ગાઝામાં રાહત સામગ્રીની રાહ જોઈ રહેલા 100થી વધુ લોકોનાં કઈ રીતે મૃત્યુ થયાં?

    • લેેખક, પૉલ બ્રાઉન
    • પદ, બીબીસી વેરિફાઈ

હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થય મંત્રાલયની જાણકારી પ્રમાણે ગુરુવારે સવારે ભોજન પહોંચાડનારી લૉરીની આજુબાજુ ભીડ ધસી આવતા 112 પેલેસ્ટિનયનનાં મૃત્યુ થયાં છે.

સેંકડો લોકો વાહનોની લાઇન પર ઉતરી આવ્યા હતા કારણ કે તે ગાઝા સિટીની બહાર દરિયાકાંઠાના માર્ગ પર ઉત્તર તરફ અંધકારમાં ઇઝરાયેલી સૈન્ય સાથે મુસાફરી કરી રહ્યા હતા.

મંત્રાલયે જણાવ્યું છે કે મૃતકો ઉપરાંત 760 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ દુ:ખદ ઘટના કેવી રીતે થઈ અને આ હત્યાકાંડ માટે કોણ જવાબદાર છે તે વિશે અલગ-અલગ દાવાઓ થઈ રહ્યા છે.

બીબીસી વેરિફાઈએ આ ઘટના વિશે મળેલી મુખ્ય માહિતીની ચકાસણી કરી છે. તે માહિતી ક્યાંથી મળી છે તે પણ તપાસ કરવાનો પ્રયાસ કર્યો છે. બીબીસી વેરિફાઈએ સોશિયલ મીડિયા વીડિયો, ઉપગ્રહ દ્વારા ખેંચાયેલી તસવીરો, અને આઈડીએફના ડ્રોન ફૂટેજમાંથી મળેલી માહિતીને એકઠી કરી અને આ ઘટનામાં શું થયું તે તપાસવાનો પ્રયાસ કર્યો.

સેંકડો લોકો સહાયની રાહ જોઈ રહ્યા છે

ઇનસ્ટાગ્રામ પર 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સમય 23:30 સમયે પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયોમાં જોઈ શકાય છે કે સેંકડો લોકો માવનતાવાદી મદદની રાહમાં તાપણા પાસે બેઠા છે.

યુએનએ ઉત્તરી ગાઝામાં ભયંકર દુષ્કાળની ચેતવણી આપી છે. ઉત્તરી ગાઝામાં લગભગ ત્રણ લાખ લોકો માટે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી અને ખાદ્ય સામગ્રી બચી છે. આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંઓમાં ખૂબ જ ઓછી મદદ પહોંચી છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોએ ગાઝા શહેરના દક્ષિણ પશ્ચિમે આવેલા અલ-રશીદ સ્ટ્રીટ પર પડાવ નાખ્યો છે. આ રસ્તાને ઉપયોગ તાજેતરમાં સહાય વિતરણ પૉઇન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

અમે પહેલાં એ વીડિયોની ચકાસણી કરી છે જેમાં આ જગ્યા પર લોકો અનાજની કોથળીઓ લેવા માટે લૉરીઓની પાસે એકઠા થાય છે.

ઘટના સ્થળે હાજર એક પત્રકાર મહમૂદ અવદેયાહે બીબીસીને જણાવ્યું કે ત્યાં મોટા પ્રમાણમાં લોકો ખાદ્ય સામગ્રી અને લોટની એક થેલી માટે માનવતાવાદી સહાયની રાહ જોઈ રહ્યા હતા.

માનવતાવાદી સહાય પહોંચાડતી ટ્રકનો કાફલો આઈડીએફ છાવણીની નજીક પહોંચે છે

ગુરુવાર 29 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સમય પ્રમાણે 4:00 વાગ્યા આસપાસ ઇજિપ્તથી માનવતાવાદી સહાય પહોંચાડતી ટ્રકનો કાફલો ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)ની છાવણી નજીકથી પસાર થઈને અલ-રશીદ સ્ટ્રીટ પર પહોંચે છે.

આઈડીએફએ ક્હ્યું કે આ કાફલામાં 30 ટ્રકો હતી. જોકે, એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને જણાવ્યું કે ત્યાં 18 ટ્રકો હતી અને આ કાફલો ઓછામાં ઓછા કેટલાક સો મીટર લાંબો હતો.

આઈડીએફના મુખ્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું, "સ્થાનિક સમય 04:45 વાગ્યાની આસપાસ જ્યારે ટ્રકોનો કાફલો ગાઝા શહેરના દક્ષિણ-પશ્ચિમે જ્યારે નાબુલસી પાસે પહોંચ્યો ત્યારે લોકોએ આ કાફલાને ઘેરી લીધો હતો."

લોકોએ ટ્રકોને ઘેરી લીધા

આઈડીએફ દ્વારા જાહેર કરવામાં આવેલા ડ્રોન ફુટેજનો આ સ્ક્રીનગ્રેબ છે.

આઈડીએફ દ્વારા જાહેર કરેલો આ વીડિયોને ચાર ભાગમાં એડિટ કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં બે અલગ-અલગ સ્થળોની ઘટના દેખાડવામાં આવી છે, આ બન્ને સ્થળોને બીબીસી વેરિફાઈએ જીઓ લોકેશનની મદદથી ટ્રેક કર્યાં છે.

વીડિયોના પ્રથમ બે ભાગોમાં દેખાય છે કે લોકોએ નાબુલસી પાસની આસપાસ બે ટ્રકોને ઘેરી લીધી છે.

ટ્રકોના કાફલાની આસપાસની ઘટના

વીડિયોના બીજા બે ભાગમાં જે ઘટના દેખાળવામાં આવી છે તે 500 મીટર દક્ષિણે છે.

જ્યાં ચાર ટ્રકો ઊભી છે. લોકો આ ટ્રકોની આસપાસ ફરતા જોઈ શકાય છે. જોકે, આ વખતે જોઈ શકાય છે કે જમીન પર પડેલી ગતિહીન આકૃતી દેખાય છે.

આઈડીએફના વીડિયોમાં લાલ ચોરસ સાથે આ આકૃતીઓને દર્શાવવામાં આવ્યા છે.

આ વીડિયોમાં ઇઝરાયલની સેનાનાં વાહનો પણ દેખાઈ રહ્યાં છે.

બીબીસી વેરિફાઈએ આઈડીએફ પાસેથી આ ઘટનાની સંપૂર્ણ ફૂટેજ માટે વિનંતી કરી છે.

ગોળીબાર

અમે અલ જઝીરાનાં ઍક્સક્લુઝિવ વીડિયોની પણ તપાસ કરી છે. આ વીડિયો અડધા કિલોમીટર દક્ષિણે કાફલાની પાછળ ભાગેથી ફિલ્માવવામાં આવ્યો છે.

આ વીડિયોમાં ગોળીબારના અવાજો સંભળાય છે. લોકો ટ્રકોની પાછળ છુપાવાની કોશિશ કરતા જોવા મળે છે. આકાશમાં લાલ ટ્રેસર રાઉન્ડ પણ જોઈ શકાય છે.

મહમૂદ અવદેયાહે કહ્યું કે ઇઝરાયલી વાહનોએ જ્યારે મદદ આવી ત્યારે લોકો પર ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો.

તેમણે ઉમેર્યું, "ઇઝરાયલે હેતુપૂર્વક પુરુષો પર ગોળીબાર કર્યો જે લોકો લોટની કોથળીઓ ભરેલી ટ્રકની નજીક જવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓ પર સીધો ગોળીબાર કરવામાં આવ્યો હતો અને તેમને માર્યા ગયેલા લોકોને નજીક આવતા અટકાવ્યા હતા."

આફ્ટરમેથ

અમે જ્યાં ગોળીબાર થયો હતો તે જગ્યા પર ફિલ્માવવામાં આવેલા વધારે ફૂટેજની ચકાસણી કરી હતી. આ ફૂટેજમાં નાબુલસી રાઉન્ડઅબાઉટની દિશામાં ઉત્તરમાં એક કાર્ટમાં મૃતદેહો લઈ જવામાં આવ્યા હતા.

મૃતદેહોને અનેક હૉસ્પિટલોમાં લઈ જવાના અહેવાલો છે.

અલ-અવદા હૉસ્પિટલના વચગાળાના હૉસ્પિટલ મેનેજર ડૉ. મોહમ્મદ સાલ્હાએ બીબીસીને કહ્યું: "અલ-અવદા હૉસ્પિટલમાં લગભગ 176 ઘાયલ લોકો આવ્યા હતા... આમાંથી 142 કેસ ગોળીથી થયેલી ઈજાના છે અને બાકીના લોકોને નાસભાગના કારણે શરીરના ઉપરના અને નીચેના ભાગોમાં ઈજા પહોંચી છે."

ઇઝરાયલ ઘટના અંગે શું સ્પષ્ટતા કરી?

ગુરૂવારે 13:06 સ્થાનિક સમયે ટેલિગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આઈડીએફના એક નિવેદનમાં જણાવ્યું, "આજે વહેલી સવારે, ઉત્તરી ગાઝા પટ્ટીમાં માનવતાવાદી સહાય ટ્રકોના પ્રવેશ દરમિયાન, ગાઝાનના રહેવાસીઓએ ટ્રકોને ઘેરી લીધી, અને પહોંચાડવામાં આવતા પુરવઠાની લૂંટ ચલાવી."

"ઘટના દરમિયાન, ધક્કો મારવા અને કચડી નાખવાના પરિણામે ડઝનેક પેલેસ્ટિનયન ઘાયલ થયા હતા."

સ્થાનિક સમય 15:35એ આઈડીએફે એક નિવેદન પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ ઘટનાની વિશે જાણકારી આપી હતી.

યુકેની ચેનલ 4 ન્યૂઝ સાથેની વાતચીતમાં આઈડીએફના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ પીટર લર્નરે જણાવ્યું હતું કે "એક ટોળાએ કાફલા પર હુમલો કર્યો અને તેને અમુક તબક્કે અટકાવી દીધો."

"કાફલાને સુરક્ષિત કરવા માટે જે ટેન્કો ત્યાં હતી તે પેલેસ્ટિનયનો કચડી નાખતા જુએ છે અને સાવચેતીપૂર્વક થોડા ચેતવણી આપવા માટે શૉટ સાથે ટોળાને વિખેરવાનો પ્રયાસ કરે છે."

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર 20:35 જીએમટી સમય પર પોસ્ટ કરાયેલા એક વીડિયો નિવેદનમાં આઈડીએફનાં ડેનિયલ હગારીએ દાવો કર્યો કે સેંકડોની જગ્યાએ હજારો લોકો એકઠા થઈ ગયા હતા અને ટેન્કના કમાન્ડરે નાગરિકોને નુકસાન ન પહોંચે તે માટે પીછેહઠ કરવાનું નક્કી કર્યું અને તેઓ સુરક્ષિત રીતે પીછેહઠ કરી રહ્યા હતા અને ટોળા પર ગોળીબાર કરતા ન હતા.

જોકે, અગાઉ 18:00 અને 19:00 જીએમટીની વચ્ચે સીએનએન પર એક મુલાકાતમાં, ઇઝરાયેલના વડા પ્રધાનના વિશેષ સલાહકાર માર્ક રેગેવે જણાવ્યું હતું કે ઇઝરાયેલ કોઈપણ રીતે આ ઘટના સાથે સીધું સંકળાયેલું નથી અને જમીન પર ઇઝરાયલના લોકો ન હતા.

તેમણે કહ્યું કે આઈડીએફએ એક અલગ ઘટનામાં ગોળીબાર કર્યો હતો જે ટ્રકોના કાફલા સાથે સંબંધિત નથી, પરંતુ વધુ પુરાવા આપ્યા નથી.

રેગેવે ઉમેર્યું: "ટ્રકના ટોળાની ઘટનામાં ગોળીબાર થયો હતો, તે સમયે ત્યાં પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથો હતાં. અમને ખબર નથી કે તે હમાસ હતી કે અન્ય."

વિશ્વભરના નેતાઓએ આ ઘટનાની તપાસની માગ કરી છે.

મંગળવારે યુએનના વરિષ્ઠ અધિકારી દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને અનુસરે છે જેમણે ચેતવણી આપી હતી કે ગાઝા પટ્ટીમાં પાંચ લાખથી વધુ લોકોએ ખાદ્ય અસુરક્ષાનો સામનો કરવો પડ્યો છે.