ઉદય હુસૈન : સદ્દામ હુસૈનના એ 'બળાત્કારી' દીકરાની ક્રૂર કહાણી જેના નામથી ઇરાક થરથર કાંપતું

રંગીન મિજાજ, લંપટ, ક્રૂર, હિંસક ઉપરાંત ભેજાગેપ પણ હોવાને કારણે તેનું નામ 'લાલનો એક્કો' રાખવામાં આવ્યું હતું.

તેના પિતાએ બીજી મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. એ મહિલા તેના નોકરની પરિચિત હતી અને પિતાનાં બીજાં લગ્ન કરાવવામાં એ કર્મચારી કારણભૂત હોવાની માહિતી તેને મળી હતી. તેથી તેણે પોતાના ઘરે યોજાયેલી એક પાર્ટીમાં 50-100 લોકોની વચ્ચે લાકડીના ફટકા મારીને એ કર્મચારીની હત્યા કરી હતી.

મૃત્યુ પામેલી વ્યક્તિનું નામ કેમાલ હતું અને જેણે કેમાલની હત્યા કરી તેનું નામ ઉદય હુસૈન હતું, જે સદ્દામ હુસૈનનો દીકરો હતો.

ઇરાકે કુવૈત પર હુમલો કર્યો હતો. ઇરાક આઠ વર્ષથી ઈરાન સામે લડી રહ્યું હતું. સૈન્ય થાકી ગયું હતું. એક પછી એક યુદ્ધને કારણે લોકો ત્રાસી ગયા હતા. તેવામાં કોઈએ તેમને ધરપત આપવી જોઈએને? તેમને મહાન નેતાની જરૂર પણ હતી.

એ નેતા ઊભરી આવ્યો. તેણે કુવૈતના શેખની ભરપૂર ઝાટકણી કાઢી.

તેણે જણાવ્યું હતું કે તેઓ આપણા મોઢામાંથી કોળિયો છીનવી રહ્યા છે, મુસ્લિમ બનીને આપણા જ મુસ્લિમ બાંધવો સાથે દગાબાજી કરી રહ્યા છે, આપણું ઑઇલ ચોરી રહ્યા છે અને આપણાં જ સંતાનોને ભૂખે મારી રહ્યા છે. તેમણે સમાધાન કરવું જ પડશે અને તેથી આપણે આ યુદ્ધ લડી રહ્યા છીએ.

એ નેતા બીજા કોઈ નહીં, પણ ઉદય હુસૈન હતા. ખુદ સદ્દામ હુસૈનનો દીકરો પ્રેરણા આપવા આવ્યો ત્યારે સૈન્યમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો, કામ થઈ ગયું હતું. પોતાનો નેતા કોણ છે, તે સૈન્યને ખબર પડી ગઈ હતી, પરંતુ સત્ય શું છે તે એક જ વ્યક્તિ જાણતી હતી અને તે લતીફ યાહ્યા હતા.

‘ધ ડેવિલ્સ ડબલ’ ફિલ્મના એક દૃશ્યની વાત અહીં શા માટે કહેવામાં આવી રહી છે, તે આગળ જણાવવામાં આવશે.

આ બધાની શરૂઆત 1987માં થઈ હતી. એ સમયે 23 વર્ષનો લતીફ યાહ્યા ઇરાકી સૈન્યમાં અધિકારી બનવાની તાલીમ લઈ રહ્યા હતા. તેમને જનરલે તાત્કાલિક મળવા બોલાવ્યા હતા. લતીફ જનરલની ઓફિસમાં ગયા ત્યારે જનરલે તેમને સવાલ કર્યો હતો કે, “તે કોઈ નિર્ણય કર્યો?”

લતીફે કહ્યું, “ના. મને કશી ખબર નથી.”

જનરલે કહ્યું, “તારા નામે એક પત્ર આવ્યો છે. તને બગદાદના રિપબ્લિક પૅલેસમાં બોલાવવામાં આવ્યો છે.”

લતીફે તેની આત્મકથામાં લખ્યું છે કે “મને આંચકો લાગ્યો હતો. હું અનિચ્છાએ સૈન્યમાં જોડાયો હતો. સૈન્યસેવાનો સમય પૂર્ણ થાય પછી હું ફરી મારા પારિવારિક બિઝનેસમાં જોડાવા ઇચ્છતો હતો. ઈરાન સાથેનું આઠ વર્ષનું યુદ્ધ ઇરાકી પુરુષો અને યુવાનો માટે દુઃસ્વપ્ન હતું. બગદાદના ચોકમાં બે દૃશ્ય નિયમિત રીતે જોવા મળતાં હતાં. એકમાં સાજાસમા યુવાનો ટ્રકમાં બેસીને યુદ્ધમોરચે જતા હતા અને બીજા દૃશ્યમાં તૂટેલા અંગોવાળા, અંધ થઈ ગયેલા, આંશિક રીતે દાઝી ગયેલા, અપંગ અને ઠાગા ચાલતા સૈનિકો એવી જ ટ્રકમાં બેસીને પાછા આવતા હતા.”

“સૈન્યમાં ન જોડાવાનો વિકલ્પ જ ન હતો. જે લોકો સૈન્ય છોડીને ભાગ્યા હતા તેમને બધાની સામે નગરના ચોકમાં મૃત્યુદંડની સજા આપવામાં આવતી હતી. પરિવાર પર કાયમી લાંછન લાગતું હતું. સૈન્યમાં ન જોડાવાની વાત બાજુ પર છોડો, તેની વિરુદ્ધમાં એક હરફ સુદ્ધાં ઉચ્ચારવાનું મોતને નોતરું આપવા જેવું હતું. થોડા દિવસ પહેલાં મેં મારા પિતા સમક્ષ યુદ્ધ વિશેની મારી નિરાશા વ્યક્ત કરી હતી. પછી મને ડર લાગતો હતો કે મેં કહેલી વાત સદ્દામ હુસૈનના કાન સુધી પહોંચી જશે તો? પણ એમને કોણ કહેશે? કડક સ્વભાવના મારા પિતા મારી સાથે દગો કેવી રીતે કરી શકે? કશું જ સૂઝતું ન હતું.”

લતીફે 72 કલાકમાં રિપબ્લિક પૅલેસમાં હાજર થવાનું હતું. રિપબ્લિકન પૅલેસ એક આલિશાન મહેલ હતો. તેમાં સદ્દામ હુસૈન અને તેમનો પરિવાર રહેતો હતો. રિપબ્લિકન પૅલેસમાં પરિવારની દરેક વ્યક્તિ માટે આગવો મહેલ હતો.

દિવસ-રાત મુસાફરી કરીને લતીફ પૅલેસમાં પહોંચ્યો અને પોતાને મળેલો પત્ર દરવાજા પરના અધિકારીને દેખાડ્યો. થોડીવાર પછી એક મર્સિડીઝ કાર લતીફની સામે આવીને ઊભી રહી હતી.

લતીફ લખે છે, “મેં સરકારવિરોધી લોકોના ગાયબ થઈ જવાના અનેક કિસ્સા સાંભળ્યા હતા. સરકાર માટે માથાના દુખાવા સમાન એ લોકો રાતોરાત ગાયબ થઈ જતા હતા અને પછી તેમની ભાળ ક્યારેય મળતી ન હતી. મેં વિચાર્યું, મારી સાથે પણ એવું થશે? કોઈને ગાયબ કરવા માટે કોઈ મર્સિડીઝ શા માટે મોકલે?”

લતીફ કારમાં બેઠા અને એ કાર તેને લઈને એક મહેલમાં લઈ ગઈ. તેણે અંદર પ્રવેશ કર્યો. સામે એક પુરુષ ઊભો હતો. તેણે લતીફ સામે જોઈને સ્મિત કર્યું અને કહ્યું, “મારા મિત્ર, પધારો.”

તે પુરુષને જોઈને લતીફના મનમાં પહેલો વિચાર એ આવ્યો હતો કે “અમે બન્ને જોડિયા ભાઈઓ જેવા લાગીએ છીએ.” એ પુરુષ બીજો કોઈ નહીં, પણ ઉદય હુસૈન હતો, ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈનનો પુત્ર.

એ પછી શું થયું હતું, તેનું વર્ણન લતીફે બીબીસીના હાર્ડ ટૉક કાર્યક્રમમાં કર્યું હતું.

“ઉદય મારી પાસે આવ્યો,મારા ખભા પર હાથ મૂક્યો અને પૂછ્યું, તને સદ્દામનો દીકરો બનવાનું ગમશે?”

ઘણાં વર્ષો પછી લતીફે પોતાની આત્મકથા લખી હતી. તેનું શીર્ષક હતુ: હું સદ્દામનો પુત્ર હતો.

વિશ્વના અનેક નેતાઓ, રાષ્ટ્રપ્રમુખોના બૉડી ડબલ (અદ્દલ તેમના જેવી જ દેખાતી વ્યક્તિ) હોય છે. હિટલરનો બૉડી ડબલ હિમલર હતો. તે હિટલરના જમણા હાથ જેવો હતો.

એ બૉડી ડબલનું કામ તેઓ જેના બૉડી ડબલ હોય તે વ્યક્તિની જેમ જ વાત કરવાનું, લોકોને મળવાનું અને મૂળ વ્યક્તિના જીવ પર જોખમ હોય ત્યારે પોતાનું જીવન દાવ પર લગાવી દેવાનું હોય છે.

ફિલ્મોમાં શાહરુખ ખાન કે અમિતાભ બચ્ચનના ડુપ્લિકેટ ફાઈટિંગના, જોખમભર્યા સીન કરતા હોય છે, જ્યારે બાકીનો અભિનય મુખ્ય હીરો કરે છે. આવું જ કામ બૉડી ડબલનું હોય છે.

બૉડી ડબલની અફવાઓ વારંવાર સાંભળવા મળે છે, પરંતુ લતીફ યાહ્યાએ દુનિયા સમક્ષ દાવો કર્યો હતો કે તે ઉદય હુસૈનના બૉડી ડબલ હતા.

લતીફ કહે છે, “ઉદયના નામમાત્રથી ઇરાકી લોકો થરથર ધ્રૂજતા હતા. ઉદયે મને કહેલું કે તારે મારું જીવન જીવવાનું છે. મારી પાસે પૈસા, મોંઘા વસ્ત્રો, મોંઘી મોટરકારો, વૈભવી મહેલો જે કંઈ છે તે બધું જ તને મળશે. ઉદય સદ્દામ હુસૈનના નામની ઇરાકમાં કેવી ધાક છે એ તું જાણે છે.”

“ઉદય કેટલો ખતરનાક છે એ હું જાણતો હતો. ઉદય મારાથી નારાજ થશે તો મારું શું થશે તેની પણ ખબર હતી. મેં તેને પૂછ્યું, મને ઇનકાર કરવાની છૂટ છે? ઉદયે હસીને કહ્યું, અફકોર્સ, અહીં બધા નિર્ણય લેવા સ્વતંત્ર છે.”

લતીફે ઉદયના બૉડી ડબલ બનવાનો ઇનકાર કર્યો.

“એ પછી મેં મારી આંખ ખોલી ત્યારે હું એક અંધારિયા ઓરડામાં હતો. તેમાં કોઈ બારી ન હતી, હવા આવવાની કોઈ જગ્યા ન હતી. આખા ઓરડામાં લાલ પ્રકાશ હતો. ભીંતો પર લાલ રંગ હતો. દિવસ છે કે રાત એ ખબર પડતી ન હતી.

જમીનમાં એક ખાડો હતો, જે મારું શૌચાલય હતું. એ સ્થિતિ સાત દિવસ સુધી યથાવત્ રહી હતી. સાતમા દિવસે ઉદયે આવીને કહ્યું હતું કે 'મારી ઓફર નહીં સ્વીકારે તો હું તારી બહેનને પણ અહીં પૂરી દઈશ. 'સાદા શબ્દોમાં તે ધમકી હતી કે હું તેની ઓફરનો અસ્વીકાર કરીશ તો તે મારી બહેનને ઉઠાવીને અહીં લાવશે અને તેના પર બળાત્કાર કરશે. મેં તેની ઓફર સ્વીકારી લીધી. એ સિવાય મારી પાસે કોઈ વિકલ્પ ન હતો.”

એ વખતે ઉદય હુસૈન ઇરાક અને આખી દુનિયામાં તેના પિતા કરતાં પણ વધારે ક્રૂર અને તુંડમિજાજી બળાત્કારી તરીકે કુખ્યાત હતો.

ઈરાકમાંનો ‘બળાત્કારનો ઓરડો’

અમેરિકાએ ઇરાક પર આક્રમણ કર્યું, ત્યારે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ બુશે કહ્યું હતું કે, “ઇરાકની જનતાએ હવે ટોર્ચર કેમ્પ અને રેપ ચેમ્બરથી ડરવાની જરૂર નથી.”

અમેરિકાનો દાવો હતો કે ઇરાકમાં સદ્દામ હુસૈનના શાસનકાળમાં સામાન્ય લોકોને રસ્તા પરથી ઉઠાવી જવામાં આવતા હતા અને કાં તો તેમના પર અત્યાચાર કરવામાં આવતો હતો અથવા તો તેમના પર બળાત્કાર કરવામાં આવતો હતો. સ્ત્રીઓ પર બળાત્કાર કરવા માટે ખાસ ઓરડાઓ હતા.

એવી જ એક રેપ ચેમ્બર ઉદય હુસૈનના મહેલમાં પણ હતી, એમ જણાવતાં લતીફે બીબીસીના હાર્ડટોક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “ઉદય ક્રૂર અને હિંસક માણસ હતો. તે એકવાર મારી નજર સામે એક સુંદર છોકરીને રેપ ચેમ્બરમાં લઈ ગયો હતો અને તેની મરણતોલ હાલત કરી હતી. એ છોકરી શ્વાસ લેતો માંસનો લોચો બનીને ફસડાઈ પડી હતી.”

લતીફના પુસ્તકમાં જણાવ્યા મુજબ, બાદમાં એ છોકરીને ઠાર કરવામાં આવી હતી અને તેના મૃતદેહને ગાલીચો વિંટાળીને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હતો.

ઉદય કોઈ પણ મહિલા, છોકરીને ઊંચકી જતો હોવાનું પણ કહેવાય છે.

ઇરાકમાંનો સર્વાધિક તિરસ્કૃત માણસ

ઉદય સદ્દામ હુસૈનને એક સમયે ઇરાકમાંની સૌથી વધુ તિરસ્કૃત વ્યક્તિ ગણવામાં આવતી હતી. ઉદય મોટો દીકરો હતો અને સદ્દામ હુસૈન પછી તમામ સત્તા તેને મળશે એવી અપેક્ષા હતી, પરંતુ ઉદયનું વર્તન સદ્દામ હુસૈનને પણ ગમતું ન હતું. તેમ છતાં ઉદયની મહત્ત્વનાં ઘણાં પદ પર નિમણૂક કરવામાં આવી હતી. તે ઇરાકની ઑલિમ્પિક કમિટીનો પ્રમુખ હતો. અખબારો અને ટીવી મીડિયાનો વડો હતો. ઇરાકના પત્રકારોના યુનિયનનો વડો હતો અને સદ્દામ હુસૈનની આત્મકઘાતી ટુકડીનો વડો પણ હતો.

ઉદય હુસૈન ઇરાકની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમનો વડો પણ હતો. તે ચાલુ મૅચ દરમિયાન ખેલાડીને ફોન કરીને ધમકી આપતો હતો કે 'મૅચ હારશો તો તમારાં ટાટિયાં તોડી નાખીશ.'

તેની પાસે ખેલાડીઓ માટે એક હેરેસમેન્ટ કાર્ડ હતું. મૅચ હાર્યા પછી કયા ખેલાડીને શું સજા કરવી તેની વિગત એ કાર્ડમાં લખવામાં આવતી હતી.

ઇરાક માટે રમવું એ ઉદયની સતત ધાસ્તીમાં જીવવા જેવું હતું. કોઈ ખેલાડી સારું ન રમે તો ઉદય તેને વીજળીના આંચકા આપતો હતો અથવા વિષ્ટાયુક્ત પાણીથી સ્નાન કરાવતો હતો. કેટલાક ખેલાડીને ફાંસીની સજા પણ કરવામાં આવી હતી.

ઉદય ક્યારે, શું કરશે તે નક્કી ન હતું. તેણે બે લગ્ન કર્યાં હતાં. એ બન્ને લગ્ન સદ્દામના વિશ્વાસુ સાથીઓ અને તેમના મંત્રીમંડળના મહત્ત્વના સેનાપતિઓની દીકરીઓ સાથે થયાં હતાં, પરંતુ ઉદય તેમને માર મારતો હોવાથી તેની પત્નીઓ ઘર છોડીને ચાલી ગઈ હતી.

પુત્રવધૂઓ સાસરું છોડીને ચાલી જતાં સદ્દામે બદનામીનો સામનો કરવો પડ્યો હતો અને ઉદય પિતાની નજરમાંથી સાવ ઊતરી ગયો હતો. સદ્દામે ઉદયને મહત્ત્વનાં પદો પરથી હટાવવાનું ધીમેધીમે શરૂ કર્યું હતું.

સદ્દામ હુસૈનને એક સ્ત્રી સાથે વર્ષોથી સંબંધ હતો. સમીરા શાહબંદર નામની એ મહિલા બાદમાં તેમનાં બીજી પત્ની બન્યાં હતાં.

ઉદયને લાગ્યું કે સદ્દામ હુસૈનનાં બીજા લગ્ન, પોતાની માતા સાજીદાનું અપમાન છે. કેટલાક એવું પણ કહે છે કે સમીરાને પુત્ર અવતરશે તો તે સત્તામાં ભાગીદાર બનવાની ઉદયને શંકા હતી. તેને લીધે રોષે ભરાયેલા ઉદયે સદ્દામના વિશ્વાસુ સાથી કેમાલ હાનાની પાર્ટીમાં લોકોની નજર સામે લાકડીથી માર મારીને હત્યા કરી હતી.

સદ્દામ અને સમીરાની મુલાકાત કેમાલે કરાવી હતી અને સદ્દામનાં બીજાં લગ્નની વાત શાહી પરિવારથી છુપાવી હતી, એવી શંકા ઉદયને હતી. એ ઘટના પછી સદ્દામે ઉદયને થોડો સમય જેલમાં ગોંધી રાખ્યો હતો અને બાદમાં તેને સ્વિત્ઝર્લૅન્ડ મોકલી આપ્યો હતો.

લતીફના જણાવ્યા મુજબ, તેણે ખરો ઉદય સ્વિત્ઝર્લૅન્ડમાં હોવા છતાં અનેક વખત સૈન્યની મુલાકાત લીધી હતી અને ઉદય બનીને બેઠકો યોજી હતી.

પ્રથમ અખાતયુદ્ધ દરમિયાનના સૈન્ય સાથેના ફોટામાં જે ઉદય હુસૈન જોવા મળે છે તે અસલી નથી, પણ લતીફ છે, કારણ કે એ વખતે ખરો ઉદય સ્વિત્ઝર્લૅન્ડમાં હતો.

એક જ સ્કૂલમાં અભ્યાસ

લતીફ અને ઉદયે એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેથી ઉદયને ખબર હતી કે લતીફ યાહ્યા તેના જેવો જ દેખાય છે. લતીફ તેનો બૉડી ડબલ બનવા સહમત થયો એ પછી લતીફ પર કેટલીક પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. લતીફના દાંતમાં, હડપચીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

લતીફના જણાવ્યા મુજબ, ઉદયના વિચિત્ર સ્વભાવની ઝલક બાળપણથી જ જોવા મળતી હતી.

લતીફના કહેવા મુજબ, “ઉદય પીળા ભડક રંગની આલિશાન કારમાં બેસીને સ્કૂલે આવતો હતો. તેની સાથે અનેક છોકરીઓ આવતી હતી. મધ્ય-પૂર્વની સંસ્કૃતિ અલગ હતી. એ ધ્યાનમાં રાખજો. છોકરીઓને સાથે રાખવી તે અકલ્પ્ય હતું. મેં સ્કૂલમાં ઉદયના હાથમાં ક્યારેય પેન જોઈ નથી. ઉદય સ્કૂલમાં છોકરીઓ લાવતો હોવાને કારણે એક શિક્ષક તેના પર ગુસ્સે થયા હતા. તે પછી એ શિક્ષક ક્યારેય જોવા મળ્યા ન હતા.”

1996માં ઉદય પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હત્યારાઓએ તેની કાર પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. એક ગોળી ઉદયની કરોડરજ્જૂમાં વાગી હતી, પણ તે બચી ગયો હતો. એ પછી તે ક્યારેય બરાબર ચાલી શક્યો ન હતો. તેને આધાર માટે કાયમ લાકડીની જરૂર પડતી હતી.

ઉદયની તરંગી વર્તણૂકને કારણે સદ્દામે તેને વિવિધ પદો પરથી હટાવવાની શરૂઆત કરી દીધી હતી. ઉદય પર હુમલો થયા પછી તેનો નાનો ભાઈ ઇરાકમાં સદ્દામ પછી બીજા ક્રમની સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયો હતો. તેનું નામ કોસાઈ હુસૈન હતું.

શાંત, કુશાગ્ર અને ચાલાક

એક બાજુ બૉમ્બની માફક વારંવાર વિસ્ફોટ કરતો ઉદય હતો, જ્યારે બીજી તરફ સદ્દામના જમણા હાથ જેવા, તેમનાં મોટી દીકરી રગદના પતિ હુસૈન કેમાલ હતા. સત્તા લાંબા સમય સુધી ઉદય અને કેમાલના હાથમાં કેન્દ્રીત હતી. એક સમય એવો હતો કે જ્યારે જમાઈ કેમાલને પૂછ્યા વિના સદ્દામ કોઈ નિર્ણય કરતા ન હતા.

ઉદય અને હુસૈન કેમાલ વચ્ચે સત્તાસંઘર્ષ વધવા લાગ્યો હતો. બન્ને સદ્દામના ઉત્તરાધિકારી બનવા માગતા હતા. તેમાં કોસાઈ હંમેશાં તેમની પડખે રહેતો હતો.

હુસૈન કેમાલ તેમના નાના ભાઈ સદ્દામ કેમાલ સાથે એક દિવસ અચાનક ઇરાકથી પાડોશી દેશ જોર્ડનમાં ભાગી છૂટ્યા હતા.

સદ્દામ હુસૈનનાં બીજી દીકરી રાણા સદ્દામ કેમાલનાં પત્ની હતા. બન્ને ભાઈ અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએના સંપર્કમાં આવ્યા હતા, પરંતુ સદ્દામે સમાધાન કરીને તેમને ઇરાક પાછા બોલાવી લીધા હતા. પછી એ બન્ને ભાઈ તથા પોતાની દીકરીની સદ્દામે હત્યા કરાવી હતી.

ઘણા લોકો સદ્દામ હુસૈનના નાના દીકરાને શાંત, કુશાગ્ર અને ચાલાક ગણાવે છે. કોસાઈ ક્રૂર જ હતો. તાનાશાહના શાસનમાં લોકો પર જેવા જુલમ કરવામાં આવતા હોય છે એવા જુલમ તે પણ કરતો હતો. સદ્દામે કરેલા શિયા અને કુર્દ લોકોના નરસંહારમાં કોસાયે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

કોસાય શરૂઆતમાં રિપબ્લિક ગાર્ડ અને સદ્દામની સલામતીની જવાબદારી સંભાળતો હતો. એ ગુપ્તચરખાતાનો વહીવટ પણ સંભાળતો હતો.

કોસાયનો ‘જેલ સફાઈ કાર્યક્રમ’

જેલમાં વધતી ભીડ ઓછી કરવા માટે કેદીઓને ઠાર મારવામાં આવતા હતા. 2001 અને 2002માં કોસાઈ પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ એમાંથી તે હેમખેમ ઊગરી ગયો હતો.

2001ના અંત સુધીમાં ઇરાકની સંપૂર્ણ સત્તા કોસાઈના હાથમાં આવી ગઈ હતી. અમેરિકાએ 2003માં બગદાદ પર આક્રમણ કર્યું, ત્યારે બગદાદ અને સદ્દામ હુસૈનના જન્મસ્થાન તિક્રિતની સલામતીની જવાબદારી કોસાઈ પર હતી.

હુમલાના એક દિવસ પહેલાં કોસાયે ઇરાકની રાષ્ટ્રીય બૅંન્કમાંથી લગભગ એક અબજ ડૉલર રોકડા અને સોનાનો મોટો જથ્થો ઉઠાવી લીધો હતો.

પરિવારની મહિલાઓ એટલે કે સદ્દામ હુસૈનનાં પહેલાં પત્ની સાજીદા, તેમનાં ત્રણ દીકરીઓ, સદ્દામની અન્ય પત્ની અને કોસાઈનાં પત્ની લામાને એ રોકડ તથા સોના સાથે અલગ-અલગ પાડોશી દેશોમાં મોકલી દેવામાં આવ્યાં હોવાનું કહેવાય છે.

‘ઉદયના વર્તનની અસર મારા પર પણ થતી હતી’

લતીફે ઉદય હુસૈનના બૉડી ડબલ તરીકે લગભગ ચાર વર્ષ કામ કર્યું હતું. તેના કહેવા મુજબ, તે સીઆઈએની મદદ વડે 1991માં ઇરાકમાંથી નાસી છૂટ્યો હતો.

બીબીસીના કાર્યક્રમમાં ઉદયે જણાવ્યું હતું કે, “ઉદય સાથે રહીને હું પણ તેના જેવો જ થઈ ગયો હતો. હું ગુસ્સે થઈ જતો હતો, ક્યારેક લોકોને મારપીટ કરતો હતો.”

“એ સમયગાળામાં મેં એટલી ક્રૂરતા જોઈ હતી કે ઇરાકમાંથી નાસી છૂટ્યા પછી સામાન્ય જીવન જીવવા માટે મારે ઘણા મનોચિકિત્સકોની મદદ લેવી પડી હતી. મેં અનેક વખત આત્મહત્યાના પ્રયાસ કર્યા હતા. આ જુઓ, મેં ઘણીવાર મારા હાથની નસ કાપી નાખી હતી,” એમ લતીફે તેનો હાથ દેખાડતા કહ્યું હતું.

બૉડી ડબલ રાખવાનો ફાયદો એ છે કે એક જ વ્યક્તિ પોતે બે ઠેકાણે છે એવું દર્શાવી શકે છે. આ સંજોગોમાં તમે ઉદયના ક્રૂર વર્તનના સાક્ષી ક્યારે બન્યા હતા, એવા સવાલના જવાબમાં લતીફે કહ્યું હતું કે, “પોતાનો બૉડી ડબલ હોય તે ઉદયને ક્યારેય ગમતું ન હતું. સદ્દામ હુસૈન અને ગુપ્તચર એજન્સીઓએ ઉદય પર બૉડી ડબલ રાખવા દબાણ કર્યું હતું. પોતે શું કરી રહ્યો છે એ લોકોને દેખાડવાનું ઉદયને પસંદ હતું. તે અનેક વખતે મને તેની સાથે લઈ જતો હતો. તે સાથે બૉડી ગાર્ડ ક્યારેય રાખતો ન હતો. તે તેના નજીકના દોસ્તોના હાથમાં મશીનગન આપતો અને કહેતો કે તેનો ઉપયોગ કરો.”

લતીફ યાહ્યાના બધા દાવા ભરોસાપાત્ર નથી એ પણ કહેવું જોઈએ. લતીફના જણાવ્યા મુજબ, તેણે ઇરાક છોડ્યું પછી સીઆઈએએ તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. સીઆઈએએ એવું શા માટે કર્યું હતું, એમ પૂછવામાં આવ્યું ત્યારે લતીફ તેનો સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.

લતીફના કહેવા મુજબ, સદ્દામ હુસૈનના પરાજય બાદ ઇરાકમાં જે સરકાર રચાય તે અમેરિકાની કઠપૂતળી બનીને રહે તેવી સીઆઈએની ઇચ્છા હતી.

જોકે, તેના કોઈ નક્કર પુરાવા નથી.

ઉદય હુસૈન બાબતે લતીફની ભલે ગમે તેવી લાગણી હોય, પરંતુ સદ્દામ હુસૈન સામે તેમને કોઈ વાંધો નથી. લતીફના જણાવ્યા મુજબ, ઉદયના વર્તન બાબતે સદ્દામ હુસૈન કશું જાણતા ન હતા.

ઉદય હુસૈન, તેનો ભાઈ કોસાઈ અને ભત્રીજો (કોસાયનો 14 વર્ષનો પુત્ર) મુસ્તફા અમેરિકાએ ઇરાક પર આક્રમણ કર્યું પછી મૃત્યુ પામ્યા હતા.

અમેરિકાનાં દળોને જુલાઈ, 2003માં બાતમી મળી હતી કે ઉદય અને કોસાઈ મોસુલ ખાતે એક ઘરમાં છૂપાયેલા છે. અનેક કલાક સુધી ચાલેલા ગોળીબાર પછી એ ત્રણેય મૃત્યુ પામ્યા હતા.

અમેરિકાની ઇન્ટેલિજન્સ કમિટીએ ઈરાકી સરકારના 52 મુખ્ય લોકોની એક યાદી તૈયાર કરી હતી. તે ગંજીફાના બાવન પાનાં હતાં. દરેક પાનું પ્રત્યેક વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતું હતું.

તેમાં સદ્દામ કાળીનો એક્કો હતા, કોસાઈ ફ્લાવરનો એક્કો હતો, જ્યારે ઉદય હુસૈન લાલનો એક્કો હતો.