પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થયું ઘર્ષણ, તાલિબાને શું ચેતવણી આપી?

    • લેેખક, શુમાઇલા જાફરી
    • પદ, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હવાઈ હુમલા પછી બંને દેશોના સંબંધો એકવાર ફરીથી તણાવભર્યા થઈ ગયા છે.

આ વર્ષે ઈરાન પછી અફઘાનિસ્તાન બીજો એવો દેશ છે જેની સાથે પાકિસ્તાનના સૈન્યનો આ પ્રકારે સંઘર્ષ થયો છે.

આવો જાણીએ કે હાલમાં તણાવ કેવી રીતે શરૂ થયો અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો અને એ વિસ્તારના રાજકારણ પર શું પ્રભાવ પડી શકે છે.

સૈનિકોનાં મોતનો બદલો લેવામાં આવશે

ચકલાલા ગેરિસન રાવલપિંડીમાં એ સમયે ગમગીન માહોલ હતો જ્યારે પાકિસ્તાનના ધ્વજમાં લપેટાયેલા કર્નલ સૈયદ કાશિફ અલી અને કૅપ્ટન મોહમ્મદ અહમદ બદરનાં શરીરને પૂર્ણ સૈન્ય સન્માન સાથે ઍમ્બ્યુલન્સથી ઉતારવામાં આવ્યાં હતાં.

ઉત્તર વજિરિસ્તાનના મીર અલી વિસ્તારમાં એક સૈન્ય ચોકી પર 16 માર્ચના રોજ થયેલા હુમલામાં પોતાની જાન ગુમાવનાર અધિકારીઓને અંતિમ વિદાય આપવા માટે પાકિસ્તાનના શીર્ષ સૈન્ય અધિકારીઓ અને રાજકીય નેતૃત્ત્વ સૌથી આગલી હરોળમાં ઊભા હતા.

સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પ્રાર્થનાસભા બાદ અન્ય સૈનિકો સાથે શબપેટીઓને કાંધ આપી હતી. ત્યારબાદ બંને મૃતકોના પરિવારોને કહ્યું કે તેમનાં સંતાનોનાં ખૂનનો બદલો લેવામાં આવશે.

ત્યારબાદ થોડા કલાકો પછી જ અફઘાનિસ્તાનથી સમાચાર આવે છે કે પાકિસ્તાને સરહદપાર અનેક ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. તેની જાણકારી આપતા અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર એક નિવેદન જાહેર કર્યું હતું.

મુજાહિદે લખ્યું કે પાકિસ્તાની વિમાનોએ તેમના પક્તિકા અને ખોસ્ત પ્રાંતો પર બૉમ્બમારો કર્યો છે. આ હુમલામાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકો મૃત્યુ પામ્યાં છે.

મુજાહિદે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે આ અફઘાનિસ્તાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ હતો. તેમણે કહ્યું હતું કે આનું પરિણામ એવું આવશે કે પાકિસ્તાન પછી તેને નિયંત્રિત નહીં કરી શકે.

આ નિવેદન પછી અફઘાન સરહદેથી ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. તેમાં ભારે હથિયારોનો પ્રયોગ થયો હતો. અફઘાન તાલિબાનના રક્ષામંત્રીએ દાવો કર્યો હતો કે તેમણે હવાઈ હુમલાઓના જવાબમાં પાકિસ્તાની સૈનિકોને નિશાન બનાવ્યા હતા.

અફઘાનિસ્તાનના ગોળીબારથી થયેલા નુકસાન બાબતે પાકિસ્તાને કોઈ અધિકૃત પુષ્ટિ કરી નથી. જોકે, કુર્રમના સરહદી વિસ્તારોમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં આ અભિયાનનું કોઈ વિવરણ આપવામાં આવ્યું નથી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આજના ઓપરેશનનું નિશાન હાફિઝ સઈદના ગુલ બહાદુર સમૂહના ચરમપંથી હતા, જેઓ તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સાથે મળીને પાકિસ્તાનમાં અનેક આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર છે. પાકિસ્તાનનું કહેવું છે કે આ હુમલાઓમાં સેંકડો નાગરિકો અને કાયદા પ્રવર્તન અધિકારીઓએ જાન ગુમાવી હતી.”

હાફિઝ ગુલ બહાદુર સમૂહે જ 16મી માર્ચે સેનાની ચોકીઓ પર થયેલા હુમલાઓની જવાબદારી લીધી હતી. પાકિસ્તાનના સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે ગુલ બહાદુર સમૂહના ચરમપંથીઓ અફઘાનિસ્તાનના છે, જેમાંથી મોટાભાગના ખોસ્ત પ્રાંતના છે.

પાકિસ્તાની સેનાએ પણ એ દિવસે ઉત્તર વજિરિસ્તાન જિલ્લામાં પોતાના વિસ્તારમાં સિક્રેટ સૂચનાઓને આધારે એક અભિયાન ચલાવ્યું હતું. આ હુમલામાં એક કમાન્ડર સહિત આઠ ચરમપંથીઓનાં મૃત્યુ થયાં હતાં. સેનાનો દાવો છે કે મૃત્યુ પામેલા ચરમપંથીઓ મીર અલી હુમલામાં સામેલ હતા.

પાકિસ્તાન પર તાલિબાને કર્યો હુમલો

ટીટીપી એ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં તાલિબાનની આગેવાની હેઠળની વચગાળાની સરકાર વચ્ચેના સંબંધોમાં મુખ્ય અડચણ રહ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે અફઘાનિસ્તાને ટીટીપીને આશ્રય આપ્યો છે.

પાકિસ્તાન તેને પોતાની સુરક્ષા માટે ગંભીર ખતરો માને છે. પાકિસ્તાનમાં થયેલા સેંકડો હુમલાઓ માટે પાકિસ્તાન ટીટીપીને જ જવાબદાર માને છે.

રક્ષા મંત્રી ખ્વાજા આસિફે 16 માર્ચના હુમલા પર પ્રતિક્રિયા આપતા આ આરોપોને પુનરાવર્તિત કર્યા હતા. તેમણે તેમના વતન સિયાલકોટમાં મીડિયાને કહ્યું, "અમારા (પાકિસ્તાન) વિરુદ્ધનો આતંકવાદ મોટાભાગે અફઘાનિસ્તાનથી ચાલે છે."

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના વિશેષ પ્રતિનિધિ રાજદૂત આસિફ દુર્રાનીએ પણ કહ્યું કે ટીટીપી એ પાકિસ્તાન માટે ખતરાની ઘંટી છે. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે એવા પુરાવા છે કે પ્રતિબંધિત ટીટીપીને અફઘાન પ્રતિનિધિઓ દ્વારા ભારત પાસેથી નાણાં મળી રહ્યા છે.

એક અંદાજ પ્રમાણે પાંચ હજારથી છ હજાર ટીટીપી આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં આશ્રય લીધો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને અફઘાન સરકારને વારંવાર કહ્યું છે કે તેઓ ટીટીપીના હથિયારો લઈ લે અને તેમને આત્મસમર્પણ કરવા જણાવે.

પણ આ બધી દલીલોનો કોઈ ફાયદો ન થયો. 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર ફરીથી કબજો કર્યા બાદ આ બંને પાડોશી દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.

ગત વર્ષે જ, પાકિસ્તાને અહીં ગેરકાયદેસર રીતે રહેતા હજારો અફઘાન લોકોને એ આશાએ હાંકી કાઢ્યા હતા કે તેનાથી તેને ઉગ્રવાદની સમસ્યાનો સામનો કરવામાં મદદ મળશે. પરંતુ આ પછી પણ આવા હુમલાઓમાં કોઈ ઘટાડો થયો નથી.

ગયા વર્ષે સમગ્ર પાકિસ્તાનમાં લગભગ 650 હુમલા થયા હતા. આ હુમલાઓમાં લગભગ 1000 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના સુરક્ષાકર્મીઓ હતા. આમાંના મોટાભાગના હુમલાઓ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતોમાં થયા હતા.

પાકિસ્તાનમાં આતંકવાદમાં ઘણાં સશસ્ત્ર જૂથો સામેલ છે. પાકિસ્તાનમાં મુખ્ય હુમલાખોર ટીટીપી જૂથ રહ્યું છે, જે વૈચારિક રીતે અફઘાન તાલિબાન સાથે જોડાયેલું છે.

બીજી તરફ અફઘાનિસ્તાન પાકિસ્તાનના આ આરોપોને નકારે છે. તેનો દાવો છે કે પાકિસ્તાન પોતાની નબળાઈઓ અને સમસ્યાઓ માટે તેને દોષી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અફઘાનિસ્તાન તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે પાકિસ્તાનના રક્ષામંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, “અમે અફઘાનિસ્તાનમાં કોઈપણ વિદેશી જૂથની હાજરીને નકારીએ છીએ. તેમને અફઘાનિસ્તાનની ધરતી પર કામ કરવાની મંજૂરી નથી. અમે આ બાબતે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે અને કરતા રહીશું. પરંતુ આપણે એક વાત સ્વીકારવી પડશે કે અફઘાનિસ્તાનની પાકિસ્તાન સાથે ખૂબ લાંબી સરહદ છે. પર્વતો અને જંગલો સહિત ઉબડ-ખાબડ વિસ્તારો એ એવાં સ્થળો છે જે અમારા નિયંત્રણની બહાર હોઈ શકે છે."

અફઘાન તાલિબાનનો વિરોધાભાસ

પત્રકાર એજાઝ સૈયદે એક દિવસ પહેલા જ સંભવિત હુમલાનો સંકેત આપ્યો હતો. તેમનું કહેવું છે કે અફઘાન તાલિબાન સરકારે 2022માં સમાધાન પ્રક્રિયા શરૂ કરીને પાકિસ્તાન અને ટીટીપી વચ્ચે તણાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઘણાં કારણોસર નિષ્ફળ ગયો હતો.

હવે પાકિસ્તાને સ્પષ્ટ કર્યું છે કે, “અમે એક રેખા ચિન્હિત કરવા માંગીએ છીએ અને કોઈપણ આતંકવાદી જૂથ સાથે વાત કરીશું નહીં.”

આંતરરાષ્ટ્રીય માન્યતાના અભાવ અને કડક આર્થિક પ્રતિબંધોને કારણે અફઘાની તાલિબાન સરકાર ઇચ્છે છે કે પાકિસ્તાન તેની પડખે રહે. પરંતુ તે જ સમયે તે તેના વૈચારિક અને સગા ભાઈ ગણાતા ટીટીપી પ્રત્યે નરમ વલણ ધરાવે છે. તેનાથી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. એજાઝનો દાવો છે કે આ મુદ્દે અફઘાન તાલિબાનમાં મતભેદ છે.

એજાઝ કહે છે, "હાલમાં અફઘાન તાલિબાનમાં બે માનસિકતા છે, જેમાં પ્રભાવશાળી વિચારસરણી ટીટીપીની તરફેણમાં છે. જે લોકો આ માનસિકતાને સમર્થન આપે છે તેઓ ટીટીપીથી દૂર જવાની વિરુદ્ધ છે. તેમનું માનવું છે કે ટીટીપી એ જ પ્રકારનો જેહાદ/યુદ્ધ ચલાવી રહી છે જે રીતે અફઘાન તાલિબાને અગાઉ અમેરિકા સામે ચલાવ્યો હતો. તે જ સમયે જેઓ બીજી માનસિકતાના સમર્થક છે તેઓ ટીટીપીને નિયંત્રિત કરવા માંગે છે, પરંતુ આ સમયે તેઓ લઘુમતીમાં છે.”

પોતાના બ્લોગમાં એજાઝે એવો પણ દાવો કર્યો હતો કે અફઘાન તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે એક અલિખિત સમજૂતી હતી. તેનાં પરિણામે ચૂંટણી દરમિયાન હુમલા ઓછા થયા. જોકે, 16 માર્ચનો હુમલો એ વધુ એક યુદ્ધની ઘોષણા હતી.

તેઓ કહે છે, “નવી સરકારે તાજેતરમાં જ પાકિસ્તાનની કમાન સંભાળી છે. તેમના માટે સૌથી મોટો પડકાર અર્થતંત્રને પાટા પર લાવવાનો છે. તેથી પાકિસ્તાને રોકાણ આકર્ષવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ અને તેની આર્થિક સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આવી પરિસ્થિતિમાં, સંદેશ એ છે કે સ્થિરતાને નુકસાન પહોંચાડવાના કોઈપણ પ્રયાસનો સામનો રાજદ્વારી અને લશ્કરી રીતે કરવામાં આવશે.”

આ ખેંચતાણનું પરિણામ શું આવશે?

સલમાન જાવેદ પાકિસ્તાન-અફઘાનિસ્તાનના સંબંધોના વિશેષજ્ઞ છે. તેઓ એ વાતને પ્રાધાન્ય આપે છે કે તણાવમાં આવેલી વૃદ્ધિને 16મી માર્ચની એકમાત્ર ઘટના સાથે જોડીને જોઈ શકાય નહીં. પરંતુ આ હુમલો એ એક શ્રૃંખલાનું પરિણામ હતો જે અફઘાનિસ્તાનમાં અફઘાન તાલિબાનની સરકાર બન્યા બાદ સરહદ પારથી થાય છે.

ટીટીપી તરફથી કરવામાં આવેલા કેટલાક હુમલાઓને સૂચિબદ્ધ કરતા સલમાન જાવેદે કહ્યું કે, “પાકિસ્તાને આતંકવાદી સમૂહ સાથે સમાધાન કરવાની કોશિશ કરી.”

“પૂર્વ આઈએસઆઈ પ્રમુખ જનરલ ફૈઝ હમીદ કાબુલ ગયા હતા જેથી કરીને તેઓ ટીટીપી સાથે વાતચીત કરી શકે. અનેક રાજકીય અને અધિકૃત પ્રતિનિધિમંડળોએ મુલાકાત લીધી. ત્યાં બંધ દરવાજે રણનીતિઓ ઘડવામાં આવી હતી. મૌલવીઓનો એક સમૂહ ટીટીપી સાથે વાટાઘાટો કરવા માટે અફઘાનિસ્તાન ગયો પણ તેનાથી તેને કોઈ ફાયદો થયો નહીં.”

તેઓ કહે છે, "જ્યારે તમામ રાજકીય વિકલ્પો ખતમ થઈ ગયા હતા, ત્યારે પાકિસ્તાનની નીતિ ગયા વર્ષે બદલાવા લાગી હતી. ડેરા ઇસ્માઇલ ખાનમાં હુમલો થયો હતો. આમાં અફઘાન નાગરિકો સામેલ હતા. આ પછી પેશાવર પોલીસ લાઇન મસ્જિદને અફઘાન નાગરિકો દ્વારા નિશાન બનાવવામાં આવી. આ યાદી ઘણી લાંબી છે. આથી પાકિસ્તાને હુમલાનો વિકલ્પ પસંદ કર્યો.”

જાવેદનું માનવું છે કે અફઘાનિસ્તાનમાંથી ચરમપંથીઓને હાંકી કાઢવાની નીતિના સારા અને ખરાબ પરિણામો આવશે.

તેઓ કહે છે, "લશ્કરી રીતે આ એક આંચકો હશે. અફઘાનિસ્તાન પાસે વાયુસેના નથી અને પાકિસ્તાનની મારકક્ષમતા ઘણી ચઢિયાતી છે. પરંતુ અફઘાનિસ્તાન પાસે ટીટીપી જેવા આત્મઘાતી બૉમ્બર અને પ્રોક્સીઓ છે, જેનો ઉપયોગ તેઓ પાકિસ્તાન સામે ઘાતક હુમલાઓ કરવા માટે કરી શકે છે. તેથી, ભવિષ્યમાં હુમલા વધી શકે છે.”

જાવેદ કહે છે, "બીજું એ કે જાહેરમાં એકબીજા પ્રત્યેની દુશ્મનાવટ બંને દેશોમાં વધશે. આનાથી લોકો વચ્ચેના સંબંધો બગડશે. પરંતુ બીજી તરફ, પાકિસ્તાને એક દાખલો બેસાડ્યો છે કે તેઓ કોઈપણ આક્રમકતાને સહન કરશે નહીં અને ભવિષ્યમાં પડકારવામાં આવશે તો એ પણ કોઈપણ હદ પાર કરવા માટે તૈયાર છે.”