યુરોપમાં નદીઓ પરના ડેમ કેમ તોડવામાં આવી રહ્યા છે? ડેમ તોડ્યા પછી નદીઓનું શું થયું?

    • લેેખક, લુક્રૅઝિયા લૉઝા
    • પદ, ફીચર્સ સંવાદદાતા

કૃત્રિમ અવરોધો યુરોપના જળમાર્ગોને લાંબા સમયથી અવરોધિત કરતા રહ્યા છે, પરંતુ આ પૈકીનાં ઘણાં માળખાં જૂના થઈ ગયાં હોવાથી નદીઓને મુક્ત રીતે વહેવા દેવાની ચળવળ ફરીથી શરૂ થઈ છે.

ફિનલૅન્ડની હિટોલાનજોકી નદી પરના સંખ્યાબંધ ડેમને તોડી પાડવાનું કામ ત્રણ વર્ષ પહેલાં કામદારોએ શરૂ કર્યું ત્યારે તેઓ એક જગ્યાએ સાલમોન માછલીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ માછલીઓ વર્ષોની ગેરહાજરી પછી નદીમાં પાછી આવી રહી હતી.

ફિનલૅન્ડની સંશોધન સંસ્થા નેચરલ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટના પર્યાવરણશાસ્ત્રી પૌલિના લુહી માટે તે ઇકોસિસ્ટમની રિકવરીનો એક સંકેત હતો. તેમણે કહ્યું હતું, “માત્ર પુખ્ત વયની નહીં, પરંતુ નાની વયની માછલીઓ પણ જોવા મળી હતી. એ માછલીઓ પહેલાં નદીના સૌથી નીચેના ભાગમાં ફેલાયેલી હતી. ડેમ દૂર કરવામાં આવ્યો એ પછી મેં એ સ્થળ પર નજર કરી ત્યારે મારી આંખમાં ખરેખર આંસુ આવી ગયાં હતાં.”

આ નદી તાજા પાણીની લુપ્તપ્રાય સાલમોન માછલીઓ માટે, નજીકમાં રશિયામાંના લેક લાડોગાથી ફિનલૅન્ડ સુધીનો સ્થળાંતરનો મુખ્ય માર્ગ હતી, પરંતુ 1911 અને 1925ની વચ્ચે જળવિદ્યુત માટે ત્રણ ડેમ બાંધવામાં આવ્યાને કારણે સાલમોન તથા તેમના વિકસવાના સ્થાન વચ્ચે અવરોધો સર્જાયા હતા. સાલમોન અને બ્રાઉન ટ્રાઉટ જેવી અન્ય માછલીઓ, લગભગ 100 વર્ષ સુધી ખંડિત રહેલી નદીની ફિનલૅન્ડ બાજુએ ફસાયેલી રહી હતી.

જોકે, હવે ડેમને દૂર કરવામાં આવ્યા પછી ઊંચા વૃક્ષોથી ઘેરાયેલા નવનિર્મિત વહેણમાં પાણી ફરી એકવાર મુક્ત રીતે વહી રહ્યું છે. નદીમાંથી ડેમના જેટલા ભાગોને દૂર કરવામાં આવ્યા હતા, તે દરેક ભાગમાં સાલમોન ફરીથી જોવા મળી હતી, એમ નાગરિક સંગઠન સાઉથ કારેલિયન રિક્રિએશન એરિયા ફાઉન્ડેશનનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેન્ના ઓલિકેનેન જણાવે છે.

આ સંગઠને ડેમ હસ્તગત કર્યા છે અને અહીં પ્રવાસનના વિકાસનું કામ કરી રહ્યું છે. 2021માં સૌપ્રથમ ડેમ દૂર કરવામાં આવ્યો ત્યારે પાંચ વિશાળ માળા જોવા મળ્યા હતા. 2022ની પાનખરમાં બેબી સાલમોનની સંખ્યા પ્રતિ એકર 200 માછલીના વિક્રમસર્જક સ્તરે પહોંચી ગઈ હતી. ડિસેમ્બર, 2023માં સૌથી ઉપરના બંધ રીટાકોસ્ટીને દૂર કરવાનું કામ પૂર્ણ થયું ત્યારે તેમને નદીના ઉપરના ભાગો અને તેની શાખાઓમાં મોકળ્યો માર્ગ મળ્યો હતો.

ઓલિકેનેનના કહેવા મુજબ, દાયકાઓ સુધીની મહેનત પછી ત્રણ ડેમને દૂર કરવામાં આવ્યા હતા. તેમાં નદીના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ આર્થિક સંદર્ભને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. મૂલ્યાંકનમાં જાણવા મળ્યું હતું કે પાવર પ્લાન્ટના માલિકો માટે તેમાંથી થતું વીજળી ઉત્પાદન, ખાસ કરીને જાળવણી ખર્ચ અને ફિશ-લેડર ઇન્ટ્રોડક્શન જેવા ફરજિયાત પર્યાવરણ સંરક્ષણ ખર્ચના સંદર્ભમાં બિન-નફાકારક બની ગયું હતું. તેથી ડેમ વેચી નાખવામાં આવ્યા હતા અને તોડી પાડવામાં આવ્યા હતા.

જોકે, ફિનલૅન્ડના ત્રણ ડેમને બંધ કરવાનો નિર્ણય આવો એકમાત્ર કેસ નથી. સમગ્ર યુરોપમાં ઘણા ડેમ કાં તો બંધ થવાના આરે છે અથવા તેમની જાળવણીનો ખર્ચ, તેનાથી જે લાભ થાય છે તેના પ્રમાણમાં વધારે છે. એવી જ રીતે અમેરિકામાં ઘણા ડેમને ફરી લાયસન્સ આપવાનું હોવાથી એ ડેમ ઉપયોગી છે કે કેમ એ બાબતે ચર્ચા શરૂ થઈ છે. માત્ર મોટા ડેમ જ નહીં, પરંતુ લાખો નાના અવરોધો યુરોપની નદીઓને વહેતી અટકાવે છે.

યુરોપમાં નદીના વિભાજનની હદની વ્યાપક આકારણી હજુ હમણાં સુધી થઈ ન હતી, પરંતુ હવે તે ઉપલબ્ધ હોવાથી ડેમને દૂર કરવા માટેના કારણોનો આધાર બની રહ્યો છે.

ડેમ – એક મોટી સમસ્યા

યુરોપ અને અમેરિકા જેવા વ્યાપકપણે ઔદ્યોગિક દેશોમાં નદીઓનાં વહેણમાં સદીઓથી ફેરફાર કરવામાં આવતા રહ્યા છે. તેમાં રોડ-ક્રોસિંગ્ઝ તથા ખેતીના પાણી માટે સિંચાઈથી માંડીને વીઅર, પુલ, વૉટર મિલ અને જળવિદ્યુતનો ઉમેરો થયો છે. સંશોધકોના અંદાજ મુજબ, વિશ્વની 1,000 કિલોમીટરથી વધુ લાંબી નદીઓ પૈકીની ત્રીજા ભાગની નદીઓનો સમગ્ર પ્રવાહ આજે પણ મુક્ત રીતે વહે છે.

અવરોધોએ સંખ્યાબંધ સમસ્યાઓ સર્જી છે. તેનાથી માત્ર જૈવવિવિધતાને જ નહીં, પરંતુ માછલીઓ અને સુક્ષ્મ જીવોને પણ નુકસાન થાય છે. પોષક તત્ત્વો અને કાંપ વહેતો અટકે છે. માછીમારી અને તેના પર નિર્ભર લોકોની આજીવિકા પર સંકટ સર્જાય છે. ડેમ નદીના પ્રવાહ સાથે વહેતા કાંપને અવરોધતા હોવાથી નીચે જતા પાણીની ધોવાણ શક્તિ વધી જાય છે. એ ઉપરાંત અવરોધો પાણીના સ્તરમાં ફેરફાર કરે છે. તેની અસર ભૂગર્ભ જળને જાળવી રાખતા ઍક્વિફિયરના રિચાર્જ પર થાય છે.

સાન ફ્રાન્સિસ્કો ઍસ્ટ્યુઅરી ઇન્સ્ટિટ્યૂટ ખાતેના રેઝિલિયન્ટ લેન્ડસ્કેપ પ્રોગ્રામનાં સાયન્સ ડિરેક્ટર મેલિસા ફોલી સમજાવે છે કે પાણી, સજીવો અને કાંપને સમગ્ર પ્રવાહમાં આગળ વધારતું નદીનું જોડાણ ખોરવાઈ જવાથી વહેણની ગતિશીલતા અને તાપમાનમાં ફેરફાર થાય છે. તેનાથી પોષક તત્ત્વોની ગતિશીલતા બદલાઈ જાય છે.

પ્રજનન માટે સ્થળાંતર કરતી પ્રજાતિઓ માટે ડેમ અવરોધ સર્જે છે. ખાસ કરીને માછલીઓની વસ્તી પર તેની અસર થાય છે. COP28 UNમાં રજૂ કરાયેલી, જેમના અસ્તિત્વ પર વિનાશનું જોખમ ઝળુંબતું હોય તેવી પ્રજાતિઓની આઈયુસીએન યાદીની અપડેટમાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વની તાજા પાણીની માછલીઓની 25 ટકા પ્રજાતિઓ પર લુપ્ત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે અને જોખમ હેઠળની 45 ટકા પ્રજાતિઓ પર ડેમ તથા જળ નિષ્કર્ષણની નકારાત્મક અસર થઈ રહી છે.

તે માત્ર સ્થળાંતર કરતી માછલીઓને જ અસર કરતું નથી. અવરોધોની સંચિત અસર જળપ્રવાહની સાથે નદીની અન્ય ઘણી માછલીઓની હિલચાલને મર્યાદિત કરે છે. સંશોધન દર્શાવે છે કે જૈવવૈવિધ્યને થતા નુકસાન માટે જવાબદાર મુખ્ય પાંચ પરિબળોમાં આવા વિભાજનનો પણ સમાવેશ થાય છે.

જોકે, ડેમ દૂર કરવાના હિમાયતીઓ અને નદીના વિભાજનની હાનિકારક અસરો તથા મર્યાદા બાબતે વધુ માહિતી મળવાને લીધે ડેમના તરફદારો માટે બાજી પલટાઈ ગઈ છે.

ડેમને દૂર કરવાની કવાયત

સંશોધન દર્શાવે છે કે વહેણમાં રહેલા ઓછામાં ઓછા બાર લાખ અવરોધો 36 યુરોપિયન દેશોમાં નદીનાં પ્રવાહને અવરોધે છે. એ પૈકીના 68 ટકાની ઊંચાઈ બે મીટર કરતાં ઓછી છે. સ્વાનસી યુનિવર્સિટીમાં ઍક્વાટિક બાયોસાયન્સના પ્રોફેસર અને ઍમ્બર પ્રોજેક્ટના સંયોજક કાર્લોસ ગાર્સિયા ડી લીનીઝ કહે છે, “20 સેન્ટીમીટર જેટલા નાના અવરોધો પણ કેટલાક સજીવોની હિલચાલને અસર કરી શકે છે અથવા વિલંબિત કરી શકે છે.” ઍમ્બર પ્રોજેક્ટમાં યુરોપિયન નદીઓ પરના અવરોધોનો સૌપ્રથમ નકશો બનાવવામાં આવ્યો હતો.

2016માં ઍમ્બર પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી ગાર્સિયા ડી લીનીઝ સંકલિત એક ટીમ નદીઓનાં વિભાજનનો નકશો બનાવવા સમગ્ર યુરોપમાં 2,000 કિલોમીટર ચાલી હતી. તેમણે માત્ર ડેમ જ નહીં, પરંતુ વીયર, કલ્વર્ટ અને નાના અવરોધોની નોંધ પણ કરી છે.

ડેમ અથવા અવરોધો દૂર કરવા સાથે ઘણા પરિબળો સંકળાયેલાં છે. તેમાં લાઇસન્સથી માંડીને સરકારી કાયદાઓ, એન્જિનિયરિંગ કાર્ય માટે ભંડોળ અને પોષણક્ષમતા સુધીની બાબતોનો સમાવેશ થાય છે.

તેમ છતાં યુરોપના ડેમ જેવા લગભગ દોઢ લાખ પ્રવાહ વચ્ચે રહેલા અવરોધોને હવે જરીપુરાણા માનવામાં આવે છે, એવું ડેમ રિમૂવલ યુરોપ દ્વારા જણાવવામાં આવ્યું છે. જૂના ડેમોની જાળવણી જરૂરી છે અને તે તૂટી પડવાનું જોખમ છે.

ઉપરાંત ભારે વરસાદ જેવી હવામાનની આત્યંતિક ઘટનાઓને કારણે પણ ડેમની સલામતી પર જોખમ સર્જાઈ શકે છે.

ડેમ રિમૂવલ યુરોપના પ્રોજેક્ટ મૅનેજર પાઓ ફર્નાનીઝ ગેરીડો સમજાવે છે કે આ રીતે યુરોપમાં આયુષ્ય ખતમ થઈ ગયું હોય તેવા, નકામા ડેમનાં અનેક ઉદાહરણો છે. એવા ડેમનો જાળવણી ખર્ચ, તેમાંથી મળતી ઊર્જાના ઉત્પાદનના ફાયદા કરતાં વધી ગયો છે.

ડેમ રિમૂવલ યુરોપની સ્થાપના 2016માં સાત ભાગીદારોના ગઠબંધન તરીકે કરવામાં આવી હતી. યુરોપિયન ડેમ હઠાવવાની ચળવળને પરિણામે 2022માં ઓછામાં ઓછા 325 ડેમ દૂર કરવામાં આવ્યા હતા. આ પ્રમાણ અગાઉનાં વર્ષ કરતાં 36 ટકા વધુ છે.

જોકે, ઈકોસિસ્ટમ પર ડેમની હાનિકારક અસર થાય છે એ સ્વીકારવાનો અર્થ જળવિદ્યુતના ફાયદાને નકારવા તેવો નથી.

ગાર્સિયા ડી લીનીઝ સ્પષ્ટતા કરે છે, “ઉપયોગમાં હોય તેવા અવરોધોને તોડી પાડવાની કે દૂર કરવાની દરખાસ્ત કોઈએ મૂકી નથી. અમે એવા અવરોધોને ટાર્ગેટ કરી રહ્યા છીએ, જે કાળગ્રસ્ત છે, જે સમાજ માટે ઉપયોગી નથી. કાંપથી ભરાઈ ગયા છે અને પ્રવાહ માટે સંકટ સર્જી રહ્યા છે.”

ડેમ દૂર કરવાની પ્રક્રિયામાં કાયદો પણ મદદ કરી શકે. જોકે, દરેક દેશમાં અલગ-અલગ કાયદા હોય છે. સ્પેનમાં નદીઓ સાર્વજનિક છે અને યુરોપમાં ડેમ તોડી પાડવાની બાબતમાં સ્પેન મોખરે છે. સ્પેનમાં 2022માં 133 ડેમ દૂર કરવામાં આવ્યા હતા. એ પછીના ક્રમે સ્વીડન અને ફ્રાન્સ આવે છે.

યુરોપિયન કમિશનના નેચર રિસ્ટોરેશન કાયદાનો એક કેન્દ્રિય વિષય રિવર કનેક્ટિવિટી પણ છે. યુરોપના સભ્ય દેશો વચ્ચે નવેમ્બર, 2023માં એક કામચલાઉ કરાર થયો હતો. તેમાં નદીઓના પ્રવાહને 25,000 કિલોમીટર સુધી મોકળાશથી વહેતો કરવાનાં લક્ષ્યને પહોંચી વળવા માનવસર્જિત અવરોધોને દૂર કરવાના કામનો સમાવેશ થાય છે.

આ કાયદાને યુરોપિયન સંસદે 27 ફેબ્રુઆરીએ મંજૂરી આપી હતી. ડેમ દૂર કરવાની હિમાયત કરતા લોકોને આશા છે કે આ કાયદાથી આગળની કાર્યવાહીમાં મદદ મળશે.

ફર્નાડીઝ ગેરીડોના કહેવા મુજબ, આવું માત્ર યુરોપમાં થતું નથી. વાસ્તવમાં યુરોપના પ્રયાસો અમેરિકામાં ડેમને દૂર કરવાના પહેલેથી થતાં કાર્યોથી પ્રેરિત હતા. અમેરિકામાં લગભગ 92,000 ડેમ છે, જેની સરેરાશ વય 62 વર્ષની છે.

અમેરિકામાં સૌપ્રથમ કૅનબૅક નદી પરના ઍડવર્ડ્ઝ ડેમને 1999માં દૂર કરવામાં આવ્યો હતો. તેનું નિર્માણ 1837માં કરવામાં આવ્યું હતું, જ્યારે તેની માલિકીનું લાઇસન્સ 1997માં સમાપ્ત થયુ હતું.

ફેડરલ ઍનર્જી રેગ્યુલેટરી કમિશને નદીના પર્યાવરણીય લાભોને અગ્રતા આપીને લાઇસન્સ રિન્યૂ કર્યું નહોતું. આજે અમેરિકામાં નદીઓ પરના લગભગ 2,000 ડેમ દૂર કરવામાં આવ્યા છે. તેમાં ઍડવર્ડ્ઝ ડેમ બાદ 76 ટકા ડેમને દૂર કરવામાં આવ્યા હતા.

ડેમ કેવી રીતે દૂર કરવો?

ડેમ ઘણીવાર વિસ્ફોટ કે પાણીના પ્રવાહના અચાનક વિસ્ફોટની સાથે તૂટી પડતા નથી. તેને દૂર કરવા એ ઝીણવટભર્યું એન્જિનિયરિંગ કાર્ય છે.

હિટોલાનજોકી નદી પરના બંધની કોંક્રિટની દિવાલોનું બુલડોઝર્સ દ્વારા તબક્કાવાર ખોદકામ કરવામાં આવ્યું હતું, જેથી પાણીનો પ્રવાહ ધીમે ધીમે બહાર નીકળે.

ફોલી કહે છે, “ડેમની પાછળ શું છે તે સમજવું એ પ્રક્રિયાનો એક ભાગ છે. કાંપનો ક્યાં અંત આવે છે અને તેનાથી પૂરના પ્રવાહમાં પણ ફેરફાર થશે કે કેમ? બધા કાંપને ખોદીને બહાર કાઢવો જોઈએ? આ સંબંધે વ્યૂહરચના શું હોવી જોઈએ? આ બધું વિચારવું પડે છે.”

કેટલીકવાર ડેમને દૂર કરી શકાતો નથી ત્યારે તેમાં એક ફિશ લેડર મૂકવામાં આવે છે. જોકે, તે કેટલીક માછલીઓને ઉપયોગી થાય છે, પરંતુ ઘણી પ્રજાતિઓને તેનાથી લાભ થતો નથી. તેનાથી નદીની ગતિશીલતા અને કાંપના પ્રવાહમાં પણ કોઈ મદદ મળતી નથી.

સમગ્ર ડેમને દૂર કરવાનું ખર્ચાળ હોવાથી સંશોધકો નાના અવરોધો પર ધ્યાન આપવાનું સૂચન કરે છે. કનેક્ટિવિટીમાં સારી રીતે વધારો કરી શકે તેવા અવરોધોને દૂર કરવાને અગ્રતા આપવાનું જણાવે છે.

નદીના રિસ્ટોરેશનના અત્યાર સુધીના સૌથી મોટા પ્રોજેક્ટ્સ પૈકીનો એક ફ્રાન્સના નોર્મુડીમાં સેલુન નદી પર હાથ ધરવામાં આવ્યો છે. 2019 અને 2023માં બે મોટા ડેમ દૂર કરવાથી નદીનો 60 કિલોમીટરનો પટ ખુલ્યો હતો. 1920ના દાયકાથી કાર્યરત એ બે ડેમને લીધે એટલાન્ટિક સાલમોન, લેમપ્રેય્ઝ અને યુરોપિયન ઈલ્સનું સ્થળાંતર એક સદી સુધી સંપૂર્ણપણે અટકી ગયું હતું.

હેવી એન્જિનિયરિંગ કાર્ય દ્વારા જળાશયો ધીમે ધીમે ખાલી કરવામાં આવ્યાં હતાં. પાછળ બચેલા કાંપનો ઉપયોગ નદી કાંઠાના પુનઃનિર્માણ માટે કરવામાં આવ્યો હતો.

ઈન્ના ખાતેના સેલુન સાયન્ટિફિક પ્રોગ્રામના સંકલનકર્તા લૌરા સોઈસન્સ કહે છે, “વનસ્પતિ ઝડપથી ઉગવા લાગી હતી. કાંપ ખરેખર પોષક તત્વોથી ભરપૂર હતો. વનસ્પતિએ કાંઠાને સ્થિરતા આપવામાં અને પ્રજાતિઓ માટે છાંયડો તથા આશરો સર્જવામાં બહુ મદદ કરી હતી.”

ડેમને દૂર કરવામાં માત્ર ભૌતિક તત્ત્વોને કાળજીપૂર્વક મૅનેજ કરવાનાં હોતાં નથી. સેલ્યુન પ્રોજેક્ટ સૂચવે છે કે ડેમને દૂર કરવાનાં કારણો સમજાવવા તે મુખ્ય સફળતા હોય છે, કારણ કે સ્થાનિક વસ્તી ડેમને લીધે સર્જાયેલા લેન્ડસ્કેપ સાથે મજબૂત જોડાણ ધરાવતી હોય છે.

ફોલી કહે છે, “અવરોધો લાંબા સમયથી અસ્તિત્વ હોય ત્યારે મુક્ત વહેતી નદી કેવી દેખાય છે તે લોકોને દેખાડવું પડકારજનક બની શકે છે.”

સેલ્યુન નદી પરના બંધને દૂર કરવાના કામ પહેલાં સ્થાનિક લોકો ડેમ પાછળનાં તળાવોનો ઉપયોગ બોટિંગ અને માછીમારી જેવી અસંખ્ય પ્રવૃત્તિઓ માટે કરતા હતા, પરંતુ જળાશયોમાં ઝેરી સાયનોબેક્ટેરિયા હતા.

ઈર્ના ખાતેના સેલુન સાયન્ટિફિક પ્રોગ્રામના રિસર્ચ ડિરેક્ટર જીન-માર્ક રસેલ કહે છે, “તમામ પ્રવૃત્તિઓ ધીમે ધીમે અંત પામી રહી હતી, કારણ કે તેમાં તરવું શક્ય ન હતું. પાણી ખૂબ ઝેરી બની ગયું હતું.”

ડેન્માર્કની ટેક્નિકલ યુનિવર્સિટીના ફિશ ઈકોફીઝિયોલોજિસ્ટ કિમ બિર્ની-ગૌવિન અન્ય વિજ્ઞાનીઓ સાથે સેલ્યુન નદી વિસ્તારમાં પહોંચ્યા ત્યારે તેમની મુલાકાત અસ્વસ્થ સ્થાનિક લોકો સાથે થઈ હતી.

તેમ છતાં સંશોધકો સાથે વાત કરતાં એક માણસને અવર્ણનીય પળનો અનુભવ થયો હતો. તેની વાત કરતાં બિર્ની-ગૌવિન કહે છે, “તેને યાદ હતું કે ડેમ બાંધવામાં આવ્યો અને લેન્ડસ્કેપ બદલાઈ ગયો ત્યારે તેના દાદા ગુસ્સે થયા હતા.”

ડેમ દૂર થાય છે ત્યારે લોકો પાછા આવે છે

ડેમને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે ત્યારે આશ્ચર્યજનક પરિણામ સાંપડે છે. સેલ્યુન નદીમાં વનસ્પતિ પાછી આવી હતી એટલું જ નહીં, માછલીઓ પણ કૅચમૅન્ટ એરિયામાં પાછી આવી હતી.

બીજો ડેમ દૂર કરવામાં આવ્યો એ પછી કેટલીક સાલમોન નદીના ઉપરના ભાગમાં આવી હતી અને યુવા સાલમોન 2022-23ના શિયાળાના પ્રજનનચક્ર પછી જૂના બંધ ઉપર જોવા મળી હતી.

એ જ રીતે યુરોપિયન ઈલ પણ સમગ્ર કૅચમૅન્ટ એરિયામાં વસવાટ કરતી થઈ છે અને સી લેમ્પ્રી સમગ્ર પ્રદેશમાં પોતાના રહેઠાણ બનાવી રહી છે.

ડેમ દૂર કરવાનું કામ લોકો માટે પણ પરિવર્તનકારી સાબિત થયું છે. ઝેરી તત્ત્વો દૂર થવાની સાથે પુનઃસ્થાપિત નદીઓએ પર્યટનની તકો ઊભી કરી છે. હિટોલાનજોકી નદી પર પહેલેથી જ એક પર્યટન સ્થળ છે. આ વિસ્તારમાં મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આશા છે, એમ ઓલિકેનેન જણાવે છે.

એવી જ રીતે અમેરિકામાં પણ ડેમ હઠાવવાથી લોકો નદી તરફ પાછા આવ્યા છે. સંશોધન દર્શાવે છે કે મૅન રાજ્યમાં પેનોબસ્કોટ નદી પરના ડેમને દૂર કર્યાના પાંચ વર્ષ પછી પાણીની ગુણવત્તા તેમજ સ્વિમિંગ, પેડલિંગ અને વન્યજીવન સંબંધી પ્રવૃત્તિમાં વધારો થયો છે.

એ ઉપરાંત નદીને ફરી મુક્ત રીતે વહેતી બનાવવાના કામનું સાંસ્કૃતિક મહત્ત્વ હતું. નદી પરના ડેમને હઠાવવાના મુખ્ય તરફદારોમાં પેનોબસ્કોટ ઇન્ડિયન નેશન મોખરે હતું.

પેનોબસ્કોટ નદી પરના ડેમને દૂર કરવાના પ્રોજેક્ટમાં ભાગીદાર સ્વયંસેવી સંગઠન નેચર કોન્ઝર્વન્સીના લેન્ડસ્કેપ ઈકોલોજિસ્ટ અને વરિષ્ઠ વિજ્ઞાની જોશુઆ રોયટેના કહેવા મુજબ, ડેમ દૂર કરવાની કામગીરી સંબંધે શરૂઆતમાં શંકાનું વાતાવરણ સર્જાયું હતું.

બાળકો જેને “દાદીમાનો ધોધ” કહેતા હતા એવા ડેમને ગુમાવવા બાબતે કેટલાક લોકો ચિંતિત હતા, પરંતુ તે દૂર કરવામાં આવ્યા પછી તે બોટર્સ માટે રમતનું મેદાન બની ગયું છે. અહીં કાયાક સ્પર્ધા યોજવામાં આવી હતી અને શૈક્ષણિક પ્રવૃત્તિ પણ થાય છે. રોયટે કહે છે, “લોકો નદીને હવે વધુ પ્રેમ કરે છે.”

પ્રવાહની વિરુદ્ધ

નદીઓની કનેક્ટિવિટી માટે અવરોધ દૂર કરવા તે એક વ્યવહારુ વિકલ્પ હોઈ શકે છે, તેવું અમેરિકા અને યુરોપ દર્શાવી રહ્યા છે ત્યારે લાંબો પંથ કાપવાનો બાકી છે.

એમેઝોન, ધ કોંગો અને મેકોંગ બેસિન જેવી મોટી નદીઓ પર નવા બંધના નિર્માણની સંભાવનાથી સંશોધકો ચિંતિત છે.

બાલ્કન લોકોને પણ આવી ચિંતા છે. બાલ્કન્સમાં અસંખ્ય નાના જળવિદ્યુત પ્લાન્ટ્સના નિર્માણની યોજના છે. સંશોધન સૂચવે છે કે મોટા સમકક્ષની સરખામણીએ તેમાંથી ઓછી વીજળીનું ઉત્પાદન થશે.

ગાર્સિયા ડી લીનીઝના કહેવા મુજબ, વિશ્વમાં અન્યત્ર નાના, ઓછા અસરકારક જળવિદ્યુત ડેમ બાંધવામાં આવતા હોય તો યુરોપમાં અવરોધો દૂર કરવાનો કોઈ અર્થ નથી.

તેઓ કહે છે, “આપણે મોટા પરિપ્રેક્ષ્યમાં વિચારવાની જરૂર છે. નાના ડેમ વધુ વીજળી ઉત્પન્ન કરશે નહીં અને તે વધારે નુકસાન પણ કરશે. કાળગ્રસ્ત હોય તેવા અવરોધોને આપણે દૂર કરવા જોઈએ. મુદ્દો તમામ અવરોધોને દૂર કરવાનો નથી, પરંતુ લાભને બદલે નુકસાનકારક હોય તેવા અવરોધોને દૂર કરવાનો છે.”