You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇલેક્ટોરલ બૉન્ડ પર સુપ્રીમ કોર્ટે એસબીઆઈને શું આદેશ આપ્યો?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતીય સ્ટેટ બૅન્કને ઇલેક્ટોરલ બૉન્ડ પર આપવામાં આવેલા આલ્ફાન્યુમેરિક નંબર 21 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવા પડશે.
સુપ્રીમ કોર્ટે એસબીઆઈના ચૅરમૅનને નિર્દેશ આપ્યો છે કે 21 માર્ચ સુધી બધી જ જાણકારી ચૂંટણી પંચને આપ્યા પછી બૅન્ક કોર્ટમાં એક ઍફિડેવિટ દાખલ કરીને જણાવે કે તેને આ માહિતી પંચને સોંપી દીધી.
આ મામલાની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાળા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ કરી રહી હતી.
મામલાની સુનાવણી કરતી વખતે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું, “15 ફેબ્રુઆરી 2024નાં રોજ જ્યારે આદેશ આપવામાં આવ્યો હતો કે રાજકીય દળોને ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા મળેલા પૈસાની જાણકારી આપે તેનો અર્થ એ હતો કે આ આદેશનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ.”
“બીજા ભાગમાં જણાવો કે રાજકીય પક્ષોને કેટલા બૉન્ડ મળ્યા અને વચગાળાના આદેશ આપ્યો તે સમય સુધીમાં કેટલા બૉન્ડ વટાવ્યા.”
કોર્ટે કહ્યું, “આ આદેશને વાંચીએ તો તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે એસબીઆઈએ બધી જ વિગતો આપવાની હતી, જેમા બૉન્ડની ખરીદી અને કૅશ કરાવવાની જાણકારી પણ સામેલ છે. સ્પષ્ટ છે કે એસબીઆઈએ બધી જ જાણકારી ન આપી.”
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયધીશે કહ્યું, “એસબીઆઈએ પોતાની પાસે રહેલી બધી જ જાણકારી આપવાની છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ જાણકારીમાં આલ્ફાન્યુમેરિક અને સિરિયલ નંબર પણ સામેલ છે. જો તેમની પાસે બૉન્ડને લઈને એવી કોઈ પણ જાણકારી હોય તો સાર્વજનિક કરે.”
એસબીઆઈ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ કહ્યું કે એસબીઆઈ કોઈ જાણકારી છુપાવી રહી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“અમે ગયા ગુરુવારે કોર્ટના આદેશ પ્રમાણે સાંજે પાંચ વાગ્યા પહેલાં ચૂંટણી પંચને બધી જાણકારી આપી દીધી હતી અને કોઈપણ જાણકારી છુપાવીને નથી રાખી.”
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે એસબીઆઈનું વલણ એવું છે કે કોર્ટ અમને ખાસ નામ જણાવીને વિવરણ કે તે જાણકારી માગે તે જ અમે આપીશું.
તેમણે ઉમેર્યું, “એક ચૅરમૅન (એસબીઆઈના ચૅરમૅન) હોવાને નાતે તમારે પોતે જ તમારી પાસે જેટલી છે તે બધી જ જાણકારી સાર્વજનિક કરવી જોઈએ.”
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે પૂછ્યું કે શું બૉન્ડ પર સિક્યોરિટી નંબર ફીચર છે કે ઑડિટ ટ્રેલનો ભાગ છે.
સાલ્વેએ સવાલનો જવાબ આપતા કહ્યું કે તે સિક્યોરિટી ફીચર છે, ઑડિટ ટ્રેલ અલગ છે.
ન્યાયાધીશે પૂછ્યું, “જ્યારે આ બૉન્ડને બ્રાન્ચ પર કૅશ કરાવવામાં આવે છે, ત્યારે આ નંબર એ જાણવા માટે ઉપયોગમાં લેવાય છે કે બૉન્ડ સાચા છે કે ખોટા.”
સાલ્વેએ આ વિશે કહ્યું કે આ કરન્સી નોટની જેમ જ છે.
આ વિશે કોર્ટે પૂછ્યું કે તમે આ નંબર જોઈને શું જાણકારી મેળવી શકો છો.
સાલ્વેએ કહ્યું આ નંબરનો રિલેશન માટે ઉપયોગમાં લેવામાં નથી આવતો.
ત્યારપછી મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે એસબીઆઈ બૉન્ડના નંબર જણાવે અને કોર્ટને એક ઍફિડેવિટમાં જાણકારી આપે કે વિગતો ચૂંટણી પંચને સોંપી દીધી છે.
અત્યાર સુધી શું જાણકારી જાહેર થઈ છે?
ગુરુવારે સાંજે ઇલેક્ટોરલ બૉન્ડને લગતો ડેટા જાહેર કરવામાં આવ્યો.
આ જાણકારી પ્રમાણે ભાજપે આ સમયમા કુલ 60 અબજ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ વટાવી લીધા છે. આ મામલે બીજા નંબરે તૃણમુલ કૉંગ્રેસ છે, જેને 16 અબજ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ વટાવ્યા છે.
સૌથી વધારે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનાર કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસ છે. આ કંપનીએ કુલ 1368 બૉન્ડ ખરીદ્યા જેની કિંમત 13.6 અબજ રૂપિયાથી વધારે છે.
જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે કઈ કંપનીએ ક્યા પક્ષને રાજકીય ફંડ આપ્યું છે.
ભાજપે ફંડ આપનારાનાં નામ જાહેર ન કરવા કાયદો આગળ ધરીને કેવી દલીલ આપી?
ભારતના ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બૉન્ડને લગતી રાજકીય દળો તરફથી મળેલી માહિતી રવિવારે પોતાની વેબસાઇટ પર અપલોડ કરી.
વર્ષ 2018માં ઇલેક્ટોરલ બૉન્ડ આવ્યા ત્યારથી સપ્ટેમ્બર 2023 સુધીની આ જાણકારી ચૂંટણી પંચે એક સીલબંધ કવરમાં સુપ્રિમ કોર્ટને આપી હતી. ચૂંટણી પંચે હવે આ માહિતી પોતાની વેબસાઇટ પર અપલોડ કરી છે.
કેટલાંક રાજકીય દળોએ તો બધી જ જાણકારી આપી દીધી છે કે કોણે તેમને કેટલા રૂપિયાના બૉન્ડ આપ્યા અને તેમણે ઇલેક્ટોરલ બૉન્ડને ક્યારે વટાવ્યા. જ્યારે કેટલાંક દળોએ જણાવ્યું કે કયા બૉન્ડથી તેમને કેટલા રૂપિયા મળ્યા છે.
મોટાં રાજકીય દળોમાં એઆઈએડીએમકે, ડીએમકે અને જનતા દળ (સેક્યુલર) દ્વારા આ જાણકારી આપવામાં આવી છે કે તેમને કેટલા ઇલેક્ટોરલ બૉન્ડ થકી જે ફાળો મળ્યો છે તે કોની પાસેથી મળ્યો.
જ્યારે આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, અને જમ્મુ કાશ્મીર નેશનલ કૉન્ફરન્સે 2019માં ફંડ આપનાર કંપની કે વ્યક્તિ વિશે જાણકારી આપી છે. જ્યારે નવેમ્બર 2023માં આ દળોએ અપડેટેડ જાણકારી ચૂંટણી પંચને સોંપી તો તેમાં ફાળો આપનારા લોકોની જાણકારી નહોતી આપી.
આ સિવાય મોટા ભાગનાં રાજકીય દળોએ ફંડ આપનાર લોકો વિશે જાણકારી નહોતી આપી.
આ સ્કીમથી સૌથી મોટો લાભ ભાજપ, ટીએમસી અને કૉંગ્રેસ થયો છે. જોકે, ત્રણેય પાર્ટીએ કોઈપણ પ્રકારની માહિતી નથી આપી.
ગયા વર્ષે ચૂંટણી પંચને આપેલા સબમિશનમાં ભાજપે કહ્યું, “ઇલેક્ટોરલ બૉન્ડને રાજકીય ફંડિંગનો હિસાબ રાખવા અને ફાળો આપનારને કોઈ સમસ્યા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે લાવવામા આવ્યા હતા. કાયદા પ્રમાણે પાર્ટીએ ફાળો આપનારનું નામ જાણવાની કે તેનો રેકૉર્ડ રાખવાની કોઈ જરૂર નહોતી, એટલે અમે ફંડ આપનારાનાં નામોનો કોઈ રેકર્ડ નથી રાખ્યો.”