૂરી કેવી રીતે આપશે? તેના પર કામ થઈ રહ્યું છે, પણ ધીમી ગતિથી અને પહેલાં આપણે જોયું છે કે પ્લેયર જો બહુ મોટો થઈ જાય તો જે રેગ્યુલેશન આવે છે, એ નબળું જ આવે છે."
માધવન પણ કહે છે, "ડેટાને ક્યાં અને કેવી રીતે રાખવામાં આવે, તેને લઈને આવનારા દિવસોમાં રિલાયન્સ-જિયો અને ગૂગલ-ફેસબુક-એમેઝોન જેવી કંપનીઓ સાથે ટકરાવ થઈ શકે છે."
જોકે માધવન કહે છે કે નિજતાની રક્ષાના નામે આવનારા દિવસોમાં માર્કેટમાં પ્રતિબંધ ના લાગે, કદાચ તેને ધ્યાનમાં રાખીને આ કંપનીઓ એ દર્શાવવાની કોશિશ કરી રહી છે કે અમે આ ડેટાનો ઉપયોગ માત્ર જાહેરાત માટે કરીશું, ન કે નિજી જીવનમાં દખલ દેવા માટે.
છબિની ચિંતા
ગૂગલ જેવી મોટી કંપનીઓનું ભારતમાં મોટા પાયે રોકાણ કરવાનું એક કારણ એ પણ દર્શાવવાનું છે કે તે ભારતને માત્ર એક બજાર નથી માનતું.
માધવન નારાયણ કહે છે, "આ કંપનીઓ ઇચ્છે કે તેમની એવી છબિ ન થાય કે તેઓ ભારતમાં માત્ર પૈસા બનાવવા આવી છે."
"એ આ વાતને સરકારો અને લોકો સુધી પહોંચાડવા માગે છે કે તેઓ આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે, ભારતમાં પૈસા લગાવવા માગે છે, તેમની એક સારી છબિ ઉપસે, જેથી તેઓ રાષ્ટ્રવાદના પગ તળે કચડાઈ ન જાય."
તેમ છતાં આ કંપનીઓ એવો પ્રયાસ કરવા માગે છે કે તેમની નજર માત્ર ગ્રાહકો પર જ નથી.
ઋષિ રાજ કહે છે, "આ કંપનીઓના ઘણા બધા પ્રોજેક્ટ એવા પણ હોય છે, જેમાં આ કંપનીઓએ સરકારો સાથે પ્રોજેક્ટ કરવાનો હોય છે, તો તેમના માટે સરકારને આ દર્શાવવું પણ જરૂરી હોય છે કે એક કંપનીએ જો રોકાણ કર્યું છે તો હું પણ પાછળ નથી, કેમ કે આવું ન કરતા સરકારી પ્રોજેક્ટોનો જે ફાયદો થાય છે, તેનાથી તેઓ ચૂકી જાય."
ટૅક્સ બચાવવાની કોશિશ તો નથી ને?
ગૂગલ કે ડિજિટલ સર્વિસ આપતી કંપનીઓ પર ટૅક્સ લગાવવાની વાત દુનિયાભરમાં ચાલી રહી છે, કેમ કે આ કંપનીઓ સર્ચ અને જાહેરાતથી સારી એવી કમાણી કરે છે, તો જાણકારો અનુસાર ભારત જેવા દેશમાં રોકાણ કરવા પાછળનો એક વિચાર આ પણ હોઈ શકે છે.
માધવન કહે છે, "જો તેઓ ભારત જેવા વધતા બજારમાં આવે છે તો તમે નફાનો એક ભાગ અહીં જ રોકી દેવા માગશો, જેનાથી તેમનો ખર્ચ વધી જશે, તેમનું કામ પણ ફેઇલ જશે અને સાથે જ ટૅક્સ પણ ઓછો દેવો પડશે."
તો તેમાં કોઈ ચિંતાવાળી વાત તો નથી ને?
માધવન કહે છે કે આ ઇન્ડસ્ટ્રી એવી છે, જેમાં ઉતાવળમાં આરોપો લગાવવા યોગ્ય નથી, ઉતાવળમાં ઉછળકૂદ કરવી પણ યોગ્ય ન કહેવાય.
તેઓ કહે છે, "ચિંતા કરવાની કોઈ વાત નથી, પણ ચિંતન જરૂર થવું જોઈએ. ગરબડ તો ભારતીય કંપનીઓ પણ કરે છે, કરજ લઈને લોકો ભાગી જાય છે, ટૅક્સચોરી કરે છે, પણ આ આંતરરાષ્ટ્રીય કંપનીઓ એવી નથી હોતી."
"તેમ છતાં એ સમાજસેવા કરવા તો નથી આવી, આથી હાથ મિલાવાનો છે, પણ નજર નથી ઝુકાવવાની."
ઋષિ કહે છે કે આ કંપનીઓ ભારત જેવી ઊભરતી અર્થવસ્થાવાળા દેશને લઈને ઘણી સતર્ક હશે, કેમ કે અહીં તમે કંઈ પણ સફળતાથી લૉન્ચ કરી દેશો, તેનાથી તમે ગ્રાહકો સુધી પહોંચી શકો છો, તેનાથી પૈસા બનાવી શકો છો, તો આ મૉડલ કંપનીઓ અન્ય દેશોમાં પણ જઈને દોહરાવી શકે છે.
તો ગૂગલને ભારત પર 10 અબજ ડૉલરનો પ્રેમ કેમ આવ્યો, આનો જવાબ માધવનના આ કથનથી મળી શકે છે- "ભારતના પક્ષમાં જે વાતો જાય છે, એ વાતો પર તમે ધ્યાન આપો તો ગૂગલે જે 10 અબજ ડૉલરનું રોકાણ કરશે, એ પૈસા તમને ઓછા લાગશે, તે એટલી મોટી ઇકૉનૉમી સાથે રોમાંસ કરી રહ્યા છે, તો કેટલાક પૈસા તો ફૂલો અને ચોકલેટ પર ખર્ચ કરશે જ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો