You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન યુદ્ધનાં બે વર્ષ: અપાર મુશ્કેલી છતાં અસ્તિત્વની લડાઈ લડતા દેશની કહાણી
- લેેખક, જેમ્સ વૉટરહાઉસ
- પદ, બીબીસી ન્યૂઝ, યુક્રેનથી
તેનો શાબ્દિક અર્થ ‘વળી ગયેલું શિંગડું’ એવો થાય છે, પરંતુ રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી ક્રિવ્યી રીહને તેમનાં આત્મા અને હૃદય સાથે સરખાવે છે. તેઓ આ ઔદ્યોગિક અને સહિષ્ણુ શહેરને તેમનું ચરિત્ર ઘડવા પાછળ મહત્ત્વનું ગણે છે. તેઓ ઍન્થિલ તરીકે ઓળખાતા ફ્લૅટ્સમાં મોટા થયા હતા.
તમે જ્યારે આ અતિશય ઊંચી બિલ્ડિંગ સામે ઊભા રહો છો ત્યારે તમને અહીંથી આગળ વધીને યુદ્ધ સમયે નેતૃત્વ પૂરું પાડનાર વોલોદિમીર ઝૅલેન્સ્કીની યાત્રા અદ્ભુત અને યાદગાર પ્રતીત થાય છે.
ઝૅલેન્સ્કીનાં માતાપિતાના પાડોશી તરીકે રહેતાં વિટા કહે છે, “હું ઇચ્છું છું કે આ યુદ્ધનો જલદી અંત આવે. તે સામાન્ય, સારો માણસ છે જે લોકો માટે લડે છે.”
“મને બસ એટલી જ આશા છે કે આ યુદ્ધ જલદી બંધ થાય અને અમને વાગતી સાયરનોમાંથી છુટકારો મળે.”
પરંતુ યુક્રેન તરફથી ઓછા પ્રયાસો અને રશિયાનો દિવસે ને દિવસે વધતો પ્રભાવ જોઈને પ્રથમ દૃષ્ટિએ એવું લાગતું નથી કે આ યુદ્ધનો તત્કાળ અંત આવે, કારણ કે આ બંને દેશોને ખમતીધર ખિસ્સું ધરાવતા દેશો સહાય કરી રહ્યા છે.
તાજેતરમાં યોજાયેલી મ્યુનિચ સિક્યૉરિટી કૉન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું હતું કે, “તમે યુક્રેનને ન પૂછો કે યુદ્ધનો ક્યારે અંત આવશે પણ પુતિનને પૂછો કે યુદ્ધનો ક્યારે અંત આવશે.”
અવરોધિત થયેલી લશ્કરી સહાયને કારણે હવે ફ્રન્ટલાઇન પર યુક્રેનનાં દળોને સીધી અસર થઈ રહી છે.
'આપણે લડવું જ જોઇએ'
લગભગ એંશી વર્ષીય વૅલેરી એક કરિયાણાની દુકાનની બહાર બેઠા છે. તેઓ કહે છે, “હું કોઈ રાજનેતા નથી. આપણે કહી શકીએ નહીં કે આ યુદ્ધ હવે ક્યારે અટકશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“આપણે લડવું જ જોઈએ. અમે હવે વધુ સહન નહીં કરીએ. લોકો હવે ખૂબ ગુસ્સામાં છે.”
24 ફેબ્રુઆરી 2022ની એ સવારે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારથી પોતાની રક્ષા કરવાની ભાવના હજુ અકબંધ રહી છે. યુદ્ધની ભયાનકતાના અંદાજ વગર હજારો લોકોએ યુક્રેનની આ લડાઈમાં સાથ આપ્યો છે.
ત્યાર બાદ વિશ્વની નજર કીએવ પર કેન્દ્રિત થઈ, જ્યાંથી હું રિપોર્ટિંગ કરી રહ્યો હતો.
રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીનું વ્યક્તિત્વ અને લોકપ્રિયતા એટલી વધી ગઈ કે તેમણે કીએવ ખાલી કરાવવાની ઑફર નકારી કાઢી અને કીએવમાં જ રહ્યા.
"મને દારૂગોળાની જરૂર છે." તેમણે આઇકોનિક સૂત્ર આપતા હોય તેવા અંદાજમાં કહ્યું.
તેમની જરૂરિયાતો બદલાઈ નથી, પરંતુ તેમની અપીલની લોકો પર પહેલાં જેવી અસર થતી નથી.
2023માં નિષ્ફળ ગયેલા વળતા આક્રમણને કારણે યુક્રેન તેના પ્રદેશને મુક્ત કરવામાં સક્ષમ છે કે કેમ તે અંગે સવાલો ઊઠી રહ્યા છે.
અમેરિકામાં રિપબ્લિકન લોકો અબજો ડૉલરની સૈન્ય સહાયને અવરોધિત કરીને યુક્રેનની લડવાની ક્ષમતાને અવરોધી રહ્યા છે.
યુક્રેનનું કહેવું છે કે શસ્ત્રોની અછત અને ઘટતા દારૂગોળાના પરિણામે મુખ્ય મોરચે વધુમાં વધુ લોકો મરી રહ્યા છે.
આ સમયગાળામાં રશિયા તો યુદ્ધના માહોલમાં જ તૈયાર રહ્યું છે અને તેના સાથી ઉત્તર કોરિયા અને ઈરાન યુક્રેનિયન શહેરો પર દારૂગોળો વરસાવવા માટે વધુ મિસાઇલોનો સપ્લાય કરી રહ્યા છે.
'યુક્રેને શાંતિ માટે જિતેલા પ્રદેશો પાછા ન આપવા જોઇએ'
ક્રિવ્યી રીહ દેશના મોટા ભાગના લોકો જે થાક અનુભવે છે તેનાથી અળગું નથી. કેટલાક લોકો આ યુદ્ધથી કંટાળી ગયા છે. ઘણા પુરુષોને ડર છે કે તેમને ફરજિયાત સૈન્યમાં ભરતી કરી દેવામાં આવશે. પરંતુ તેમ છતાં તેઓ કહે છે કે આ સંઘર્ષ અસ્તિત્વ માટેની લડાઈ છે.
રશિયા સાથે સમાધાન અથવા તો તેને થોડી ઘણી પણ છૂટ આપવાના વિચારને હાર તરીકે જોવામાં આવે છે. આ પ્રકારનો વિચાર લોકોમાં અસ્તિત્વ ધરાવે છે.
યુક્રેનિયનો જે વિશ્વમાં રહે છે તેને જોતાં હું હવે રમતનાં મેદાનોને મૃત્યુ સાથે સાંકળી રહ્યો છું.
આક્રમણ પહેલાં કીએવમાં મારા ફ્લૅટની બાજુમાં આવેલી શાળામાં મેં છેલ્લી વખત બાળકોને મેદાનમાં રમતાં જોયાં હતાં. હવે તે વિનાશક મિસાઇલ હુમલામાં બરબાદ થઈ ગયેલું સ્થળ છે, જેને ત્યજી દેવાયું છે. કીએવ નજીક બ્રૉવરીમાં હેલિકૉપ્ટર ક્રૅશનું દૃશ્ય પણ દેખાય છે.
બાળપણની નિર્દોષતાનું સ્થાન મૃતદેહોએ અને વિનાશે લીધું.
ક્રિવ્યી રીહમાં અમે આંસુડાં સારતાં યુરીને મળ્યા હતા. ગયા વર્ષે મિસાઇલ હુમલા પછી તેમનો ફ્લૅટ તૂટી જતાં તેમણે જોયો હતો.
તેઓ પૂછે છે, "કોઈને આ યુદ્ધની જરૂર નથી, તેમ છતાં કેમ આ યુદ્ધ શરૂ છે? આટલા બધા લોકો માર્યા જાય છે."
તો, શું તેને લાગે છે કે યુક્રેનની શાંતિ માટે પ્રદેશોની અદલાબદલી કરવી જોઈએ?
તેઓ સ્પષ્ટપણે નનૈયો ભણતા કહે છે કે, "ચોક્કસપણે નહીં. આ પ્રદેશો માટે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. આ પ્રદેશો છોડી દેવાનો કોઈ અર્થ નથી."
યુદ્ધ જાણે કે અટકી ગયું છે
યુદ્ધમાં પ્રગતિના અભાવે રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી અને તેમનાં સશસ્ત્ર દળોના વડા વૅલેરી ઝાલુઝની વચ્ચે પણ ખેંચતાણ થઈ હતી. ત્યાર બાદ બરતરફ કરાયેલા જનરલ ઝાલુઝનીને તેમના જૂના બૉસ ઝૅલેન્સ્કીના સંભવિત રાજકીય હરીફ તરીકે જોવામાં આવે છે.
ક્રિવી રીહની આસપાસ યુક્રેનિયનો જાતે જ સૈન્યદળોને મદદ કરવાનો પ્રયાસ કરે છે. એક ભાંગીતૂટી ઇમારતમાં સ્વયંસેવકોની વધતી જતી સેના ફ્રન્ટલાઇન પર લડી રહેલા સૈનિકો માટે એક જાળી બાંધી રહી હોય તેવું દૃશ્ય દેખાય છે.
વ્યવસ્થાપક સમજાવે છે કે "તેમના અલગ-અલગ જોક્સ (અલગ પડતી વાતચીત)ને કારણે પુરુષો અને સ્ત્રીઓને અલગ રાખવામાં આવે છે."
શહેરના અન્ય ઔદ્યોગિક વિસ્તારમાં ભૂતપૂર્વ બાઇક ક્લબે ધુમાડા કાઢવા માટે સાઇકલોમાં ફેરફારો કર્યા છે. લોકોની ટીમો કેનિસ્ટરમાં રસાયણો ભેળવે છે જેનાથી તે સ્મોક ગ્રૅનેડ બની જાય છે.
જો તમે હુમલો કરવાનો અથવા ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હોવ આ લશ્કરી સાધન ખૂબ ઉપયોગી નીવડે છે.
વૉલન્ટિયર્સમાંનાં એક ઇનેસ કહે છે, "મારા પતિ યુદ્ધ લડી રહ્યા છે, એવામાં આ ચિંતાઓ સાથે ઘરે રહેવું મુશ્કેલ છે. મને લાગે છે કે હું તેમની જિંદગી સરળ બનાવવા માટે કંઈક કરી શકું છું."
યુક્રેન પ્રત્યે રશિયાની આક્રમકતા વધવાની શરૂઆત 2014માં ક્રિમિયાના જોડાણ થયા બાદ થઈ હતી અને તે પછી દેશના પૂર્વ ભાગમાં યુદ્ધમાં પરિણમી હતી.
સંપૂર્ણપણે આક્રમણ શરૂ થયું તેના 731મા દિવસે આ એક અલગ પ્રકારનું યુદ્ધ બની ગયું છે.
અસાધારણ લડત આપ્યા છતાં યુક્રેનને પોતાનું રક્ષણ કરવામાં મળેલી સફળતા છતાં અને રશિયાની નૌકાદળની અધોગતિ થવા છતાં, યુક્રેનની તરફેણમાં યુદ્ધનું પાસું પલટાયું નથી.
આ યુદ્ધની નવીનતા ખતમ થઈ ગઈ છે. તેમાં દિવસે ને દિવસે કંઈક થતું રહે છે. યુક્રેન, ક્રિવી રીહ અને તેના પ્રખ્યાત પુત્ર ઝૅલેન્સ્કીએ વિશ્વને વ્યસ્ત રાખવા માટે તાકાતનો નવો જથ્થો અને નવી ચતુરાઈભરી રણનીતિ શોધવી પડશે.
(ઇનપૂટ: હૅના ક્રોનસ, સ્કાર્લેટ બાર્ટર અને સ્વિતલાના લિબેટ)