બેરોજગાર માણસ બંદૂક લઈ પ્લેનમાં ચડ્યો અને 110 મુસાફરોને કહ્યું કે પ્લેન હાઈજેક...

    • લેેખક, એડિસન વેઈગા
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ

આ ઘટના હોલીવૂડની ફિલ્મના કથાનક જેવી લાગે છે. એક ટ્રેક્ટર ડ્રાઇવર બેરોજગાર બને છે અને દેશની સામાજિક-રાજકીય પરિસ્થિતિથી નારાજ થઈને ફેડરલ ગવર્ન્મેન્ટના વડામથક ફૂંકી મારવાના, રાષ્ટ્રપતિની હત્યા કરવાના આશય સાથે એક પ્લેનના અપહરણનો નિર્ણય કરે છે.

આ હોલીવૂડની ફિલ્મના પ્લોટ જેવું ભલે લાગે, પરંતુ તે બ્રાઝિલની ફિલ્મ ‘ધ હાઈજેકિંગ ઑફ ફ્લાઇટ 375’ છે, જે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે.

ફિલ્મની વાત પછી કરીશું. પહેલા બ્રાઝિલને હચમચાવી મૂકનાર ઘટનાની વાત કરીએ. એ વાસ્પ 375 ફ્લાઇટ હતી. તે પોર્ટો વેલ્હોથી કુઆબા, બ્રાઝિલિયા, ગોઈઆનિયા અને બેલો હોરિઝોન્ટે એમ ચાર સ્ટૉપ કરીને રિયો ડી જાનેરો જવાની હતી. પ્લેન હતું બૉઈંગ 737.

જોકે, એ દિવસે પ્લેનમાં મુસાફરી કરી રહેલા 110 લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મારન્હાઓનો 28 વર્ષનો બેરોજગાર ટ્રેક્ટરચાલક રાયમુન્ડો નોનાટો અલ્વેસ દા કોન્સીસો 32 કેલિબરની પિસ્તોલ સાથે પ્લેનમાં ચડ્યો હતો.

તેણે જાહેરાત કરી હતી કે એ પ્લેનને હાઈજેક કરી રહ્યો છે. તેની યોજના પ્લેનને પેલેસિયો ડો પ્લાનલ્ટો સાથે ટકરાવાની હતી.

કોન્સીસોના બેકપેકમાં પિસ્તોલને ફરી લોડ કરવા માટે 90 ગોળીઓ પણ હતી.

એ માનતો હતો કે દેશની આર્થિક પરિસ્થિતિ માટે તત્કાલીન રાષ્ટ્રપતિ જોસ સાર્ને જવાબદાર છે. એ કારણે તેણે નોકરી ગુમાવવી પડી હતી. ડીઝ-સીડના આંકડા અનુસાર, એ વર્ષે બ્રાઝિલમાં બેરોજગારીનો દર 9થી 11 ટકાની વચ્ચે રહ્યો હતો. ફુગાવાનો દર પ્રચંડ, મહિને સરેરાશ 17.7 ટકા હતો.

કોન્સીસો સિવિલ કન્સ્ટ્રક્શનના કૉન્ટ્રાક્ટર્સ માટે કામ કરતો હતો. તેણે બંદૂક ખરીદી હતી અને ફ્લાઇટમાં રૂટના છેલ્લા તબક્કામાં ચડ્યો હતો. એ ફ્લાઇટે બેલો હોરીઝોન્ટે પ્રદેશના કોન્ફિન્સ ઍરપૉર્ટ પરથી સવારે 10. 52 વાગ્યે ઉડાન ભરી હતી.

20 મિનિટ પછી પ્લેન રિયોની ઍરસ્પેસમાં હતું ત્યારે જ અપહરણનો ખેલ શરૂ થઈ ગયો હતો. પ્લેનનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ કરીને કોન્સીસોએ કોકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

ફ્લાઇટ એટેન્ડન્ટે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કોન્સીસોએ તેને ગોળી મારી દીધી હતી. કોન્સીસોએ કોકપીટ કૅબિનના દરવાજે પર અનેક વખત ગોળીબાર કર્યો હતો. એ પૈકીની એક બીજા ફ્લાઇટ એટેન્ડન્ટને લાગી હતી. બીજી પ્લેનના ડૅશબોર્ડ સાથે અથડાઈ હતી.

પરિસ્થિતિ વધુ વણસી જવાના ડરથી ચાલક ટુકડીએ તેને કૅબિનમાં પ્રવેશ આપવાનું નક્કી કર્યું હતું. પાઇલટ ફર્નાન્ડો મુરિલો ડી લિમા ઈ સિલ્વા પ્લેનમાં થઈ રહેલા “ગેરકાયદે હસ્તક્ષેપ”નો સંકેતને અનુરૂપ કોડ, અપહરણકર્તાને જાણ ન થાય તે રીતે, ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ ઍન્ડ ઍર કન્ટ્રોલ સેન્ટર (સિન્ડાટા)ને મોકલવામાં સફળ થયા હતા.

સહ-પાઇલટ સાલ્વાડોર ઈવેન્જેલિસ્ટાએ રેડિયો દ્વારા સિન્ડાક્ટા સાથે ફરી વાતચીતનો પ્રયાસ કર્યો ત્યારે કોન્સીસોએ તેમને માથાના પાછળના ભાગમાં ગોળી મારી હતી. એ તરત જ મૃત્યુ પામ્યા હતા. પાઇલટ લિમા ઈ સિલ્વા તરફ બંદૂકનો ઈશારો કરીને કોન્સીસોએ પ્લેનને બ્રાઝિલ પરત લેવા જણાવ્યું હતું.

કમાન્ડર કુશળ હતો. તે બૉઈંગને પેલેસિયો ડુ પ્લાનલ્ટો પર ક્રૅશ કરવાનો વિચાર કોન્સીસોના દિમાગમાંથી કાઢી નાખવામાં સફળ થયો હતો. ગાઢ ધુમ્મસ હોવાને કારણે પ્લેનને એ તરફ લઈ જવું શક્ય નથી, એવી દલીલ તેમણે કરી હતી, પરંતુ પ્લેનનું ઉતરાણ બ્રાઝિલિયા ઍરપૉર્ટ પર થાય એવું કોન્સીસો ઇચ્છતો ન હતો. તે ઇચ્છતો હતો પ્લેન સાઓ પાઉલોમાં ઉતરાણ કરે.

પ્લેનમાં પૂરતું ઈંધણ પણ ન હતું. અપહરણકર્તા અસ્થિર થઈને પડી જાય એટલા માટે પાઇલટે પ્લેનને આડુઅવળું ચલાવવાનાં હિંમતભર્યાં કરતબ કર્યાં હતાં, પરંતુ એક એન્જિન ફેલ થઈ જવાને કારણે પ્લેનને બપોરે પોણા બે વાગ્યે પ્લેન સાન્ટા ગેનોવેવા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઉતારવામાં આવ્યું હતું.

જમીન પર કલાકો સુધી વાટાઘાટ ચાલતી રહી હતી. સાંજે સાત વાગ્યે પાઇલટનો ઉપયોગ માનવઢાલ તરીકે કરીને કોન્સીસો વિમાનમાંથી બહાર આવ્યો હતો. ચુનંદા ફેડરલ પોલીસ એજન્ટોએ તેને કિડનીમાં બે ગોળી મારી હતી. ત્રીજી ગોળી પાઇલટના પગમાં વાગી હતી.

અપહરણકર્તાને હૉસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને તેની ઇમરજન્સી સર્જરી કર્યા બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે તેના જીવ પર કોઈ જોખમ નથી. જોકે, થોડા દિવસો પછી કોન્સીસો હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. અહેવાલોમાં જણાવ્યા મુજબ, તેનું મૃત્યુ ગોળી વાગવાને કારણે નહીં, પરંતુ સિકલ સેલ એનિમિયાને કારણે થયું હતું.

સુરક્ષા પ્રોટોકૉલ્સ

આ કિસ્સો બ્રાઝિલના ઉડ્ડયન ક્ષેત્રે એક ઐતિહાસિક સીમાચિહ્ન બની ગયો છે. ઍરપૉર્ટ ઑપરેશન્સનો અભ્યાસ કરતા અને યુનિવર્સિડેડ પ્રેસ્બિટેરિયાના મેકેન્ઝી ખાતે એન્જિનિયરિંગના અભ્યાસક્રમોનું સંકલન કરતા પ્રોફેસર લારિસા ફેરર બ્રાન્કોએ કહ્યું હતું, “કોઈ દુષ્ટ હેતુ ધરાવતું હોય અને અભૂતપૂર્વ પરિસ્થિતિ હોય ત્યારે ભૂલ થઈ હતી કે કેમ એ કહેવું મુશ્કેલ છે.”

તેમણે ઉમેર્યું હતું, “તમામ ઉદ્યોગો અને ક્ષેત્રોમાં બનતી અસંભવિત અથવા તો અકલ્પ્ય ઘટનાઓમાંથી આપણે કાયમ કશુંક શીખીએ છીએ. એવિએશન સેફ્ટી ઘણા દાયકાઓથી મજબૂત છે અને સૂચકાંકો સતત સુધરી રહ્યા છે. આજે આપણી પાસે જે જ્ઞાન છે તેના આધારે ભૂતકાળની ઘટનાઓનું મૂલ્યાંકન કરવું અયોગ્ય છે.”

“બહુ બહુ તો એવું કહી શકાય કે એ ઘટનામાં જે પરિબળો સામેલ હતાં તેનું પુનરાવર્તન આજે ભાગ્યે જ થશે. એક સશસ્ત્ર પ્રવાસી કોકપિટ પર આક્રમણ કરે તેવું હવે નહીં બને.”

તેમણે ઉમેર્યું હતું, “ઍરપૉર્ટની સુરક્ષા વ્યવસ્થા હવે સજ્જડ છે. કોઈ પ્રવાસી શસ્ત્ર સાથે ઍરક્રાફ્ટ કમાન્ડરની જાણ બહાર, કડક વેરિફિકેશન પ્રોટોકૉલ્સને અનુસર્યા વિના પ્લેનમાં પ્રવેશી શકે એ વિચારવું હવે વ્યાવહારિક રીતે અશક્ય છે. 11 સપ્ટેમ્બર, 2021ના રોજ અમેરિકા પર થયેલા હુમલા પછી કૅબિનના દરવાજા દરેક સમયે બંધ રહે છે. તે બખ્તરબંધ હોય છે અને કડક પ્રોટોકૉલ હેઠળ જ ખોલવામાં આવે છે.”

એવિએશન એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેટર, ક્રાઈસિસ મેનૅજર અને સીફાઈવઆઈ કન્સલ્ટિંગના સીઈઓ મોરેસિયો પોન્ટેસના જણાવ્યા મુજબ, એ ઘટના પછી અમલી બનેલા સુરક્ષા પ્રોટોકૉલ્સને કારણે પ્લેનનું અપહરણ શક્ય નથી.

તેમણે કહ્યું હતું, “બૉર્ડિંગ સમયની તપાસ, પ્લેનમાં શસ્ત્રો સાથે લઈ જવાના નિયમો અને ચોક્કસ તાલીમને લીધે ફરક પડી શક્યો હોત, પરંતુ એ સમયે આ બધી બાબતોનો વિચાર કરવામાં આવ્યો ન હતો.”

પોન્ટેસ એ સમયે પાઇલટ બનવાનો અભ્યાસ કરતા હતા અને અપહરણની આ ઘટનાનું ટેલિવિઝન કવરેજ નિહાળ્યું હોવાનું તેમને યાદ છે. તેઓ માને છે કે પાઇલટની યોગ્યતાને કારણે દુર્ઘટના ટાળી શકાઈ હતી.

તેમણે કહ્યું હતું, “ફ્લાઇટ કમાન્ડરે દબાણ હેઠળ ઠંડા દિમાગ સાથે લીધે તમામ પગલાં નિર્ણાયક હતાં. કટોકટી પોતે જ ગૂંચવાડાભરી હતી. રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવામાં આવ્યા ન હતા, ઇમારત ખાલી કરાવવામાં આવી ન હતી. આવી જટિલ ઘટનામાં ભૂલો અને સફળતાની વાત કરવી મુશ્કેલ છે.”

તેઓ માને છે કે આ પ્રકારની ઘટના બને ત્યારે કેવું વર્તન કરવું તેની પ્રાથમિક તાલીમ એ સમયે પાઇલટ્સને આપવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું હતું, “અવરોધની સ્થિતિમાં કેવી રીતે વર્તવું અને ગેરકાયદે દખલગીરીના કૃત્યની જાણ નિયંત્રણ સંસ્થાઓને કરવા ટ્રાન્સપૉન્ડર્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેના નિયમો જાણીતા હતા. ક્રૂ મેમ્બર્સને વિશિષ્ટ તાલીમ માટે કોકપીટની બહાર કલાકો સુધી લઈ જવાની બાબત ચિંતાજનક ન હતી.”

હાલમાં આ મુદ્દે વધારે કાળજીપૂર્વક કામ લેવામાં આવે છે. સમયાંતરે આપવામાં આવતી તાલીમને લીધે પાઇલટ્સ અને ફ્લાઇટ એટેન્ડન્ટ્સ અણધારી પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ થાય છે. “ફ્લાઇટની સલામતીમાં જોખમ સર્જતા શિસ્તવિહીન મુસાફરોથી માંડીને અપહરણ જેવી ચોક્કસ અને ઘાતક પરિસ્થિતિમાં કામ પાર પાડવાની તાલીમ તેમને આપવામાં આવે છે.”

પ્રોફેસર બ્રાન્કોએ કહ્યું હતું, “પ્રસ્તુત કિસ્સામાં વાસ્પ ફ્લાઇટના કમાન્ડર પ્રોફેશનલ ઉત્કૃષ્ટતાનું ઉદાહરણ હતા અને હીરો બન્યા હતા. સહ-પાઇલટને ગોળી વાગી હોવા છતાં તેમણે સમગ્ર ઘટના દરમિયાન અપહરણકર્તાને કુશળતાપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તેનાથી આપત્તિજનક પરિણામ ટાળી શકાયું હતું.”

તેમણે ઉમેર્યું હતું, “અપહરણકર્તાએ સરકારી ઇમારતો અને જમીન પરના લોકોને નિશાન બનાવ્યા હતા, પ્લેનનું ઉતરાણ કરવામાં આવ્યું હતું. ક્રૂ મેમ્બર તથા પ્રવાસીઓ સલામત રહ્યા હતા. હું માનું છું કે પાઇલટ લિમા ઈ સિલ્વાએ બધું બરાબર કર્યું હતું. તેમણે અત્યંત અનિશ્ચિત અને ગંભીર પરિસ્થિતિને સારી રીતે સંભાળી લીધી હતી. અપહરણકર્તાને અસ્થિર કરવા દાવપેચ કર્યા હતા. તેમની કુશળતા અને પ્રોફેશનલિઝમ તથા તેમની આવડતને કારણે તેઓ પ્લેનનું સલામત ઉતરાણ કરાવી શક્યા હતા.”

અલબત્ત, ફ્લાઇટ સેફ્ટીના નિયમો બ્રાઝિલની આ ઘટના પછી નહીં, પરંતુ સપ્ટેમ્બર 11ની અમેરિકાની ઘટના પછી અમલમાં મુકાયા હતા.

તેમણે કહ્યું હતું, “વાસ્પ ફ્લાઇટની ઘટના થોડા સમય માટે મીડિયામાં ચમકતી રહી હતી, પરંતુ બાદમાં ઝડપથી ભૂલાઈ ગઈ હતી. મને યાદ છે ત્યાં સુધી પ્રક્રિયાના સંદર્ભમાં ખાસ કશું નોંધપાત્ર થયું ન હતું. એ પછી એ વખત એવું બન્યું હતું કે એક પુરુષ એક્સ-રે મશીન ચકાસણીમાંથી પસાર થયા વિના વિસ્ફોટકો સાથે સાઓ જોસ ડોસ કેમ્પોસ અને સાઓ પાઉલો વચ્ચેની ટીએએમ 283 ફ્લાઇટમાં સરળતાથી ચડી ગયો હતો અને વિસ્ફોટમાં પ્લેનમાંના એક પ્રવાસીનું મૃત્યુ થયું હતું.”

તેમણે ઉમેર્યું હતું કે આ ખાસ ઘટનાને કારણે “બ્રાઝિલના ઍરપૉર્ટ્સ પર સુરક્ષાના અભાવની ચિંતા અને એક્સ-રે ઇન્સ્પેક્શનને વધારે ગંભીર ગણવામા આવતા થયા હતા.”

તેમના કહેવા મુજબ, “અમેરિકાની સપ્ટેમ્બર 11ની ઘટના પછી બ્રાઝિલમાં એવિએશન સિક્યૉરિટી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. માર્ચ, 2015માં જર્મનવિંગ્સ 9525ની ઘટનામાં સહ-પાઇલટે વિમાનને જાણીજોઈને જમીનમાં, ફ્રેન્ચ આલ્પ્સમાં ક્રેશ કર્યું હતું. એ પછી બ્રાઝિલ સહિત વિશ્વભરમાં કોકપિટમાં પ્રવેશ માટેના કડક પ્રોટોકૉલ અને અન્ય પગલાં ઝડપભેર અમલમાં મૂકવામાં આવ્યાં હતાં.”

આ વાત સાથે સહમત થતાં વ્હાઈટે કહ્યું હતું, “1988 પછી માત્ર બ્રાઝિલમાં જ નહીં, હાઈજેકિંગ રોકવાના સંદર્ભમાં વૈશ્વિક કોમર્શિયલ એવિએશનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઍરપૉર્ટ્સ પર પેસેન્જરોના બૉર્ડિંગ માટે વિશાળ સુરક્ષા ઉપકરણો મૂકવામાં આવ્યાં છે, ફ્લાઇટ દરમિયાન ફ્લાઇટ ડેક પર મુસાફરોની એક્સેસ પર પ્રતિબંધ અને ફ્લાઇટના પાર્કિંગ એરિયામાં લોકોના પ્રવેશને અટકાવવા ફ્લાઇટ્સ પહેલાં તથા પછી અસંખ્ય ઑપરેશનલ પ્રક્રિયાઓ અમલી બનાવવામાં આવી છે.”

તેમણે ઉમેર્યું હતું, “આ પૈકીના એકેય પગલાને વાસ્પ 375 કેસ સાથે સીધો સંબંધ નથી. આ ફેરફાર સપ્ટેમ્બર 11, 2001ની ઘટના પછી કરવામાં આવ્યા હતા. આપણે કહી શકીએ કે 2001 પછી સલામતી ક્ષેત્રે બધું ધરમૂળથી બદલાઈ ગયું છે.”

બ્રાઝિલની એક્શન ફિલ્મ

ધ હાઈજેકિંગ ઑફ ફ્લાઇટ 375’ ફિલ્મનો આઈડિયા લગભગ એવી જ બીજી ઘટનાનું પરિણામ છે. એ ઘટના આફ્રિકાના ટીવી રેકૉર્ડના સંવાદદાતા કોન્સ્ટેન્સિયો વિઆના કોહિન્ટો સંબંધી છે. તેઓ જે ફ્લાઇટમાં પ્રવાસ કરતા હતા તેનું પણ મોઝામ્બિકમાં જોખમ સર્જાયું હતું.

તેમણે અહેવાલમાં જણાવ્યું હતું, “એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી. વિમાનનો આગલો હિસ્સો જમીન તરફ હતો. મેં વિચાર્યું હતું કે એ મારા જીવનનો અંત છે. તે એટલું આઘાતજનક હતું કે હું બહુ ગભરાઈ ગયો હતો અને ત્યાર પછી મને પ્લેનમાં પ્રવાસ કરવામાં બહુ ગભરાટ થાય છે.”

આ ઘટનાને કારણે કોટિન્હો હવાઈ અકસ્માતોના ગંભીર સંશોધક બનાવ્યા છે. એ પછી તેમણે વાસ્પ કેસની વિગતો એકઠી કરી હતી અને એક દસ્તાવેજી ફિલ્મ માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું હતું, “એ મારા માટે શક્ય ન હતું. મને એ માટે ટેકો કે નાણાં મળી શક્યા ન હતાં.”

બાદમાં તેમની સ્ક્રિપ્ટ ફિલ્મ પટકથા લેખક લુઈસા સિલ્વેસ્ટ્રેને પસંદ પડી હતી. “પછી અમે તેની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું,” એમ જણાવતાં કોટિન્હોએ ઉમેર્યું હતું, “સિલ્વેસ્ટ્રે પહેલી વ્યક્તિ હતા, જેમણે ખરેખર રસ લીધો હતો. તેથી મેં એ ઘટનાની સ્મૃતિ ધરાવતા લોકોને શોધવાનું શરૂ કર્યું હતું.”

કોટિન્હોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ફિલ્મ પાયઇટ સીધી શ્રદ્ધાંજલિ છે. તમામ પ્રવાસીઓએ તેના પરાક્રમની સરાહના કરી હતી. તેણે પ્લેનમાં ઈંધણ ન હોવા છતાં વિચારવિહીન દાવપેચ વિના પ્લેનનું ઉતરાણ કરાવ્યું હતું. 2020માં બહુ નિરાશા સાથે તેઓ મૃત્યુ પામ્યા હતા, કારણ કે તેમણે જે કંઈ કર્યું હતું, આટલા બધા લોકોના જીવ બચાવ્યા હતા તેમ છતાં તેમની ભૂમિકાને ક્યારેય બિરદાવવામાં આવી ન હતી. કોઈએ તેમનો આભાર માન્યો ન હતો.

આ ફિલ્મ પ્રદર્શિત થવાની છે ત્યારે કોટિન્હો તેના વિશે એક પુસ્તક પ્રકાશિત કરવાનો ઈરાદો પણ ધરાવે છે. એ પુસ્તકનું કામચલાઉ શીર્ષક તેમણે ‘ઈન ધ રાઇટ હેન્ડ્સ’ રાખ્યું છે.

બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ સાથેની વાતચીતમાં પટકથા લેખક સિલ્વેસ્ટ્રેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્ક્રીન પર જોવા મળશે તે “એક વાસ્તવિક કથા છે. અમે કથામાં ફેરફાર કર્યો નથી. ફિલ્મમાં અમે એક પાત્ર પર થોડો વધુ પ્રકાશ પાડ્યો છે. અપહરણની ઘટના બાબતે ફેડરલ ગવર્ન્મેન્ટ શું કરી રહી હતી તેની કલ્પનાકથા રજૂ કરી છે, પરંતુ વાર્તા વાસ્તવિક છે, જેમાં પ્લેન દ્વારા કરવામાં આવેલા સ્ટન્ટ્સનો સમાવેશ થાય છે.”

તેમણે ઉમેર્યું હતું, “ત્યાં એક વ્યક્તિ હતી, જેણે પેલેસિયો ડો પ્લાનલ્ટો પર ક્રૅશ કરવા માટે પ્લેનનું અપહરણ કર્યુ હતું.”

ઈસ્ટુડિયો એસ્કારલેટના સીઈઓ, નિર્માતા જોઆના હેનિંગે અહેવાલમાં જણાવ્યુ હતું કે તેમની ટીમ માટે સૌથી મોટો પડકાર બ્રાઝિલમાં ક્યારેય ન બની હોય તેવી ફિલ્મ બનાવવાનો હતો. પ્રસ્તુત કિસ્સામાં ઍરપ્લેન સાથેની એક્શન ફિલ્મ.

તેમણે કહ્યું હતું, “પ્રોડક્શન ડિઝાઇનના બધા રેફરન્સ આંતરરાષ્ટ્રીય હતા. અમારે ઓછાં સંસાધનો સાથે વૈકલ્પિક સામગ્રી બનાવવાની હતી. આ ફિલ્મને શોભે તેવા ગુણવત્તાસભર એક્શન દૃશ્યો સર્જવાનાં હતાં.” આ માટે સર્કસ ટેકનિક્સ અને કાર્નિવાલ તથા ઍડવર્ટાઇઝિંગ ઉદ્યોગનાં સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ફિલ્મના દિગ્દર્શક માર્કસ બાલ્ડિનીના કહેવા મુજબ, “આ બ્રાઝિલની સપ્ટેમ્બર, 11 જેવી ઘટના છે અને આશ્ચર્યની વાત એ છે કે ફિલ્મની કથા કોઈ જાણતું નથી.”

તેમણે બીબીસી ન્યૂઝ, બ્રાઝિલને કહ્યું હતું, “આ ફિલ્મ લોકોને, પોતાના કૌશલ્ય વડે 110 લોકોનો જીવ બચાવનાર બ્રાઝિલના એક હીરોની ભુલાઈ ગયેલી કથા કહેવાનો રસ્તો છે. આ વાર્તાનો ઓછામાં ઓછો સુખાંત હોય તે જરૂરી હતું.”

પોન્ટેસ માને છે કે આ કથા લાંબા સમયથી ભુલાઈ ગઈ છે. “વાસ્પ 375નું અપહરણ રાષ્ટ્રીય સ્મૃતિમાંથી તદ્દન ભૂંસી નાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પૂરતી નોંધ પણ લેવામાં આવી નથી.”