રાજસ્થાનમાં ઘમસાણ સર્જનારા સચીન પાઇલટની સમગ્ર કહાણી

રાજસ્થાનના રાજકારણ પર નજર રાખનારાઓ કહે છે કે તેમનામાં જોશ છે, ઝનૂન છે અને રાજકારણમાં કંઈક કરવાનો જુસ્સો પણ.

43 વર્ષનાં સચીન પાઇલટ 2002માં કૉંગ્રેસમાં સામેલ થયા હતા ત્યાર બાદ તેઓ રાજકારણનાં પગથિયાં ચડતા ગયા.

માત્ર 23 વર્ષની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવી દેનાર સચીન પાઇલટ કૉર્પોરેટ સૅક્ટરમાં નોકરી કરવા માગતા હતા. એમને ભારતીય વાયુસેનામાં પાઇલટ પણ બનવું હતું.

પરંતુ 11 જૂન, 2000ના રોજ એક દુર્ઘટનામાં તેમના પિતા રાજેશ પાઇલટનું મૃત્યુ થયું, જેનાથી સચીન પાઇલટના જીવનની દિશા બદલાઈ ગઈ. માત્ર 20 વર્ષની રાજકીય કારકિર્દીમાં તેઓ રાજસ્થાનના ઉપમુખ્ય મંત્રીપદ સુધી પહોંચી ગયા.

જૂના કૉંગ્રેસી નેતા રાજેશ પાઇલટના પુત્ર સચીન પાઇલટના ગણના રાહુલ ગાંધીના નજીકના નેતાઓમાં થાય છે પરંતુ પોતાની જ સરકાર સામે કથિત પણે તેમણે બળવો કર્યો છે. જોકે, કૉંગ્રેસમાં આવી પરિસ્થિતિ પહેલી વખત નથી આવી.

આ અગાઉ મધ્યપ્રદેશમાં જૂના કૉંગ્રેસી નેતા માધવરાવ સિંધિયાના પુત્ર અને કૉંગ્રેસના નેતા રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કૉંગ્રેસની સરકાર સામે બળવો કર્યો હતો.

સિંધિયાએ 22 ધારાસભ્યો સાથે રાજીનામું આપ્યું હતું જેને કારણે મુખ્ય મંત્રી કમલનાથની સરકારે બહુમત ગુમાવી દીધો હતો અને સરકાર પડી ગઈ હતી.

હવે આવો જ ખતરો રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતની સરકાર સામે છે.

મુખ્ય મંત્રી અશોક ગેહલોત સાથે મતભેદ વધતાં ઉપમુખ્ય મંત્રી સચીન પાઇલટ પોતાના નજીકના ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા છે.

રાજકારણ સોનાની વાટકી નથી

પાઇલટ માટે રાજકારણનું ક્ષેત્ર કોઈ અજાણી જગ્યા નથી. ભારતીય રાજકારણમાં રાજેશ પાઇલટ એક મોટું નામ હતું, સચીનનાં માતા રમા પાઇલટ પણ ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યાં છે.

વર્ષ 1977માં યુપીના સહારનપુરમાં જન્મેલા પાઇલટનું પ્રારંભિક શિક્ષણ નવી દિલ્હીમાં ઍરફોર્સ બાલ ભારતી સ્કૂલમાં શરૂ થયું. પછી તેમણે દિલ્હીની સેન્ટ સ્ટિફન્સ કૉલેજમાં ગ્રૅજ્યુએશ કર્યું. ત્યાર પછી પાઇલટે અમેરિકા જઈ મૅનેજમૅન્ટમાં સ્નાતકોત્તર ડિગ્રી મેળવી.

કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થતાં પહેલાં સચીન પાઇલટ બીબીસીના દિલ્હીસ્થિત કાર્યાલયમાં ઇન્ટર્ન તરીકે અને અમેરિકન કંપની જનરલ મોટર્સમાં કામ કરી ચૂક્યા છે.

પરંતુ બાળપણથી જ તેઓ ભારતીય વાયુસેનાનાં વિમાન ઉડાવવાનાં સ્વપ્ન જોતા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, "જ્યારે મને ખબર પડી કે મારે દૃષ્ટિ નબળી છે તો મારૂં દિલ તૂટી ગયું કારણકે હું મારા પિતાની જેમ ઍરફોર્સમાં જવા માગતો હતો. સ્કૂલમાં બાળકો પાઇલટના નામથી મારી મજાક કરતા હતા. તો મેં માને જણાવ્યા વગર વિમાન ઉડાવવાનું લાઇસન્સ લઈ લીધું હતું."

પરંતુ જ્યારે સચીન પાઇલટે પોતાના પિતાની રાજકીય વિરાસત હાથમાં લીધી તો પિતાની જેમ જ જાતે ગાડી ચલાવીને ગામડાંમાં ફરવાનું શરૂ કર્યું હતું.

કૉંગ્રેસમાં સામેલ થયા પછી તેમની પર વંશવાદનો રાજકીય લાભ મેળવવાનો આરોપ પણ લાગ્યો અને એ મુદ્દે એમની ટીકા પણ થતી હતી.

એનડીટીવીના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું, "રાજકારણ સોનાની વાટકી નથી જે કોઈ તમારા હાથમાં આપી દે, આ ક્ષેત્રમાં તમારે તમારી જગ્યા બનાવવી પડે છે."

20 વર્ષની સફર

43 વર્ષના સચીન છેલ્લાં 20 વર્ષોથી રાજકારણમાં છે.

સચીને પોતાની રાજકીય સફર વિશે કહ્યું હતું, "જ્યારે મારા પિતા જીવિત હતા ત્યારે મેં ક્યારેય તેમની સાથે રાજકીય સફરની વાત નહોતી કરી. પરંતુ જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે જીવન એકદમ બદલાઈ ગયું."

"મેં સમજી વિચારીને રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હતો. મારા પર રાજકારણ લાદવામાં નહોતું આવ્યું. મેં જે શિક્ષણ મેળવ્યું હતું, હું તેના આધારે બદલાવ લાવવા માગતો હતો."

દલાઈ લામા પાસેથી વિનમ્રતા શીખી

દૌસા અને અજમેરના સાંસદ રહેલા પાઇલટ રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં ટોંકમાંથી ધારાસભ્ય બન્યા હતા.

ચૂંટણી કાર્યક્રમોમાં તેમણે લોકો સાથે સીધો સંપર્ક બનાવવાના પ્રયત્ન કર્યા હતા.

એક રેલી દરમિયાન જ્યારે સચીન પાઇલટ ચૂંટણી સભામાં મોડા પહોંચ્યા તો તેમણે સભામાં આવેલા લોકો પાસે માફી માગી હતી.

હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "હું દલાઈ લામાનું ઘણું સન્માન કરું છું. કોઈ પણ વ્યક્તિની અસલી તાકાત એ હોય છે કે જ્યારે તે તમારી સાથે 30 સેકંડ રહે તો તમે તેની વિનમ્રતા, ધૈર્ય અને હસતા ચેહરાને જોઈને સહજ થઈ જાઓ. તેઓ 50 વર્ષથી હસતો ચેહરો રાખીને જીવી રહ્યા છે."

સચીન પાઇલટનું લગ્ન જમ્મૂ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ફારૂખ અબ્દુલ્લાહનાં પુત્રી સારા સાથે થયું છે.

ઇન્ડિયન ટૅરિટોરિયલ આર્મીમાં અધિકારી રહેનાર સચીન પાઇલટે મુસ્લિમ પરિવારમાં લગ્ન પર કર્યા ત્યારે કહ્યું હતું કે 'ધર્મ એક વ્યક્તિગત બાબત છે.'

રાહુલ ગાંધી સાથે સંબંધ

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સૌથી નજીકના નેતાઓમાં સચીન પણ સામેલ છે.

તેઓ સ્પષ્ટ રીતે પોતાની વાત કહેવા માટે જાણીતા છે. બ્લૂમબર્ગ ક્વિંટને આપેલા ઇન્ટર્વ્યૂમાં સચીન પાઇલટે કહ્યું હતું, "હું માનું છું કે રાહુલ ગાંધી એક એવી વ્યક્તિ છે જે સમાજ માટે કંઈક કરવા માગે છે અને તેમનામાં સત્તાની ભૂખ નથી. "

રાજસ્થાનમાં સચીન પાઇલટને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા હતા પરંતુ કૉંગ્રેસ નેતૃત્વે અશોક ગહેલોતને મુખ્ય મંત્રી બનાવ્યા અને સચીન પાઇલટને રાજસ્થાન કૉંગ્રેસના વડા. જોકે, એ પછીથી બંને નેતાઓ વચ્ચે અંતર વધી ગયું.

પેરેડાઇઝ પેપર સ્ટિંગમાં બ્લૅક મની અને વિદેશમાં રોકાણમાં ભારતમાંથી જે નામો આપવામાં આવ્યાં હતાં તેમાં રાજસ્થાનમાંથી સચીન પાઇલટનું નામ પણ સામે આવ્યું હતું.

એક ઔપચારિક પ્રેસ વાર્તામાં સચીન પાઇલટે કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમનો આધાર લઈ મજાકમાં કહ્યું હતું, "આ રૂમમાં બધા લોકો બેઠા હતા, કોને ખબર હતી કે આખરે બે લોકો કરોડપતિ બની જશે."

200 ધારાસભ્યો વાળી રાજસ્થાન વિધાનસભામાં કૉંગ્રેસ પાસે 107 ધારાસભ્યો છે.

આમાં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યો પણ સામેલ છે જે પોતાની પાર્ટી છોડીને કૉંગ્રેસમાં ગયા છે.

એ સિવાય પ્રદેશના 12-13 સ્વતંત્ર ધારાસભ્યો પણ કૉંગ્રેસ સરકારનું સમર્થન કરી રહ્યા છે.

જોકે 2019માં લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ બધી બેઠકો પર હારી ગઈ હતી ત્યારે પણ અશોક ગેહલોત અને સચીન પાઇલટ વચ્ચેની અંટસ ખુલ્લી પડી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો