You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : તાલિબાન કોરડા ફટકારવા કે મોતની સજા આપવા ફૂટબૉલ સ્ટેડિયમનો કઈ રીતે ઉપયોગ કરે છે?
- લેેખક, નૂર ગુલ શફક
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
ચેતવણીઃ આ અહેવાલનું વર્ણન કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.
"તાલિબાન સત્તાવાળાઓએ ફૂટબૉલ સ્ટેડિયમમાં ફટકા મારવાની સજા આપવા પ્રથમ વ્યક્તિને રજૂ કરી ત્યારે મારું હૃદય એટલું જોરથી ધબકવા લાગ્યું હતું કે હું ધબકારા સાંભળી શકતો હતો. મને વિશ્વાસ આવતો ન હતો કે હું આ બધું કોઈ ફિલ્મ કે સ્વપ્નમાં નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં જોઈ રહ્યો છું."
આ શબ્દો 21 વર્ષના અફઘાન જુમ્મા ખાનના છે. અમે તેમનું નામ તેમની સલામતી માટે બદલ્યું છે.
2022ની 22 ડિસેમ્બરે મધ્ય અફઘાનિસ્તાનના તારીનકોટ શહેરના ફૂટબૉલ સ્ટેડિયમમાં હજારો લોકોની ભીડ સામે 22 લોકોને કોરડા ફટકારવામાં આવ્યા હતા. તેમાં બે મહિલા પણ હતી. આ બધું જુમ્મા ખાને જોયું હતું. એ બધાં પર વિવિધ ‘ગુના’ કરવાનો આરોપ હતો.
તાલિબાન સત્તાવાળાઓએ એક દિવસ પહેલાં સમગ્ર શહેરમાં, મસ્જિદોમાં અને રેડિયો પર આ ઘટનાની જાહેરાત કરી હતી તથા લોકોને તેમાંથી "કંઈક શીખવા આ તમાશો જોવા આવવાની વિનંતી કરી હતી."
સજા ક્યાં આપવામાં આવે છે?
મોટાં સ્પૉર્ટ્સ સ્ટેડિયમ એ જાહેર સજા માટેનું સામાન્ય સ્થળ છે. તે એક પરંપરા છે, જે 1990ના દાયકામાં તાલિબાન જૂથે અફઘાનિસ્તાનમાં પ્રથમ વખત સત્તા સંભાળી ત્યારે શરૂ થઈ હતી. તારીનકોટ સ્ટેડિયમ સત્તાવાર રીતે 18,000 પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ જુમ્મા ખાનના જણાવ્યા મુજબ, એ દિવસે તેનાથી વધુ લોકો હાજર હતા.
જુમ્મા ખાને બીબીસીને કહ્યું હતું, "આરોપીઓને સ્ટેડિયમની મધ્યમાં ઘાસ પર બેસાડવામાં આવ્યા હતા. તે ગુરુવારનો દિવસ હતો. લોકો પસ્તાવો કરી રહ્યા હતા અને પોતાને બચાવી લેવા ભગવાનને પ્રાર્થના કરતા હતા."
લોકોને ફટકા મારવાની સજા કરવામાં આવી હોવાની પુષ્ટિ તાલિબાનની સર્વોચ્ચ અદાલતે ટ્વિટર મારફત કરી હતી. સજા પામેલા લોકોની સંખ્યા અને જાતિ પણ જણાવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "અમારા નેતા શરિયતના કાયદા હેઠળ આવી સજાના અમલ માટે બંધાયેલા છે. કુરાનમાં અલ્લાએ કહ્યું છે કે આવી સજા જાહેરમાં આપવી જોઈએ, જેથી તેમાંથી અન્ય લોકો પાઠ ભણી શકે. શરિયત કાયદા અનુસાર, સજાનો અમલ કરવાની જવાબદારી અમારી છે."
જુમ્મા ખાને જણાવ્યું હતું કે 18થી 37 વર્ષની વયના તમામ પુરુષોને 25થી 39 કોરડા ફટકારવામાં આવ્યા હતા.
"તેમાંથી કેટલાક રડતા હતા, બૂમો પાડતા હતા, જ્યારે કેટલાક ચૂપચાપ ફટકા સહન કરતા હતા. મારા એક સબંધીને ચોરી બદલ 39 કોરડા ફટકારવામાં આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે 20 ફટકા પછી તેમનું શરીર સુન્ન થઈ ગયું છે. હવે તેઓ પીડા અનુભવી શકતા નથી," એમ જુમ્મા ખાને કહ્યું હતું.
જુમ્મા ખાનનો જન્મ 9/11ના બે વર્ષ પછી થયો હતો. 9/11ના હુમલા પછી અમેરિકા અને નાટોએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો અને તાલિબાનની સત્તાના પ્રથમ સમયગાળા પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
તાલિબાન સૈનિકોએ 90ના દાયકામાં લોકોને કેવી રીતે જાહેરમાં માર માર્યો હતો, તેમનાં અંગો કાપી નાખ્યાં હતાં અથવા તેમને કેવી રીતે ફાંસી આપી હતી તેની વાતો જુમ્મા ખાને વડીલો પાસેથી સાંભળી હતી, પરંતુ પોતાની નજર સામે થતી હિંસા તેમણે પ્રથમવાર જોઈ હતી.
લોકો ફૂટબૉલ સ્ટેડિયમમાંથી ઝડપથી જવા લાગ્યા હતા, એમ જણાવતાં જુમ્મા ખાને ઉમેર્યું હતું, "એ પૈકીના મોટા ભાગના મારા જેવા યુવાનો હતા. તાલિબાન સૈનિકો અમને સ્ટેડિયમ બહાર જવા દેતા નહોતા, પરંતુ ઘણા લોકો દિવાલ અને વાડ પર ચઢવામાં સફળ થયા હતા."
પોતે કાયદેસરના શાસકો હોવાની વિશ્વસાહર્તા સ્થાપવા ઇચ્છતી તાલિબાન સરકાર, આવી સજાથી વિદેશમાં નકારાત્મક પ્રતિક્રિયા સર્જાશે એ વાતે નર્વસ જણાય છે. તેમના સર્વોચ્ચ નેતા મુલ્લા હિબતુલ્લાહ અખુન્દઝાદાએ સજાની આવી ઘટનાને રેકૉર્ડ કરવાની કે તેની વિગત પ્રકાશિત કરવાની મનાઈ ફરમાવી છે.
જોકે, જુમ્મા ખાને તે ઘટનાનો વીડિયો ગુપ્ત રીતે રેકૉર્ડ કર્યો હતો અને બીબીસીને મોકલ્યો હતો. અન્ય પ્રત્યક્ષદર્શીઓએ પણ એ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને તે ઝડપથી વાયરલ થઈ ગયો હતો.
જુમ્મા ખાનના જણાવ્યા મુજબ, એ દિવસે તેમણે જે જોયું હતું તેનો ડર તેમને આજે પણ લાગે છે. આવી સજા ખુદને પણ થશે તેવો ભય તેમને સતાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું, "હવે હું બહુ કાળજીપૂર્વક વાત કરું છું. મેં દાઢી પણ વધારી છે."
કેટલા લોકોને સજા થઈ?
નવેમ્બર, 2022માં તાલિબાન સરકારે જાહેરમાં સજા આપવાની જાહેરાત કરી અને સુપ્રિમ કોર્ટે એ બાબતે નિવેદન આપવાનું શરૂ કર્યું પછી કમસેકમ 50 વખત જાહેર સજાના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે અને તેમાં 346 લોકોને સજા ફટકારવામાં આવી હતી.
સજા પામેલા લોકોમાં કેટલા પુરુષો અને કેટલી સ્ત્રીઓ છે તે સુપ્રિમ કોર્ટ જાહેર કરતી નથી, પરંતુ કમસેકમ 51 મહિલાઓ અને 233 પુરુષોને સજા કરવામાં આવી હતી. બાકીના 60 વિશે માહિતી મેળવી શકાઈ નથી.
એ બધાને કોરડા ફટકારવામાં આવ્યા હતા અને કેટલાકને જેલની સજા કરવામાં આવી હતી. બે પુરુષને ફાંસીની સજા કરવામાં આવી હતી. એકને દક્ષિણ-પશ્ચિમ અફઘાનિસ્તાનના ફરાહમાં, જ્યારે બીજાને પૂર્વ લંઘમાન પ્રાંતમાં ફાંસી આપવામાં આવી હતી.
તાલિબાનના સર્વોચ્ચ નેતાએ તેમની ન્યાયિક સંસ્થાઓને વિવિધ ગુનાના આરોપીઓના કેસ પર ચાંપતી નજર રાખવાનો અને તેમની સામે કાયદાના અમલનો આદેશ 13 નવેમ્બર આપ્યો પછી જાહેર સજાનું પ્રમાણ વધ્યું હતું.
ક્યા ‘ગુનાઓ’ બદલ સજા કરવામાં આવે છે?
તાલિબાન સરકાર કહે છે કે તેઓ અફઘાનિસ્તાનની ઇસ્લામિક ન્યાય પ્રણાલી અનુસાર આવી સજા કરે છે, જે શરિયતના કાયદાનું આત્યંતિક અર્થઘટન છે.
ચોરી, ખૂન, વ્યભિચાર, પુરુષો વચ્ચેના જાતીય સંબંધ, 'ગેરકાયદે જાતીય સંબંધ,' ભ્રષ્ટાચાર, ઘરેથી ભાગી જવું અને અનૈતિક આચરણ સહિતના સજાપાત્ર ગુનાઓની 19 શ્રેણી છે. તે કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે હંમેશાં સ્પષ્ટ નથી હોતું. જોકે, કેટલાકનું વ્યાપક અર્થઘટન થઈ શકે છે.
ઘણાને ચોરી માટે સામાન્ય રીતે 39 કોરડા ફટકારવાની સજા કરવામાં આવે છે. કેટલાકને ત્રણ મહિનાથી એક વર્ષની જેલની સજા કરવામાં આવે છે. લૈંગિક ગુનાઓને તાલિબાન સરકાર 'ઝીના' એટલે કે વ્યભિચાર, ગેરકાયદે જાતીય સંબંધ અથવા અનૈતિક સંબંધ તરીકે વર્ગીકૃત કરે છે. તેના પણ અનેક કેસ હોય છે.
આવામાં ઘરેથી ભાગી જવાનાં સાત ઉદાહરણ માનવાધિકારના રક્ષકો અને આંતરરાષ્ટ્રીય નિરિક્ષકો માટે વધારે ચિંતાનો વિષય છે. પહેલાંથી જ ઘરેલુ હિંસા ભોગ બનેલી અથવા બળજબરીથી કે સગીર વયે લગ્ન કરી નાખવામાં આવ્યાં હોય તેવી નિસહાય મહિલાઓ તેની સજાનું નિશાન બને છે.
સર્વોચ્ચ અદાલતના નિવેદનમાં ‘લિવાતત’નાં છ ઉદાહરણ પણ છે. તે અફઘાનિસ્તાનના શરિયત કાયદા હેઠળ ગુનો છે અને તેમાં પુરુષો વચ્ચેનો જાતીય સંભોગ નિશાન બનાવવામાં આવ્યો છે.
ક્યા પ્રાંતોમાં સૌથી વધુ સજા થઈ છે?
બીબીસીને જાણવા મળ્યું હતું કે અફઘાનિસ્તાનના 34માંથી 21 પ્રાંતમાં જાહેર સજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કેટલાક પ્રાંતમાં તેનું પ્રમાણ અન્ય કરતાં વધારે હોય છે. અફઘાનિસ્તાનના પૂર્વ લઘમાન પ્રાંતમાં સૌથી વધુ સાત વખત જાહેર સજાના કાર્યક્રમ યોજાયા હતા. એ પછીના ક્રમે પક્તિયા, ઘોર, પરવાન અને કંદહાર છે.
સૌથી વધુ 48 લોકોને હેલમંડ પ્રાંતમાં સજા કરવામાં આવી હતી. એ પછી બદખ્શાનમાં 32, પરવાનમાં 31, ઘોર તથા જૌજજાનમાં 24, કંદહાર તથા રોઝગનમાં 22 અને રાજધાની કાબુલમાં 21 લોકોને સજા કરવામાં આવી હતી.
તાલિબાનની સર્વોચ્ચ અદાલતે સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરી છે એ આંકડાઓ જ ઉપરોક્ત યાદીમાં સમાવિષ્ટ છે. બીજી વણનોંધાયેલી ઘટનાઓ પણ હોઈ શકે છે. આ પ્રકારના કાર્યક્રમો નહીં યોજવાની હાકલ સંયુક્ત રાષ્ટ્રસંઘ, માનવાધિકાર સંગઠનો અને વિશ્વભરના દેશોએ કરી હોવા છતાં તાલિબાનની નીતિમાં ફેરફાર થયાનો કોઈ સંકેત નથી.
સત્તાવાર નિવેદનોમાં તેઓ સતત કહેતા રહે છે કે ગુનેગારોને જાહેરમાં સજા કરવી તે અન્ય લોકોને "પાઠ ભણાવવા" જેવું છે અને આવી સજા કરવાથી ગુના થતા અટકે છે. દરમિયાન, જુમ્મા ખાન જેવા પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે આવાં ભયાનક દૃશ્યો જોઈને તેઓ માનસિક રીતે ભયભીત થઈ ગયા છે. જુમ્મા ખાનના કહેવા મુજબ, સજા પામેલા લોકોને અપમાનિત કરવામાં આવે છે. તેઓ તેમના ઘરની બહાર પણ નીકળી શકતા નથી.
આ વાતના જવાબમાં તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે બીબીસીને કહ્યું હતું, "લોકોની માનસિક સુખાકારીનું ધ્યાન અલ્લા રાખશે. અમે શરિયત કાયદાનું ઉલ્લંઘન ન કરી શકીએ."
બીબીસી પશ્તોએ તાલિબાન સરકારની સુપ્રિમ કોર્ટનાં નિવેદન, મુખ્યત્વે ટ્વિટર પરના તેમના અકાઉન્ટમાંથી એકત્ર કર્યાં છે. તાલિબાનના સર્વોચ્ચ નેતાએ જાહેર સજાનો અમલ ફરી શરૂ કરવાની ઔપચારિક જાહેરાત નવેમ્બર, 2022માં કરી ત્યારથી પાંચમી ઑગસ્ટ, 2023 વચ્ચેના લગભગ આઠ મહિનાના સમયગાળા દરમિયાનની તે ઘટનાઓ છે.
અલબત, અફઘાન સુપ્રિમ કોર્ટનો ડેટા પ્રાથમિક સ્રોત હતો, પરંતુ તેનો ઉપયોગ યુએનએએમએ શારીરિક દંડ તથા અફઘાનિસ્તાનમાં મૃત્યુદંડ વિશેના અહેવાલ તેમજ વિશ્વાસપાત્ર અહેવાલોની સાથે કરવામાં આવ્યો હતો. સ્થાન, લોકોની સંખ્યા, લિંગ અને સજાના પ્રકાર વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. તેથી અમે ઉપલબ્ધતાને આધારે ડેટા પ્રકાશિત કર્યો છે.