ગાઝાની નાસર હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મદદ કરનાર પર ગોળીબારના આરોપ કેમ લાગ્યા?

    • લેેખક, એલિસ કડી, સીન સેડોન, મૈરી-ખોસે અલ અઝી અને રીચર્ડ ઇરવિન-બ્રાઉન
    • પદ, બીબીસી ન્યૂઝ

શનિવારે 10 ફેબ્રુઆરીના રોજ ગાઝામાં જ્યારે સવારે સૂર્યોદય થયો, એ પહેલાં જ આખો વિસ્તાર ગોળીઓના અવાજથી ગૂંજી રહ્યો હતો.

એ સમયે ડૉ. અમીરા અલ-અસૌલી નાસર હૉસ્પિટલની મૅટરનિટી બિલ્ડિંગમાં હતાં, જ્યારે તેમણે પોતાની બારીમાંથી નીચે કોઈની જોરદાર ચીસો સાંભળી. લોકોએ કહ્યું કે ત્યાં એક ઘાયલ વ્યક્તિ છે.

તેઓ પગથિયાં ઊતરી નીચે પહોંચે તે પહેલાં જ તે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું.

ઇબ્રાહિમ સલમાએ પણ ચીસો સાંભળી હતી. તેઓ હૉસ્પિટલમાં જ રોકાયા હતા એટલે તેઓ પણ અવાજ સાંભળીને બહાર નીકળ્યાં. તેમને પણ ગોળી લાગી.

તેમણે કહ્યું, “અચાનક જ મારા પગ પર કંઈક ગરમ લાગ્યું અને હું પડી ગયો. મારો પગ ભારે થવા લાગ્યો અને લોહી વહેતું હતું.”

ડૉ. અમીરાએ આ છતાં જોખમ લીધું. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે તેઓ પોતાનું જાકિટ હઠાવ્યા બાદ ઇબ્રાહિમ તરફ દોડ્યાં.

અમીરાએ બીબીસીને કહ્યું કે તેમણે કોઈ ખચકાટ નહોતો અનુભવ્યો.

એ દિવસની ઘટનાને યાદ કરતાં ઇબ્રાહીમે કહ્યું કે ડૉ. અમીરાએ તેમની છાતી પર હાથ રાખ્યો અને ચીસ પાડીને કહ્યું કે તે જીવે છે.

ઘટનાસ્થળે કેવી હાલત હતી?

ગયા મહિને ઇઝરાયલી સૈન્યે ગાઝાની સૌથી મોટી અને સૌથી વધુ ભીડભાડવાળી નાસર હૉસ્પિટલ પર અભિયાન ચલાવ્યું હતું. તે પછી બીબીસીએ કેટલાંક અઠવાડિયાં સુધી ત્યાં બનેલી ઘટનાઓની તપાસ કરી.

મંગળવારે અમે જણાવ્યું હતું કે મેડિકલ સ્ટાફે ઇઝરાયલની સેના પર તેમની ધરપકડ કરવાનો, મારવાનો અને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો.

ત્યાર પછી બ્રિટનની સરકારે આ વિશે ઇઝરાયલ પાસેથી સ્પષ્ટતા માંગી. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાચારો અને માનવ અધિકારોના ઉલ્લંઘનના વિશ્વસનીય અહેવાલોની તપાસ કરવાની ઇઝરાયલની "નૈતિક જવાબદારી" છે.

અમે તે દિવસે શું થયું તે પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો અને વેરિફાઇડ વીડિયો ફૂટેજના પૃથ્થકરણ દ્વારા બતાવી શકીએ છીએ.

હૉસ્પિટલના મુખ્ય દ્વારની બહાર આશ્રય લેનાર વિસ્થાપિત નાગરિકો, આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓએ વર્ણન કર્યું કે તેઓ કેવી રીતે ગોળીબારીમાં ફસાઈ ગયા.

બીબીસીએ ગોળીબારીની 21 ઘટનાઓના વીડિયો વેરિફાઇ કર્યા છે અને પુષ્ટિ કરી છે કે આ ગોળીબારીમાં ત્રણ લોકો માર્યા ગયા છે.

બીબીસીએ પોતાના રિપોર્ટ ઇઝરાયલનો સેનાને આપ્યો અને નાસર હૉસ્પિટલમાં સેનાના અભિયાન વિશે સવાલો પણ કર્યા.

ઇઝરાયલી સૈન્યનું શરૂઆતથી જ કહેવું છે કે હમાસના લડવૈયા હૉસ્પિટલ અને મેડિકલ સેન્ટરોનો ઉપયોગ કરે છે. સૈન્યનો એ પણ આરોપ છે કે સાત ઑક્ટોબરના હુમલામાં અપહરણ કરાયેલા બંધકોને રાખવા માટે હમાસે આ જગ્યાનો ઉપયોગ કર્યો હતો.

ઇઝરાયલના સૈન્યે શું કહ્યું?

ઇઝરાયલની સેનાએ બીબીસીને જણાવ્યું કે તે વિસ્તારમાં સેના પહોંચે તે પહેલાંથી જ ગોળીબારીની ઘટનાઓ થઈ રહી હતી અને અમે નિશાન તાકીને આતંકવાદીઓ પર ગોળીઓ ચલાવી.

ઇઝરાયલના સૈન્યનો આરોપ છે કે જ્યારે અમે અંદર પહોંચ્યા તો અમને બંધકો માટે વાપરવામાં આવતી દવાઓ અને હથિયારો વિશે જાણકારી મળી. ગત નવેમ્બરમાં જે બંધકોને છોડવામા આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે તેમને અહીં એક રૂમમા બંધ કરીને રખાયા હતા.

શૈરોન અલોની કુનિયો (ઇઝરાયલી બંધકે) જણાવ્યું, “મને અરબી વેશભૂષામાં ઍમ્બુલન્સમાં નાસર હૉસ્પિટલ લઈ જવામાં આવી, જ્યારે મારા પતિને એક શીટ વડે ઢાંકીને લઈ જવામાં આવ્યા. જેથી તે એક લાશની જેમ દેખાય. મારા પતિ હજુ પણ ગાઝામાં છે.” આ જ પ્રકારનું નિવેદન અન્ય એક ઇઝરાયલી બંધકે આપ્યું હતું.

જોકે, આંતરરાષ્ટ્રીય આરોગ્ય કાર્યકરો સહિત હૉસ્પિટલના કર્મચારીઓએ હમાસ લડવૈયાઓની હાજરીનો ઇનકાર કર્યો હતો.

જ્યારે હૉસ્પિટલ પર રેડ પડી ત્યારે ઇઝરાયલના સૈન્યે કહ્યું કે 200 શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરવામા આવી છે, જેમાં કેટલાકે આરોગ્ય કર્મચારીઓ જેવો પોશાક પહેર્યો હતો.

આ હુમલા દરમિયાન નાસર હૉસ્પિટલમાં જેટલા લોકો હતા તેમને લાગે છે કે ઇઝરાયલના સૈન્યના સ્નાઇપર અને ડ્રોન હૉસ્પિટલની ઇમારતમાં આવતા-જતા લોકો અને બારીમાંથી જોતા લોકોને નિશાન બનાવે છે.

26 વર્ષીય સર્જન ડૉ. મહમૂદ શમાલાએ કહ્યું, “તે લોકોએ હૉસ્પિટલને ટૅન્ક, બુલડોઝર અને ડ્રોનથી ઘેરી લીધી હતી. ચારેતરફ સ્નાઇપરો હતા. બારીની નજીક જવાનો મતલબ હતો કે ગોળી ખાવી. ચારેતરફ બૉમ્બમારો થઈ રહ્યો હતો. તે અત્યંત મુશ્કેલ દિવસ હતો.”

અન્ય એક ડૉકટર મોહમ્મદ હારારાએ કહ્યું, “આ કૉમ્પલેક્સમાં રહેતા અનેક વિસ્થાપિત લોકોને અવરજવર દરમિયાન નિશાન બનાવવામા આવ્યા. ઈજાગ્રસ્ત લોકોની નજીક પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું અને જોખમ લઈને જવાનો અર્થ હતો, પોતાની કુરબાની આપવી. ઘણા લોકો જે પોતાનાં ભાઈઓ, સગાંસંબંધીઓ કે પરિચિત લોકોને બચાવવા ગયા, તેમને પણ નિશાન બનાવાયા હતા.”

મદદ કરવાનો પડકાર

આઠ ફેબ્રુઆરીના રોજ નર્સ હાજિમ અબુ ઓમરને ફરજ પર હતા, ત્યારે ગોળી વાગી.

કેટલાક અન્ય લોકોએ પણ બીબીસીને જણાવ્યું કે આ રીતે કેટલાક લોકોને ગોળીઓ વાગી હતી, જેમાં બે ડૉક્ટરો પણ હતા. જે એ સમયે પોતાના રૂમમાં હતા. એક વીડિયો ફૂટેજમા જોઈ શકાય છે કે એક ઈજાગ્રસ્ત નર્સને ઑપરેશન થિયેટરમાં લઈ જવાયાં હતાં.

અમને એ જાણકારી નથી મળી કે ગોળી કોણે મારી, કારણ કે ઇઝરાયલની સેનાએ આ વિશે કોઈ જવાબ નથી આપ્યો.

એ જ દિવસના અન્ય એક વીડિયોમા જોઈ શકાય છે કે લોકો પોલીસ સ્ટેશનની પાસે આવેલી ત્રણ સ્કૂલોમાંથી એક સ્કૂલના મેદાનમા એકઠા થયેલા લોકોને પાણી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા હતા.

જ્યારે લોકોએ રસ્તો પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગોળીઓનો અવાજ આવ્યો. બીબીસીના વિશ્લેષણ પ્રમાણે કોઈને ગોળી તો ન લાગી, પરંતુ એ તરફથી જ ગોળીઓ ચલાવવામાં આવી હતી.

એ જ દિવસના અન્ય એક વીડિયોમાં ડ્રોનનો અવાજ સંભળાઈ રહ્યો છે.

10 ફેબ્રુઆરીના રોજ ઇબ્રાહીમ સલમાના બંને પગમાં ગોળી વાગી હતી. જ્યારે તેઓ લોહીલુહાણ હતા, ત્યારે એક ડૉક્ટર તેમની સાથે સતત વાત કરી રહ્યા હતા, જેથી તેઓ બેહોશ ન થાય. પાસે ઊભેલી બીજી વ્યક્તિ પોતાના ફોન પર વીડિયો બનાવી રહી હતી.

એક કલાક તેઓ ત્યાં જ પડ્યા રહ્યા અને ત્યાર પછી ડૉ. અમીરા અસૌલી તેમની પાસે પહોંચ્યાં અને સ્ટ્રેચર વડે તેમને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.

તે દિવસના અન્ય એક વીડિયોમા દેખાય છે કે એક વ્યક્તિ દૂર પડેલા ઘાયલ માણસ પાસે જવાનો પ્રયાસ કરે છે.

એક દિવસ પછીના વીડિયોમાં તે જ લાશ જમીન પર પડેલી જોવા મળે છે. આ વીડિયો જણાવે છે કે ત્યાં કોઈ સુરક્ષિત અનુભવી નથી રહ્યું.

બધાની સામે ગોળી મારી

ડૉ. મોહમ્મદ મોગરાબીએ તે દિવસે ઇન્સટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું, “અમે એક ઇમારતથી બીજી બિલ્ડિંગ સુધી નથી જઈ શકતા. હૉસ્પિટલના પરિસરમાં ચાલતી કોઈ પણ વ્યક્તિને સ્નાઇપર નિશાન બનાવે છે.”

11 ફેબ્રુઆરીએ બે વીડિયો ક્લીપ સામે આવી જેમાં જોઈ શકાય છે કે મુખ્ય બિલ્ડિંગ અને અલ-દાહરા રોડના દરવાજા પર બે મૃતદેહો પડ્યા છે.

ડૉ. હરારાએ કહ્યું કે આ મૃતદેહો ચાર-પાંચ દિવસ ત્યાં જ પડ્યા હતા અને આ દરમિયાન તેને કૂતરા અને બિલાડા તેમને ચૂંથતાં રહ્યાં.

13 ફેબ્રુઆરીના રોજ સ્થિતિ વધારે ગંભીર થઈ ગઈ જ્યારે એક માણસ જંપસૂટ પહેરીની હૉસ્પિટલના પરિસરમાં આવે છે અને લોકોને ત્યાંથી જવા માટે કહે છે. તેમના હાથ બાંધેલા હતા.

હૉસ્પિટલમાં હાજર લોકોએ બીબીસીને જણાવ્યું કે તેઓ જમાલ અબુ અલ-ઓલા છે. તેઓ એક પેલેસ્ટિનયન વ્યક્તિ હતા, જે એક દિવસ પહેલાં ગુમ થયા હતા. તેમણે ઇઝરાયલના સૈન્યની કસ્ટડીમાં રહેલા લોકોને પહેરાવાય એવાં કપડાં પહેર્યાં હતાં.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ તેઓ તે દિવસે ત્રણ વખત એક નિશ્ચિત રૂટ દ્વારા હૉસ્પિટલ આવ્યા હતા અને એક ડ્રોન તેમની ઉપર ઊડી રહ્યું હતું.

ડૉ. હરારાએ બીબીસીને જણાવ્યું, “તેઓ ખૂબ જ અસામાન્ય લાગી રહ્યા હતા અને ડરેલા હતા. તેમની માતાએ તેમને પાછા ફરવા માટે કહ્યું. જોકે, તેમણે કહ્યું કે જો તેઓ નહીં જાય તો તેઓ અંદર આવીને તેમને અને તેમના પરિવારને મારી નાખશે.”

બીજી વખતે તેમના ચહેરા પર કાપાનાં નિશાન હતાં અને ત્રીજી વખતે તેમને ગોળી મારી દેવામાં આવી.

હૉસ્પિટલમાં રોકાયેલી અન્ય એક વ્યક્તિએ બીબીસીને કહ્યું કે બેઘર લોકો અને તેમનાં માતાની સામે તેમની હત્યા કરી નાખવામા આવી.

બીબીસી સાથે વાત કરનાર એક પણ વ્યક્તિએ નથી જોયું કે ગોળી ક્યાંથી લાગી. જમાલના મૃત્યુ વિશે બીબીસીના સવાલોનો ઇઝરાયલના સૈન્યે જવાબ ન આપ્યો. જોકે, સૈન્યે પહેલાં કહ્યું હતું કે આ વિશે સમીક્ષા થશે.

ડૉક્ટરોનું કહેવું છે કે તે દિવસે હૉસ્પિટલના પરિસરમાં અનેક લોકોને ગોળીઓ વાગી હતી. ડૉ. ખાલીદ સેરે ઇન્સટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે બે છોકરા રમતા હતા અને તેમને ગોળી મારી દેવામાં આવી તથા ત્રણ નાગરિકોને હૉસ્પિટલના દરવાજા પર ગોળી મારી દીધી.

વીડિયો ફૂટેજમાં શું છે?

એ સમયે ત્યાં હાજર એક પત્રકારે આ છોકરાઓની હત્યાનો વીડિયો જાહેર કર્યો છે, જેની બીબીસીએ ખરાઈ કરી છે. જોકે સ્વતંત્રપણે એ જાણવું મુશ્કેલ છે કે કેવી સ્થિતિમાં ગોળીબાર થયો.

એ દિવસે એક ટૅન્કે હૉસ્પિટલની દીવાલ તોડી પાડી. ઇઝરાયલની સેનાનાં વાહનોએ લાઉડસ્પીકર થકી લોકોને જવા કહી રહ્યા હતા.

અરબીમાં આપવામાં આવેલી ચેતવણીમાં લોકોને કહ્યું, “ જો તમે તમારો જીવ બચાવવા માંગતા હો તો તરત જ બહાર જાઓ. હૉસ્પિટલની અંદર રહેલા એક સાથે બહાર આવે.”

14 ફેબ્રુઆરીના રોજ હૉસ્પિટલની અંદર ડ્રોન ફરી રહ્યા હતા. એક વખત ફરીથી હૉસ્પિટલ ખાલી કરવાનો આદેશ આપવામા આવ્યો અને કહ્યું કે ઇઝરાયલની સેના રેડ કરવાની છે.

ઇબ્રાહીમ ઘોડીના આશરે બહાર નીકળ્યા અને તેમણે ચારેકોર મૃતદેહો જોયા, જેમાંથી કેટલાક મૃતદેહોને કૂતરા અને બિલાડીઓને ચૂંથી નાખ્યા હતા.

જ્યારે તેઓ ઇઝરાયલના ચેક પૉઇન્ટ પર પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે.

હૉસ્પિટલના જનરલ મૅનૅજર અતેફ અલ-હૂતે જણાવ્યું કે 15 ફેબ્રુઆરીના રોજ એક ગોળો ઑર્થોપેડિક ડિપાર્ટમેન્ટ પર પડ્યો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું.

ઇઝરાયલની સેનાએ કહ્યું કે હૉસ્પિટલની પાસે અન્ય એક સૈન્ય ટાર્ગેટને નિશાન બનાવાયો હતો. જોકે, ભૂલથી ગોળો હૉસ્પિટલ પર પડ્યો હતો.

એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક આરોગ્ય કર્મચારી ધરાશાયી થયેલી ઇમારતોમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી રહ્યા હતા.

બીબીસીએ ડૉ. હરારાના વીડિયોની તપાસ કરી છે, જેમાં દેખાય છે કે 15 ફેબ્રુઆરીના રોજ હૉસ્પિટલથી દક્ષિણે બે કિલોમીટર દૂર આવેલ શહેર ખાન યૂનિસ જતા લોકોને ગોળી વાગી.

એક મહિલાના પગમાં ગોળી વાગી. ત્યાર પછી તેમને એક કારથી બહાર લઈ જવામા આવ્યા. જોકે, એ જ સમયે એક ધડાકો થયો.

અન્ય એક વીડિયોમા આરોગ્ય કર્મચારી જેવાં કપડાં પહેરેલા કેટલાક લોકોનો સમૂહ પોતાનો જીવ બચાવવાની કોશિશ કરતો નજરે પડ્યો. આ સમૂહ રસ્તો ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યો હતો.

નાસર હૉસ્પિટલની હાલત

નાસર હૉસ્પિટલમાં ગોળીઓના અવાજ પછી એક ઈજાગ્રસ્ત વ્યક્તિ ઇમર્જન્સી બિલ્ડિંગ તરફ આવતી જોવા મળી રહી છે.

હૉસ્પિટલ પર ઇઝરાયલના કબજા બાદ રહેલા લોકોએ જણાવ્યું હતું કે તેમની પાસે ખાવાપીવા માટે ખૂબ જ ઓછો સામાન હતો. તેમને એક બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. તેમને ખૂબ જ ગંદકીમાં રહેવું પડ્યું. તેમને બીક હતી કે જો તેઓ પરિસરમાં જશે તો તેમને ગોળી મારી દેવામાં આવશે.

ઇઝરાયલની સેનાએ કહ્યું, “નાસર હૉસ્પિટલમાં ચલાવવામાં આવેલ અભિયાનને સટીકપણે અને કેન્દ્રિત રીતે અંજામ આપવામાં આવ્યું અને હૉસ્પિટલને ઓછામાં ઓછું નુકસાન પહોંચે તેની કાળજી રાખવામાં આવી છે. દર્દીઓ અને આરોગ્ય કર્મચારીને નુકસાન નથી પહોંચાડવામાં આવ્યું.”

16 ફેબ્રુઆરીના રોજ આરોગ્ય કર્મચારીઓને હૉસ્પિટલમાં નિર્વસ્ત્ર કરીને હાથને પીઠ પાછળ બાંધીને ઘૂંટણિયે બેસવા મજબૂર કરાયા. આ એ જ જગ્યાએ થયું, જ્યાં એક અઠવાડિયા પહેલાં ઇબ્રાહીમને ગોળી વાગી હતી. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી.

બે દિવસ પછી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કહ્યું કે નાસર હૉસ્પિટલે કામકાજ બંધ કરી દીધું છે. ઇઝરાયલની સેનાએ 25 ફેબ્રુઆરીએ પોતાનું ઑપરેશન સમાપ્ત કર્યું હતું.

એક નિવેદનમાં ઇઝરાયલની સેનાએ કહ્યું, “સેનાએ સારી માત્રામાં ખાવાપીવાનો સમાન અને જનરેટર ઉપલબ્ધ કરાવ્યાં છે. જેથી તેઓ કામ ચાલુ રાખી શકે અને દર્દીઓની સારવાર ચાલુ રહે.”

જ્યારે ઇઝરાયલની સેનાએ અભિયાન ખતમ કર્યુ ત્યારે નાસર હૉસ્પિટલમાં હાજર ડૉક્ટરોએ કહ્યું કે તેને સ્થાનિક લોકોએ લૂંટી લીધું અને ભાગી ગયા.

ડૉ. હાતેમા રાબાને કહ્યું, “તેઓ બધું જ લઈ ગયા – ખાવાપીવાની વસ્તુ, દવાઓ અને બૅટરી. તેઓ ભૂખ્યા હતા અને એ બધું લઈ ગયા, જે કામનું હતું.”

જ્યારે આ અઠવાડિયે બીબીસીએ હૉસ્પિટલની મુલાકાત લીધી ત્યારે દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી. માત્ર થોડાક જ વિસ્થાપિત લોકો પરિસરમાં હાજર હતા.

એક વૃદ્ધ વ્યક્તિએ બીબીસીને કહ્યું કે હું બીમાર છું, મને હૃદયરોગની સાથોસાથ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ છે. હું અહીંથી ન જઈ શકું. હું અહીં રોકાયેલો છું અને ઈશ્વરની દયાની રાહ જોઉં છું.”