'અમેરિકાના નામથી પણ ડરું છું, 23 દિવસ કેદ રાખીને માર્યો' ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો મોહ મોંઘો પડ્યો

ગુજરાતના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોનાં વર્ષ 2022માં અમેરિકા જવાની કોશિશમાં કૅનેડાની સરહદે થીજીને મોત થવાનો મામલો હજુ ઠંડો નથી પડ્યો.

માત્ર ગુજરાતીઓમાંં જ નહીં પરંતુ કાયદેસર વિઝા વગર જીવના જોખમેે અમેરિકા અને કૅનેડામાં ઘૂસવાનું પંજાબના લોકોમાં ઘેલું છે.

પોતાના જેવા લાખો યુવાનોની માફક 35 વર્ષના સુખજિંદર પણ અમેરિકા જઈને બહેતર જીવન જીવવાનાં સપનાં જોતા હતા તેને લાંબો સમય થયો નથી, પરંતુ હવે કોઈ અમેરિકાનું નામ પણ લે તો પણ સુખજિંદર કંપી ઊઠે છે.

આ બરબાદીનું કારણ સુખજિંદરે અમેરિકા જવા માટે પસંદ કરેલી રીત છે. તરનતારનમાં રહેતા સુખજિંદરનો પરિચય તેના એક સંબંધીએ બાલીમાં રહેતા સની કુમાર નામના યુવક સાથે કરાવ્યો હતો.

સુખજિંદરની વાત માનીએ તો સની કુમારે તેમને મેક્સિકોના ગેરકાયદે માર્ગે અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી.

યોજના મુજબ સુખવિંદરે પહેલાં બાલી જવાનું હતું અને ત્યાંથી આગળનો રસ્તો નક્કી થશે. આખો સોદો રૂ. 45 લાખમાં નક્કી થયો હતો.

વિદેશ મોકલવાના નામે કરવામાં આવતી ઠગાઈ પંજાબ માટે નવી વાત નથી, પરંતુ કોઈ એડવાન્સ લીધા વિના સુખવિંદરને બાલીની ટિકિટ મોકલવામાં આવી ત્યારે તેમને ખાતરી થઈ હતી.

અહીં સુખવિંદરની કથામાં એવો વળાંક આવ્યો હતો, જેની તેમણે કલ્પના સુદ્ધાં પણ કરી ન હતી.

સુખવિંદરે કહ્યું હતું કે, “બાલી પહોંચ્યા પછી સની કુમાર મને એક ઘરમાં લઈ ગયા હતા અને કેદ કર્યો હતો. તેમણે મને લગભગ 23 દિવસ કેદમાં રાખ્યો હતો.”

સુખવિંદરના જણાવ્યા મુજબ, “ત્યાં તેમને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેમણે તેમના પરિવારજનોને કહેવું પડ્યું કે તેઓ અમેરિકા પહોંચી ગયા છે.“

“તેથી સનીને રૂ. 45 લાખ ચૂકવી દો. રૂ. 45 લાખ ગુમાવ્યા બાદ તેમનું અમેરિકા જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું અને ઘરે પણ બહુ મહેનત પછી તેઓ પાછા ફરી શક્યા હતા.“

તરનતારનના જસવિંદરની કથા પણ કંઈક આવી જ છે. તેઓ આ ટોળકીની જ જાળમાં ફસાઈને બાલી પહોંચ્યા હતા અને 18 દિવસ સુધી ઠગોની કેદમાં રહ્યા બાદ તેમણે પણ રૂ. 45 લાખ ચૂકવીને મુક્તિ મેળવવી પડી હતી.

મોહાલી પોલીસના ડીએસપી દિલશેર સિંહના જણાવ્યા મુજબ, “અમેરિકા જવાના નામે માત્ર પંજાબના જ નહીં, પરંતુ દેશનાં ચાર રાજ્યોના યુવાનો ઈન્ડોનેશિયાના બાલી શહેરમાં સક્રિય આ માનવ તસ્કરી ગૅંગનો શિકાર થયા છે.“

  • સુખજિંદરની જેમ ગુજરાતના ડીંગુચાનો પરિવાર ગુજરાતથી અમેરિકા જવા માગતો હતો. પટેલ પરિવાર કૅનેડા ગયો હતો અને ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશના પ્રયાસ કરી રહ્યો હતો. એ વખતે -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ઠંડી હવાથી ઠરી જવાથી તમામનાં મૃત્યુ થયાં હતાં.
  • અમેરિકામાં ગેરકાયદેસર જવા બદલ 2022માં 63,927 ભારતીયોની ધરપકડ કરાઈ
  • પંજાબ સિવાય દેશનાં ચાર રાજ્યોના યુવાનો પણ માનવ તસ્કરી ગૅંગનો શિકાર થયા
  • અમેરિકા લઈ જવાના નામે બાલીમાં યુવાનોનું અપહરણ કરી મારપીટ કરાતી હતી

આ ટોળકી કેવી રીતે કામ કરે છે?

ઠગાઈનો શિકાર થયેલા યુવકોની આપવીતી અને પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે “બાલીવાળી ટોળકીની પંજાબમાં કોઈ ઑફિસ નથી. વિદેશ લઈ જતા એજન્ટો અને કંપનીઓની જાહેરાતો પંજાબમાં દરેક જગ્યાએ જોવા મળે છે, પરંતુ આ ટોળકીની કોઈ જાહેરાત હજુ સુધી જોવા મળી નથી.“

લોકોને ફસાવવા માટે આ ટોળકી મોબાઇલ ફોનનો જ ઉપયોગ કરતી હતી.

સામાન્ય રીતે ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવારોના યુવાનોના હાથમાં, એકેય રૂપિયો ચૂકવ્યા વિના બાલીની ટિકિટ આપવામાં આવતી હતી. તેથી તેમને ખાતરી થઈ જતી હતી.

બાલીથી મેક્સિકોના માર્ગે અમેરિકા પહોંચાડવામાં આવશે એવું ધારીને યુવાનો બાલી પહોંચી જતા હતા, પરંતુ બાલીમાં તેમનું અપહરણ કરીને તેમને માર મારવામાં આવતો હતો, જેથી તેઓ તેમના પરિવારજનો પાસેથી આ ટોળકીને ખંડણી અપાવી શકે.

ખંડણી ચૂકવ્યા પછી બાલીથી ઘરે કેવી રીતે પાછા ફરવું તે પીડિતોએ જાતે નક્કી કરવાનું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, "બાલીવાળી ટોળકી છેલ્લાં બે વર્ષથી સક્રિય હતી અને સામાન્ય રીતે ઓછું ભણેલા યુવાનોને જ નિશાન બનાવતી હતી."

"આ યુવકોને ઇન્ડોનેશિયા તથા સિંગાપુર જ બોલાવવામાં આવતા હતા, કારણ કે આ દેશોમાં ભારતીયોને વિઝા-ઑન-એરાઇવલની સુવિધા મળે છે. નજીકના અન્ય દેશોની સરખામણીએ આ દેશોની પ્લેન ટિકિટ પણ સસ્તી છે."

સૂત્રધાર કોણ છે?

મોહાલી પોલીસના જણાવ્યા મુજબ,"આ ઠગાઈના બન્ને માસ્ટરમાઇન્ડ ભારતીય છે. ઇન્ડોનેશિયામાં સક્રિય સની કુમાર પંજાબના હોશિયારપુર જિલ્લાના સાલેરિયા ગામનો રહેવાસી છે, જ્યારે બીજો જસબીર સિંહ ઉર્ફે સંજય સિંગાપુરમાં સક્રિય છે અને તેને જલંધર સાથે સંબંધ છે."

પોલીસના જણાવ્યા મુજબ, "આ ટોળકીના કેટલાક સભ્યો પંજાબ તથા બાકીના બાલીમાં સક્રિય છે. પંજાબમાં રહેતા લોકોનું કામ અપહૃત યુવાનો પાસેથી પૈસા વસૂલવાનું છે અને બાલીની ટોળકીનું કામ એ યુવાનોને પહેલાં અહીં બોલાવવાનું અને પછી તેમનું અપહરણ કરવાનું છે.

હાલ પોલીસે સની કુમારના પંજાબમાં રહેતાં પત્ની તથા પિતાની ધરપકડ કરીને તેમના ઘરમાંથી દોઢ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.

એ સિવાય ટોળકી માટે પંજાબમાં કામ કરતી એક મહિલાની પણ પોલીસે ધરપકડ કરી છે. ટોળકીનો સૂત્રધાર હજુ પણ ઇન્ડોનેશિયામાં છે.

મોટાભાગે ગ્રામીણ યુવકોને જ કેમ શિકાર બનાવ્યા?

પટિયાલાના પહેલ કલાં ગામના મનપ્રીત સિંહ પણ આ ટોળકીની ઠગાઈનો શિકાર બન્યા છે.

તેમના જણાવ્યા મુજબ, "તેઓ પહેલાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા, પરંતુ તેમાંથી મળતા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. તેથી તેમણે અમેરિકા જવાનો વિચાર કર્યો હતો અને રાજપુરાના એક એજન્ટની વાતોમાં ફસાઈ ગયા હતા."

સુખજિંદરે પણ જણાવ્યું હતું કે "ગામમાં તેમના પરિવારની જે જમીન હતી, તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. એ ગામના જસવીર સિંહે પણ અમેરિકા જવા માટે પોતાની જમીન વેચીને કરજ લીધું હતું."

તેમણે કહ્યું હતું કે, “જેણે નાણાં ઉધાર આપ્યા હતા એ પૈસા પાછા માગતો હતો, શું કરવું જે સમજાતું ન હતું.”

પંજાબના યુવાનોમાં પરદેશ જવાનું ચલણ નવું નથી. તેનું એક કારણ વિદેશ જઈને સફળ થયેલા અપ્રવાસી પંજાબીઓ પણ છે.

પંજાબના યુવાનો તેમની માફક સફળ થવા માટે વિદેશ જવા વિચારતા હોય છે. જેમની પાસે સાધનો છે, ડિગ્રી છે, તેમના માટે પરદેશમાં કાયદેસર કામ મેળવવાનું આસાન હોય છે, પરંતુ ઓછું ભણેલા ગામડાના યુવાનો માટે આવો વિકલ્પ હોતો નથી. તેથી તેઓ બનાવટી ટોળકીઓ કે એજન્ટોના ચક્કરમાં ફસાઈ જાય છે.

ઠગાઈના આ ગોરખધંધાનો શિકાર બની ચૂકેલા પટિયાલાના વિશાલ કુમારે કહ્યું હતું કે, “ભણેલા યુવાનો આઈએલટીએસની પરીક્ષા પાસ કરીને વિદેશ જાય છે, જ્યારે ઓછું ભણેલા લોકો અમારી જેમ વિદેશ જવાનું વિચારતા હોય છે.”

દસમું પાસ કર્યા પછી પણ કોઈ નોકરી ન મળતાં વિશાલ કુમાર આ ટોળકીની જાળમાં ફસાયા હતા અને તેમણે પૈસા ચૂકવીને બાલીમાંથી છુટકારો મેળવવો પડ્યો હતો.

પંજાબના જાણીતા અર્થશાસ્ત્રી રંજીત સિંહ ઘુમનના જણાવ્યા મુજબ, "બેરોજગારી, નશાની આદત અને ગૅંગસ્ટર્સની ગતિવિધિઓને કારણે યુવાનોને પંજાબમાં પોતાનું ભવિષ્ય અંધકારમય લાગે છે. તેથી તેઓ પરદેશ પ્રયાણને અગ્રતા આપે છે."

"પંજાબમાં ઔદ્યોગિક રોકાણનું પ્રમાણ ઓછું હોવાથી રોજગારની નવી તકો સર્જાતી નથી. એ કારણે બેરોજગાર યુવાનો મોટી સંખ્યામાં પરદેશ જઈ રહ્યા છે."

2020-21ના આર્થિક સર્વેક્ષણ મુજબ, રાજ્યમાં બેરોજગારીનો દર 7.3 ટકા છે. ગ્રામીણ ક્ષેત્રોમાં તે દર 7.1 ટકા, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 7.5 ટકા છે. ઘુમન માને છે કે યુવાનોને વિદેશ જતા રોકવા માટે રાજ્યમાં રોજગારની તક તથા રોકાણ વધારવું જરૂરી છે.

કાયદો હોવા છતાં છેતરપિંડી

પંજાબમાં ગેરકાયદે માનવ તસ્કરી સામે પંજાબ ટ્રાવેલ પ્રોફેશનલ્શ એક્ટ-2014 અમલમાં છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ જલંધરના વપરહીવટીતંત્રે આ વર્ષના જાન્યુઆરીમાં 239 ઇમિગ્રેશન સલાહકારો તથા 129 આઈઈએલટીએસ સેન્ટર્સના પરવાના રદ્દ કર્યા હતા.

જલંધર પોલીસના નાયબ વડાના જણાવ્યા મુજબ, જલંધર જિલ્લામાં કાર્યરત 1320 ઇમિગ્રેશન સલાહકારો, વિદેશ માટેની ટિકિટ્સ બૂક કરતા એજન્ટો અને આઈઈએલટીએસ કેન્દ્રોના માલિકોને નોટિસ આપવામાં આવી છે. એ પૈકીના 495ના પરવાના રદ્દ કરવામાં આવ્યા છે.

રંજીત સિંહ ઘુમને જણાવ્યું હતું કે "સરકારે બનાવટી એજન્ટોને પકડવા માટે આકરો કાયદો બનાવ્યો હોવા છતાં બનાવટી એજન્ટ્સ સક્રિય છે, કારણ કે કાયદાકીય પ્રક્રિયા બહુ લાંબી અને જટિલ છે."

"ગેરકાયદે વિદેશ જવાના ચક્કરમાં થયેલી દુર્ઘટનાઓમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. આ હકીકત જાણવા છતાં પંજાબના યુવાનો કોઈ પણ કિંમતે પરદેશ જવા થનગનતા હોય છે."

ભારતીયોમાં ગેરકાયદે અમેરિકા જવાનું ઘેલું

ભારતીયો અને ખાસ કરીને પંજાબના યુવાનોમાં મૅક્સિકો બૉર્ડર મારફત અમેરિકામાં ઘૂસવાનું ચલણ આજકાલનું નથી.

કેટલાક લોકો કૅનેડા મારફતે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા હોય છે, પરંતુ મોટાભાગના મૅક્સિકોનો માર્ગ જ અપનાવે છે. એજન્ટો તેમને મૅક્સિકો-અમેરિકાની સરહદ પરની દિવાલ પાર કરાવવાના પૈસા લે છે.

અમેરિકાના કસ્ટમ તથા બોર્ડર પેટ્રોલિંગ વિભાગના આંકડા મુજબ, મૅક્સિકો સરહદેથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા ભારતીયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાના ગુના બદલ 2020માં 19,883, 2021માં 30,662 અને 2022માં 63,927 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી.

મૅક્સિકો સરહદેથી અમેરિકામાં પ્રવેશવાનું આસાન નથી.

2019માં એરિઝોનામાં પંજાબી મૂળની છ વર્ષની એક બાળકીના મોતની ઘટનાને કારણે મૅક્સિકો બૉર્ડર સમાચારમાં ચમકી હતી.

એ બાળકી તેની માતા સાથે મૅક્સિકોની સરહદ પાર કરીને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશી હતી, પરંતુ 42 ડિગ્રી ઉષ્ણતામાનને કારણે તેનું મોત થયું હતું.