58 વર્ષની ઉંમરે બીજી વાર માતા બન્યાં, સરકારે સવાલો કેમ પૂછ્યા, શું છે કાયદો?

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના મોત બાદ લગભગ બે વર્ષ બાદ તેમનાં માતાપિતાએ ગત રવિવારે આઈવીએફ તકનીકથી બાળકને જન્મ આપ્યો છે.

જોકે માતાપિતાની ઉંમરને લઈ તેના પર વિવાદ થયો છે.

મૂસેવાલાના પિતા બલકોરસિંહે એક વીડિયો સંદેશમાં કહ્યું કે પ્રશાસન બાળકની કાયદેસરતા અંગે પુરાવા માગીને તેમને પરેશાન કરી રહ્યા છે.

પંજાબ કૉંગ્રેસના નેતા સુખજિન્દરસિંહ રંધાવાએ બલકોરસિંહને વીડિયોને ટ્વીટ કરીને પંજાબ સીએમ ભગવંત માન પર નિશાન સાધ્યું છે.

સિદ્ધુ મૂસેવાલાનાં માતાની ઉંમર 58 વર્ષ છે. ભારતીય કાયદા અનુસાર કોઈ મહિલા આઈવીએફના માધ્યમથી મહત્તમ 50 વર્ષની ઉંમર સુધી બાળકને જન્મ આપી શકે છે. પુરુષો માટે આ ઉંમર 55 વર્ષ છે.

સિદ્ધુ મૂસેવાલાના પરિવારનું કહેવું છે કે તેમણે આઈવીએફ ટ્રીટમેન્ટ ભારતથી બહાર કરાવી છે. બલકોરસિંહે અપીલ કરી છે કે 'સરકારે એટલી તો દયા દાખવવી જોઈએ કે સારવાર પૂરી થવા દે.'

તેમણે કહ્યું કે સારવાર પૂરી થતા તેઓ બધા દસ્તાવેજ જમા કરી દેશે અને તેમણે કોઈ કાયદો તોડ્યો નથી.

હકીકતમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પંજાબના સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને આ મામલે જવાબ માગ્યો છે.

પંજાબી પોપ સિંગર સિદ્ધુ મૂસેવાલાનાં માતા ચરણકોર અને પિતા બલકોરસિંહ બે દાયકા બાદ બીજા સંતાનનાં માતાપિતા બન્યાં છે.

સિદ્ધુ મૂસેવાલાની 22 મે-2022ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

નવજાત બાળકના નામ અંગે શુભદીપસિંહ (સિધુ મૂસેવાલા)ના પિતા બલકોરસિંહે રવિવારે કહ્યું કે, આ બાળક તેમનાં માટે બિલકુલ શુભદીપ જેવું છે.

સિદ્ધુ મૂસેવાલાનું સાચું નામ શુભદીપ હતું.

બાળકનાં જન્મ પછી મોટી સંખ્યામાં લોકો સિદ્ધુ મૂસેવાલાનાં ઘરે અને તેમના ગામમાં અભિનંદન આપવા અને ખુશીઓ વહેંચવા પહોંચી રહ્યા છે.

આ પ્રસંગે મનોરંજન જગતની હસ્તીઓ તેમજ રાજકારણીઓએ ખુશી વ્યક્ત કરી હતી.

બાળકનો જન્મ ભટિંડાની એક ખાનગી હૉસ્પિટલમાં થયો હતો.

બાળકના જન્મની ચર્ચા એટલા માટે થઈ રહી છે, કારણ કે, સિદ્ધુ મૂસેવાલાનાં માતાની ઉંમર 58 વર્ષ છે. સામાન્ય રીતે આ ઉંમરે બાળકને જન્મ આપવો મુશ્કેલ હોય છે.

ચરણકોરે આ બાળકને આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિક દ્વારા જન્મ આપ્યો છે.

આઈવીએફ માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

ચરણકોરે ડૉ. રજની જિંદાલની દેખરેખ હેઠળ બાળકને જન્મ આપ્યો.

મીડિયા સાથે વાત કરતાં ડૉ. રજની જિંદાલે કહ્યું કે આ સમાચારથી લોકોને આઈવીએફ ટેકનૉલૉજી વિશે ખોટી માન્યતાઓ ના ઘડી કાઢે એ જરૂરી છે.

તેમણે કહ્યું કે, મોટી ઉંમરે આઈવીએફ (આઈવીએફ) ટેકનૉલૉજીનો ઉપયોગ કરવા માટે એ જરૂરી છે કે, માતાનું આરોગ્ય બિલકુલ સ્વસ્થ હોય.

તેમણે કહ્યું કે, ચરણકોર દરરોજ તેમની પાસે મેડિકલ ચેકઅપ માટે આવતાં હતાં. કેટલીકવાર તે થોડું મુશ્કેલ હતું. વૃદ્ધાવસ્થામાં ક્યારેક બ્લડપ્રેશર વધી જતું અને લોહી નીકળતું હતું. પછી ડૉક્ટર તેમની સંભાળ રાખતા.

તેમણે વધુમાં કહ્યું કે, ચરણકોર એકદમ સ્વસ્થ છે. તેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નહોતી, જેના કારણે અમે આઈવીએફ ટેકનૉલૉજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શક્યા.

તેમણે કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે આ સમાચાર જોયા પછી લોકોમાં કોઈ ખોટો સંદેશ ન જાય. જ્યારે પણ મોટી ઉંમરે પ્રેગ્નન્સી થાય છે ત્યારે સૌથી પહેલા માતાનાં સ્વાસ્થ્યની તપાસ કરવી પડે છે. સૌ પ્રથમ તેની કાળજી લેવાની જવાબદારી આપણી છે. કોઈપણ પ્રક્રિયા અપનાવતા પહેલાં માતા સુરક્ષિત છે તેની ખાતરી કરવી જરૂરી છે. આ દરેકની ફરજ છે."

તેમણે કહ્યું, "જો માતા સ્વસ્થ ન હોય તો આઈવીએફ ટેકનિકનો ઉપયોગ ન કરવો જોઈએ. જો માતા સ્વસ્થ હોય, કામ કરતી હોય, શ્વાસ લેવામાં તકલીફ ન થતી હોય, હૃદય સ્વસ્થ હોય, ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર ન હોય તો આવા લોકોએ દવા લેવી જોઈએ. આઈવીએફ મદદ કરી શકે છે."

તેઓ ઉમેરે છે, "માતાની તબિયત સારી હોય તો પણ, તેમને નિરીક્ષણ હેઠળ રાખવાં વધુ હિતાવહ છે. જ્યારે બાળક અને માતા બંને સુરક્ષિત હોય ત્યારે પ્રસૂતિ કરાવવી મહત્ત્વપૂર્ણ છે."

તેમણે જણાવ્યું કે, જન્મ સમયે બાળકનું વજન બે કિલો હતું.

આઈવીએફ ટેકનૉલૉજી શું છે?

આઈવીએફનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે ક્યાં તો ગર્ભધારણ કુદરતી રીતે થઈ શકતું નથી અથવા ગર્ભધારણની અન્ય તમામ પદ્ધતિઓ નિષ્ફળ જાય છે.

આઈવીએફ ટેકનૉલૉજી સૌપ્રથમ 1978માં રજૂ કરવામાં આવી હતી.

આઈવીએફ ટેકનિક દ્વારા, લેબોરેટરીમાં ટેસ્ટ ટ્યુબની અંદર ઈંડા અને શુક્રાણુને મિશ્રિત કરવામાં આવે છે. આ પછી રચાયેલ ગર્ભ માતાના ગર્ભાશયમાં રોપવામાં આવે છે.

ગુજરાતના આણંદમાં આવેલી આકાંક્ષા હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મેડિકલ ડિરેક્ટર નયના પટેલે જણાવ્યું હતું કે, "આઈવીએફનો ઉપયોગ મહિલાઓના કેસમાં થાય છે જેમની નળીઓ ચેપ અથવા અન્ય કોઇ કારણોસર બગડી જાય છે."

તેમણે કહ્યું હતું કે, આ દરમિયાન ઈંડાં અને શુક્રાણુ લેબમાં રાખવામાં આવે છે જેમાંથી એમ્બ્રોયો (ગર્ભ) તૈયાર કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે જ્યારે ગર્ભ તૈયાર થાય છે, ત્યારે તેને મહિલાના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે.

તેમનું કહેવું છે કે આ ટેકનૉલૉજીએ ઘણાં યુગલોને માતાપિતા બનવાની ખુશી આપી છે.

મોટી ઉંમરે આઈવીએફ કેટલું જોખમી છે?

ગાયનેકૉલૉજિસ્ટ ડૉ.શિવાની કહે છે, "મોટી ઉંમરે આઈવીએફ કરાવવું જોખમી હોઈ શકે છે, કારણ કે જેમ ઉંમરની સાથે શરીરમાં ઘણા ફેરફારો થાય છે, એ જ રીતે ગર્ભાવસ્થા સાથે પણ શરીરમાં ઘણા ફેરફારો થાય છે. મોટી ઉંમરે આઈવીએફ દ્વારા ગર્ભાવસ્થાના કિસ્સામાં, ઘણા પ્રકારના હોર્મોન્સ બહારથી આપવા પડે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવાં જોખમો પણ વધી શકે છે."

શું મેનોપોઝ પછી સ્ત્રી ગર્ભવતી થઈ શકે છે?

ડૉક્ટર શિવાનીનું કહેવું છે કે મેનોપોઝ પછી કોઈપણ મહિલા માટે આઈવીએફ દ્વારા ગર્ભવતી થવું ખૂબ જ મુશ્કેલ છે.

કારણ કે મેનોપોઝ એટલે કે મહિલાનાં ગર્ભાશયમાંના ઈંડાં લગભગ ખતમ થઈ ગયાં છે. આવી સ્થિતિમાં ડૉનર ઍગ એટલે કે કોઈ બીજાનાં ઈંડાં લેવામાં આવે છે.

ત્યારબાદ મેનોપોઝલ મહિલાના ગર્ભાશયને હોર્મોન્સથી તૈયાર કરીને ઓવ્યુલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. આ રીતે તે મહિલા ગર્ભવતી બની શકે છે.

ગર્ભાશયના સંકોચન પછી તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

ગાયનેકૉલૉજિસ્ટ ડૉ.શિવાની કહે છે કે જેમ જેમ મહિલાની ઉંમર વધે છે તેમ ગર્ભાશય સંકોચાય છે કારણ કે ઉંમરની સાથે શરીરમાં હોર્મોન્સ ઘટતા જાય છે. તેથી, બાહ્ય હોર્મોન્સ આપવા પડે છે, જેના કારણે ક્યારેક તે મોટી માત્રામાં આપવા પડે છે. આ કારણે ગર્ભાશય ફરી સક્રિય થવા લાગે છે.

વય મર્યાદા કાયદા દ્વારા નિર્ધારિત

વર્ષ 2021માં એક નવો કાયદો આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી (ART) ઍક્ટ ભારતમાં અમલમાં આવ્યો. ડૉ. સુનિતા અરોરા બ્લૂમ આઈવીએફ સેન્ટર-દિલ્હીમાં આઈવીએફ નિષ્ણાત છે. તેમણે આ વિષય પર બીબીસી સાથે વાત કરી હતી.

ડૉ. સુનિતા અરોરાએ જણાવ્યું કે, આ કાયદા હેઠળ માતાની મહત્તમ ઉંમર 50 વર્ષ અને પિતાની ઉંમર 55 વર્ષ છે.

ડૉ. અરોરા કહે છે, “મહત્તમ ઉંમર નક્કી કરવાનું એક કારણ બાળકનો ઉછેર છે. ધારો કે બાળક 15-20 વર્ષનું થઈ જાય અને માતા-પિતા 70 વર્ષથી વધુ ઉંમરના હોય તો તેઓ તેની સંભાળ કેવી રીતે રાખશે? પરંતુ સૌથી મોટું કારણ એ છે કે 50 વર્ષ પછી માતા બનવું સ્વાસ્થ્ય માટે સારું નથી.

તે કહે છે, “અમે 45 વર્ષથી વધુ ઉંમરના આઈવીએફ કેસમાં મેડિકલ હેલ્થ પર ઘણું ધ્યાન આપીએ છીએ. કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન હૃદય પર દબાણ વધે છે અને બ્લડ પ્રેશર પણ ઉપર-નીચે જતું રહે છે. કેટલીકવાર મહિલાઓ આવા ફેરફારોને સહન કરવાની સ્થિતિમાં હોતી નથી."

ડૉ. પટેલ મોટી ઉંમરે આઈવીએફનો આશરો લેવાની પણ વિરુદ્ધ છે, પરંતુ તેઓ કહે છે કે કેટલાક કિસ્સાઓમાં એક કે બે વર્ષની છૂટછાટની વિચારણા કરવાની જોગવાઈ હોવી જોઈએ.

એક ઉદાહરણ આપતાં તે કહે છે, "જો પત્નીની ઉંમર 40-45 વર્ષની વચ્ચે હોય અને પતિની ઉંમર 56 વર્ષની હોય અથવા પત્નીની ઉંમર 51 વર્ષની હોય અને પતિની ઉંમર 53 વર્ષની હોય, તો આઈવીએફની પરવાનગી તેમનાં આધારે આપવામાં આવશે."

શું સફળતાની ખાતરી છે?

આ અંગે ડૉ. નયના પટેલે બીબીસીને જણાવ્યું હતું કે, 35 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓના કિસ્સામાં 80 ટકા સફળતા મળે છે.

જો મહિલાઓની ઉંમર 35થી 40 વર્ષની વચ્ચે હોય તો બાળક થવાની સંભાવના 60 ટકા સુધીની હોય છે. જો ઉંમર 40 વર્ષથી ઉપર હોય તો માત્ર 18 થી 20 ટકા કેસ સફળ થાય છે.

કોણ હતા સિદ્ધુ મૂસેવાલા?

28 વર્ષીય સિદ્ધુ મૂસેવાલા એક ગાયક તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત હતા.

29 મે-2022 ના રોજ તેમની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ ઘટના પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામમાં બની હતી.

15 મે-2020ના રોજ સિદ્ધુ મૂસેવાલાએ તેમની માતાને સમર્પિત તેમનું ગીત પણ રજૂ કર્યું. આ ગીતનું નામ હતું 'ડિયર મમા'.