ભૂખમરો, હત્યાઓ અને બળાત્કારઃ સુદાનના આંતરવિગ્રહમાં શું ચાલી રહ્યું છે?

    • લેેખક, ફેરાસ કિલાની (સુદાનથી), મર્સી જુમા (ચાડથી)
    • પદ, બીબીસી ન્યૂઝ

સુદાનના આંતરવિગ્રહમાં ફસાયેલા લોકોએ બીબીસીને બળાત્કાર, વંશીય હિંસા અને જાહેરમાં આપવામાં આવતી ફાંસીની વિગત આપી છે. અમારા પત્રકારો રાજધાની ખાર્તુમ પાસે ચાલી રહેલી લડાઈની પહેલી હરોળ સુધી પહોંચવામાં સફળ થયા હતા.

સંયુક્ત રાષ્ટ્રસંઘના ટોચના અધિકારી આ આંતરવિગ્રહને એવા “છુપા યુદ્ધ” તરીકે વર્ણવે છે, જેને લીધે સુદાન “તાજેતરના ઇતિહાસમાંના માનવજાતિના સૌથી ખરાબ દુઃસ્વપ્નો પૈકીના એકમાં” સપડાઈ ગયું છે. અન્ય લોકોએ ચેતવણી આપી છે કે પ્રસ્તુત આંતરવિગ્રહ વિશ્વની ભૂખમરાની સૌથી મોટી કટોકટીનું કારણ બની શકે છે.

સુદાનની પશ્ચિમે આવેલા ડાર્ફરમાં અમેરિકાએ 20 વર્ષ પહેલાં જેને નરસંહાર ગણાવ્યો હતો તેના પુનરાવર્તનના પ્રારંભની આશંકા પણ છે.

ચેતવણીઃ આ લેખમાં શારીરિક અને જાતીય હિંસાનું વર્ણન છે.

અચાનક થયેલો જોરદાર ધડાકો ઓમદુર્મન રોડને હચમચાવી નાખે છે. લોકો ચીસો પાડે છે, બધી દિશામાં દોડે છે અને બૂમો પાડે છેઃ “પાછા જાઓ, પાછા જાઓ, વધુ એક વિસ્ફોટ થશે.” સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમાડો પ્રસરી જાય છે.

આંતરવિગ્રહમાં ધમરોળાયેલી તથા તાજેતરમાં જ ફરી ઊઘડેલી શેરીની દુકાનોમાંથી થોડી ક્ષણો પહેલાં ચોખા, બ્રેડ તથા શાકભાજી ખરીદતા લોકોની ચહલપહલ હતી.

સુદાનની સેનાએ ફેબ્રુઆરીની મધ્યમાં આ શહેર પર ફરીથી કબજો મેળવ્યો હતો. તે નાઈલ નદીના કિનારે આવેલાં ત્રણ શહેરો પૈકીનું એક છે, જે સુદાનની વ્યાપક રાજધાની ખાર્તુમનો હિસ્સો છે.

નાગરિકો હવે અહીં પાછા ફરવા લાગ્યા છે, પરંતુ હમણાં જ મુખ્ય શેરીમાં ત્રાટકેલા મોર્ટર (તોપગોળા) હજુ પણ રોજેરોજ ફેંકવામાં આવતા રહે છે.

ગયા એપ્રિલમાં ફાટી નીકળેલા આંતરવિગ્રહનો અહેવાલ આપવા અહીં પ્રવેશવાનું આંતરરાષ્ટ્રીય મીડિયા માટે મુશ્કેલ હતું, પરંતુ બીબીસી મોખરાની હરોળ સુધી પહોંચી શક્યું હતું. અમે ઓમદુર્મનના એક સમયે સતત ધબકતા કેન્દ્રસમા સ્થળને જૂજ લોકોની વસ્તીવાળી ઉજ્જડ જમીનમાં રૂપાંતરિત થતું જોયું હતું.

દેશના સૈન્ય અને તેના ભૂતપૂર્વ અર્ધલશ્કરી સાથી રેપિડ સપોર્ટ ફોર્સિસ (આરએસએફ) વચ્ચેના દુષ્ટ સત્તા સંઘર્ષમાં સમગ્ર દેશમાં ઓછામાં ઓછા 14,000 લોકો માર્યા ગયા છે. આંકડો બહુ મોટો પણ હોઈ શકે છે.

દેશના સૈન્ય અને આરએસએફ વચ્ચે ખાર્તુમ અને નજીકનાં શહેરોમાં લડાઈ ચાલી રહી છે.

આરએસએફે રાજધાનીની દક્ષિણે આવેલા વિસ્તારો તેમજ ડાર્ફરના મોટા હિસ્સા પર નિયંત્રણ મેળવ્યું છે. આ પ્રદેશ તેના વિવિધ આફ્રિકન અને આરબ સમુદાયો વચ્ચે વર્ષોથી ચાલી રહેલી હિંસાને લીધે અશાંત છે.

ડાર્ફરથી નાસીને પાડોશના ચાડમાં ગયેલી મહિલાઓ તેમના પર સૈન્યના લોકોએ અનેક વખત બળાત્કાર કર્યો હોવાનું બીબીસીને જણાવ્યુ હતું. શિબિરોમાં રહેતા પુરુષોએ અમને જણાવ્યું હતું કે તેઓ રસ્તા પર આપવામાં આવતી ફાંસી તથા અપહરણમાંથી બચી ગયા હતા.

ઓમદુર્મનમાં સૈન્ય સાથે મોખરાની હરોળ સુધી પહોંચેલી બીબીસીની ટીમની હિલચાલને કાળજીપૂર્વક નિયંત્રિત કરવામાં આવી હતી. અમારી સાથે એક માઇન્ડર હતો અને લશ્કરી કામગીરીનું ફિલ્માંકન કરવાની મંજૂરી ન હતી.

સૈન્યને તેની ગતિવિધિઓની માહિતી જાહેર થઈ જવાનો ડર છે.

અમારો કૅમેરામેન મોર્ટર વિસ્ફોટનું વીડિયો શૂટિંગ કરતો હતો ત્યારે સાદાં વસ્ત્રોમાં સજ્જ સશસ્ત્ર લોકોએ તેને ઘેરી લીધો હતો અને તેના લમણે બંદૂક તાકી હતી.

તેઓ મિલિટરી ઇન્ટેલિજન્સના અધિકારીઓ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ એ કેટલા મોટા પ્રમાણમાં તણાવ છે તેનો સંકેત આપે છે.

ઓમદુર્મનમાં સૈન્યને તાજેતરમાં સફળતા મળી હોવા છતાં અમને સમયાંતરે આ વિસ્તારના આસપાસ ગોળીબારના અવાજો સાંભળવા મળતા હતા.

ફ્રન્ટ લાઇનનો એક હિસ્સો નાઇલની સમાંતરે છે, જે પૂર્વ તરફ ખાર્તુમને ઓમદુર્મનથી અલગ કરે છે. ઓમદુર્મન નદીની પશ્ચિમે છે.

સૈન્યે અમને જણાવ્યું હતું કે આરએસએફના સ્નાઈપર્સ, ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત સંસદની ઇમારતની સામે નદીની પેલે પાર આવેલા ઍપાર્ટમેન્ટ બ્લૉક્સમાં તહેનાત છે.

ઓમદુર્મનની જૂની માર્કેટ એક સમયે સ્થાનિકો અને મુલાકાતીઓથી ધમધમતી હતી. તે હવે ખંડેર હાલતમાં છે. તેની દુકાનોમાંથી લૂંટ કરવામાં આવી છે. રસ્તાઓ પર મોટા ભાગનાં લશ્કરી વાહનો જોવાં મળે છે.

ખાર્તુમ રાજ્યમાંથી છેલ્લા 11 મહિનામાં 30 લાખથી વધુ લોકો નાસી છૂટ્યા છે, પરંતુ ઓમદુર્મનના રહેવાસીઓએ ત્યાંથી જવાનો ઇનકાર કર્યો છે. એ પૈકીના મોટા ભાગના વૃદ્ધો સાથે અમારી મુલાકાત થઈ હતી.

ફ્રન્ટ લાઇનથી એક કિલોમીટર કરતા પણ ઓછા અંતરે મુખ્તાર અલ-બદરી મોહિદ્દીન ક્ષતિગ્રસ્ત મિનારાવાળી મસ્જિદ પાસે લાકડીના સહારે ચાલી રહ્યા હતા.

સામેની ખુલ્લી જગ્યામાં કામચલાઉ કબરો છે. તૂટેલી ઈંટો, બોર્ડ અને ક્રૉંકિટ સ્લેબના ટેકરા દેખાય છે.

અરબી સાહિત્યના જાણીતા પ્રોફેસર ડૉ. યુસેફ અલ-હબરની તકતી પાસે થોડી ક્ષણો થોભીને તેમણે કહ્યું હતું, “અહીં 150 લોકો છે. એ પૈકીના ઘણાને હું ઓળખતો હતો. મોહમ્મદ, અબ્દુલ્લા..જલાલ..”

“માત્ર હું જ બાકી છું,” તેમણે ઉમેર્યું હતું.

જે નાગરિક વિસ્તારોમાં આરએસએફના લડવૈયાઓ છુપાયેલા છે તે વિસ્તારો પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા માટે સુદાનના સૈન્યની ટીકા કરવામાં આવી છે, પરંતુ સૈન્ય કહે છે કે નાગરિકોને બચાવવા તે જરૂરી તકેદારી લે છે.

રાજધાનીમાં અને તેની આસપાસના વિસ્તારોમાં વિનાશ માટે લોકો બંને પક્ષોને જવાબદાર માને છે, પરંતુ ઘણા લોકો આરએસએફ પર લૂંટફાટ અને હુમલાના આક્ષેપ કરે છે.

સ્થાનિક રહેવાસી મુહમ્મદ અબ્દેલ મુતાલિબે અમને કહ્યું હતું, “તેઓ ઘરનો તમામ સામાન લઈ ગયા, કાર, ટેલિવિઝન ચોરી ગયાં અને તેમણે વૃદ્ધ લોકો તથા મહિલાઓને માર પણ માર્યો હતો.”

“લોકો ભૂખને લીધે મરી ગયા. એ પૈકીના કેટલાકને મેં તેમનાં ઘરોમાંથી બહાર કાઢ્યા હતા, જેથી મૃતદેહો અંદર સડી ન જાય.”

તેમના કહેવા મુજબ, મહિલાઓ પર તેમનાં ઘરોમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો અને સલામતી તપાસ દરમિયાન તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું એ વ્યાપકપણે જાણીતી વાત છે.

લગભગ 60 વર્ષના થવા આવેલા અફાફ મુહમ્મદ સાલેમ યુદ્ધ પાટી નીકળ્યું ત્યારે ખાર્તુમમાં તેમના ભાઈઓ સાથે રહેતા હતા.

આ મહિલાના કહેવા મુજબ, આરએસએફના લડવૈયાઓએ તેમના પર હુમલો કર્યો પછી તેઓ નદી પાર કરીને ઓમદુર્મન ચાલ્યા ગયા હતા. લડવૈયાઓએ તેમનું ઘર લૂંટ્યું હતું અને તેમના ભાઈને પગમાં ગોળી મારી હતી.

અફાકે કહ્યું હતું, “તેઓ મહિલાઓ અને વૃદ્ધ પુરુષોને મારતા હતા. નિર્દોષ છોકરીઓને ધમકાવતા હતા.”

સુદાનમાં નિષિદ્ધ ગણાતી લૈંગિક હિંસાનો સંકેત આપતાં તેમણે કહ્યું હતું, “સ્ત્રીના ગૌરવનું અપમાન પૈસા લઈ લેવા કરતાં વધારે નુકસાન કરે છે.”

‘બદલાનું શસ્ત્ર’

બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓએ તેમના પોતાના પરિવારો અને સમુદાયોમાં જીવનભર કલંકનો તેમજ હાંસિયામાં ધકેલાઈ જવાની સ્થિતિનો સામનો કરવો પડે છે. ઓમદુર્મનમાં ઘણા લોકો આ મુદ્દે ચર્ચા કરવા રાજી ન હતા.

જોકે, પશ્ચિમમાં 1,000 કિલોમીટરથી વધુ દૂર ચાડમાં સરહદે ફેલાયેલી શરણાર્થી શિબિરોમાં લૈંગિક હિંસાની ઉભરતી જુબાનીનું પ્રમાણ ગંભીર અને વ્યાપક છે.

અમીના (નામ બદલ્યું છે) ગર્ભપાત કરાવવા માટે સખાવતી સંસ્થા મેડિસિન્સ સાન્સ ફ્રન્ટિયર્સ દ્વારા સંચાલિત અસ્થાયી ક્લિનિકમાં આવ્યાં હતાં. તેમણે ઊંચું જોયા વિના અમારું અભિવાદન કર્યું હતું.

સુદાનથી ભાગીને ડાર્ફર ગયેલા 19 વર્ષના અમીનાને આગલા દિવસે જ ખબર પડી હતી કે તેઓ ગર્ભવતી છે. આ વાતની ખબર તેમના પરિવારજનોને ક્યારેય ન પડે એવું તેઓ ઇચ્છે છે.

અમીના તૂટક તૂટક સ્વરમાં કહે છે, “હું પરણેલી નથી. હું અક્ષત યૌવના હતી.”

અમીનાએ જણાવ્યું હતું કે લશ્કરી જવાનોએ તેમને તથા તેમના કાકીને પિતરાઈ ભાઈઓ સાથે પકડી લીધા હતા, કારણ કે તેઓ તેમના વતન અર્દામાતામાંથી નજીકના શહેર જીનીના તરફ ભાગી રહ્યા હતા.

અમીના કહે છે, “બીજા લોકો ભાગી ગયા, પણ તેમણે આખો દિવસ મને પકડી રાખી હતી. તે બે જણ હતા અને હું છટકીને ભાગી એ પહેલાં તે પૈકીના એકે મારા પર અનેક વખત બળાત્કાર કર્યો હતો.”

સાથી આરબ મિલિશે દ્વારા સમર્થિત આરએસએફનું વર્ચસ્વ વિસ્તરી રહ્યું છે. તેની સાથે અશ્વેત આફ્રિકનો, ખાસ કરીને મસાલિત વંશીય જૂથ પરના હુમલાઓમાં વધારો થયો છે.

અમીનાની કથા, ચોથી નવેમ્બરની આસપાસ આરએસએફ અને તેના સાથીઓએ અર્દામાતામાં સુદાનની લશ્કરી ચોકી કબજે ત્યારે નાગરિકો પર કરેલા હુમલાઓના અનેક પુરાવા પૈકીની એક છે.

વર્ષની શરૂઆતમાં તેવું થયું હતું. બીબીસીના ધ્યાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના તાજેતરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એપ્રિલથી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં 10,000થી વધુ લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે સંઘર્ષ સંબંધી લૈંગિક હિંસાનો ભોગ બનેલા લગભગ 120 પીડિતોનું દસ્તાવેજીકરણ કર્યું છે, જે જણાવે છે કે “આ તો વાસ્તવિકતાનો એક અંશ માત્ર છે.”

તેમાં જણાવવામાં આવ્યું છે કે આ પૈકીના 80 ટકાથી વધુ હુમલાઓ માટે આરએસએફના યુનિફોર્મધારી પુરુષો અને જૂથ સાથે જોડાયેલા સશસ્ત્ર પુરુષો જવાબદાર હોવાનું નોંધાયું છે. સુદાનના સૈન્ય દ્વારા લૈંગિક હુમલાઓ કરવામાં આવ્યા હોવાના કેટલાક અહેવાલો પણ આવ્યા છે.

સરહદી શહેર આદ્રેમાં આવેલા કૅમ્પની બહાર લગભગ 30 સ્ત્રીઓ અને છોકરીઓ બપોરના સમયે એક ઝૂંપડીમાં એકઠી થઈ છે.

ઝૂંપડીમાં ગુલાબી અને વાદળી રંગના ફુગ્ગાઓ તથા હસ્તલિખિત નોંધો તાર પર લટકે છે. એક નોંધમાં લખ્યું છે, “બળાત્કાર નિયતિ નથી, તેને રોકી શકાય છે.”

સ્ત્રીઓ તેમના શારીરિક અને લૈંગિક હિંસાના અનુભવની વાતો કરે છે ત્યારે અન્યોનાં આંસુઓ મુક્ત રીતે વહે છે.

મરિયમુ (નામ બદલ્યું છે) જણાવે છે કે આરબ લડવૈયાઓ જેવા પાઘડીધારી સશસ્ત્ર પુરુષોએ, જીનીનામાંના ઘરે નવેમ્બરમાં તેના પર બળાત્કાર કર્યો હતો.

એ પછી મરિયમુને ચાલવામાં તકલીફ પડતી. ત્યાંથી નાસી છૂટવાનું વર્ણન કરતાં, રડતાં રડતાં મરિયમુ કહે છે, “લોકો દોડી રહ્યા હતા, પરંતુ અમે એવું કરી શકતા ન હતા, કારણ કે મારી દાદી દોડી શકતી નથી. મને પણ બ્લીડિંગ થતું હતું.”

સામાજિક કાર્યકર ઝહરા ખમીસ પોતે પણ શરણાર્થી છે અને તેઓ આ જૂથનું સંચાલન કરે છે.

અમીના અને મરિયમુ બન્ને અશ્વેત આફ્રિકન સમુદાયના છે. ઝહરા ખામીસના કહેવા મુજબ, ખાસ કરીને મસાલિત વંશીય જૂથના લોકોને ડાર્ફરમાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

ડાર્ફરમાં 20 વર્ષ પહેલાં યુદ્ધ દરમિયાન ભૂતપૂર્વ પ્રમુખ ઓમર અલ-બશીર દ્વારા બિન-આરબ વંશીય જૂથોને કચડી નાખવા માટે જંજાવીદ નામનું આરબ મિલિશે ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. આરએસએફનાં મૂળિયાં આ ગ્રૂપમાં છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા મુજબ, ત્રણ લાખ લોકો માર્યા ગયા હતા અને અશ્વેત આફ્રિકન સમુદાયને આતંકિત કરવા તથા તેમને નાસી છૂટવાની ફરજ પાડવા માટે બળાત્કારનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. જંજાવીદના કેટલાક નેતાઓ અને બશીરને આઈસીસી દ્વારા નરસંહાર અને માનવજાત વિરુદ્ધા ગુનાઓના આરોપસર દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમણે આરોપોનો નકારી કાઢ્યા હતા અને કોઈને સજા કરવામાં આવી ન હતી.

ઝહરા ખામીસ માને છે કે આ યુદ્ધમાં બળાત્કારનો ઉપયોગ બદલાના હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે.

તેઓ ઉમેરે છે, “તેઓ મહિલાઓ પર બળાત્કાર કરે છે, કારણ કે બળાત્કારની સમાજ અને પરિવાર પર અસર થાય છે.”

મહિલાઓ પરની હિંસાના વલણને વાજબી ઠેરવતાં, પોતાને ‘ફિલ્ડ કમાન્ડર’ ગણાવતા આરએસએફના એક સભ્યે નવેમ્બરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

એ વીડિયો ક્લિપમાં તેમણે કહ્યું હતું, “અમે તમારી દીકરીઓ પર બળાત્કાર કરીએ છીએ બદલાનું કૃત્ય છે. આ અમારો દેશ છે, અમારો અધિકાર છે અને અમે તે અધિકારનો ઉપયોગ કર્યો છે.” આ વીડિયો બાદમાં ડિલીટ કરી નાખવામાં આવ્યો હતો.

બળાત્કાર અને અન્ય હુમલાઓ વિશેના બીબીસીના સવાલોના જવાબમાં આરએસએફે જણાવ્યું હતું કે સુદાની સૈન્યની ગુપ્તચર એજન્સી “લોકોની ભરતી કરી, તેમને આરએસએફ જેવા કપડા પહેરાવી અને નાગરિકો પર અત્યાચાર કરાવી રહી છે, જેથી કહી શકાય કે આરએસએફ ગુનાઓ આચરી રહી છે, લૈંગિક હિંસા કરી રહી છે અને વંશીય જૂથોનું નિકંદન કાઢી રહી છે.”

આરએસએફના સલાહકારની ઑફિસમાંથી ઓમરાન અબ્દુલ્લા હસને બીબીસીને કહ્યું હતું, “આરએસએફના લડવૈયાઓ એક કે બે ઘટનામાં સંડોવાયેલા હતા અને તેમને સજા કરવામાં આવી હતી.”

આરએસએફે ગયા વર્ષે જણાવ્યું હતું કે તેનાં દળો દ્વારા માનવાધિકારના ઉલ્લંઘનની તપાસ કરવા તે તંત્રની રચના કરશે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘ કહે છે કે કોઈ વિગત આપવામાં આવી નથી.

‘તમે મસાલિત હશો તો તેઓ તમને મારી નાખશે’

‘દુકાળની અણી પર’

લગભગ એક વર્ષ પછી સહાય એજન્સીઓએ માનવીય પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહી હોવાની ચેતવણી આપી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘનાં બાળકો માટે કામ કરતા સંગઠન યુનિસેફે જણાવ્યું હતું કે કેટલાક સમુદાયો દુકાળનો ભોગ બનવાની અણી પર છે.

ત્રણ વર્ષનો માનસેક એવાં લાખો બાળકો પૈકીની એક છે, જે પહેલેથી ગંભીર કુપોષણથી પીડિત છે. માનસેક પાસે ચાલવાની તાકાત નથી અને પોતાનું માથું ભાગ્યે જ સ્થિર રાખી શકે છે.

માનસેકની માતા તેને પોર્ટ સુદાનની એક યુનિસેફ હૉસ્પિટલમાં પારણામાં ઝુલાવી રહી હતી. પોર્ટ સુદાન રાતા સમુદ્રના કાંઠે આવેલું એક શહેર છે અને ખાર્તુમમાં લડાઈને કારણે ભાગેલા હજારો લોકોએ ત્યાં આશરો લીધો છે. મોટા ભાગના સરકારી સંસ્થાઓ અને માનવીય સહાય સંગઠનોએ પણ પોર્ટ સુદાનમાં સ્થળાંતર કર્યું છે.

માનસેકને બીજી કોઈ બીમારી છે કે કેમ તે તેની માતા જાણતી નથી અને તેના તબીબી નિદાન માટેના પૈસા તે ચૂકવી શકે તેમ નથી.

તેઓ કહે છે, “અમે અમારું જીવન ગુમાવ્યું, અમે અમારી નોકરી ગુમાવી.” તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ ઉત્તર સુદાનમાં ખેતરમાં કામ કરવા ગયા છે. ખાદ્યપદાર્થોના ભાવ કેટલા મોટા પ્રમાણમાં વધ્યા છે તેની વાત પણ તેમણે કરી હતી. એ પછી તેઓ વધુ કશું કહી શકતા નથી. માથું નમાવે છે અને આંસુ લૂછી નાખે છે.

અમે પોર્ટ સુદાનમાં એક સ્કૂલની મુલાકાત લીધી હતી. તેના જે વર્ગખંડોમાં એક સમયે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે આજે ભયભીત લોકોથી ખીચોખીચ ભરાઈ ગયા છે.

યાર્ડની બાજુમાં ગટર વહે છે. બાળકો ઉઘાડા પગે કચરાના ઢગલામાં રમે છે. અમને કહેવામાં આવ્યું હતું કે અહીં પાંચ લોકો કોલેરાને લીધે મૃત્યુ પામ્યા છે.

આઠ સંતાનોનાં માતા ઝુબૈદા અમ્મર મુહમ્મદ ખાંસતા રહે છે. તેઓ કહે છે કે તેઓ લ્યુકેમિયા થયો છે અને એપ્રિલથી પીડાઈ રહ્યાં છે. એપ્રિલમાં તેમની દવા ખતમ થઈ ગઈ હતી. યુદ્ધ ફાટી નીકળવાને લીધે તેમના પરિવારે ખાર્તુમમાંથી ભાગવું પડ્યું હતું અને તેઓ વધારે દવા મેળવી શક્યા ન હતા.

તેમના પતિએ સુદાનના સૈન્ય વતી લડવા માટે સ્વૈચ્છિક સેવા આપી હતી. તેમના પતિનું શું થયું તેના બે-ત્રણ મહિનાથી કોઈ સમાચાર નથી. સાથે રહેતાં માતા, દાદી અને ત્રણ બાળકો ઝુબૈદાની કથળતી જતી તબિયતને જોવા સિવાય કશું કરી શકતા નથી.

પોર્ટ સુદાનમાં અમારી મુલાકાત કૉપ્ટિક ખ્રિસ્તીઓના એક જૂથ સાથે પણ થઈ હતી. તેઓ આરએસએફની ધમકીઓ તથા હુમલાઓ અને સૈન્યના હવાઈ હુમલાઓથી બચવા રાજધાની છોડીને ભાગી નીકળ્યા હતા.

એ પૈકીના એક સારાહ એલિયાએ કહ્યું હતું, “વાયુસેનાએ ખાર્તુમમાં અમને ખતમ કરી નાખ્યા હતા.”

સારાહના કહેવા મુજબ, હવાઈ હુમલામાં તેમના પતિનું મૃત્યુ થયું હતું. પાડોશીના ઘર પરના હુમલામાં નવ લોકો માર્યા ગયા હતા, કારણ કે રહેણાક વિસ્તારો તથા ચર્ચમાં છુપાયેલા આરએસએફના લડવૈયાઓને સૈન્યે નિશાન બનાવ્યા હતા.

અમેરિકા કહે છે કે બન્ને પક્ષે યુદ્ધ અપરાધો કર્યા છે. આરએસએફ અને તેના સાથી લશ્કરોએ માનવતા વિરુદ્ધના અને વંશીય નિકંદનના ગુના કર્યા છે.

બન્ને પક્ષો આ આરોપો નકારે છે.

યુદ્ધના 11 મહિના પછી લડાઈનો અંત લાવવા બંનેમાં કોઈ તૈયાર હોય તેવા સંકેત દેખાતા નથી.

દેશ છોડવા સક્ષમ હતા એવા મોટા ભાગના લોકો દેશ છોડીને ભાગી ગયા છે. અહીં સંઘર્ષ, ભૂખમરો અને રોગચાળો ચાલુ છે ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે કોઈ જીતની જાહેરાત કરશે ત્યારે અહીં શું બાકી રહેશે?

(એડિશનલ રિપોર્ટિંગઃ પીટર બોલ અને મોહમ્મદ ઇબ્રાહીમ. વેરિફિકેશનઃ પીટર મ્વાઈ)