ઇઝરાયલ ગાઝામાંથી હમાસને સંપૂર્ણ ખતમ કરી શકશે?

    • લેેખક, ડાલિયા હૈદર અને નતાલી મરઝોગુઈ
    • પદ, બીબીસી અરબી સેવા

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, ગાઝામાં ઇઝરાયલનો ઉદ્દેશ્ય હમાસના શાસન અને લશ્કરી ક્ષમતાને નષ્ટ કરવાનો છે.

નેતન્યાહૂએ હમાસને ખતમ કરવાના તેમના લક્ષ્યનો વારંવાર પુનરોચ્ચાર કર્યો છે.

ગાઝામાં હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાંચ મહિનાના યુદ્ધમાં લગભગ 30,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

ઇઝરાયેલે કહ્યું છે કે તેણે ગાઝામાં નોંધપાત્ર સફળતા મેળવી છે અને સંપૂર્ણ વિજય હાંસલ કરવા આગળ વધશે.

પરંતુ હમાસ લશ્કરી ક્ષમતાઓ કરતાં ઘણી વધુ ક્ષમતાઓ ધરાવતું સંગઠન છે. હમાસ એક રાજકીય, વૈચારિક અને સામાજિક ચળવળ પણ છે. આવી સ્થિતિમાં હમાસને સંપૂર્ણપણે ખતમ કરવાનું ઇઝરાયલનું લક્ષ્ય શક્ય છે?

ઇઝરાયલનો દાવો છે કે તેણે ગાઝામાં હમાસની 24માંથી 18 બટાલિયનને ખતમ કરી દીધી છે.

તે દાવો કરે છે કે તેણે ઉત્તરી ગાઝા પટ્ટીમાં હમાસનાં લશ્કરી માળખાંનો વિનાશ પૂર્ણ કર્યો છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) કહે છે કે, જ્યારે હમાસે 7 ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારે તેની પાસે લગભગ 30,000 લડવૈયા હતા. આ હુમલામાં લગભગ 1,200 ઇઝરાયલી માર્યા ગયા હતા અને હમાસે લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા.

IDFએ 13,000 લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. નેતન્યાહૂએ ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યું હતું કે, ઇઝરાયલી દળોએ કાં તો 20,000થી વધુ ચરમપંથીઓને માર્યા, ઘાયલ કર્યા અથવા પકડ્યા.

આ સંખ્યા હમાસના લડવૈયાના અડધાથી વધુ છે. બીબીસી આ આંકડાઓની પુષ્ટિ કરી શકતું નથી. જ્યારે IDFને વિગતો આપવા વિનંતી કરવામાં આવી હતી, ત્યારે તેણે હજુ સુધી જવાબ આપ્યો નથી.

તે સ્પષ્ટ છે કે, ઇઝરાયલ અને ગાઝાના આંકડા વચ્ચે વિરોધાભાસ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મૃત્યુ પામેલા લોકોમાંથી લગભગ 9,000 પુખ્ત પુરુષ હતા.

બીબીસી સાથે વાત કરતા હમાસના રાજકીય કાર્યાલયે કહ્યું કે, તેઓ ઇઝરાયેલના દાવાને નકારી કાઢે છે. તેમણે કહ્યું કે તેમની સૈન્ય શાખા ગાઝામાં તમામ ક્ષેત્રો અને દળો સાથે કામ કરી રહી છે.

દરમિયાન, ઇઝરાયલના અખબાર 'હારેટ્ઝ'ના એક સમાચાર અનુસાર, હમાસે તેની કેટલીક બટાલિયનને ફરીથી સ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે.

જેન્સ ડિફેન્સ વીકલીના મિડલ ઇસ્ટ એડિટર જેરેમી બિન્ની કહે છે, "હમાસ નવા લડવૈયાઓની ખૂબ જ સરળતાથી ભરતી કરી શકે છે."

ઇઝરાયલી આર્મીના નિવૃત્ત કર્નલ, કર્નલ મીરી ઇસિન ઇઝરાયલની રીચમેન યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કાઉન્ટર ટેરરિઝમમાં ભણાવે છે.

તેઓ કહે છે કે ઇઝરાયલી સુરક્ષા દળોએ હમાસના ઘણા કમાન્ડરોને મારી નાખ્યા છે. તેના શસ્ત્રોના ભંડાર શોધી કાઢ્યા છે અને તેના ટનલ નેટવર્કને નષ્ટ કરી રહ્યા છે.

બિન્ની કહે છે કે હમાસની ટનલ સિસ્ટમ અગાઉના અંદાજ કરતાં ઘણી મોટી છે. તેમનું માનવું છે કે ઇઝરાયલીઓએ તેનો નાશ કરવામાં હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે, કારણ કે ત્યાં બંધકોને રાખ્યા હોવાનો ભય છે.

તેઓ એમ પણ કહે છે કે ઉત્તરી ગાઝામાં ઇઝરાયલનું અભિયાન સંપૂર્ણ નાબૂદીને બદલે જુલમની ખુલ્લી પ્રક્રિયા હોવાનું જણાય છે.

ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવાનો આરોપ છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે પણ નરસંહારના આરોપોને ધ્યાનમાં લીધા છે, જેને ઇઝરાયલે ગંભીર રીતે વિકૃત ગણાવ્યા છે.

આ હોવા છતાં નેતન્યાહૂનું કહેવું છે કે ઇઝરાયલે તેનું અભિયાન ચાલુ રાખવું જોઈએ અને હમાસની બાકીની બટાલિયન સામે લડાઈ કરવી જોઈએ.

શું તમે વિચારધારાને નાબૂદ કરી શકો છો?

પશ્ચિમના મોટા ભાગના દેશો હમાસને ચરમપંથી જૂથ તરીકે જુએ છે. ઘણા લોકો કહે છે કે હમાસના નેતાઓ હજુ પણ ઇઝરાયલના વિનાશ માટે અપીલ કરે છે.

પરંતુ આરબ વિશ્વના કેટલાક ભાગોમાં તેને પ્રતિકાર ચળવળ તરીકે જોવામાં આવે છે.

હમાસ 2006માં ચૂંટણી જીત્યા બાદ અને તેના હરીફ ફતાહને હિંસક રીતે હટાવ્યા બાદ 2007થી ગાઝા પટ્ટી પર શાસન કરી રહ્યું છે.

ત્યાર પછી ઇઝરાયલ અને અમુક અંશે ઇજિપ્તે પણ ગાઝા પટ્ટી પર નાકાબંધી કરી દીધી છે. આ બંને દેશોનું કહેવું છે કે તેઓ સુરક્ષા માટે આવું કરી રહ્યા છે.

પેલેસ્ટિનિયન જૂથોએ છેલ્લા બે દાયકામાં ગાઝાથી ઇઝરાયલ પર હજારો રૉકેટ છોડ્યાં છે. કેટલીક વાર પશ્ચિમ કાંઠે અથવા પૂર્વ જેરુસલેમમાં ઇઝરાયેલી સુરક્ષા દળોને સંડોવતા હિંસા અને સંઘર્ષના જવાબમાં આવું કરે છે.

યુરોપિયન કાઉન્સિલ ઑન ફોરેન રિલેશન્સના વરિષ્ઠ ફેલો અને મધ્ય પૂર્વ બાબતોના નિષ્ણાત હ્યુ લોવેટ કહે છે, "તે માત્ર લશ્કરી ચળવળ નથી, તે માત્ર એક રાજકીય ચળવળ નથી, તે એક વિચારધારા છે."

"તે વિચારધારાનો નાશ કરી શકાતો નથી. ચોક્કસપણે ઇઝરાયલી શસ્ત્રોથી નહીં."

ડૉ. અમજદ અબુ અલ એ જ પશ્ચિમ કાંઠાની આરબ અમેરિકન યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સંબંધો શીખવે છે. તેઓ કહે છે કે ઘણા પેલેસ્ટિનિયન હમાસને સમર્થન આપે છે, કારણ કે તેમને પોતાનું કોઈ ભવિષ્ય દેખાતું નથી.

વડા પ્રધાન નેતન્યાહૂએ તેમની કારકિર્દીનો મોટા ભાગનો સમય પેલેસ્ટિનિયન રાજ્યની રચનાના વિરોધમાં વિતાવ્યો છે. તેમણે સુરક્ષાની ચિંતાઓ અને આ પદ માટે ઇઝરાયલને માન્યતા આપવામાં હમાસની નિષ્ફળતા ટાંકી છે.

પરંતુ તેમના પક્ષ લિકુડ અને તેમની સરકારમાં તેમના અત્યંત જમણેરી સાથીઓ માને છે કે વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટી ઇઝરાયલની છે.

ઇઝરાયેલના કાર્યકર્તા જૂથ પીસ નાઉ અનુસાર, ગયા વર્ષે ઇઝરાયલી સરકારે પશ્ચિમ કાંઠે ઇઝરાયલી વસાહતો માટે રેકૉર્ડ સંખ્યામાં ઘરોને મંજૂરી આપી હતી.

વર્ષ 2023માં ઇઝરાયલી સેના અને ઇઝરાયલી વસાહતીઓએ પશ્ચિમ કાંઠે ઓછામાં ઓછા 507 પેલેસ્ટિનિયનોની હત્યા કરી હતી. મૃત્યુ પામેલામાં લગભગ 81 બાળકોનો પણ સમાવેશ થાય છે.

યુનાઇટેડ નેશન્સ ઑફિસ ફોર ધ કો-ઑર્ડિનેશન ઑફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA)એ 2005માં મોતની નોંધણી શરૂ કરી ત્યારથી મોતની સંખ્યાની દૃષ્ટિએ 2023 પેલેસ્ટિનિયનો માટેનું સૌથી ભયંકર વર્ષ નોંધાયું છે.

સંયુક્ત રાષ્ટ્રે પણ પશ્ચિમ કાંઠેથી પેલેસ્ટિનિયન હુમલામાં 36 ઇઝરાયલીના મોતની નોંધ કરી છે.

પેલેસ્ટિનિયન ઑથૉરિટી (પીએ) પ્રત્યે પણ ઊંડી નિરાશા છે. પીએ ફતહનું વર્ચસ્વ છે. તે પશ્ચિમ કાંઠાના ભાગો પર શાસન કરે છે. ઘણા પેલેસ્ટિનિયનો પીએને ઇઝરાયલના કબજા સામે ભ્રષ્ટ અને નબળા સમૂહ તરીકે જુએ છે.

ડૉ. અબુ અલ એઝ કહે છે કે, 7 ઑક્ટોબર પહેલાં ગાઝામાં નાકાબંધી હેઠળ રહેતા પેલેસ્ટિનિયનોને લાગ્યું કે તેઓ કોઈ મોટી જેલમાં જીવી રહ્યા છે.

તેમનું કહેવું છે કે પશ્ચિમ કાંઠે રહેતા લોકો યહૂદી લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા, જમીનો પર કબજો અને નોકરીઓની અછતથી ગુસ્સે હતા.

તેમનું કહેવું છે કે, પેલેસ્ટિનિયન સમાજમાં યુવાનોનું પ્રમાણ વધુ છે. શાંતિ પ્રક્રિયાની ગેરહાજરીમાં અન્ય પક્ષો પાસે એવું કંઈ નથી કે જેની સાથે તેઓ પેલેસ્ટિનિયન યુવાનોને પ્રોત્સાહન આપી શકે.

તેઓ કહે છે, "જ્યાં સુધી સંઘર્ષ છે, જ્યાં સુધી ત્રાસ છે, જ્યાં સુધી હત્યાઓ છે, ઘણા લોકો ચોક્કસપણે હમાસ જે કહે છે તેનું પાલન કરવું પડશે, કારણ કે તેઓ આશાની શોધમાં છે.

હમાસનું સમર્થન વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે?

7 ઑક્ટોબરની ઘટના બાદ ગાઝામાં પેલેસ્ટિનિયનોએ ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.

2023ના અંતમાં હાથ ધરવામાં આવેલો એક સર્વે દર્શાવે છે કે પેલેસ્ટિનિયનોમાં હમાસને માટે સમર્થન વધ્યું છે.

પશ્ચિમ કાંઠે 750 પેલેસ્ટિનિયનો અને ગાઝામાં 481 પેલેસ્ટિનિયનો વચ્ચે હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર, પશ્ચિમ કાંઠે હમાસને સમર્થન સપ્ટેમ્બરમાં 12 ટકાથી વધીને ડિસેમ્બરમાં 42 ટકા થયું હતું.

વેસ્ટ બૅન્કસ્થિત પેલેસ્ટાઈન સેન્ટર ફૉર પૉલિસી ઍન્ડ સર્વે રિસર્ચના ડૉ. ખલીલ શિકાકીએ જણાવ્યું હતું કે હમાસને સમર્થન સામાન્ય રીતે લડાઈ દરમિયાન વધે છે, પરંતુ આ વધારો 'નાટ્યાત્મક' હતો.

તેઓએ નોંધ્યું કે, નવેમ્બરમાં જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધવિરામ દરમિયાન પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને ઇઝરાયલની જેલમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા હતા.

તેઓ કહે છે કે આને કેટલાક લોકો દ્વારા પેલેસ્ટિનિયન લક્ષ્યો હાંસલ કરવા માટે હમાસ દ્વારા હિંસાનો ઉપયોગ અત્યંત અસરકારક તરીકે જોવામાં આવ્યો હતો.

ડૉ. શિકાકી કહે છે કે, હમાસને ટેકો ઇઝરાયલી નાગરિકો પરના હુમલા અને યુદ્ધમાં પીએના પ્રતિભાવ અંગે હતાશાને કારણે પણ મળ્યો હતો.

જોકે, ગાઝામાં ચિત્ર અલગ હતું, જ્યાં હમાસ માટેના સમર્થનમાં થોડો વધારો જોવા મળ્યો. ત્યાં 38 ટકાથી 42 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ગાઝામાં ઓછા લોકોને લાગ્યું કે હમાસનો ઑક્ટોબર સાતનો હુમલો વાજબી હતો. 57 ટકા લોકોએ આ હુમલાને સમર્થન આપ્યું હતું, જ્યારે વેસ્ટ બૅન્કમાં 82 ટકા લોકો હતા.

ડૉ. શિકાકી કહે છે, "આ સ્પષ્ટપણે દર્શાવે છે કે હમાસના નિર્ણયોના પરિણામે જે લોકો યુદ્ધનો સામનો કરી રહ્યા હતા તેઓ હમાસના મોટા ટીકાકારો હતા."

ફેબ્રુઆરીની શરૂઆત સુધી ગાઝાથી રિપોર્ટિંગ કરતા બીબીસી પત્રકારોએ તાજેતરના મહિનાઓમાં હમાસ પ્રત્યે વધતી જતી અસંતોષ અને હતાશાના સંકેતો જોયા છે.

તેમણે કેટલાક ગઝાવાસીઓ સાથે વાત કરી. તેઓએ હમાસ સામેના તેમના ગુસ્સાનાં કારણો તરીકે પ્રિયજનોનાં મૃત્યુ, ઇઝરાયલી સુરક્ષા દળો દ્વારા ઘરોનો વિનાશ અને ભૂખમરાનો ઉલ્લેખ કર્યો.

તેમણે એમ પણ કહ્યું હતું કે ગઝાવાસીઓ ઘણી વાર હમાસની જાહેરમાં ટીકા કરવાને લઈને ચિંતિત હોય છે.

લડવૈયાઓની નવી પેઢી

ડૉ. અબુ અલ એઝ માને છે કે ગાઝાના ઘણા યુવાનોમાં હવે ઇઝરાયલ અને તેના કબજા સામે નફરત છે.

તેઓ કહે છે, "મને લાગે છે કે ભવિષ્યની પેઢીઓ બદલો લેવા માટે આ લશ્કરમાં જોડાશે, કારણ કે તેઓએ તેમના પરિવારો ગુમાવ્યા છે. તેમનાં બાળકો, માતાઓ અને પુત્રો, તેમના ભાઈઓ અને બહેનો ગુમાવ્યાં છે."

પરંતુ કર્નલ આઇસિન કહે છે કે, હમાસ માટે વધુ સમર્થન પેદા કરવાની ચિંતાઓ લશ્કરી લક્ષ્યોને ઘટાડવી જોઈએ નહીં.

7 ઑક્ટોબરના રોજ થયેલા સૌથી મોટા, સૌથી ભયાનક અને ઘાતકી હુમલાને યાદ કરીને તેઓ કહે છે, "તેઓ પહેલેથી જ ખૂબ કટ્ટરપંથી બની ગયા છે."

તેઓ ઉમેરે છે, આ વિચારધારાને તે એના કરતાં વધુ ખરાબ નહીં કરે, કેમ કે તે પહેલેથી જ ખરાબ છે.

ડૉ. શિકાકી કહે છે, "જો શાંતિ સ્થપાય તો જરૂરી નથી કે એક મોટા યુદ્ધને કારણે યુવાનો શસ્ત્ર ઉપાડે."

શું યોજના છે?

નેતન્યાહૂએ યુદ્ધ પછીની યોજનાની રૂપરેખા તૈયાર કરી છે. આ મુજબ ઇઝરાયલ હમાસથી ખાલી કરાયેલા ગાઝામાં અનિશ્ચિત સમય માટે સુરક્ષાને નિયંત્રિત કરશે.

યોજના અનુસાર, પેલેસ્ટાઈન કે જેઓ ઇઝરાયલ પ્રત્યે પ્રતિકૂળ જૂથો સાથે કોઈ સંબંધ ધરાવતા નથી તેઓ આ વિસ્તાર ચલાવશે.

કર્નલ આયસિન કહે છે કે હમાસ હંમેશાં કંઈકને કંઈક બતાવે છે, પરંતુ તે માને છે કે ઇઝરાયલ તેમાંથી મોટા ભાગનાને જે તેમના માટે જોખમ ઊભું કરે છે તેને ખતમ કરી શકશે.

લોવેટ કહે છે, "જો કોઈ ખરેખર હમાસને હાંસિયામાં ધકેલવા અને નબળું પાડવા માગે તો તે કરવાનો એકમાત્ર રસ્તો એક સક્ષમ રાજકીય માર્ગ બનાવવાનો છે."

પરંતુ બે રાષ્ટ્રોના ઉકેલની સંભાવના હજુ પણ અંધકારમય છે.

નેતન્યાહૂએ તાજેતરમાં એક્સ પર કહ્યું હતું કે તે પેલેસ્ટિનિયન રાજ્યની વિરુદ્ધ, જૉર્ડનની પશ્ચિમના સમગ્ર વિસ્તાર પર સંપૂર્ણ ઇઝરાયલી સુરક્ષા નિયંત્રણ સાથે સમાધાન નહીં કરે.

આ ઇઝરાયલના મુખ્ય સાથી અમેરિકાનો વિરોધાભાસ રજૂ કરે છે. જે કહે છે કે ઇઝરાયલ-પેલેસ્ટિનિયન સંઘર્ષનો કાયમી ઉકેલ ફક્ત પ્રાદેશિક અભિગમથી જ આવી શકે છે. જેમાં પેલેસ્ટિનિયન રાજ્યનો રસ્તો સામેલ છે.

જો બાઇડનના વહીવટીતંત્રે ભારપૂર્વક જણાવ્યું છે કે, ઇઝરાયલે ગાઝા પર અનિશ્ચિત સમય માટે કબજો ચાલુ રાખવો જોઈએ નહીં. યથાસ્થિતિ જાળવવાના વિકલ્પ વિના ભવિષ્યમાં હિંસા વધવાનું જોખમ છે.

બીજી બાજુ બિન્ની કહે છે, "હું ઇઝરાયલ માટે કોઈ વિજય દિવસ જોઈ શકતો નથી."

તેઓ કહે છે, "તેઓ હમાસની મોટા પાયે અધોગતિ કરી શકે છે. પરંતુ મોટી વાત એ છે કે આ પછી તમે હમાસને ફરીથી ઉભરતા કેવી રીતે રોકશો?"

(હીથર શાર્પે તરફથી વધારાનું રિપોર્ટિંગ.)