You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્ટુડન્ટ વિઝા પરનો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પે ફેરવ્યો, વિદ્યાર્થીઓને મોટી રાહત
અમેરિકામાં ભણનારાં જે વિદ્યાર્થીઓનો ક્લાસ ઑનલાઇન ચાલતો હશે તેમને એમના દેશમાં પાછા મોકલવામાં આવશે એ યોજના પર ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફેરવી તોળ્યું છે અને તેનાથી હજારો વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.
ગત અઠવાડિયે ટ્રમ્પ સરકારે જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓનું ભણવાનું પૂરી રીતે ઑનલાઇન ચાલી રહ્યું હોય એમને અમેરિકા પરત મોકલી દેશે.
અનેક લોકોએ આનો વિરોધ કર્યો હતો તો હાર્વર્ડ યુનિવર્સિટી અને મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી અદાલતમાં નિર્ણય રદ કરાવવા અરજી કરી હતી.
મૈસાચુસેટ્સના ડિસ્ટ્રિક્ટ જજ એલિસન બરોએ કહ્યું કે હવે તમામ પક્ષોમાં સમજૂતી થઈ ગઈ છે.
ન્યૂ યોર્ક ટાઇમ્સ મુજબ સમજૂતીને આધારે માર્ચમાં લાગુ કરવામાં આવેલી નીતિ ફરી લાગુ કરાઈ છે એટલે હવે ઑનલાઇન ક્લાસમાં ભણી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં કાયદેસર રહી શકે છે.
સુનિતા યાદવને ધમકી, પોલીસ પ્રોટેકશન અપાયું
સુરતમાં વિવાદમાં આવેલા લોકરક્ષક દળના પોલીસ કૉન્સ્ટેબલ સુનિતા યાદવે કહ્યું છે કે રાજ્ય સરકારના મંત્રી કિશોર કાનાણીના પુત્ર સાથે રકઝકના મામલા બાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે.
સુનિતા યાદવે એમ પણ કહ્યું કે તેમણે પોલીસ ફોર્સમાંથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું છે.
ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે સુનિતા યાદવે કહ્યું કે ધમકીના ફોન ગુજરાત બહારથી આવી રહ્યા છે અને આ બાબતે તેમણે પોલીસ રક્ષણ માટે સુરત પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો છે. અહેવાલ પ્રમાણે સુરત સિટી પોલીસે લોકરક્ષક દળ કૉન્સ્ટેબલ સુનિતા યાદવને પ્રોટેક્શન પૂરુ પાડ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજીનામું આપવા વિશે સુનીતા યાદવે કહ્યું કે, તેઓ દબાણમાં હતા અને પોતાના રાજીનામું આપવાની ઇચ્છા વિશે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ હવે આઈપીએસ ઑફિસર બનવાની તૈયારી કરવા માગે છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં વરાછા વિસ્તારમાં ફરજ દરમિયાન સુનિતા યાદવની કર્ફ્યુ ભંગના મામલે ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્ય રાજ્ય મંત્રી કિશોર કાનાણીના પુત્ર સાથે રકઝક થઈ હતી. આ મુદ્દે બેઉ પક્ષો એકબીજા પર ગેરવર્તનનો આક્ષેપ કરે છે.
અમેરિકાએ હૉંગકૉંગને આપેલો ખાસ દરજ્જો રદ કર્યો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે હૉંગકૉંગના અમેરિકા સાથેના ખાસ દરજ્જાને રદ કરવાનો આદેશ આપ્યો છે અને હૉંગકૉંગમાં રાજકીય વિરોધપ્રદર્શનને દમનપૂર્વક અટકાવવા માટે જવાબદાર ચાઇનીઝ અધિકારીઓ પર પ્રતિબંધો લાદતા ઠરાવ પર પણ સહી કરી છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે પ્રમુખ ટ્રમ્પના આ નિર્ણય બાદ વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે તણાવ વધી ગયો છે.
પ્રમુખ ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે અમેરિકામાં અન્ય કોઈ પણ પ્રમુખ કરતા તેમણે ચીન સામે વધુ કડક પગલાં લીધાં છે.
અમેરિકા 1992ના કાયદા મુજબ હૉંગકૉંગને ચીનના એક અર્ધ સ્વાયત્ત આર્થિક વિભાગ તરીકે ગણતું હતું પરંતુ હવે આ આદેશ બાદ હૉંગકૉંગને ચીનનો જ એક ભાગ ગણવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હૉંગકૉગમાં ચીન નવો સુરક્ષા કાયદો લાગુ કરતા તેનો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ થઈ રહ્યો છે.
અનેક અઠવાડિયા સુધી કોરોના વાઇરસ મહામારી અને હૉંગકૉંગ મામલે ચીન પર આરોપ લગાવ્યા બાદ મંગળવારે પ્રમુખ ટ્રમ્પે આ ઠરાવને મંજૂરી આપી હતી.
કેરળમાં સોનાંની દાણચોરીનો છેડો મંત્રી-અધિકારીઓ સુધી
કેરળના મંત્રી કે ટી જલીલ અને વરિષ્ઠ આઇએએસ અધિકારી એમ શિવશંકર સોનાંની દાણોચોરી મામલાના આરોપીઓ સાથે સંપર્કમાં હોવાની માહિતી સામે આવ્યા પછી રાજ્યમાં સીપીઆઈ(એમ)ના નેતૃત્વ વાળી સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે.
એમ શિવશંકરને હાલમાં જ મુખ્ય મંત્રીના અગ્ર સચિવના હોદ્દા પરથી હઠાવવામાં આવ્યા હતા.
ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારના અહેવાલ અનુસાર મંગળવારે કેટલીક ટીવી ચેનલોએ કૉલ ડિટેઇલ રેકોર્ડ્સ બતાવ્યા પ્રમાણે કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી કે ટી જલીલે સોનાંની દાણચોરીના હાઈ પ્રોફાઇલ બની ગયેલા મામલાના આરોપી સ્વપના સુરેશને મે અને જૂન મહિનામાં કેટલાક લાંબા ફોન કૉલ કર્યા હતા.
આની સામે મંત્રી જલીલે મીડિયાને જણાવ્યું કે તેમણે કાઉન્સેલ-જનરલ તરફથી મળેલી સૂચના અનુસાર જ ઓફિશિયલ બાબતો વિશે જ આ ફોન કૉલ્સમાં વાત કરી હતી.
રાજદ્વારી કાર્ગો મારફતે યુએઈથી 30 કિલો સોનું થિરુઅનંતપુરમ દાણચોરીથી લાવવાના ચર્ચિત મામલાની તપાસ હાલ NIA અને કસ્ટમ વિભાગ કરી રહ્યું છે.
જાહેર કરાયેલી કૉલ ડિટેઇલ્સ પ્રમાણે એમ શિવશંકર આ કેસના પ્રથમ આરોપી સરિથ પી એસ સાથે સંપર્કમાં હતા.
ચીનની કંપની ખ્વાવેના 5G ઇક્વિપમેન્ટ્સ ખરીદવા પર યૂકેમાં પ્રતિબંધ
યૂકેની મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ પર 31મી ડિસેમ્બર પછી નવા ખ્વાવે 5G ઇક્વિપમેન્ટ્સ ખરીદવા પર પ્રતિબંધ મૂકાયો છે. સાથે જ એમ પણ નિર્ણય કરાયો છે કે આ કંપનીઓએ 2027 સુધીમાં તેમના નેટવર્કમાંથી ખ્વાવે કંપનીની બધી 5G કિ્ટસ દૂર કરવાની રહેશે.
યૂકેના ડિજિટલ સેક્રેટરી ઑલિવર ડાઉડેને આ નિર્ણયની જાણકારી હાઉસ ઑફ કૉમન્સને આપી છે. સાથે જ તેમણે કહ્યું કે આ પગલાંથી દેશમાં 5G સેવાઓની શરૂઆત એક વર્ષ લંબાઇ જશે.
યૂકે તરફથી ચીનની કંપની સામેના આ પ્રતિબંધો અમેરિકાએ લાદેલા પ્રતિબંધો બાદ આવ્યા છે. અમેરિકાએ ખ્વાવે પર પ્રતિબંધો મૂકતા દાવો કર્યો હતો કે ચીનની કંપની તેમની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. જો કે ખ્વાવેએ આ દાવાને નકાર્યા છે.
ડિજિટલ સેક્રેટરી ડાઉડેને એમ પણ કહ્યું કે આ નિર્ણય લેવો સરળ ન હતો. પણ લાંબા ગાળા માટે આ નિર્ણય યૂકેના ટેલિકોમ નેટવર્ક્સ, રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર માટે યોગ્ય છે.
તેમણે ઉમેર્યું કે અગાઉના પ્રતિબંધોને ઉમેરતા ખ્વાવે સામે લેવાયેલા પગલાંનું કુલ મૂલ્ય 2 બિલિયન પાઉન્ડ સુધી થવા જાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો