You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇલોન મસ્કની ટેસ્લાને ટક્કર આપવા બનાવેલી કાર માટે ચીનની શાઓમીને 27 મિનિટમાં 50,000 ઑર્ડર કેમ મળ્યા?
- લેેખક, મારિકો ઑઈ અને પીટર હૉસ્કિન્સ
- પદ, બીબીસીના વ્યાપાર બાબતોના સંવાદદાતા
સ્માર્ટફૉન બનાવનારી ચીની કંપની શાઓમીએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરી દીધી છે અને તેનો ઑર્ડર લેવાનું પણ શરૂ કરી દીધું છે.
એક કાર્યક્રમમાં કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી લી જૂને કહ્યું કે કંપનીના સ્ટાન્ડર્ડ એસયુ7 મૉડલની કિંમત અંદાજે 25.34 લાખ રૂપિયા હશે. જ્યારે તેના મૅક્સ વર્ઝનની કિંમત 35.20 લાખ રૂપિયા હશે.
કંપનીનું કહેવું છે કે તેને પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કર્યા બાદ 27 મિનિટની અંદર જ 50 હજાર ઑર્ડર મળ્યા છે.
શાઓમીએ ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં એવા સમયે ઍન્ટ્રી કરી છે જ્યારે વૈશ્વિક સ્તરે કારનું વેચાણ ઘટી રહ્યું છે. તેના કારણે કિંમતો બાબતે એક નવી જ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.
એવું મનાય છે કે આ નિર્ણયને કારણે શાઓમી ઇલેક્ટ્રિક કારના બજારમાં પહેલેથી જ ખેલાડી તરીકે ઓળખ ધરાવતી ટેસ્લા અને બીવાયડી સાથે સ્પર્ધા કરવાની કોશિશ કરી રહ્યું છે. ચીનમાં ટેસ્લાના બેઝિક મોડલની કિંમત 28.86 લાખ રૂપિયા છે.
એસયુ7ની ખૂબીઓ શું છે?
લી જૂને એમ પણ કહ્યું કે એસયુ7 એક વખત ચાર્જિંગ કર્યા બાદ લગભગ 700 કિલોમીટર સુધી દોડી શકશે. ટેસ્લાના મોડલ 3 કરતાં આ વધુ સારી વાત છે. ટેસ્લાનું મોડલ 3 એક વાર ચાર્જિંગ કર્યા બાદ 567 કિલોમીટર સુધી ચાલી શકે છે.
કંપની અપેક્ષા રાખે છે કે એસયુ7 એ જ ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે જે તેના ફૉન, લૅપટોપ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે. તેના ગ્રાહકોને આ ગમશે એવું તેને લાગે છે.
રિસર્ચ કંપની કાઉન્ટરપૉઇન્ટ અનુસાર, શાઓમી વિશ્વભરમાં સ્માર્ટફૉન વેચનારી ત્રીજી સૌથી મોટી કંપની છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેનો હિસ્સો 12 ટકા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા એક વર્ષથી કંપની એસયુ7 લૉન્ચ કરવાનો સંકેત આપી રહી હતી. આવી સ્થિતિમાં એ સ્વાભાવિક છે કે તેની તુલના પૉર્શેની ટાયકન અને પાનામેરા સ્પૉર્ટ્સ કાર મૉડલ સાથે કરવામાં આવી રહી હતી.
આ કાર સામે પડકારો શું છે?
શાઓમીની આ નવી કારનું ઉત્પાદન સરકારની માલિકીની બીએઆઈસી સમૂહની ફૅક્ટરીમાં કરવામાં આવશે. આ ફૅક્ટરી બેઇજિંગમાં છે અને કંપનીએ એક વર્ષમાં ઓછામાં ઓછી બે લાખ કાર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
ઑટોમોબિલિટી સાથે સંકળાયેલા બિલ રુસોએ બીબીસીને કહ્યું કે, "કંપની અત્યાર સુધી જે સ્તરે પહોંચી છે તે ખરેખર એક મોટી સફળતા છે. પરંતુ સૌથી મોટી સફળતા ત્યારે મળી કહેવાશે જ્યારે શાઓમી ઇલેક્ટ્રિક કાર માર્કેટના ગ્રાહકોમાં પોતાનું સ્થાન બનાવી શકશે."
જોકે, આ ક્ષેત્રમાં ટેકનૉલૉજી કંપનીઓને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વાતનો સંકેત તેનાથી મળે છે કે આઈફૉન નિર્માતા ઍપલે ગત મહિને ઇલેક્ટ્રિક કાર બનાવવાની તેની યોજનાને રદ કરી દીધી છે.
બિલ રુસોનું કહેવું છે કે શાઓમીએ કારના બજારમાં ડગ માંડ્યાં એ દર્શાવે છે કે કંપનીને ચીનમાં પોતાની બ્રાન્ડ પર પૂરો વિશ્વાસ છે. જ્યારે ઍપલને ચીનની બહાર પોતાની બ્રાન્ડ માટે એટલી સંભાવના દેખાતી નથી.
શાઓમીએ કહ્યું છે કે કંપની આવતાં દસ વર્ષોમાં ઇલેક્ટ્રિક કારના ધંધામાં તે 10 અબજ ડૉલરનું રોકાણ કરશે.
રાયસ્ટેડ એનર્જી નામની રિસર્ચ કંપની સાથે સંકળાયેલા અભિષેક મુરલી કહે છે કે, "ચીનમાં ઇલેક્ટ્રિક કાર એકદમ પરિપક્વ છે અને તેના કારણે અહીં એક સ્થિર ઇકોસિસ્ટમ બની ગઈ છે. તેના કારણે કાર ઉત્પાદકોને ઘણી મદદ મળે છે."
"ઉદાહરણ તરીકે અહીં બૅટરી સપ્લાય ચેઇન મજબૂત છે અને ઇલેક્ટ્રિક કારની વધતી માંગને પહોંચી વળવા માટે મોટાપાયે ચાર્જિંગ નેટવર્ક પણ બનાવવામાં આવ્યું છે."
ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં વધી રહેલી સ્પર્ધા
શાઓમીની પહેલી કાર એવા સમયે લૉન્ચ કરવામાં આવી છે જ્યારે ચીનમાં આ સૅક્ટરમાં સ્પર્ધા વધી રહી છે.
તાજેતરના મહિનાઓમાં, ટેસ્લાના અબજોપતિ માલિક ઇલોન મસ્કે ચીનમાં તેમની કારની કિંમતમાં હજારો ડૉલરનો ઘટાડો કર્યો છે. તેનું કારણ એ છે કે વૈશ્વિક સ્તરે સૌથી વધુ ઇલેક્ટ્રિક કાર વેચનારી કંપની બીવાયડીએ અહીં પોતાની કારની કિંમતોમાં ઘટાડો કર્યો છે.
ઇલેક્ટ્રિક કારના મામલે ચીન વિશ્વનું સૌથી મોટું બજાર છે. એ પરિસ્થિતિમાં અહીં નવા ખેલાડીઓના આગમનને રોકવાના પ્રયાસો વચ્ચે શાઓમી એ જૂજ કંપનીઓમાંથી એક છે જેને સત્તાવાળાઓ તરફથી લીલી ઝંડી મળી છે.
દરમિયાન આ અઠવાડિયે બીવાયડીએ તેના વાર્ષિક નફામાં નવો વિક્રમ નોંધાવ્યો હતો. જોકે, કંપનીએ એમ પણ કહ્યું હતું કે વર્ષના અંતે તેની ગતિ થોડી ધીમી પડી હતી.
જ્યારે શાંઘાઈ સ્થિત કાર કંપની નીઓએ બુધવારે જણાવ્યું હતું કે, “અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં ઘટાડા વચ્ચે ગ્રાહકોએ પણ તેમના ખર્ચમાં ઘટાડો કર્યો છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પ્રથમ ત્રિમાસિક ગાળાના વેચાણ પર અસર થશે.
આવતા અઠવાડિયે અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા પણ જાન્યુઆરી અને માર્ચ વચ્ચે થયેલા તેના વેચાણના આંકડા જાહેર કરવા જઈ રહી છે.
આ એવો સમય છે જ્યારે વિશ્વભરની સરકારો વિદેશમાં બનેલી ઇલેક્ટ્રિક કારની આયાત ઘટાડવા માંગે છે.
26 માર્ચે ચીને તેના ફુગાવામાં ઘટાડાના કાયદા હેઠળ કથિત ‘ભેદભાવપૂર્ણ સબસિડી’નો સામનો કરવા માટે વિશ્વ વેપાર સંગઠનમાં અમેરિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
આ દરમિયાન યુરોપિયન યુનિયને એ પણ તપાસ શરૂ કરી છે કે શું ઇલેક્ટ્રિક કાર માટે ચીન સરકારની સબસિડીને કારણે દેશમાં યુરોપિયન કંપનીઓ દ્વારા બનાવેલી કારનાં મોડલના વેચાણમાં ઘટાડો થયો છે?