You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારો પુત્ર ભૂખ્યો મરી ગયો અને દુનિયા જોતી રહી,' ગાઝાના એક પિતાની વ્યથા
- લેેખક, ડૅવિડ ગ્રિટ્ટેન
- પદ, બીબીસી ન્યૂઝ
“ભૂખ્યાં ટળવળતાં બાળકોના નસીબમાં શું લખાયેલું છે? શું તેમને કોઈ સહારો મળશે કે જે તેમનું જીવન બચાવી શકે? મારા પુત્ર અલીનું તો મૃત્યુ થઈ ગયું.”
કુપોષણ અને ડિહાઇડ્રેશનને કારણે ઉત્તર ગાઝાની એકમાત્ર બાળકોની હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા પેલેસ્ટિનિયન બાળક અલીના પિતાએ ત્યાં સારવાર લઈ રહેલાં અન્ય બાળકો માટે મદદનો પોકાર કર્યો છે.
યુનાઇટેડ નૅશન્સે જો તત્કાળ મદદ નહીં પહોંચે તો ભયાનક દુષ્કાળની સંભાવના જાહેર કરી છે.
બીબીસી અરબી, ગાઝા લાઇફલાઇનની રેડિયો સેવાને આપેલા ઇન્ટરવ્યૂમાં એક વ્યક્તિ કહે છે, “યુદ્ધ ચાલતું હતું ત્યારે જ અલીનો જન્મ થયો હતો, જેથી તેને અને તેનાં માતાને કશું જ ખાવાનું મળતું ન હતું. જેના કારણે તેની કિડનીઓ ફેલ થઈ ગઈ.”
“દિવસે ને દિવસે અલીની પરિસ્થિતિ વધારે બગડતી જતી હતી. અમે તેને હૉસ્પિટલમાં સારવાર મળે તેવો પ્રયત્ન કર્યો, પણ અમને મદદ ન મળી. દુનિયાની સામે તેનું મૃત્યુ થયું અને દુનિયા માત્ર મૂકપ્રેક્ષક બની રહી.”
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ખોરાકના અભાવને કારણે ઓછામાં ઓછાં દસ બાળકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાંના અલી એક છે. બેત લાહિયામાં આવેલી કમાલ અદવાન હૉસ્પિટલની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે મુલાકાત લીધી હતી, ત્યાર બાદ તેમણે આ માહિતી આપી હતી.
હમાસસંચાલિત ગાઝાના સ્વાસ્થ્યમંત્રાલયે ગાઝાપટ્ટીમાં કુપોષણ અને ડિહાઇડ્રેશનથી 18 બાળકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ કરી છે.
તેમાંથી 15 બાળકોનાં મૃત્યુ તો કમાલ અદવાનમાં જ થયાં હતાં. મંત્રાલયે આવી સારવાર લઈ રહેલાં વધુ છ બાળકો વિશે ચિંતા વ્યક્ત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુનિસેફે ચેતવતાં કહ્યું હતું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં માનવસહાયને રોકવામાં આવી રહી છે અને તે સમયસર પહોંચતી નથી, જેના કારણે બાળકોનો મૃતાંક હજુ વધી શકે છે.
ગાઝાના સ્વાસ્થ્યમંત્રાલય અનુસાર ગાઝાપટ્ટીમાં મૃત્યુ પામેલાં 30,700 લોકો અને ઈજાગ્રસ્ત થયેલા 72 હજાર લોકોમાં 70 ટકા મહિલાઓ અને બાળકો છે.
ઇઝરાયલી આર્મીએ હમાસે કરેલા હુમલા બાદ 7 ઑક્ટોબર, 2023ના રોજ ગાઝાપટ્ટીમાં જમીની ઑપરેશન શરૂ કર્યું હતું. જેમાં અંદાજે 1,200 નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં અને 253 લોકોને બંધક બનાવવામાં આવ્યા છે.
ઉત્તર ગાઝામાં ભયાનક પરિસ્થિતિ
એક અંદાજ પ્રમાણે ત્રણ લાખ લોકો હાલમાં ઉત્તર ગાઝામાં છે, જેમનો દુનિયા સાથેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ કહે છે કે ત્યાં ભૂખમરાની સ્થિતિ આપત્તિજનક સ્તરે પહોંચી ગઈ છે, કારણ કે માત્ર સહાયની નાનકડી માત્રા જ પહોંચી શકી છે.
કુપોષણ પર નજર રાખી રહેલી યુએનની એજન્સીઓએ જાન્યુઆરીમાં કહ્યું હતું કે ગાઝામાં બે વર્ષથી નીચેની ઉંમરનાં દર છ માંથી એક બાળક કુપોષણથી પીડાય છે. તેમાંથી ત્રણ ટકા બાળકો અતિશય કુપોષણથી પીડિત છે અને તેમને તાત્કાલિક સારવારની જરૂર છે.
ઓછા પોષણવાળો ખોરાક, ચોખ્ખું પાણી અને મેડિકલ સેવાઓ પર થયેલી અસરને કારણે માતાઓને તેમનાં બાળકોને સ્તનપાન કરાવવામાં પણ મુશ્કેલી પડે છે.
સ્તનપાન અથવા તો ઓછા પોષણવાળો ખોરાક મળવાને કારણે બાળકોને ડિહાઇડ્રેશન અને કુપોષણ જેવી તકલીફો તરત જ થઈ જાય છે. જેના કારણે કિડની ફેઇલિયર જેવી તકલીફો પણ પડી રહી છે.
કમાલ અદવાનના આઇસીયુમાં કામ કરતાં ડૉ. સમીઆ અબ્દેલ જલીલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “આ બાળક અને તેની મોટી બહેન આ જ હૉસ્પિટલમાં કેટલાક દિવસ પહેલાં મૃત્યુ પામ્યાં હતાં.”
તેઓ આ વાતને યાદ કરતા કહે છે કે, “એ સમયે માત્ર અમને આ બાળક માટે જ નહીં, પરંતુ હૉસ્પિટલમાં રહેલા તમામ લોકો માટે દૂધ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. એક બાળકીને થોડુંય દૂધ ન મળતાં તેનું મૃત્યુ થયું હતું.”
સાલાહ સમારા એ ચાર મહિનાનું બાળક છે, જે ગંભીર રીતે બીમાર બાળકોમાંથી એક છે, જેની સારવાર ડૉ. અબ્દેલ જલીલ અને તેમના સાથીદારો તેમની પાસે રહેલાં મર્યાદિત સંસાધનો સાથે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમનાં માતા અનુસાર તે સમય પહેલાં જન્મ્યો હતો અને તેને ગંભીર ડિહાઇડ્રેશન થયું હતું. હવે તે જીવલેણ કિડનીની પીડા અને પેશાબની તકલીફો પીડાય છે. આ ખૂબ જ પીડાદાયક છે.
"તેની સાથે જે થઈ રહ્યું છે, તેના કારણે હું ખૂબ દુ:ખી છું. તમારા પુત્રને દરરોજ રડતો જોવું એ ખૂબ જ મુશ્કેલ છે. તે પેશાબ કરી શકતો નથી... અને ડૉક્ટરો તેને મદદ કરી શકતા નથી."
તેઓ કહે છે, "તેને સારવાર મેળવવાનો અધિકાર છે અને બાળક હોવાને કારણે તેને અન્ય દરેક વસ્તુનો અધિકાર છે."
"તેની પરિસ્થિતિ દરેક પસાર થતા દિવસ સાથે બગડતી જઈ રહી છે. તેને વિદેશમાં તાત્કાલિક સારવારની જરૂર છે. મને આશા છે કે જે કોઈ મારો અવાજ સાંભળશે અને મારા પુત્રની સારવાર કરવામાં મદદ કરશે."
આંતરરાષ્ટ્રીય દબાણ
કમાલ અદવાનના ડાયરેક્ટર ડૉ. અહમદ અલ-કહલોત કહે છે, “અત્યાર સુધીમાં સ્વાસ્થ્યમંત્રાલયે બાળકોના મૃત્યુની પરિસ્થિતિને મામલે જેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે એના પરથી એવું લાગે છે કે તેઓ આ સ્થિતિને ઓછી આંકી રહ્યા છે.”
તેઓ ચેતવણી આપતાં કહે છે, “કુપોષણને કારણે થઈ રહેલાં બાળકોનાં મૃત્યુની ગણતરી તો હમણાં બે અઠવાડિયાં પહેલાં શરૂ થયાં, પરંતુ આ આંકડો હજુ ઘણો મોટો છે.”
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ડાયરેક્ટર જનરલ ટેડ્રોસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે, “સોમવારે એજન્સીઓ કમલ અદવાન અને અલ-અવદા જેવી હૉસ્પિટલોને ઈંધણ અને કેટલોક આવશ્યક તબીબી પુરવઠો પહોંચાડવામાં સક્ષમ હતી. પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે આ સહાય જીવન બચાવવા માટે જેટલી તાત્કાલિક જરૂર છે, તેની સરખામણીએ ઘણી ઓછી છે.”
તેમણે કહ્યું, “અમે ઇઝરાયલ સાથે પણ વાત કરી હતી કે આ માનવસહાયને સુરક્ષિત અને નિયમિત પહોંચવા દેવામાં આવે. નાગરિકો, ખાસ કરીને બાળકો અને સ્વાસ્થ્ય કામદારોને તત્કાલ મદદ જોઈએ છે. દરેક દર્દી માટે મુખ્ય દવા અત્યારે શાંતિ છે જે તેમને મળતી નથી.”
પશ્ચિમી દેશોની સરકારો પણ ઇઝરાયલ ઉપર દબાણ વધારી રહી છે કે તે રાહતસામગ્રીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડાય. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે, “આપણે ગાઝા સુધી વધુમાં વધુ મદદ પહોંચાડવી જોઈએ. તેમાં કોઈ બહાનું નહીં ચાલે.”
જોકે, મંગળવારે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે કહ્યું હતું કે છેલ્લાં બે અઠવાડિયાંમાં ઇઝરાયલી સૈનિકોએ તેમને ઉત્તર ગાઝામાં સહાય પહોંચાડતા અટકાવ્યા હતા.
યુએન એજન્સી કહે છે કે 14 ટ્રકોનો કાફલો ચેકપૉઇન્ટ પર રોકી દેવામાં આવ્યો હતો અને જેને બાદમાં ભૂખ્યા લોકો દ્વારા લૂંટી લેવામાં આવ્યો હતો.
બીબીસીએ ઇઝરાયલી સેનાનું આ વિશે શું કહેવું છે તેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ઇઝરાયલી સંરક્ષણમંત્રાલયની એજન્સી કે જે ગાઝામાં રાહત, સહાયની કામગીરીનું સંચાલન કરે છે તેમણે કહ્યું કે, “અમે ગાઝામાં માનવીય મદદને વધુ પહોંચાડવાના પ્રયત્નો વધારીશું પણ સાથે અમારા બંધકોને પણ છોડાવવાનું અમારું લક્ષ્ય છે અને ગાઝાને હમાસના નિયંત્રણમાંથી મુક્ત કરવાનું છે.”