ગાઝામાં યુદ્ધની ઇઝરાયલના અર્થતંત્ર પર કેવી ગંભીર અસર થઈ રહી છે?

    • લેેખક, ફર્નાન્ડો પોલ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધની ઇઝરાયલના અર્થતંત્ર પર અત્યંત માઠી અસર થઈ રહી છે.

ઇઝરાયલની સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઑફિસે 19 ફેબ્રુઆરીના દિવસે સત્તાવાર આંકડા જાહેર કર્યા. આ આંકડા મુજબ 2023ના છેલ્લા મહિનાઓમાં આર્થિક ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો હતો.

રાષ્ટ્રની સંપત્તિની મુખ્ય સૂચક ગ્રૉસ ડોમેસ્ટિક પ્રૉડક્ટ(જીડીપી)માં ગયા વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 19.4 ટકા ઘટાડો થયો હતો. એ વખતે હમાસ સાથે સંઘર્ષ શરૂ થયો હતો.

પ્રસ્તુત આંકડાથી વિશ્લેષકોને આશ્ચર્ય થયું હતું. તેમણે જણાવ્યું હતું કે પરિણામો અપેક્ષા કરતાં "વધારે પડતાં ખરાબ" હતા. હકીકતમાં બ્લૂમબર્ગના નિષ્ણાતોની ટીમનો સરેરાશ અંદાજ 10.5 ટકાના વાર્ષિક ઘટાડાથી વધુનો ન હતો.

ફિક્સ્ડ કેપિટલ ગુડ્ઝમાં વપરાશ તથા રોકાણને સૌથી માઠી અસર થઈ છે.

ગાઝામાં યુદ્ધને કારણે ઇઝરાયલની ઇન્સ્ટિટ્યૂશન્સની નબળાઈમાં કથિત વૃદ્ધિ સિવાય રાજકીય અને રાજકોષીય જોખમોનો હવાલો આપીને વિખ્યાત ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઇઝરાયલના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કર્યો હતો.

મૂડીઝે ઇઝરાયલનું રેટિંગ ઘટાડ્યું હોય તેવું આ પહેલી વખત બન્યું છે. એ ઇઝરાયલની આંતરરાષ્ટ્રીય ઇમેજ માટે ગંભીર આંચકા સમાન હતું, કારણ કે રોકાણકારો કોઈ વૈશ્વિક એકમ કે સરકારમાં રોકાણ કરતી વખતે જોખમની ગણતરી કરવા આ સાધનનો ઉપયોગ કરતા હોય છે.

ઇઝરાયલના સત્તાવાળાઓએ મૂડીઝના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો હતો.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમના દેશનું અર્થતંત્ર "મજબૂત છે" અને રેટિંગને "અર્થતંત્ર સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તેનું કારણ એ છે કે અમે યુદ્ધ લડી રહ્યા છીએ."

તેમણે ઉમેર્યું હતું, "અમે યુદ્ધ જીતીશું કે તરત જ રેટિંગ વધી જશે અને અમે યુદ્ધ જીતીશું જ."

બીબીસી મુન્ડોએ આર્થિક સ્થિતિ બાબતે સત્તાવાર માહિતી મેળવવા ઇઝરાયલના સરકારી અધિકારીઓના સંપર્કનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો.

કટ્ટરપંથી ઇસ્લામી સમૂહ હમાસે સાતમી ઑક્ટોબરે ઇઝરાયલ પર અભૂતપૂર્વ હુમલો કર્યો ત્યારથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. એ હુમલામાં 1,200 લોકો માર્યા ગયા હતા. એ પછી ગાઝા પર ઇઝરાયલનું લશ્કરી અભિયાન શરૂ થયું હતું અને તેમાં 30,000થી વધુ લોકો માર્યા ગયા છે.

ઑક્ટોબર અને ડિસેમ્બર દરમિયાન જીડીપીમાં તીવ્ર ઘટાડા છતાં સમગ્ર 2023માં ઇઝરાયલનું અર્થતંત્ર બે ટકા વૃદ્ધિ પામ્યું હતું.

જોકે, સાતમી ઑક્ટોબરના હુમલા પહેલાં તેનો વૃદ્ધિ દર 3.5 ટકા રહેવાની અપેક્ષા હતી.

તેથી યુદ્ધની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને 2024માં શું થઈ શકે છે તેની ચેતવણી કેટલાક વિશ્લેષકોએ આપી છે.

કેપિટલ ઇકોનૉમિક્સના ઇમર્જિંગ માર્કેટ્સ અર્થશાસ્ત્રી લિયામ પીચે જણાવ્યું હતું કે આ વર્ષે ઇઝરાયલનું અર્થતંત્ર તેના સૌથી નીચા દર પૈકીના દરે વૃદ્ધિ પામે તેવી સંભાવના છે.

ઇઝરાયલમાં વપરાશમાં કડાકો આવતા અર્થતંત્ર પર અસર

ઇઝરાયલના સેન્ટ્રલ બ્યુરો ઑફ સ્ટેટેસ્ટિક્સ દ્વારા પ્રકાશિત ડેટા અનુસાર, જીડીપીમાં ઘટાડો મુખ્યત્વે સ્થાનિક વપરાશમાં કડાકાને કારણે થયો હતો. તે 26.9 ટકાનો ઘટાડો હતો.

તેલ અવીવ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર અને લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ ખાતેના સેન્ટર ફૉર મેક્રો ઇકોનૉમિક્સના સભ્ય ઈરાન યાશિવના જણાવ્યા અનુસાર, આ ઘટાડો યુદ્ધના સમયમાં લોકોનો ભરોસો તૂટવાને કારણે થયો હતો.

તેમણે બીબીસીને કહ્યું હતું, "લોકો નિયમિત વપરાશની ચીજો પાછળ ઓછા પૈસા ખર્ચતા થયા છે. તેઓ વધુ બચત કરે છે. કટોકટીના સમયમાં તેઓ કાર, ફર્નિચર કે ઉપકરણો જેવી વસ્તુઓ ખરીદતા નથી."

સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઑફિસે એમ પણ જણાવ્યું હતું કે આશરે અઢી લાખ લોકોને તેમના કામધંધા છોડીને યુદ્ધ લડવા માટે બોલાવવામાં આવ્યા છે ત્યારે આ ઘટાડો થયો છે.

ઈસાડે એકૅડેમિક ઇન્સ્ટિટ્યુશનના અર્થશાસ્ત્રના પ્રોફેસર જોસેપ કોમાજુન્કોસા ફેરરે બીબીસીને કહ્યું હતું, "એવા હજારો લોકો છે, જેઓ કામ કરતા નથી અને દેશના ઉત્પાદનમાં યોગદાન આપી શકતા નથી."

આ કારણે શ્રમિકોની અછત સર્જાઈ છે.

યાશિવે કહ્યું હતું, "હમાસ સાથેનો સંઘર્ષ શરૂ થયા પછી ઇઝરાયલના લેબર માર્કેટમાં ઘણા ફેરફાર થયા છે. કામ કરવા માટે માણસો નથી, કારણ કે ઘણા લોકો, ખાસ કરીને યુવાનો સૈન્યમાં ગયા છે."

તેમણે ઉમેર્યું હતું, "તેમાં ઉત્તરમાં, લેબનોનની સરહદ પર અને દક્ષિણમાં ગાઝા પટ્ટીમાંના વિસ્થાપિતોનો ઉમેરો થયો છે. તેમાંથી ઘણા લોકોએ કમસેકમ અસ્થાયી રીતે નોકરી ગુમાવી દીધી છે અને તેઓ જ્યાં છે ત્યાંથી કામ કરી શકે તેમ નથી."

એ ઉપરાંત ઘણા પેલેસ્ટિનિયન કામદારો હવે ઇઝરાયલ જતાં નથી.

જોસેપ કોમાજુનકોસા ફેરરે કહ્યું હતું, "શાંતિના સમયમાં વેસ્ટ બૅન્ક વિસ્તારમાંથી ઘણા પેલેસ્ટિનિયનો કામ કરવા ઇઝરાયલ આવે છે. હાલ સલામતીના કારણોસર ત્યાં ઘણાં નિયંત્રણો છે. તેથી વર્ક ઍક્ટિવિટીમાં ઘટાડો થયો છે."

તૌબ સેન્ટર નામના એક ઇઝરાયલી સ્ટડી સેન્ટરના એક અહેવાલમાં વિવિધ સત્તાવાર સંસ્થાઓની માહિતીનો હવાલો આપીને જણાવવામાં આવ્યું છે કે ઑક્ટોબર-2023માં લગભગ 20 ટકા કામદારો તેમની નોકરીમાં અસ્થાયી રીતે ગેરહાજર હતા.

જોકે, યુદ્ધ શરૂ થયાને ઘણા મહિના વીતી ગયા હોવાથી આ સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

રોકાણ અને રિઅલ ઍસ્ટેટ સેક્ટર

સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઑફિસના ડેટા અનુસાર, ચોથા ત્રિમાસિક ગાળામાં 67.8 ટકાના ઘટાડા સાથે યુદ્ધથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રો પૈકીનું એક ક્ષેત્ર ફિક્સ્ડ કેપિટલ ગૂડ્ઝમાંનું રોકાણ છે.

આ ક્ષેત્રે સૌથી મોટો ઘટાડો મકાનો અથવા એપાર્ટમેન્ટની ખરીદી જેવા રેસિડેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટમાં થયો છે. નિષ્ણાતોના મતે, આ કારણસર રિઅલ ઍસ્ટેટ સેક્ટરમાં કટોકટી વધુ તીવ્ર બનાવી છે.

શિક્ષણશાસ્ત્રીએ કહ્યું હતું, "રોકાણ ઘટી રહ્યું છે, કારણ કે ત્યાં પારાવાર અનિશ્ચિતતા છે. યુદ્ધના સમયમાં કોઈ ઘર ખરીદવા ઉત્સુક નથી."

મજૂરોના અભાવે બાંધકામ વિસ્તારને પણ અસર થઈ છે, એ વાત ધ્યાનમાં લઈએ તો પરિસ્થિતિ વધારે ખરાબ છે.

ઈરાન યાશિવે કહ્યું હતું, "રિઅલ ઍસ્ટેટ માર્કેટ બહુ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેમાં વિક્રેતાઓ તથા ગ્રાહકો, કન્સ્ટ્રક્શન કંપનીઓ, ઉદ્યોગપતિઓ અને બેંકો એ બધા સામેલ છે. બૅનકોની મોર્ગેજ લોનને અસર થઈ છે. રિઅલ ઍસ્ટેટ અર્થતંત્રનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે.”

આ એ બાબત છે, જેના સંદર્ભમાં નિષ્ણાતો ભવિષ્ય બાબતે ચિંતિત છે.

બૅન્ક ઑફ ઇઝરાયલના ગવર્નર અમીર યારોને ભારપૂર્વક જણાવ્યું હતું કે, "બાંધકામ ઉદ્યોગમાં પુરવઠાની મર્યાદા અને જેમને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે તેવા લોકો માટે વૈકલ્પિક આવાસની જરૂરિયાત એવાં પરિબળો છે, જે ભવિષ્યમાં રિઅલ ઍસ્ટેટ માર્કેટના વિકાસને અસર કરશે."

યારોને ઇઝરાયલની આર્થિક ક્ષેત્રે જે ચિંતા પ્રવર્તે છે તેનો ઉલ્લેખ પણ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે દેશ યુદ્ધ લડી રહ્યો છે અને "ફુગાવો હજુ પણ ટાર્ગેટ રેન્જની ઉપર છે."

તેમણે રોજગાર બાબતે ચેતવણી પણ આપી હતી.

તેમણે કહ્યું હતું, "બેરોજગારીના દરમાં છૂટા કરવામાં આવેલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે અને યુદ્ધને કારણે બેરોજગારીનો દર આભને આંબી ગયો છે."

ટેકનૉલૉજી કંપનીઓઃ ઇઝરાયલની વૃદ્ધિની વાહક

આ પરિસ્થિતિ હોવા છતાં ઇઝરાયલના અર્થતંત્રે આ વર્ષે અત્યાર સુધી કેટલાક સારા સંકેતો આપ્યા છે.

દાખલા તરીકે, દેશની મધ્યસ્થ બૅન્કે ખાતરી આપી છે કે ક્રેડિટ કાર્ડથી થતી ખરીદીમાં રિકવરી શરૂ થઈ છે. યુદ્ધના પ્રારંભિક સપ્તાહોમાં ક્રેડિટ કાર્ડથી થતી ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

તેના પરથી અનુમાન કરી શકાય કે કન્ઝમ્પ્શનમાં સુધારાના કેટલાક સંકેત દેખાઈ રહ્યા છે.

અનામત લશ્કરના માણસો નોકરીમાં પાછા ફરી રહ્યા હોવાના સંજોગોમાં લેબર માર્કેટમાં પણ આવું જ કશુંક થઈ રહ્યું છે.

ઇઝરાયલના બિઝનેસ સેક્ટરમાં હાલ સૌથી મોટી ચિંતા ટેતનૉલૉજી ક્ષેત્ર સંબંધી છે. ટેકનૉલૉજી સેક્ટર ઇઝરાયલની અર્થવ્યવસ્થાનું મજબૂત ઍન્જિન છે. (જીડીપીમાં તેનો હિસ્સો 17 ટકા છે)

ઈરાન યાશિવના જણાવ્યા મુજબ, 2022ની સરખામણીએ 2023માં ટેકનૉલૉજી કંપનીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

કેટલાક વિશ્લેષકોના મતે, યુદ્ધને લીધે તે વલણ વધુ તીવ્ર બને તે શક્ય છે.

ઈરાન યાશિવે કહ્યું હતું, "ઇઝરાયલ આ અને આવતા વર્ષે યુદ્ધમાં અથવા ભૂરાજકીય અરાજકતામાં હશે તો મને શંકા છે કે ઘણા વિદેશી રોકાણકારો ઇઝરાયલ છોડી દેશે અને ટેકનૉલૉજી કંપનીઓને ઇઝરાયલ છોડવા પ્રોત્સાહિત કરશે."

તેમણે ઉમેર્યું હતું,"આવું થશે તો અર્થતંત્ર મુશ્કેલીમાં મુકાઈ જશે અને બહુ જ નબળું પડશે."

આ વાત સાથે જોસેપ કોમાજુન્કોસા ફેરર સંમત છે.

તેમણે કહ્યું હતું, "ટેકનૉલૉજી ક્ષેત્રને લોકોની અને મૂડીની જરૂર છે, કારણ કે રોકાણકારો આસાની તથા ઝડપથી પ્રવેશે છે અને રવાના થઈ જાય છે. આ બંને બાબતોને યુદ્ધ પ્રભાવિત કરી શકે છે."

તેમ છતાં બૅન્ક ઑફ ઇઝરાયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયલનું 500 અબજ ડૉલર મૂલ્યનું અર્થતંત્ર યુદ્ધના અત્યાર સુધીના પ્રભાવને ખાળી શકે તેટલું "મજબૂત" છે.

ગવર્નર અમીર યારોને કહ્યું હતું, "બૅન્ક ઑફ ઇઝરાયલ પાસે આશરે 200 અબજ ડૉલરનું ફોરેન ઍક્સચેન્જ રિઝર્વ હતું. આ અનામત ભંડોળ અમને અનિશ્ચિતતા ઘટાડીને અર્થતંત્રની સ્થિરતા જાળવવા માટેની મોકળાશ આપી રહ્યું છે."

જોકે, ઈરાન યાશિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં શું થશે તેના પર બધું નિર્ભર છે.

તેમણે કહ્યું હતું, "યુદ્ધ સમાપ્ત થશે તો લાંબા ગાળે અર્થતંત્રની પીડાને નોંધપાત્ર ગણવામાં આવશે નહીં, પરંતુ યુદ્ધ ચાલુ રહેશે અથવા અન્ય મોરચે વિસ્તરશે તો ભારે નુકસાન થઈ શકે છે, એવું હું માનું છું."

જોસેપ કોમાજુન્કોસા ફેરરે ચેતવણી આપી હતી કે "સંઘર્ષ ચાલુ રહેશે તો ઇઝરાયલ માટે અર્થતંત્રને ધબકતું રાખવાનું બહુ મુશ્કેલ બનશે."

તેમણે કહ્યું હતું, "જેમના કામકાજ પર માઠી અસર થઈ છે એવી કંપનીઓને જાહેર ક્ષેત્ર તરફથી બહુ મોટી સહાયની જરૂર પડશે."

અર્થતંત્ર પર ભલે ગમે તેટલી અસર થાય, પરંતુ બેન્જામિન નેતન્યાહૂની સરકાર કોઈ પણ સંજોગોમાં ગાઝા પર આક્રમણ ચાલુ રાખવા કૃતનિશ્ચય છે.

ખાસ કરીને વેપાર ખાધના સંભવિત જોખમના સંદર્ભમાં ઇઝરાયલના અર્થતંત્ર અને ઉદ્યોગ પ્રધાન નીર બરકતે આ વાત કરી હતી.

રૉઇટર્સ ન્યૂઝ એજન્સીને 26 ફેબ્રુઆરીએ આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું, "ગમે તે થાય, અમે યુદ્ધ જીતવા કટિબદ્ધ છીએ."

તેમણે કહ્યું હતું, "મને લાગે છે કે લોકો ઇઝરાયલની અર્થવ્યવસ્થાને જુએ છે ત્યારે તેઓ ખાતરી કરવા ઇચ્છે છે કે ઇઝરાયલ એક સલામત દેશ હોય."