કોરોના વાઇરસ : 'સાહેબ, ગરીબ છું! બહાર રહું તો બીમાર પડું ને ઘરે રહું તો ભૂખે મરું'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં લૉકડાઉન થયા પછી નાની ફૅક્ટરી અને ઘરકામ કરનારા લોકો પાસે કોઈ કામ નથી. રોજ કમાઈને રોજ ખાનારા લોકોને કંઈ કામ મળતું ન હોવાથી વતનની વાટ પકડી છે.

ગુજરાતના અમદાવાદથી અનેક મજૂર રાજસ્થાન ચાલતાં જઈ રહ્યા છે. લૉકડાઉન હોવાથી સરકારે સરહદો સીલ કરી દીધી છે, બસો બંધ છે આથી મજૂરો પાસે પગપાળા જવા સિવાય કોઈ આરો નથી.

અનેક લોકો પોતાનાં બાળકો સાથે ચાલતાંચાલતાં અમદાવાદથી રાજસ્થાન જઈ રહ્યા છે.

જોકે રસ્તામાં કેટલાક પોલીસકર્મીઓ આ મજૂરોને થોડું ખાવા આપીને તેમની ભૂખ સંતોષી રહ્યા છે.

લૉકડાઉન મજૂરોની કરમકઠણાઈ

અમદાવાદની એક ફૅક્ટરીમાં મજૂરીકામ કરતાં અને વટવામાં રહેતા માંગીલાલ જોગીએ બીબીસી ગુજરાતીને તેમની વ્યથા જણાવી.

માંગીલાલે કહ્યું કે, "સાહેબ, હું ઓઢવમાં નાની ફૅક્ટરીમાં કામ કરું છું. સરકારે ફૅક્ટરી બંધ કરવાનો આદેશ આપ્યો એટલે મારી કમાણી બંધ થઈ ગઈ. હું રોજના 300 રૂપિયા કમાતો હતો પણ ફૅક્ટરી બંધ થઈ એટલે એ કમાણી બંધ થઈ ગઈ. આ 21 દિવસ બધું બંધ રહેશે તો અમારા જેવા રોજ કમાઈને રોજ ખાવાવાળાનું શું થશે? એની ખબર નથી. એટલે હું અને મારી પત્ની છોકરાઓને લઈને રાજસ્થાન જવા નીકળ્યાં છીએ."

માંગીલાલ વધુમાં કહે છે, "અમે લોકો દોઢ દિવસથી ચાલતાંચાલતાં અહીં રાજેન્દ્રનગર સુધી પહોંચી રહ્યા છીએ. ખાવાપીવાનું કંઈ છે નહીં, છોકરાંઓ ભૂખ્યાં થાય તો થોડા બિસ્કિટ ખાઈને ચલાવીએ છીએ. આખા રસ્તામાં કોઈ વાહન નથી. રાજસ્થાન જવું તો કેવી રીતે? એટલે અમે ચાલતાંચાલતાં જઈ રહ્યા છીએ."

તેઓ આગળ ઉમેરે છે, "સાથે બહુ ઓછો સામાન લીધો છે એટલે ઘરે પહોંચીએ તો બે ટંક ખાવા તો મળે. અમારી આસપાસ રહેતા લોકો પણ ગરીબ છે, એમની પાસે જ ખાવાનું નથી તો અમને ક્યાંથી ખવડાવે? છેવટે અમે બધાએ નક્કી કર્યું કે હવે અમે ચાલતાં રાજસ્થાન જ જતા રહીએ.

માંગીલાલની જેમ નાથીબહેન પણ છોકરાંઓને લઈને રાજસ્થાન જવા નીકળ્યાં છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નાથીબહેન કહે છે, "અમે દોઢ દિવસથી ચાલતાં નીકળ્યાં છીએ. છોકરાંઓ ભૂખ્યાં થાય ત્યારે અમે તેમને ગમે તે રીતે સમજાવી દઈએ છીએ અને મનાવીપટાવી તેડીને આગળ નીકળી જઈએ છીએ."

"ખાવા કાંઈ મળ્યું નથી. પણ અમને ચાલતા જોઈ પોલીસે અમને રોક્યા કે ટોળાંમાં ક્યાં જાવ છો? અમે અમારી આપવીતી કીધી એટલે પોલીસે અમને પાણી અને બિસ્કિટની વ્યવસ્થા કરી આપી છે, જેથી અમારાં છોકરાંઓની ભૂખ તો સંતોષાઈ શકે."

'જંગલના રસ્તે રાજસ્થાન પહોંચ્યા'

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઘરકામ કરતાં કાન્તિ મરુડીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સાહેબ હું અને મારી પત્ની ઘરકામ કરીને પૈસા કમાઈએ છીએ. લોકોના ઘરે કામ કરવા પોલીસ જવા દેતી નથી. થાકીહારીને રાત્રે અમે ચાલતાં અમારા ગામ જવા નીકળી ગયાં છીએ."

તેઓ કહે છે, "રસ્તામાં તો કોઈ વાહન મળતું નથી. કોઈ ટ્રક હોય તો અમે એમાં ચડીને રાજસ્થાન જતાં રહીએ પણ ટ્રકવાળા ઊભા રહેતા નથી, કારણ કે રસ્તામાં જો પોલીસ જોઈ જાય તો અમને ઉતારી દે. અમારા કેટલાય ભાઈઓ આવી જ રીતે ચાલતાં-ચાલતાં ગુજરાત અને રાજસ્થાનના જંગલના રસ્તાઓમાંથી પર્વતો ઓળંગતાં રાજસ્થાન પહોંચી ગયા છે એટલે અમે આ હિંમત કરી છે."

ગુજરાત પોલીસે ખાવાપીવાનું આપ્યું

રાજસ્થાન જતાં આ કામદારોને જોઈને સાબરકાંઠા પોલીસે પણ માનવતાની દૃષ્ટિએ એક થોડી મદદ કરી છે.

ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસકર્મીઓ આવા મજૂરોને હાઈવે પર રોકીને જમાડી રહ્યા છે.

હિંમતનગર ટ્રાફિક પોલીસના પી.આઈ. અમૃત દેસાઈએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે, "સરકારે લૉકડાઉન કર્યું છે એટલે અમે પેમ્ફલેટ વહેંચીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા."

તેઓ કહે છે, "આ દરમિયાન સંખ્યાબંધ લોકોને હાઈવે પર અમદાવાદથી ચાલીને જતાં જોયા. બાળકો સાથે જતાં લોકોને જોઈને અમને પણ દયા આવી. વાસ્તવમાં આ મજૂર લોકો ભૂખ્યાં-તરસ્યાં જઈ રહ્યાં હતાં એટલે એમને અમે અલગઅલગ પૉઇન્ટ પર ઊભા રાખીને સમજાવ્યા કે ઝુંડમાં ન જાવ."

"એમની ભૂખ અને તરસ અમારાથી ન જોવાઈ એટલે અમે નાસ્તો અને પાણી પૂરું પાડી રહ્યા છીએ. એટલું જ નહીં એમને ગામ જવામાં તકલીફ ઓછી થાય એ માટે અમારા મોબાઇલ પેટ્રોલિંગ દરમિયાન કોરોના વાઇરસથી સંક્રમિત ન થાય તે માટે બે-ચાર જણાને લઈને આગળના પૉઇન્ટ સુધી છોડી દઈએ છીએ."

પી.આઈ. અમૃત દેસાઈ કહે છે, "બીજા પોલીસ સ્ટેશનની હદ શરૂ થાય ત્યારે ત્યાંથી આગળ છોડવા વિનંતી કરીએ છીએ, કારણ કે રસ્તા બંધ હોવાથી હાઈવે પર કંઈ ખાવાપીવાની વસ્તુ મળવાની સંભાવના નથી. અમારા પોલીસ સ્ટેશનની હદ પૂરી થાય ત્યાંથી આગળ બીજા પોલીસ

સ્ટેશનવાળાને આ ગરીબોને સૂકો નાસ્તો મળે એવી વિનંતિ પણ કરીએ છીએ, જેથી એમને તકલીફ ના પડે. પરંતુ અમે આ લોકોને બિસ્કિટ અને ચવાણાથી વધારે બીજો કોઈ ખોરાક આપી શકતા નથી."

અમદાવાદથી રાજસ્થાન ચાલતાં જતાં આ મજૂરોનું કહેવું છે કે એમને એમના ગામ પહોંચી ગયા પછી ખાવાપીવાનું મળી રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો