You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત યુનિ. હૉસ્ટેલમાં નમાજ પઢવા મામલે થયેલા હુમલા બાદ વિદેશી વિદ્યાર્થીઓનો સવાલ, ‘અમે અભ્યાસ કઈ રીતે પૂરો કરીશું?’
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
શનિવારે રાત્રે ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર કથિતપણે નમાજ પઢવા મામલે થયેલા હુમલા બાદ વિદ્યાર્થીઓએ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
યુનિવર્સિટી હૉસ્ટેલના એ બ્લૉકમાં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના વિદ્યાર્થીઓ પર 25 લોકોના ટોળાએ કરેલા આ હુમલા બાદ બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલે ખસેડવા પડ્યા હતા.
ઘટનાસ્થળે બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે પહોંચી ત્યારે હૉસ્ટેલના બ્લૉકમાં ઠેરઠેર પોલીસ અને યુનિવર્સિટીના અધિકારીઓ જોવા મળ્યા હતા. આ સિવાય ઘટનાસ્થળે થયેલા ભારે પથ્થરમારાની નિશાની આપતા અનેક પથ્થરો, તૂટેલાં વાહનો જોવાં મળ્યાં હતાં. તેમજ વિદ્યાર્થીઓ ગભરાયેલા અને હતાશ હતા.
શનિવાર રાતથી જ આ ઘટનાના કેટલાક કથિત વીડિયો સામે આવ્યા હતા, જેમાં હુમલો કરનાર ટોળું વિદ્યાર્થીઓનાં વાહનોમાં તોડફોડ કરતાં અને પથ્થરમારો કરતું દેખાતું હતું. તેમજ આ હુમલાખોરો ધાર્મિક નારા લગાવતા સંભળાઈ રહ્યા હતા. અન્ય એક વીડિયોમાં નમાજ પઢતા વિદ્યાર્થીઓમાંથી એક ટોળામાં આવેલા એક વ્યક્તિને ધક્કો મારતા નજરે ચડે છે. બીબીસી આ વાયરલ વીડિયોની સ્વતંત્રપણે ખરાઈ કરી શક્યુ નથી.
પોલીસે આપેલી વિગતો અનુસાર આ સમગ્ર મામલે પોલીસ કન્ટ્રોલ રૂમમાં રાત્રે 10 વાગ્યા 51 મિનિટે મૅસેજ મળ્યો હતો. જે બાદ તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી હતી.
પોલીસના જણાવ્યાનુસાર આ ઘટના અંગે સિક્યૉરિટી ગાર્ડે ફરિયાદ કરી છે. કુલ 25 લોકોએ પથ્થરમારો કર્યો હતો.
અમદાવાદ પોલીસે આ સમગ્ર મામલે એફઆઈઆર નોંધી હતી.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આ મામલે રાજ્ય સરકારના ગૃહવિભાગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. જોકે, આ અંગે સ્વતંત્રપણે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ શું કહ્યું?
“અમને ખૂબ ડર લાગી રહ્યો છે, અમે અમારો અભ્યાસ કઈ રીતે પૂરો કરીશું એ વિચારી રહ્યા છીએ.”
બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં શનિવારે રાત્રે ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર કથિતપણે નમાજ પઢવા મામલે થયેલા હુમલા બાદ એક વિદ્યાર્થીએ પોતાની ચિંતા વ્યક્ત કરતાં કંઈક આવું કહ્યું હતું.
અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થી નૌમાને બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે, “બહારથી આવનારા વિદ્યાર્થીઓ માટે અહીં રહેવું એ હવે મોટો પડકાર છે. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની હૉસ્ટેલ છે અને આ લોકો અહીં ટોળામાં કઈ રીતે આવી ચડ્યા એ તપાસનો વિષય છે. અહીં આવા લોકો ઘણી વાર આવે છે અને કહે છે કે 'જય શ્રીરામ બોલો, નહીંતર ચાકુ મારી દઈશું.' આવી ઘટનાઓ પહેલાં પણ બની ચૂકી છે. અહીં બીજા દેશોના વિદ્યાર્થીઓ માટે બહુ મોટું જોખમ છે.”
ગુજરાત યૂનિવર્સિટીનાં કુલપતિએ આ સમગ્ર ઘટના અંગે શું કહ્યું?
જોકે ગુજરાત યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ આ સમગ્ર મામલો ‘બે જૂથો વચ્ચે અગાઉથી ચાલી રહેલા મતભેદ’નો હોવાનો ગણાવ્યો છે.
તેમણે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું હતું, “બંને જૂથો વચ્ચે પહેલાંથી જ મતભેદ ચાલી રહ્યો હતો અને પછી અત્યારે આ ઘટના સામે આવી હતી. હકીકતમાં કેમ આવું થયું એ હજી તપાસનો વિષય છે. એવું સામે આવ્યું છે કે તેઓ બહાર નમાજ પઢી રહ્યા હતા અને પછી આ ટોળા સાથે બોલાચાલી થઈ હતી. યુનિવર્સિટીએ આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે અને રાત્રે જ પોલીસે એફઆઈઆર નોંધી છે.”
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આ મામલે રાજ્ય સરકારના ગૃહવિભાગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. જોકે, આ અંગે સ્વતંત્રપણે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
અમદાવાદ પોલીસે આ ઘટના વિશે શું કહ્યું?
પોલીસે આપેલી વિગતો અનુસાર આ સમગ્ર મામલે પોલીસ કન્ટ્રોલ રૂમમાં રાત્રે 10 વાગ્યા 51 મિનિટે મૅસેજ મળ્યો હતો. જે બાદ તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી હતી.
પોલીસના જણાવ્યાનુસાર આ ઘટના અંગે સિક્યૉરિટી ગાર્ડે ફરિયાદ કરી છે. કુલ 25 લોકોએ પથ્થરમારો કર્યો હતો.
અમદાવાદ પોલીસે આ સમગ્ર મામલે એફઆઈઆર નોંધી હતી. જોકે, હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરાઈ નથી.
પોલીસે જણાવ્યું હતું કે આ મામલામાં જલદી જ ધરપકડ કરી લેવાશે. એક આરોપીની ઓળખ પણ થઈ ચૂકી છે.
સમગ્ર મામલો સામે આવ્યા બાદ રવિવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે આ સમગ્ર મામલાની વિગતો આપતાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું :
“આ હૉસ્ટેલમાં અંદાજ 75 વિદ્યાર્થીઓ રહે છે. રાત્રે કેટલાક વિદ્યાર્થીઓ બહાર ઓટલા પાસે નમાજ પઢી રહ્યા હતા.”
“એ સમયે કેટલાક લોકોએ આવીને વિદ્યાર્થીઓને અહીં નમાજ કેમ પઢો છો, એવો સવાલ કર્યો હતો.”
પોલીસ કમિશનર અનુસાર આ બાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારી અને ઘર્ષણમાં પરિણમી હતી.
પોલીસ કમિશનરે કહ્યું, “અમે આ મામલે 20-25 લોકો સામે તરત જ એફઆઈઆર નોંધી હતી, તેમજ આની તપાસમાં અમારી નવ ટીમો લાગેલી છે.”
“આમાં જે લોકો સામેલ છે, તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. તેમની ધરપકડ કરાશે. આનું ઑવર ઑલ મૉનિટરિંગ જૉઇન્ટ કમિશનર (ક્રાઇમ બ્રાન્ચ) કરશે.”
મલિકે જણાવ્યું કે બે વિદ્યાર્થીઓ હૉસ્પિટલમાં દાખલ છે, જેમાંથી એક શ્રીલંકા અને બીજો વિદ્યાર્થી તાજિકિસ્તાનનો છે.
વિદેશ મંત્રાલયે આ ઘટના વિશે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુજરાત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે નમાજ પઢવા બાબતે થયેલી મારપીટ અંગે નિવેદન આપ્યું છે.
સોશિયલ મીડિયા એક્સ પર તેમણે લખ્યું, “ગઈકાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની. રાજ્ય સરકાર અપરાધીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહી છે. આ ઘટનામાં બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે, જેમાંથી એકને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.”
તેમણે જણાવ્યું કે આ બાબતે વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્કમાં છે.
અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે આપેલી માહિતી અનુસાર શનિવારે રાત્રે 11 વાગ્યે ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટેલમાં નમાજ પઢવાને લઈને કેટલાક લોકોએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે, જેમાં કેટલાક લોકો હૉસ્ટેલમાં તોડફોડ અને પથ્થરમારો કરી રહ્યાં છે.
પોલીસે આ મામલે એક વ્યક્તિની ઓળખ કરી છે. જોકે, અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામા આવી નથી.
ગુજરાત કૉંગ્રેસ અને ઓવૈસીએ આ ઘટના વિશે કેવી પ્રતિક્રિયાઓ આપી?
આ સમગ્ર મામલો સામે આવતાં ગુજરાત કૉંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઘટનાની નિંદા કરવાની સાથોસાથ ગુજરાત પોલીસ અને સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.
કૉંગ્રેસના આ બન્ને નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા.
કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ આ ઘટના અંગે ઍક્સ પર લખ્યું હતું કે, “લોકતાંત્રિક બિનસાંપ્રદાયિક મહાન ભારતમાં 'વસુધૈવ કુટુમ્બકમ'નો નારો આપનાર લોકોના શાસનમાં જ ગુજરાત યુનિવર્સિટીના વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ પર હુમલાના મામલામાં હું અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ન્યાયની માગણી કરીએ છીએ.”
તેમજ એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાને ‘સામૂહિક કટ્ટરવાદ’ ગણાવી વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સવાલ કર્યા હતા.
આ સમગ્ર બનાવની ટીકા કરતાં એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે, “કેટલી શરમની વાત છે. તમારી ભક્તિ અને ધાર્મિક નારા ત્યાર જ સામે આવે છે જ્યારે મુસ્લિમ શાંતિપૂર્વક પોતાના ધર્મનું પાલન કરે છે. તમે મુસ્લિમોને જોતાં જ ગુસ્સે ભરાઈ જાઓ છો. શું આ સામૂહિક કટ્ટરવાદ નથી? આ નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય છે. શું તેઓ કડક સંદેશ આપવા માટે હસ્તક્ષેપ કરશે?”
ઓવૈસીએ વિદેશમંત્રી એસ. જયશંકરને ટૅગ કરતાં લખ્યું કે ભારતમાં મુસ્લિમવિરોધી ભાવના દેશની છબિ ખરાબ કરી રહી છે.