You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રિલાયન્સ : જ્યારે ધ પૉલિયેસ્ટર પ્રિન્સ પુસ્તકે અંબાણીને હચમચાવી નાખ્યા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ધીરજલાલ હીરાચંદ અંબાણી એટલે ધીરુભાઈ અંબાણી. એક એવા ગુજરાતી ઉદ્યોગપતિ, જેનું ઉદાહરણ 'શૂન્યમાંથી સર્જન' કરવા માટે આપવામાં આવે છે.
ઍડનમાં કામ કરવાથી કારકિર્દી શરૂ કરનાર ધીરુભાઈએ ભારતમાં આવીને ફૅબ્રિકયાર્નનો વેપાર શરૂ કર્યો, તેમાં સફળતા મળતાં કાપડની મિલ નાખી. તેઓ પેટ્રોકેમિકલ તથા મોબાઇલક્ષેત્ર સુધી પોતાનો વ્યાપ વિસ્તાર્યો.
આ કૅરિયર વિશેની ચર્ચા 'ઉજળું એટલું દૂધ અને પીળું એટલું સોનું' જેવી નથી રહી. આ ગાળા દરમિયાન તેમના તથા ઉદ્યોગજૂથ ઉપર સરકારી નીતિઓ અને નિમણૂકોમાં દખલના આરોપ પણ લાગ્યા છે.
ઑસ્ટ્રેલિયન પત્રકાર હમીશ મૅકડૉનાલ્ડે ધીરુભાઈના જીવન ઉપર 'ધ પૉલિયેસ્ટર પ્રિન્સ, ધ રાઇઝ ઑફ ધીરુભાઈ અંબાણી' નામનું પુસ્તક લખ્યું.
જોકે એ પુસ્તક કાયદાકીય કેસોને કારણે ભારતમાં પ્રકાશિત ન થયું, પરંતુ અન્ય રીતે તેણે ભારતીય વાચકો સુધી પગપેસારો કરી લીધો છે.
પુસ્તક પૉઝિટિવ, પુસ્તક નૅગેટિવ
પુસ્તકના લેખક હમીશ મૅકડૉનાલ્ડના કહેવા પ્રમાણે, 'મને એ વાતનું આશ્ચર્ય થયું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ધીરુભાઈ અંબાણી વિશેના પુસ્તકનો ભારતમાં પ્રકાશનનો પ્રયાસ થયો, પરંતુ દેશની અલગ-અલગ હાઈકોર્ટમાં કેસ અને ભારે ફોન કોલને કારણે પુસ્તકની આવૃત્તિ દબાઈ ગઈ.'
મૂળ ઑસ્ટ્રેલિયન મૅકડૉનાલ્ડ એ સમયે 'ફાર ઇસ્ટર્ન ઇકૉનૉમિક રિવ્યૂ'ના સંવાદદાતા હતા અને બાદમાં 'સિડની મૉર્નિંગ હેરાલ્ડ'ના ફોરેન ઍડિટર તરીકે પણ ભારતમાં રહ્યા હતા.
મૅકડૉનાલ્ડે અંબાણી વિશેનું પુસ્તક લખવાનું શરૂ કર્યું, ત્યારે ધીરુભાઈ અંબાણી પણ તેની સાથે સહમત હતા, 'અંબાણીને લાગતું હતું કે તેમની કહાણીથી યુવા ભારતીયોને પ્રેરણા મળી શકે છે, એટલે તેઓ પોતાની કહાણી કહેવા માટે તૈયાર થયા હતા.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુસ્તકનો પ્રોજેક્ટ ચાલુ હતો, તે દરમિયાન જ મૅકડૉનાલ્ડે એક લેખ લખ્યો, જે અંબાણી પરિવારને 'બદનક્ષીજનક' જણાયો, એટલે લેખક તથા અંબાણી પરિવારના સંબંધમાં ખટાશ આવી ગઈ.
મૅકડૉનાલ્ડના કહેવા પ્રમાણે, "જેમણે વાત કરવાની તૈયારી દાખવી હતી, તેઓ ખસી ગયા અને નામ ન આપવાની શરતે વાત કરવા તૈયાર થયા."
આજે આ પુસ્તકને ધીરુભાઈ અંબાણીની 'અનૌપચારિક આત્મકથા' સમાન માનવામાં આવે છે.
ઑસ્ટ્રેલિયામાં પુસ્તકનું પ્રકાશન
મૅકડૉનાલ્ડના પુસ્તક 'પૉલિયેસ્ટર પ્રિન્સ'નું ભારતમાં પ્રકાશન ન થયું, પરંતુ 1999માં તેનું ઑસ્ટ્રેલિયામાં પ્રકાશન શક્ય બન્યું.
'ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ' અને 'ઇન્ડિયા ટુડે' જેવાં અખબારો અને સામયિકોએ આ પુસ્તકનો રિવ્યૂ કર્યો, જેમાં ચાંદીના ચલણી સિક્કાને ગાળીને તેને બુલિયન બજારમાં વેચવા કે એલ. ઍન્ડ ટી. (લાર્સન ઍન્ડ ટુબ્રો)ને ખરીદવા માટે કેવા પ્રયાસ કરવામાં આવ્યા એવા કિસ્સાને ટાંક્યા.
'ન્યૂયૉર્ક ટાઇમ્સ' લખ્યું, "ભારતમાં બે દાયકાથી અંબાણી ખૂબ જ વિવાદાસ્પદ અને શક્તિશાળી શખ્સ છે. જેમની ઔદ્યોગિક મહત્ત્વકાંક્ષા દિલ્હીમાં બેઠેલાઓની રાજકીય તથા બાબુશક્તિ સાથે સંકળાયેલી છે."
"દિલ્હી એવું શહેર છે, જ્યાં નાણાંથી ભરાયેલી સૂટકેસએ નિર્ણયપ્રક્રિયાનો અનિવાર્ય ભાગ છે."
પુસ્તકનું પ્રકાશન હાર્પર કૉલિન્સ ઇન્ડિયાએ હાથ ધર્યું હતું, પ્રકાશનગૃહના તે સમયનાં વડાં રેણુકા ચેટરજીના કહેવા પ્રમાણે, "દિલ્હીની અદાલતમાંથી પુસ્તક વિરુદ્ધનો સ્ટે લીધા બાદ અંબાણીએ કહ્યું કે તેઓ અન્ય રાજ્યોમાં પણ કેસ દાખલ કરશે અને કેસ કરવાની ધમકી આપી. એટલે હાર્પરે પુસ્તક પાછું ખેંચી લીધું."
મૅકડૉનાલ્ડના કહેવા પ્રમાણે, પુસ્તકનું પ્રકાશન ન થવાને કારણે તેઓ હતાશ થયા અને તેમને લાગ્યું હતું કે પુસ્તકના પ્રકાશન બાદ કેસ થયો હોત, તો વાંધો ન હતો.
તેમના મતે, "પુસ્તક વેચાણ માટે પહોંચે તે પહેલાં તેની ઉપર કેસ થવો વાણી સ્વાતંત્ર્યના અધિકારના ભંગ સમાન છે."
જોકે, બાદમાં આ પુસ્તક ઇન્ટરનેટના માધ્યમથી લોકો સુધી પહોંચી અને તેની પાઇરેટેડ પ્રતો ફૂટપાથ પર વેચાવા લાગી.
અંબાણી ઍન્ડ સન્સ
લગભગ એક દાયકા બાદ મૅકડૉનાલ્ડનું વધુ એક પુસ્તક 'અંબાણી ઍન્ડ સન્સ' આવ્યું, જેમાં ઉદ્યોગગૃહના વિભાજન પછીની વાત હતી.
ઍમેઝોન ઉપર પુસ્તકના વિવરણ પ્રમાણે, "આ માત્ર અંબાણીની કહાણી નથી, પરંતુ આધુનિક ભારતની વાત છે, માત્ર ઇકૉનૉમિક પાવરહાઉસ તરીકે જ નહીં, પરંતુ સરકાર અને મોટા ઉદ્યોગગૃહો વચ્ચેના જટિલ સંબંધોની વાત છે."
આ ગાળા દરમિયાન ઘણું પરિવર્તન આવી ગયું હતું. રિલાયન્સનું વિભાજન 'રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ' તથા 'અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ' (ADAG) એમ બે કંપનીમાં વિભાજન થઈ ગયું હતું.
રિલાયન્સના પેટ્રોકેમિકલ ઉદ્યોગનું સ્વામીત્વ મોટા દીકરા મુકેશને મળ્યું, જ્યારે નાના દીકરા અનિલે ADAGની કમાન સંભાળી, જેની હાજરી ટેલિકોમ તથા મનોરંજન અને વીજવિતરણક્ષેત્રે રહી.
મૅકડૉનાલ્ડના કહે છે, "જોકે અંબાણીના પુત્રોએ પુસ્તકની સુધારેલી આવૃત્તિ 'અંબાણી ઍન્ડ સન્સ' સાથે એવું ન કર્યું અને એ પુસ્તકની સફળતા કે નિષ્ફળતાને તેની ગુણવત્તા ઉપર છોડી દીધી."
આ સિવાય મૅકડૉનાલ્ડે અંબાણી પરિવાર ઉપર વધુ એક પુસ્તક 'મહાભારત ઇન પૉલિયેસ્ટર: મૅકિંગ ઑફ વર્લ્ડ્સ રિચેસ્ટ બ્રધર્સ ઍન્ડ ધેર ફ્યૂડ' પુસ્તક લખ્યું છે.
બિઝનેસ'ગુરુ' પર ફિલ્મ
જાન્યુઆરી-2007માં 'ગુરુ' નામની ફિલ્મ આવી. આ ફિલ્મ કથિત રીતે ધીરુભાઈ અંબાણીના જીવન ઉપર આધારિત હતી. જેમાં 'એક ગ્રામીણ, એક દૂરદૃષ્ટા અને એક વિજેતા'ની વાત છે.
આ ફિલ્મમાં અભિષેક બચ્ચને શિર્ષક ભૂમિકા ભજવી, જ્યારે ઐશ્વર્યા રાયે તેનાં પત્નીની ભૂમિકા ભજવી. આ ફિલ્મનું દિગ્દર્શન મણિરત્નમે કર્યું હતું.
અનીલ અંબાણીની કંપની રિલાયન્સ ઍન્ટરટેઇન્મૅન્ટે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મની રિલીઝ બાદ અભિષેક તથા ઐશ્વર્યા રાયે લગ્ન કરી લીધાં.
ફિલ્મના એક સીનમાં 'ક્યાં નામ થા તેરા?'ના જવાબમાં અભિષેક બચ્ચન કહે છે, 'થા નહીં, હૈ ઔર રહેંગા, ગુરુકાંત દેસાઈ.'
કદાચ આ વાત ભારતીય ઉદ્યોગજગતના સંદર્ભમાં ધીરુભાઈ અંબાણીના નામ માટે પણ એટલી જ સાચી ઠરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો