ઇઝરાયલે ગાઝામાં અત્યાર સુધી હમાસના કેટલા હજાર લડવૈયાઓને માર્યા છે?

    • લેેખક, યોલાન્દે નેલ
    • પદ, જેરુસલેમથી બીબીસી સંવાદદાતા

પેલેસ્ટાઇનમાં પેલેસ્ટિનયનોનાં મૃત્યુનો કથિત આંકડો 30,000થી વધારે છે. ઇઝરાયલ પર પેલેસ્ટાઇનિયનોનાં મૃત્યુની વધતી સંખ્યા પર આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરવાની સાથે-સાથે એ સાબિત કરવાનું પણ દબાણ છે કે તે હમાસનો ખાતમો કરી રહ્યું છે, જેનો તેને સાત ઑક્ટોબર 2023ના રોજ દાવો કર્યો હતો. બીબીસી વેરિફાઈએ આ દાવા વિશે તપાસ કરી છે કે હમાસના કેટલા લડવૈયાઓનાં મૃત્યુ થયાં છે.

ઇઝરાયલની સેનાએ કહ્યું કે હમાસના હુમલાના જવાબમાં સેનાના હવાઈ હુમલા અને જમીની અભિયાનોમાં 10,000થી વધારે હમાસના લડવૈયાઓને મારી નખાયા છે. નોંધનીય છે કે હમાસના હુમલામાં 1,200 નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (આઈડીએફ) સતત પોતાની રણનીતિનો બચાવ કર્યો છે. તેણે એ વાત પર જોર આપ્યું છે કે તે પેલેસ્ટાઇનના ઓછામાં ઓછા નાગરિકોનાં મૃત્યુ થાય એવી રીતે હમાસના લડવૈયાઓ તેમજ તેમનો મૂળભૂત ઢાંચાને નિશાન બનાવવાની કોશિશ કરી છે.

હમાસે પોતાના લડવૈયાઓનાં મૃત્યુનો આંકડો જાહેર નથી કર્યો. સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર હમાસના એક અધિકારીએ સ્વીકાર્યું કે છે 6000 લડવૈયાઓ માર્યા ગયા છે. જોકે, હમાસે બીબીસી સાથેની વાતચીતમાં આ આંકડાને નકાર્યો છે.

પેલેસ્ટાઇનના સ્વાસ્થય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ યુદ્ધ શરૂ થયા બાદ મૃત્યુ પામનારાઓમાં ઓછામાં ઓછી 70 ટકા સંખ્યા મહિલાઓ અને બાળકોની છે. સ્વાસ્થ્ય મંત્રાલય નાગરિકો અને લડવૈયાઓ વચ્ચે ભેદ નથી ગણતું અને હમાસ દ્વારા સંચાલિત આ સ્વાસ્થય મંત્રાલયને વિશ્વ સ્વાસ્થય સંગઠને વિશ્વનીય ગણાવે છે.

બીબીસી વેરિફાઈએ આઈડીએફ પાસેથી હમાસના લડવૈયાઓનાં મૃત્યુની સંખ્યા અંગેની તેમની કાર્યપ્રણાલી સમજવા માટે વિનંતી કરી પરંતુ આઈડીએફે કોઈ જવાબ ન આપ્યો. અમે આઈડીએફ પ્રેસ રિલીઝ અને તેની સોશિયલ મીડિયા ચેનલો પર લડવૈયાઓનાં મૃત્યુ સંદર્ભની તપાસ કરી છે.

'ટાઇમ્સ ઑફ ઇઝરાયલ'ના 19 ફેબ્રુઆરીના એક અહેવાલમાં આઈડીએફને ટાંકીને જણાવાયું છે કે અત્યાર સુધી 12,000 લડવૈયાઓ માર્યા ગયા છે. બીબીસી વેરિફાઈએ આ આંકડા વિશે આઈડીએફની પ્રતિક્રિયા માગી હતી. આઈડીએફએ બે અલગ-અલગ પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે આ આંકડો અંદાજે 10,000 કે એનાથી પણ વધારે પણ હોઈ શકે છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાન્યુઆરીમાં દાવો કર્યો હતો કે ઇઝરાયલે પેલેસ્ટાઇનમાં હમાસના લગભગ બે તૃતીયાંશ લડવૈયાઓની રેજિમૅન્ટોનો ખાતમો કરી નાખ્યો છે. જોકે, તેમણે મરનાર લડવૈયાઓની કોઈ ચોક્કસ સંખ્યા જણાવી નહોતી. આઈડીએફના એક અનુમાન પ્રમાણે યુદ્ધ પહેલાં હમાસના લડવૈયાઓની સંખ્યા અંદાજે 30,000 હતી.

જોકે, યુદ્ધ શરૂ થયાના એક મહિના પછી 14 નવેમ્બરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ટેલિગ્રામ' પર આઈડીએફ ચેનલે “ડિવીઝન ફોર્સ” દ્વારા '1,000 આતંકવાદીઓની હત્યાનો ઉલ્લેખ' કરાયો છે.

તે સમયે પેલેસ્ટાઇનના સ્વાસ્થય મંત્રાલયે 11,320 મૃત્યુની સૂચના આપી હતી. આ આંકડા પ્રમાણે નાગરિક અને લડવૈયાઓનાં મૃત્યુનો દર 10:1 છે.

બીબીસી વેરિફાઈએ સાત ઑક્ટોબરથી 27 ફેબ્રુઆરી દરમિયાન આઈડીએફના યુ-ટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલા તમામ 280 વીડિયોનું અવલોકન કર્યું અને જાણ્યું કે ખૂબ જ ઓછા વીડિયોમાં લડવૈયાઓનાં મૃત્યુના પુરાવાઓ જોવા મળ્યા હતા. 13 ડિસેમ્બરના રોજ પોસ્ટ કરેલા એક વીડિયોમાં લડવૈયાઓના મૃતદેહ જોવા મળે છે અને અન્ય કેટલાક વીડિયોમાં લડવૈયાને ગોળી મારવામાં આવી હોય તેના પુરાવા છે.

બીબીસી વેરિફાઈએ 'ટેલિગ્રામ' પર આઈડીએફની મુખ્ય ચેનલ પર હમાસના લડવૈયાની હત્યાઓ વિશે થયેલા વ્યક્તિગત દાવાઓની સંખ્યા ગણવાનો પણ પ્રયાસ કર્યો. અમને 160 પોસ્ટ મળી જેમાં ચોક્કસ સંખ્યામા લડવૈયાની હત્યાની વાત કરવામાં આવી છે. આ કુલ સંખ્યા 714 છે. જોકે, 247 સંદર્ભો એવા હતા જેમાં 'ડઝનેક કે સેંકડો લડવૈયાઓ માર્યા ગયા' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કારણે એક ચોક્કસ આંકડો મળવો મુશ્કેલ છે.

કોઈ પણ યુદ્ધમાં લડવૈયાઓના મૃત્યુની સંખ્યા ગણવામાં મુશ્કેલીઓ પડે છે. પેલેસ્ટાઇનમાં કેટલાક લડવૈયાઓ સામાન્ય નાગરિકનો પહેરવેશ ધારણ કરીને લડે છે, મોટા ભાગે તેઓ ભૂગર્ભમાં બનાવેલા ટનલ-નેટવર્કમાં કામ કરે છે અને મોટા ભાગનાં મૃત્યુઓ હવાઈ હુમલાઓમાં થાય છે.

પેલેસ્ટાઇનમાં આઈડીએફના આક્રમણની શરૂઆતથી જ સેનાએ હમાસ પર નાગરિકોને માનવઢાલ તરીકે ઉપયોગ કરવાના આરોપો લગાવ્યા છે.

જોકે, કેટલાક નિષ્ણાતો એ વિશે ચિંતા જાહેર કરી ચૂક્યા છે કે આઈડીએફ કેટલાક લોકોને માત્ર એટલા માટે લડવૈયા તરીકે ગણી રહી છે કારણ કે તેઓ હમાસ દ્વારા સંચાલિત વિસ્તારમાં પ્રશાસનનો એક ભાગ છે.

કિંગ્સ કૉલેજમાં સિક્યૉરિટી સ્ટડીઝ ભણાવતા વરિષ્ઠ પ્રોફેસર ઍન્ડ્રિયાસ ક્રેગે જણાવ્યું છે, “હમાસ તંત્ર કે સંગઠન સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિને ઇઝરાયલ હમાસની સભ્ય જ ગણે છે.”

પેલેસ્ટાઇનના સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાઓ થકી જાણવા મળે છે કે ભૂતકાળમાં લડાયેલાં યુદ્ધોની તુલનામાં મહિલાઓ અને બાળકોનાં મૃત્યુની સંખ્યામાં આ વખતે ભારે વધારો જોવા મળ્યો છે.

બ્રિટનસ્થિત 'ઍવરી કેઝ્યુલિટી કાઉન્ટસ' નામની સંસ્થા હિંસક ઘર્ષણમાં મૃત્યુ પામેલા દરેક પીડિતનો રૅકોર્ડ રાખે છે. આ સંસ્થાના એક ઍક્ઝીક્યુટીવ ડિરેક્ટર રેશલ ટેઇલરે જણાવ્યું કે હાલના આંકડાઓ દર્શાવે છે કે આ યુદ્ધમાં સામાન્ય નાગરિકોનાં મૃત્યુનો દર ઘણો વધારે છે.

પેલેસ્ટાઇનની લગભગ અડધી વસતિ 18 વર્ષથી ઓછી ઉંમરની છે અને આ યુદ્ધમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં 43 ટકા બાળકોનો સમાવેશ થાય છે.

ટેઇલરે જણાવ્યું છે, “આજની પરિસ્થિતિથી વિપરીત, 2014માં મૃતકોની સંખ્યામાં લડાઈની ઉમર વાળા પુરુષોની સંખ્યાની ટકાવારી ઘણી વધારે હતી. જોકે, આ વખતે તે ખૂબ જ ઓછી છે તે સ્પષ્ટ છે.”

પેલેસ્ટાઇનના સ્વાસ્થય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓથી જાણવા મળે છે સંઘર્ષ શરૂ થયા પછી દરેક દિવસે સરેરાશ 200થી વધારે લોકો માર્યા ગયા છે.

યુદ્ધના શરૂઆતી તબક્કા એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બરની તુલનામાં હત્યાના દરમાં ઘટાડો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોકે, કેટલાક નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું કે ઇઝરાયલના હુમલાઓમાં મૃતકોની સંખ્યા વાસ્તવિક રીતે ઘણી વધારે હોવાની શક્યતા છે, કારણ કે કેટલીક હૉસ્પિટલો જ્યાં સામાન્ય રીતે મૃત્યુની નોંધણી કરવામાં છે તે કામ નથી કરી રહીં.

આ આંકડાઓમા માત્ર સૈન્ય દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં થયેલાં મૃત્યુઓ સામેલ છે. એમાં ભૂખમરી અને બીમારીને કારણે થઈ રહેલાં મૃત્યુનો સમાવેશ નથી કરાયો, જેના વિશે આંતરરાષ્ટ્રીય સહાયક સંસ્થાઓ ચિંતિત છે.

જેરૂસલેમસ્થિત માનવાધિકાર સંગઠન 'બત્સેલમે' કહ્યું છે કે વર્તમાન યુદ્ધ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભૂતકાળમાં થયેલા સંઘર્ષોની તુલનામાં અત્યંત ઘાતક છે.

આઈડીએફના પ્રવક્તા ડ્રોર સૈડોટે કહ્યું, “આ વખતે જે મૃતકોની સંખ્યા છે તે અમે પહેલાં પેલેસ્ટાઇન કે અન્ય કોઈ પણ વિસ્તારમાં ભૂતકાળમાં થયેલાં યુદ્ધોમાં નથી જોઈ.”

તેમણે ઉમેર્યું કે મૃતકોની સંખ્યા યુદ્ધના શરૂઆતી દિવસોમાં આઈડીએફના પ્રવક્તા દ્વારા જાણાવેલા દૃષ્ટીકોણને દર્શાવે છે.

આઈડીએફના પ્રવક્તાએ કહ્યું હતું કે ચોક્કસાઈ અને નુકશાનની શક્યતા વચ્ચે સંતુલન જાળવવાની સાથે-સાથે અમે એ વાત પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ કે હમાસને મહત્તમ નુકશાન કેવી રીતે પહોંચાડી શકાય.