ઇલેક્ટોરલ બૉન્ડ: ચૂંટણીપંચે રવિવારે જાહેર કરેલી નવી માહિતીમાં શું ખુલાસો થયો?

ચૂંટણીપંચે રવિવારે ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધિત નવા ડેટા પોતાની વેબસાઇટ પર પ્રકાશિત કર્યો છે, જેને રાજકીય પક્ષોએ સીલબંધ કવરમાં જમા કરાવ્યો હતો.

આ ડેટામાં ઇલેક્ટોરલ બૉન્ડની તારીખ, કૅટેગરી, બૅન્કની શાખા, જમા કરવા અને પ્રાપ્ત કરવાની તારીખ સામેલ છે.

જોકે હજુ પણ ડેટામાં આલ્ફાન્યુમરિક નંબર સામેલ નથી, જેનાથી એ ખબર પડી શકે કે કયા ચૂંટણી બૉન્ડને કઈ પાર્ટીએ બૅન્કમાં વટાવ્યો છે.

અગાઉ 14 માર્ચે ભારતના ચૂંટણીપંચે ગત પાંચ વર્ષ દરમિયાન કોણે કેટલા રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા તથા કયા રાજકીય પક્ષને કેટલી રકમ ફાળામાં મળી તેનો ડેટા સાર્વજનિક કર્યો હતો. બાદમાં ચૂંટણીપંચે નવી માહિતી અપલોડ કરી છે.

કેટલીક પાર્ટીએ જાહેર કરેલી માહિતીમાં તેને કયા સમયગાળામાં કેટલું ફંડ મળ્યું તેની પણ વિગતો જાહેર કરી છે.

કઈ પાર્ટીને કેટલી રકમ મળી?

ચૂંટણીપંચ તરફથી ઇલેક્ટોરલ બૉન્ડની નવી માહિતીમાં રાજકીય પક્ષો તરફથી 12 એપ્રિલ 2019 અગાઉ વટાવેલા ઇલેક્ટોરલ બૉન્ડની પણ માહિતી સામેલ છે.

જેમ કે આમ આદમી પાર્ટીએ પોતાની 24 એપ્રિલ 2018થી 10 એપ્રિલ 2019 સુધીની માહિતી આપી છે. આ દરમિયાન તેણે 3 કરોડ 55 લાખ એક હજાર રૂપિયાના 14 ઇલેક્ટોરલ બૉન્ડ વટાવ્યા છે. આ બધા એસબીઆઈની દિલ્હી શાખાથી વટાવ્યા હતા. તેમાં બૅન્કખાતાના નંબર પણ આપ્યાં છે.

એજ રીતે ભારતીય જનતા પાર્ટીએ 18 માર્ચ 2018થી 12 એપ્રિલ 2019 સુધી વટાવેલા ઇલેક્ટોરલ બૉન્ડના આંકડા આપ્યા છે. આ દરમિયાન પાર્ટીએ 200થી વધુ ઇલેક્ટોરલ બૉન્ડ વટાવ્યા છે. પાર્ટીએ એકાઉન્ટ નંબર પણ આપ્યો છે અને કેટલી કિંમતના બૉન્ડ મળ્યા તેની માહિતી પણ આપી છે.

તેમાં એ પણ માહિતી છે કે 9 માર્ચ 2018થી 14 માર્ચ 2019 સુધી પાર્ટીએ 1450 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ વટાવ્યા છે.

જોકે પાર્ટીએ 10 જુલાઈ 2023 સુધીના જ ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી આપી છે.

કૉંગ્રેસે પણ 13 માર્ચ 2018થી લઈને 7 જુલાઈ 2023 સુધીની માહિતી આપી છે. 13 માર્ચ 2018થી 12 એપ્રિલ 2019 વચ્ચે પાર્ટીએ અંદાજે 98 ઇલેક્ટોરલ બૉન્ડ વટાવ્યા છે.

કૉમ્યુનિટી પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી) એટલે કે સીપીએમે કહ્યું કે તેણે કોઈ ઇલેક્ટોરલ બૉન્ડ મેળવ્યા નથી, કેમકે પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો.

બહુજન સમાજવાદી પાર્ટીએ પણ કહ્યું કે તેણે 30 સપ્ટેમ્બર 2019 સુધી કોઈ ઇલેક્ટોરલ બૉન્ડ મેળવ્યા નથી. એ જ રીતે સીપીઆઈ, એમએનએસ અને અન્ય અનેક પાર્ટીઓએ પણ ઇલેક્ટોરલ બૉન્ડ ન મેળવ્યા હોવાની વાત કરી છે.

તો કેટલીક પાર્ટીઓએ ફંડ આપનાર કંપનીનું નામ પણ આપ્યું છે.

તામિલનાડુમાં સત્તારૂઢ ડીએમકે પાર્ટીએ પોતાની વિગતો આપતા જણાવ્યું કે તેને ફ્યુચર ગેમિંગ કંપની તરફથી 509 કરોડ રૂપિયા મળ્યા છે. ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિવિઝ કંપનીના માલિક સૅન્ટિયાગો માર્ટિન છે, જે 'લૉટરી કિંગ' તરીકે જાણીતા છે.

એ જ રીતે એઆઈડીએમકેએ પણ ફાળો આપનારનું નામ પણ સરનામું આપ્યું છે. તેના મહત્ત્વના દાતાઓમાં આઈપીએલની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની પેરેન્ટ કંપની ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડે તેને પાંચ કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.

જોકે ભાજપ અને કૉંગ્રેસ જેવી માટી પાર્ટીઓએ ફાળો આપનારનું નામ જાહેર કર્યું નથી.

જે અન્ય પાર્ટીઓએ જે માહિતી આપી છે તે આ ડેટામાં સામેલ છે. તેમાં લગભગ 300 પાર્ટીની માહિતી છે.

રવિવાર સુધી બધી માહિતી જાહેર કરવાની હતી

ગત ગુરુવારે ચૂંટણીપંચે 12 એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 સુધી જાહેર કરેલા ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી સાર્વજનિક કરી હતી.

જોકે અરજદારોએ આ મામલે આલ્ફાન્યુમરિક નંબર પણ જાહેર કરવાની માગ કરી છે. તેના માટે સુપ્રીમ કોર્ટે એસબીઆઈને 17 માર્ચ સુધી આ નંબર જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.

12 એપ્રિલ 2019 અને 2 નવેમ્બર 2023એ જાહેર કરેલા સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ ચૂંટણીપંચે 12 એપ્રિલ 2019થી પહેલાંના ઇલેક્ટોરલ બૉન્ડના વેચાણ અને વટાવની બધી માહિતી સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી હતી.

ચૂંટણીપંચના એક નિવેદન અનુસાર, "રાજકીય પક્ષો તરફથી મળેલા ડેટાને સીલ ખોલ્યા વિના સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દીધા હતા. 15 માર્ચ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ, સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીએ આ ડેટાને ડિજિટાઇઝ કરીને તેની સૉફ્ટ કૉપીની પેન ડ્રાઈવને એક સીલબંધ કવરમાં પાછી આપી, સાથે જ કાગળો પણ આપ્યા. ભારતીય ચૂંટણીપંચે ઇલેક્ટોરલ બૉન્ડના આ ડેટાને આજે પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દીધો છે."

ઇલેક્ટોરલ બૉન્ડ લેવામાં કઈ પાર્ટી અવ્વલ છે?

ચૂંટણીપંચ તરફથી જાહેર કરવામાં આવેલા બૉન્ડ વટાવનારા પક્ષોની યાદીમાં ભાજપ સૌથી પહેલા અને ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ બીજા નંબરે છે.

ભાજપે કુલ 60 અબજ રૂપિયાથી વધુના ઇલેક્ટોરલ બૉન્ડ વટાવ્યા છે. તો ટીએમસીએ 16 અબજ રૂપિયાથી વધુના ઇલેક્ટોરલ બૉન્ડ વટાવ્યા છે.

ચૂંટણીપંચ અનુસાર, સૌથી વધુ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનારી કંપની ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ છે. આ કંપનીએ કુલ 1368 બૉન્ડ ખરીદ્યા છે, જેની કિંમત 13.6 અબજ રૂપિયાથી વધુની છે.

ચૂંટણી ફંડ જે પાર્ટીઓને વધુ સૌથી વધુ મળ્યું તેમાં ત્રીજા નંબરે કૉંગ્રેસ પાર્ટી છે, જેને અંદાજે 14 અબજ રૂપિયાથી વધુના બૉન્ડ મળ્યા છે.