You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં હવે વધુ 3.30 લાખ બાળકીઓ અભ્યાસ નહીં કરી શકે : યુનિસેફ
નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે વધુ અફઘાન છોકરીઓ અનિશ્ચિત ભાવિનો સામનો કરી રહી છે, કારણ કે લગભગ 14 લાખ છોકરીઓ શિક્ષણવિહોણી બની ગઈ છે.
યુનિસેફે બીબીસીને જણાવ્યું હતું કે આ વર્ષે અફઘાનિસ્તાનમાં 3,30,000થી વધુ છોકરીઓને માધ્યમિક શાળાનું શિક્ષણ લેતી અટકાવવામાં આવશે. તાલિબાન સરકારે 2021માં કહ્યું હતું કે છોકરીઓ લગભગ 13 વર્ષની થશે પછી તેમને છઠ્ઠા ધોરણ પછી શિક્ષણ આપવામાં આવશે નહીં. 13 વર્ષની ઝૈનબનો સમાવેશ એવી છોકરીઓમાં થાય છે, જે આ મહિનાથી શિક્ષણ લેવાનું ફરી શરૂ કરી શકશે નહીં.
ઝૈનબને છેલ્લા કેટલાક મહિનાઓથી આમ્લેટ્સથી નફરત થઈ ગઈ હતી. ઈંડાં અને દૂધની ગંધ તેને વિતેલાં વર્ષોની યાદ અપાવે છે, જ્યારે તે શાળામાં ભણતી હતી. એ છ મહિનાથી પણ ઓછા સમય પહેલાની વાત છે અને ઝૈનબ ત્યારે ખુશ હતી. તે સવારની પ્રાર્થના માટે જાગી જતી હતી અને નાની બહેનો તથા મોટાભાઈ સાથે શાળાએ જતી હતી. તેની બહેનો અને ભાઈ હવે ઝૈનબના વિના સ્કૂલે જશે. આમ્લેટ્સ તેને જૂના દિવસોની બધી યાદ અપાવે છે.
છઠ્ઠા ધોરણ પછી છોકરીઓને શાળાએ જવાની મંજૂરી નથી, એ ઝૈનબ છેલ્લા કેટલાક સમયથી જાણતી હતી, પરંતુ કશુંક બદલાવાની તેને આશા હતી. ઝૈનબને ભણવું ગમે છે અને તેણે કળા તથા વિજ્ઞાનની માફક બીજા તમામ વિષયોમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
ઝૈનબ શરમાઈને હસે છે ત્યારે તેના ગૌરવાન્તિત પિતા કહે છે, “ક્લાસમાં મોખરે રહી છે.” ઝૈનબ ઇચ્છે તે ક્ષેત્રે આગળ વધી શકે તેમ છે, પરંતુ ગયા ડિસેમ્બરમાં તેની પ્રાથમિક શાળાની અંતિમ પરીક્ષા પછી તેના હેડમાસ્ટર પરીક્ષા ખંડમાં આવ્યા હતા અને ઝૈનબ સાથે અભ્યાસ કરતી છોકરીઓને જણાવ્યુ હતું કે તેઓ માર્ચથી શરૂ થતા નવા વર્ષથી અભ્યાસ માટે સ્કૂલે આવી શકશે નહીં.
નિરાશા સાથે ઘરે પાછી ફરેલી દીકરીને નિહાળી ચૂકેલા ઝૈનબના પિતા શહીર કહે છે, “એ ખૂબ જ અસ્વસ્થ હતી. તેને એ સ્થિતિમાં જોવાનું બહુ મુશ્કેલ હતું. હું મારી દીકરીઓ માટે કશું કરી શકતો નથી. એક પિતા તરીકે હું દોષભાવના અનુભવું છું.”
ઝૈનબના પિતાએ પરિવારને અફઘાનિસ્તાનમાંથી બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સફળતા મળી નથી.
ઍનક્રિપ્ટેડ ફોન કૉલ પર થોડી સેકન્ડ મૌન રહ્યા પછી ઝૈનબ હળવેથી કહે છે, “મને લાગે છે કે મેં મારા સપનાને અંધારા ઓરડામાં દફનાવી દીધાં છે.” તેના પિતા અમને પૂછે છે કે ઝૈનબ વિચાર કરવા નાનો બ્રેક લઈ શકે? આ બાબતે વાત કરવાનું સમગ્ર પરિવાર માટે બહુ મુશ્કેલીભર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝૈનબ જેવી છોકરીઓ માટે એકમાત્ર વિકલ્પ સરકાર નિયંત્રિત ધાર્મિક શાળાઓ અથવા મદરેસાઓમાં ચાલતા વર્ગોમાં જવાનો છે. જોકે, અફઘાનિસ્તાનમાંના સંયુક્ત રાષ્ટ્રસંઘના વિશેષ દૂત રોઝા ઓટુનબાયેવાએ સલામતી પરિષદને ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે છોકરીઓને ગણિત તથા અંગ્રેજી જેવા વિષયોનો અભ્યાસ કરાવી શકે તેવી મદરેસાઓ છે કે કેમ, એ તેઓ શોધી શક્યાં નથી.
નબના પિતાના કહેવા મુજબ, મદરેસા તેમની દીકરીને સારી રીતે શિક્ષણ આપી શકશે નહીં.
તેઓ કહે છે, “મદરેસા સ્કૂલનો વિકલ્પ નથી. ત્યાં માત્ર ધાર્મિક વિષયોનું શિક્ષણ આપવામાં આવશે. ઝૈનબને મદરેસામાં મોકલવાનું મને જરૂરી લાગતું નથી.”
2021ની 15 ઑગસ્ટે રાજધાની કાબુલમાં સત્તા કબજે કર્યા બાદ તાલિબાન અફઘાનિસ્તાનમાં શાસન કરી રહ્યા છે. એ પછી અમેરિકાની આગેવાની હેઠળના નાટો સૈનિકો દેશમાંથી નીકળી ગયા હતા. તેમણે તેમની પ્રથમ પત્રકાર પરિષદ દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ 1996થી 2001 વચ્ચે દેશ પર શાસન કરનારા તાલિબાન કટ્ટરપંથીઓ જેવા નહીં હોય.
તેમણે વચન આપ્યુ હતું કે “અમે મહિલાઓને અમારા માળખામાં અભ્યાસ અને કામ કરવાની મંજૂરી આપીશું. અમારા સમાજમાં મહિલાઓ ખૂબ જ સક્રિય બનશે.”
અલબત, એ પછી તરત જ મહિલાઓના અધિકારોનો વીંટો વાળી લેવામાં આવ્યો હતો. સાતમા ધોરણમાં અથવા માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી છોકરીઓનાં શિક્ષણ લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
એ પછી યુનિવર્સિટીઓ અને ઘણા કાર્યસ્થળોમાં માત્ર પુરુષો જ કામ કરી શકશે તેવો હુકમ કરવામાં આવ્યો હતો.
આજે મહિલાઓને પુરુષ સાથી વિના ઘરની બહાર નીકળવાની અથવા જાહેર ઉદ્યાનોમાં જવાની છૂટ નથી.
પરિસ્થિતિ અંધકારમય છે. યુનિસેફે બીબીસીને જણાવ્યું છે કે 2021ના શાળા શિક્ષણ લેવા પરના પ્રતિબંધથી અસરગ્રસ્ત છોકરીઓની કુલ સંખ્યા 14 લાખથી વધુની છે. એ પૈકીની 3,30,000 છોકરીઓએ 2023માં છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ છોકરીઓ આ વર્ષથી આગળનું શિક્ષણ લેવાનું ચાલુ રાખી શકશે નહીં.
અફઘાન બાળકો માટેના બીબીસી વર્લ્ડ સર્વિસના એજ્યુકેશન પ્રોગ્રામનું સંચાલન બીબીસીની એ મહિલા પત્રકારો કરે છે, જેઓ 2021માં તાલિબાન ફરી સત્તા પર આવ્યા પછી કાબુલ છોડી ગયાં હતાં.
આ કાર્યક્રમ બીબીસી ન્યૂઝ અફઘાનિસ્તાન ટીવી અને રેડિયો સેટેલાઈટ ચેનલ પર, બીબીસી ન્યૂઝ પશ્તો, બીબીસી ન્યૂઝ ડારી ફેસબૂક અને યુટ્યૂબ ચેનલો તેમજ એફએમ, શોર્ટ-વેવ તથા મીડિયમ-વેવ રેડિયો પર ઉપલબ્ધ છે.
જોકે, બધા લોકો તાલિબાનના આદેશને અનુસરતા નથી.
ઝૈનબના પરિવારનું કહેવું છે કે તેમના પાડોશમાં ખાનગી સમુદાયની આગેવાની હેઠળ એક પહેલ થઈ રહી છે અને ઝૈનબ ત્યાં અંગ્રેજીનું શિક્ષણ લઈ રહી છે. એ ક્યાં સુધી ચાલશે તેની કોઈને ખબર નથી, પરંતુ હમણાં ઝૈનબ અહીં તેની સખીઓને મળી શકે છે.
સખીઓને ઉત્સાહિત રાખવા ઝૈનબ તેનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરે છે અને જુસ્સો જાળવી રાખવા જણાવે છે. ઝૈનબ બીબીસીને કહે છે, “હું તેમને તેમના શોખને અનુસરવા પ્રોત્સાહિત કરું છું. હું તેમને કળા માટે પ્રોત્સાહિત કરું છું.”
ઝૈનબને ડ્રૉઇંગ કરવાનું પસંદ છે. છોકરીઓએ સ્કૂલે પાછા આવવાનું નથી, એવું હેડમાસ્ટરે જણાવ્યું ત્યારથી ઝૈનબ ડ્રૉઇંગ કરવા ભણી પાછી ફરી છે.
ઝૈનબે તેનું એક ડ્રૉઇંગ બીબીસીને મોકલ્યું છે, જેમાં એક તાળાબંધ સ્કૂલની સામે એક છોકરી ઊભી છે. તેણે તેના ડ્રૉઇંગને ‘બ્લેક ડેઝ ફૉર અફઘાન ગર્લ્સ’ નામ આપ્યું છે.
ઝૈનબ કહે છે, “સ્કૂલમાં શિક્ષણ લેવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ પછી મેં જે ચિત્ર દોર્યું હતું તે સ્કૂલના તાળાબંધ દરવાજા સામે જોઈ રહેલી છોકરીનું હતું.”
ઝૈનબે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની જાતને સકારાત્મક બની રહેવાની ફરજ પાડી છે. હવે તે આકાશ, ઊંચી ઇમારત, ફૂલ, સૂર્ય અથવા તેનાં સપનાં સાકાર થાય તેવા કલ્પનાશીલ ભવિષ્યના સુંદર ચિત્રો દોરે છે. વિશ્વ માટે તેનો સંદેશો એ છે કે અફઘાનિસ્તાનમાંની તેના જેવી છોકરીઓને ભૂલવી ન જોઈએ.
ઝૈનબ કહે છે, “અફઘાન છોકરીઓને તેમના અધિકારો પાછા અપાવવામાં મદદ કરો. અફઘાન બાળકો ખૂબ જ પ્રતિભાશાળી છે. અમને માત્ર એક તકની જરૂર છે.”
બીબીસીએ તાલિબાનને આ બાબતે પ્રતિભાવ આપવા વિનંતી કરી હતી, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી.
એડિશનલ રિપોર્ટિંગઃ મરિયમ અમન અને જ્યોર્જિના પીયર્સ
(સલામતીના કારણોસર આ સ્ટોરીમાં લોકોના નામ બદલવામાં આવ્યાં છે)