એક સમયના સૌથી ગરીબ દેશને 'નવું દુબઈ' કેમ કહેવાય છે?

    • લેેખક, લિયોનાર્ડો પેરિઝ
    • પદ, બીબીસી બ્રાઝીલ

શિવ મિસિર અને હેમંત મિસિર એ સમયે 19 અને 16 વર્ષના હતા, જ્યારે 1982માં પોતાનું મૂળ સ્થાન ગુયાના છોડીને કૅનેડા જતા રહ્યા.

જ્યારે તેમણે ગુયાના છોડ્યું તો તેમના દિલ અને દિમાગમાં એક જ વાત હતી અને તે એ હતી કે તેઓ પોતાનું ભવિષ્ય ખુદ બનાવવા જઈ રહ્યા હતા.

તેમણે તે સમયે વિશ્વના સૌથી ગરીબ દેશોમાંથી એક (ગુયાના)ને પાછળ છોડી દીધું અને સારા જીવનની શોધમાં હજારો યુવાન નાગરિકોની જેમ એક વિકસિક દેશમાં જતા રહ્યા.

ત્યાં કમાયેલા રૂપિયાથી તેમણે પરિવારનું ભરણ-પોષણ કરવાનું શરૂં કર્યું અને રિયલ એસ્ટેટ અને ફાઇનાન્સમાં પોતાની કારદિર્દી બનાવી.

પણ 39 વર્ષ બાદ 2021માં તેમણે પોતાના જૂના નિર્ણયથી વિરુદ્ધનો રસ્તો પકડી લીધો. શિવા હવે 60 વર્ષના છે. તેમણે બીબીસીને કહ્યું, "હવે (ગુયાના) પાછા જવાનો સમય આવી ગયો છે."

તાજેતરનાં વર્ષોમાં ગુયાનાની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપતા અરબો પેટ્રો-ડૉલરે બન્ને ભાઈને પોતાના દેશમાં પાછા વળવાની લાલચ આપી છે.

તેમણે દેશની રાજધાની જૉર્જટાઉનમાં મોંઘી સંપત્તિઓનું વેચાણ અને ભાડામાં વિશેષજ્ઞતા ધરાવતી રિયલ એસ્ટેટ કંપની બનાવી છે.

શિવ અને હેમંત ગુયાનાના નવા મધ્યમવર્ગના બે પ્રતિનિધિ છે. તેઓ દેશમાં તેલની શોધ શરૂ થયા બાદ હાલનાં વર્ષોમાં વિકસિત દેશથી પાછા આવ્યા છે.

વર્ષ 2019થી પૂર્વ બ્રિટિશ કૉલોની (ગુયાના) વિશ્વના સૌથી ઝડપથી આગળ વધતા અર્થતંત્ર પૈકીનું એક બની ગયું છે.

અભૂતપૂર્વ આર્થિક વિકાસ

ગુયાના દક્ષિણ અમેરિકાના ઉત્તરમાં સૂરીનામ અને વેનેઝુએલા વચ્ચે આવેલો એક દેશ છે, જેની વસતી આઠ લાખથી વધારે છે. શરૂઆતમાં તે શેરડીના ઉત્પાદન માટે એક ડચ વસાહત તરીકે ઊભર્યો.

ડચ લોકો બાદ અહીં બ્રિટિશરો આવ્યા અને વર્ષ 1966 સુધી તે બ્રિટીશ કૉલોની રહ્યું. તે જ વર્ષે તે એક સ્વતંત્ર દેશ તરીકે ઊભરી આવ્યો.

વર્ષ 2015માં અમેરિકી તેલ કંપની એક્સૉન મોબિલે ગુયાનાના કિનારે મોટા તેલભંડારની શોધની જાહેરાત કરી. આ તેલભંડારનો આર્થિક રીતે ઉપયોગ કરી શકાય તેમ હતું.

ત્યાર બાદનાં વર્ષોમાં એક્સૉન મોબિલ, અમેરિકન હેસ અને ખાંડની કંપની સીએનઓઓસીના કંસોર્શિયમે ગુયાનાના કિનારાથી 200 કિલોમીટર દૂર કૂવાઓ ખોદ્યા.

દુબઈ સાથે સરખામણી

અત્યાર સુધી આ દેશમાં અંદાજે 11 અરબ બૅરલ તેલના ભંડારની શોધ થઈ ચૂકી છે. પણ તાજેતરના અંદાજ મુજબ આ પ્રમાણ 17 અરબ બૅરલ સુધી પહોંચી શકે છે.

જે બ્રાઝીલના તાજેતરના 14 બિલિયન બૅરલ તેલભંડારથી વધુ હશે. વર્ષ 2019 સુધી ગુયાનાનું અર્થતંત્ર કૃષિ, સોના અને હીરાની ખાણ પર આધારિત હતું.

જોકે, તેલની શોધથી મળેલાં નાણાંએ દેશનો વિકાસદર નોંધપાત્ર રીતે વધારવાનું કરવાનું શરૂ કરી દીધું.

વર્ષ 2020માં બ્રાઝીલના તત્કાલીન નાણામંત્રી પાઉલો ગુડરેઝે ગુયાનાની સરખામણી સંયુક્ત અરબ અમીરાતના એ શહેર સાથે કરી જે તેલના ભંડારોનું પ્રતીક બની ગયું છે.

પાઉલો ગુએડેઝે ત્યારે એ કહ્યું હતું કે "આ વિસ્તારનું નવું દુબઈ છે." અને તેને લઈને જે આંકડા સામે આવી રહ્યા છે તે ખરેખર નોંધપાત્ર છે.

'જીવનમાં એક વાર મળનારી તક'

ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડનું અનુમાન છે કે 2019 અને 2023 વચ્ચે દેશનો જીડીપી 5.17 બિલિયન ડૉલરથી વધીને 14.7 બિલિયન ડૉલર થઈ જશે, જે અંદાજે 184 ટકાનો વધારો છે.

માત્ર વર્ષ 2022માં જીડીપીનો વિકાસદર 62 ટકા રહ્યો છે.

એ જ રીતે, પ્રતિ વ્યક્તિ જીડીપી (દેશની સંપત્તિ ભાગ્યા દેશની વસતી) 2019માં 6,477 અમેરિકન ડૉલરથી વધીને 2022માં 18,199 અમેરિકન ડૉલર થઈ ગયો છે.

વધુ સરખામણી કરીએ તો આ આંકડો 2022માં બ્રાઝીલની પ્રતિ વ્યક્તિ જીડીપીથી બે ગણો વધુ અને ગ્વાટેમાલાની પ્રતિ વ્યક્તિથી ત્રણ ગણો વધુ છે.

ગુયાના માટે વિશ્વ બૅન્કનાં પ્રતિનિધિ ડેલિના ડૉરેટીએ બીબીસીને કહ્યું કે ગુયાનાથી ઘણી આશાઓ છે.

તેમણે કહ્યું, "એવું લાગે છે કે જાણે કે દેશને લૉટરી લાગી છે અને આ જીવનમાં એક વાર મળનારી તક છે."

તેલના કારણે થયેલા વિકાસના પરિણામે દેશના અર્થતંત્રની અન્ય ક્ષેત્રો પર પણ સકારાત્મક અસર પડી છે.

આઇએમએફ અનુસાર 2022માં તેલ સિવાયની બાબતોમાં જીડીપી 11.5 ટકા વધ્યો છે, જેની અસર રાજધાની જૉર્જટાઉન જેવા મોટા શહેરમાં દેખાઈ રહી છે.

ક્રેન અને નિર્માણ શ્રમિકોને હૉસ્પિટલ, માર્ગો, પુલો અને બંદરો જેવી પાયાની માળખાકીય યોજનાઓ સાથે સાથે દેશમાં બનાવાઈ રહેલાં મટીરિયલ અને બેસ્ટ વૅસ્ટર્ન જેવી અમેરિકાસ્થિત અંતરરાષ્ટ્રીય હોટલ શાખાઓ પર કામ થતું જોઈ શકાય છે.

નવા રાજમાર્ગોની સાથે સાથે દેશમાં નિર્માણસ્થળોની માગને પૂર્ણ કરવા માટે ટ્રૅક્ટર, ખનન અને અન્ય મોટાં નિર્માણનાં સાધનોથી ભરેલાં અનેક નવનિર્મિત ગોડાઉન છે.

એક નવો મધ્યમવર્ગ

આ આર્થિક વિકાસના કારણે જ મિસિર ભાઈઓએ ગુયાના પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. જોકે તે સ્થાયી નથી.

વર્ષ 2021 સુધી બન્ને પોતાના નવા વ્યવસાયને ચલાવવા માટે વારંવાર કૅનેડા અને જૉર્જટાઉન વચ્ચે અવરજવર કરતા રહે છે.

તેઓ જણાવે છે કે તેલથી થયેલી આવકને લીધે ઉભરતા મધ્યમવર્ગ અને દેશના હાલના ભદ્રવર્ગના માટે તક ઊભી કરી છે.

મિસિર જણાવે છે કે "લોકો સુરક્ષિત અનુભવે છે, તેમને લાગે છે કે તેઓ કોઈ એવી વસ્તુનો ભાગ છે જેનાથી તેમને ફાયદો થઈ શકે છે."

તેમણે કહ્યું, "ગુયાનામાં ઘણા બધા ધનિક લોકો છે. જે રિયલ એસ્ટેટમાં છે અથવા તો તેલઉદ્યોગના સપ્લાય નેટવર્કમાં કામ કરે છે."

શિવ મિસિરનું કહેવું છે કે તેઓ અમેરિકા અથવા કૅનેડામાં રહેતા ગુયાનાના અન્ય નાગરિકોને જાણે છે જે તેલ અને વધતા નફાની આશાએ યુગાનામાં સંપત્તિ અથવા જમીનમાં રોકાણ કરી રહ્યા છે. જ્યારે તેઓ ગુયાના આવે છે તો આપોઆપ નવા મધ્યમવર્ગનો હિસ્સો બની જાય છે.

મિસિર કહે છે "ઘણા બધા ગુયાનાવાસી પાછા ફરી રહ્યા છે. તેઓ ગેટેડ કૉમ્યુનિટીમાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જ્યાં આધુનિક ઘર હોય અને ખાનગી સુરક્ષા પણ હોય. જેમણે પોતાનું જીવન અમેરિકા અને કૅનેડા ગુજાર્યું છે. તેઓ એવું જ જીવન અહીં પણ જીવવા માગે છે."

શિવ મિસિર મોટા ગ્રાહકોને પોતાની સેવાઓ આપે છે.

તેઓ કહે છે કે આ દેશનો ભદ્રવર્ગ હજી પણ મોંઘી વસ્તુઓની ખરીદી વિદેશ જઈને કરે છે. તેના માટે ગુયાનામાં એક પણ લક્ઝરી સ્ટોર નથી.

એક આકર્ષક બજાર

હૉલેન્ડ અને બ્રિટનની કૉલોની રહેવા છતાં ગુયાના કેરિબિયન વિસ્તારના બીજા પાડોશીઓની જેમ જ અમેરિકા સાથે નજીકના વ્યાવસાયિક અને સાંસ્કૃતિક સંબંધ બનાવી રાખે છે.

અમેરિકાથી ગુયાનાનું અંતર ચાર કલાકની ફ્લાઇટથી પહોંચી શકાય એટલું છે.

મિસિર કહે છે કે ગુયાનાના કુલીનવર્ગના મોટા ભાગના લોકો પોતાનાં બાળકોને ભણાવવા માટે અમેરિકા, કૅનેડા અથવા યુરોપ મોકલે છે. તેઓ પોતે પણ ત્યાંની જીવનશૈલીના આનંદ માટે બાળકો સાથે જતા-આવતા રહે છે.

શિવ મિસિરનું રહેવું છે કે તાજેતરનાં વર્ષોમાં જે રીતે ઝડપથી ગુયાનાનો વિકાસ થયો છે તેનાથી દેશના સંપન્ન વર્ગને કેન્દ્રમાં રાખીને વેપાર શરૂ કરવાને પ્રોત્સાહન મળશે.

તેઓ જણાવે છે "ઉદાહરણ તરીકે અમારો વેપાર પણ એ પૈકીનો એક છે."

મિસિરબંધુની રિયલ એસ્ટેટ એજન્સી મૂવીટાઉન શૉપિંગ સૅન્ટરથી ચાલે છે. જૉર્જટાઉનમાં આની શરૂઆત તેમણે વર્ષ 2019માં કરી હતી. એ જ વર્ષે જ્યારે દેશમાં તેલના ખનનનું કામ શરૂ થયું હતું.

વિશ્વની નજરમાં ગુયાના

ગુયાનામાં તેલથી આવેલાં નાણાંએ પરિસ્થિતિ એટલી ઝડપથી બદલી કે તેના અન્ય પણ સંકેત છે.

વિશ્વભરની કંપનીઓ તેના તરફ આકર્ષિત થઈ રહી છે. તેઓ અહીં માળખાકીય સુવિધાની યોજનાઓમાં ભાગ લેવા માગે છે. આ દેશને દાયકાથી તેની જરૂર હતી.

સત્તાવાર આંકડા મુજબ, સરકારે વર્ષ 2019માં માળખાકીય સુવિધા સાથે જોડાયેલી યોજનાઓ પર 187 મિલિયન ડૉલરની રકમનો ખર્ચો કર્યો. વર્ષ 2023 સુધી આ રકમ 247 ટકાથી વધીને 650 મિલિયન ડૉલર પર પહોંચી ગઈ.

વર્લ્ડ બૅન્કનાં ડિલેટ્ટા ડોરોટ્ટી કહે છે કે "હું ગુયાનામાં લગભગ બે વર્ષ રહી છું. હું જ્યારે પણ અહીં પાછી આવી ત્યારે મને લાગ્યું કે કંઈક બદલાઈ ગયું છે. મૂળભૂત માળખાકીય સુવિધાના ક્ષેત્રમાં ઘણું કામ થઈ રહ્યું છે. નવાં રસ્તાઓ અને હોટલ બની રહ્યાં છે. દેશમાં મોટી સંખ્યામાં શરૂ થઈ રહેલા નવા વેપાર પણ નોંધપાત્ર છે."

ગુયાનામાં રોકાણ માટે પણ બહારની દુનિયાના દેશો આકર્ષિત થઈ રહ્યા છે.

ગુયાનાના લોકનિર્માણ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર દેવદત્ત ઇંદરે બીબીસી બ્રાઝીલ સર્વિસને જણાવ્યું કે "અમારે ત્યાં યુરોપ, ચીન, ભારત, અમેરિકા, કૅનેડા અને બ્રાઝીલની કંપનીઓ કામ કરી રહી છે. ચીન આ લિસ્ટમાં એક મુખ્ય ભૂમિકામાં છે."

ચીની કંપનીઓના એક કંસોર્શિયમે તાજેતરમાં જ એક નવા પુલનું ટૅન્ડર મેળવ્યું છે, જેને બૅન્ક ઑફ ચાઇનાએ ફાઇનાન્સ કર્યું છે. પરંતુ અહીં ચીનના હરીફ પણ છે. વર્ષ 2022માં એક ભારતીય કંપનીએ 106 મિલિયન ડૉલરનું એક હાઇવે કંન્સ્ટ્રક્શન ટૅન્ડર હાંસલ કર્યું હતું.