અફઘાનિસ્તાનની એ યુવતી જે ગુજરાતમાં ગોલ્ડ મેડલ મેળવીને છવાઈ ગઈ

    • લેેખક, ધર્મેશ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અફઘાનિસ્તાનનાં રઝિયા મુરાદીએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં અભ્યાસ કરતાં રઝિયા મુરાદીએ બીબીસી સાથેની વાતચીતમાં આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાલિબાન સામે પગલાં લેવાની માગ કરી છે.

તેમણે કહ્યું કે ‘તાલિબાને એ સમજવાની જરૂર છે કે શિક્ષણ અને વિકાસ એકબીજાનાં પૂરક છે.’

રઝિયા મુરાદી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં એમએ કરવા 2021માં સુરત આવ્યાં હતાં. તેમને આઈસીસીઆર તરફથી સ્કૉલરશિપ મળી હતી.

જ્યારે રઝિયા ભારત આવ્યાં ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન નહોતું અને છોકરીઓને ત્યાં શાળાએ જવાની અને ઉચ્ચ શિક્ષણ મેળવવાની છૂટ હતી. પરંતુ ઑગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ મહિલાઓના શિક્ષણ અને તેમની નોકરીઓ પર ધીમેધીમે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.

ભારત આવ્યા બાદ રઝિયા અફઘાનિસ્તાન પરત ફર્યાં નથી.

  • રઝિયા મુરાદી મધ્ય અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતનાં છે
  • રઝિયા મુરાદી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં એમએ કરવા 2021માં સુરત આવ્યાં હતાં
  • રઝિયા મુરાદીએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે
  • રઝિયા મુરાદીએ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન, ત્યાંની સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયની તેમની માંગણીઓ વિશે બીબીસી સાથે લાંબી વાત કરી હતી

તાલિબાન શાસનમાં મહિલાઓની સ્થિતિ પર રઝિયાએ શું કહ્યું?

રઝિયા મુરાદી મધ્ય અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતનાં છે.

રઝિયા મુરાદીએ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન, ત્યાંની સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયની તેમની માંગણીઓ વિશે બીબીસી સાથે લાંબી વાત કરી હતી.

રઝિયાએ કહ્યું, "અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાનનું શાસન છે અને તે એક ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે. તાલિબાન મુખ્યત્વે વંશીય જૂથો અને લઘુમતીઓના માનવઅધિકારોની કદર કરતું નથી."

અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ અંગે રઝિયા કહે છે, "તાલિબાન મહિલાઓને તેમના અધિકારોથી વંચિત કરી રહ્યું છે. તે ખાસ કરીને મહિલાઓના શિક્ષણ અને મતદાનના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. મહિલાઓને ભણવાથી રોકવામાં આવી રહી છે. તેમને શાળા અને કૉલેજમાં જવા દેવામાં આવી રહી નથી."

રઝિયા કહે છે, "અફઘાનિસ્તાનમાં અત્યારે કોઈ રાજકીય સ્થિરતા નથી. ત્યાંની આર્થિક સ્થિતિ સારી નથી. લોકો માટે ખાદ્યપદાર્થોની અછત સર્જાઈ રહી છે. દેશમાં બેરોજગારી ઘણી વધી ગઈ છે."

રઝિયાની આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ

રઝિયા મુરાદીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અંગે કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

તેમણે કહ્યું, "અમે આંતરરાષ્ટ્રીય સમુદાય અફઘાનિસ્તાનને લઈને પોતાનો અવાજ ઉઠાવે એવી અપેક્ષા રાખીએ છીએ. અફઘાનિસ્તાન વિશે પોતાનો અવાજ ઉઠાવવા દેશવાસીઓ જ આગળ આવે એવું નહીં પરંતુ એ દરેક વ્યક્તિની જવાબદારી છે."

"આપણે માણસ છીએ અને જરૂરિયાતમંદ લોકો માટે અવાજ ઉઠાવવાની આપણી બધાની જવાબદારી છે. અમારી પાસે વાણી સ્વતંત્રતા નથી, તેથી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સમુદાયે અફઘાનિસ્તાનમાં જે થઈ રહ્યું છે તેના વિશે અવાજ ઉઠાવવો જોઈએ."

રઝિયા કહે છે, "ત્યાંની સ્થિતિ માત્ર અફઘાનિસ્તાન જ નહીં પરંતુ આસપાસના દેશો અને સમગ્ર વિશ્વને અસર કરી રહી છે. તે તમામ દેશો માટે ખતરનાક છે. તેથી જો તેઓ માત્ર અફઘાનિસ્તાન વિશે ન વિચારતા હોય તો પણ તેઓએ આમાંથી પોતાને બચાવવા માટે એક ઍક્શન પ્લાન બનાવવો જોઈએ."

રઝિયાની અત્યાર સુધીની સફર

રઝિયા કહે છે, "મને આઈસીસીઆર સ્કૉલરશિપની મદદથી 2021માં ભારત આવવાનો મોકો મળ્યો."

"અહીં મેં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં એમએમ કર્યું છે અને હજું હું ભારતમાં છું."

"ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ઘણી સાંસ્કૃતિક સમાનતા છે એટલે હું ભારત આવી ત્યારે મારે બહુ ઓછા પડકારોનો સામનો કરવો પડ્યો. અહીંના લોકો બહું સારા છે અને તેઓએ મને અનેક રીતે મદદ કરી છે."

રઝિયા કહે છે, "અફઘાનિસ્તાનના લોકો ત્યાંની વર્તમાન રાજકીય અસ્થિરતા અને આર્થિક સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને મારો પરિવાર પણ તેમાં અપવાદ નથી."

તેઓ કહે છે, "જો કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં ત્યાંના લોકો ગમે તેમ કરીને જીવનયાપન કરી રહ્યા છે."

હવે રઝિયા મુરાદી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરવા માંગે છે.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનના આસિસ્ટન્ટ પ્રોફેસર મધુ ધવાણી રઝિયા મુરાદી વિશે કહે છે, "રઝિયા મુરાદીએ તેમની સખત મહેનતને કારણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે."

તેઓ કહે છે, "રઝિયા ખૂબ જ સાહસી વિદ્યાર્થી છે. પોતાના અભ્યાસને લઈને બહુ પ્રમાણિક છે. તે અહીં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે હંમેશાં તત્પર રહે છે. આગળ તેણે પીએચડી માટે પણ નોંધણી કરાવી છે."