પાકિસ્તાનથી આવેલા હિન્દુઓ CAAના નિયમોથી ખુશ કેમ નથી? – ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, બીબીસી માટે, જોધપુરથી પરત ફરીને

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી વિસ્થાપિત થઈને ભારત આવેલા ગેર-મુસ્લિમોને નાગરિકતા આપવા માટે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.

આ કાયદો ન માત્ર ભારત પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાઓમાં રહ્યો છે.

પાકિસ્તાન બૉર્ડર સાથે જોડાયેલા રાજસ્થાનમાં પણ મોટી સંખ્યામાં હિન્દુ પરિવારો રહે છે. સીએએ લાગુ થયા બાદ તેમાંના કેટલાક પરિવારો ખુશ છે, પરંતુ મોટાભાગના પરિવારો પરેશાન છે.

“અમારા ઘણા પરિચિતોને સીએએ હેઠળ ભારતની નાગરિકતા મળવાથી અમને રાહત મળશે. પરંતુ અંદરખાને હું બહુ પરેશાન છું.”

“હું મારા પરિવારને લઈને 11 જાન્યુઆરી, 2015ના રોજ ભારત આવ્યો હતો. સીએએ અનુસાર, હું 11 દિવસ મોડો ભારત આવ્યો છું. માત્ર આ જ કારણથી મારા પરિવારને નાગરિકતા નહીં મળે. અમે પણ હિંદુ છીએ. અમે પણ ત્રાસ વેઠ્યા બાદ ભારત આવ્યા છીએ.”

આ શબ્દો હેમસિંહના છે. તેઓ તેમના પરિવાર સાથે ભારત આવ્યા હતા. તેઓ અને તેમનો પરિવાર જોધપુરના આંગણવા સેટલમૅન્ટમાં રહે છે.

સીએએ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના એવા લઘુમતીઓ કે જે 31 ડિસેમ્બર, 2014 અથવા તે પહેલા ભારતમાં આવેલા હોય તેઓ જ ભારતની નાગરિકતા લેવાને પાત્ર છે.

CAA: કેટલાક લોકો ખુશ, કેટલાક દુ:ખી

જોધપુર જિલ્લા મથકથી અંદાજે 13 કિલોમીટર દૂર આંગણવા સેટલમૅન્ટ છે, જ્યાં અંદાજે 250 પરિવારોના 800 લોકો રહે છે.

આમાંથી મોટાભાગના લોકો મૂળ ગુજરાતના છે, જેના વડવાઓ દાયકાઓ પહેલાં પાકિસ્તાન જઈને વસ્યા હતા.

અહીં રહેનારા અંદાજે ચાલીસ લોકોને સીએએ હેઠળ નાગરિકતા મળી શકે છે.

વસ્તીની એક ઝૂંપડીમાં બેસીને અંદાજે વીસ લોકો સીએએ વિશે ચર્ચા કરી રહ્યા હતા. તેમાંથી એક રામચંદ્ર સોલંકી છે. જેઓ બે પુત્રી, બે પુત્રો અને પત્ની સાથે 31 ડિસેમ્બર, 2014ના રોજ ભારત આવ્યા હતા.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, “બહુ ખુશીનો માહોલ છે કારણ કે અમે અધિકૃત રીતે ભારતના નાગરિકો બની જઈશું.”

તેઓ ઝૂંપડીમાં બેઠેલા લોકો તરફ ઇશારો કરતા કહે છે, “સીએએ પછી અમને જેટલી ખુશી છે એટલું દુ:ખ પણ છે. અમારી વસ્તીમાં જો બે ઘરમાં ખુશીનો માહોલ છે તો ત્રણસો ઘર એવાં છે જ્યાં ગમનો માહોલ છે. કારણ કે સીએએ હેઠળ 31 ડિસેમ્બર, 2014 પછી ભારત આવેલા લોકોને નાગરિકતા નહીં મળે.”

આ વસ્તીમાં જ રહેતા હેમ ભીલ તેમના ભાઈ, ચાર બાળકો અને પત્ની સાથે 2014માં ભારત આવ્યા હતા.

હેમ ભીલ કહે છે, “અમે સાંભળ્યું છે કે સરકારે કાયદો બનાવ્યો છે કે હવે અમને નાગરિકતા મળી જશે. અમારું તો એમ પણ ભવિષ્ય મજૂરીમાં જ નીકળી જવાનું હતું. પરંતુ સાંભળીને એ વાતનો આનંદ થાય છે કે હવે બાળકોનું ભવિષ્ય સુધરશે.”

હેમ ભીલની પત્ની અમરબાઈ કહે છે, “પાકિસ્તાનમાં રહીને મજૂરી કરનારા સંબંધીઓ સાથે વાત થઈ તો તેઓ પણ કહી રહ્યા હતા કે તમને પણ નાગરિકતા મળી જશે.”

વિસ્થાપિતોનાં બાળકો માટે બંધાઈ આશા

આઠમા ધોરણમાં ભણતી હેમ ભીલ અને અમરબાઈની પુત્રી કવિતાને પાસપોર્ટના આધારે શાળામાં પ્રવેશ મળ્યો હતો.

તેઓ કહે છે, "ગઈકાલે જ પિતાએ અમને કહ્યું હતું કે અમે 2014માં ભારત આવ્યા છીએ, તેથી અમને નાગરિકતા મળશે. હવે અમે ભારતીય બનીશું."

"અમે આશા રાખીએ છીએ કે નાગરિકતા મળ્યા બાદ અમને અભ્યાસ અને નોકરીમાં લાભ મળશે. હું અભ્યાસ કરીને આઈપીએસ અધિકારી બનવા માંગુ છું."

આ જ વસ્તીમાં હેમીબાઈનું ઘર છે જેમના ગત વર્ષે સપ્ટેમ્બરમાં લગ્ન થયાં હતાં. તેઓ તેમના પરિવાર સાથે સપ્ટેમ્બર, 2014માં ભારત આવ્યાં હતાં.

તેઓ કહે છે, “મને થોડા દિવસો પહેલા જ ખબર પડી કે ભારત સરકારે સીએએ લાગુ કર્યો છે.”

જોધપુરની સરકારી ગર્લ્સ કૉલેજમાંથી તેઓ બી.એ.નું શિક્ષણ લઈ રહ્યાં છે.

તેઓ કહે છે, “પાકિસ્તાનમાં પાંચમા ધોરણ સુધી જ ભણી હતી. ભારત આવ્યા બાદ કોર્ટની મદદથી શાળામાં ઍડ્મિશન થયું હતું. નાગરિકતા મળ્યા બાદ આશા છે કે અમારું ભવિષ્ય સારું થશે. તેનાથી વધુ ખુશીની વાત એક પણ ન હોઈ શકે કે અમે ભારતના નાગરિકો બની જઈશું. નાગરિકતા મળી જશે તો નોકરી પણ મળશે. હું બી.એ. પછી બી.ઍડ. કરીશ અને શિક્ષક બનવા માંગું છું.”

‘અમને પણ નાગરિકતા મળવી જોઈએ’

સીએએ કાયદા હેઠળ, હેમસિંહને ભારતીય નાગરિકતા નહીં મળે કારણ કે તેઓ તેના માટે જરૂરી સમયમર્યાદાના 11 દિવસ પછી ભારત આવ્યા હતા.

તેઓ કહે છે, "અમને જે સવલતો મળવી જોઈએ તે હજુ સુધી મળી નથી. અમને ભારત આવ્યાને નવ વર્ષ થઈ ગયાં છે. હું ઇચ્છું છું કે મારાં માતાપિતા અને બાળકોને તે સુવિધાઓ મળવી જોઈએ જે ભારતના અન્ય લોકોને મળી રહી છે.”

રામચંદ્ર સોલંકી એવા લોકોમાં સામેલ છે જેમને નાગરિકતા મળી શકે છે.

તેઓ કહે છે, "અમે ઇચ્છીએ છીએ કે દરેક લોકોને અમારી સાથે નાગરિકતા મળે તો સારું રહેશે. વર્ષ 2015, 2016 કે પછીના સમયમાં આવેલા તમામ લોકોને પણ તેમાં સામેલ કરવામાં આવે."

“80 વર્ષની ઉંમરના વૃદ્ધ પણ ઇચ્છે છે કે અમે પણ નાગરિકતા મળતી જોઈ લઈએ અને ભારતના બનીને મૃત્યુ પામીએ. અમે એ જ આશામાં જીવી રહ્યા છીએ.”

પાકિસ્તાનના વિસ્થાપિત પરિવારો સાથે કામ કરી રહેલી સંસ્થા સીમાંત લોક સંગઠનના અધ્યક્ષ હિન્દુ સિંહ સોઢા પણ સીએએની 2014ની ડેડલાઈનની વિરુદ્ધમાં છે.

તેઓ કહે છે, “2014થી 2024 સુધી દસ વર્ષ સુધીની સફર છે, તેમને પણ સીએએ સુધીની નાગરિકતાની શ્રેણીમાં રાખવા જોઈએ. જે લોકોએ ભારતમાં છ વર્ષ પૂરાં કરી રહ્યા છે તેમને નાગરિકતા મળવી જોઈએ.”

નાગરિકતાથી શું પરિવર્તન આવશે?

રાજસ્થાન હાઈકોર્ટના ઍડવોકેટ અખિલ ચૌધરીનું કહેવું છે કે, "ભારતની નાગરિકતા મેળવ્યા બાદ તેમને અન્ય ભારતીયોની જેમ તમામ સુવિધાઓ, સરકારી યોજનાઓના લાભો અને કાયદાકીય અધિકારો મળશે."

જોધપુરના કાલી બેરી સેટલમૅન્ટમાં રહેતા ગોવિંદ ભીલ 1997માં પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. તેમને 2005માં નાગરિકતા પણ મળી હતી.

તેઓ કહે છે, “નાગરિકતા મેળવતા પહેલાં બધા મને હેરાન કરતા હતા. પરંતુ નાગરિકતા મળ્યા બાદ જીવન સરળ બની ગયું. જોકે, નાગરિકતા મળ્યા પછી પણ મારી પાસે મારી પોતાની છત નથી.”

જ્યારે હેમ ભીલ કહે છે, “અમને ખૂબ પરેશાની થઈ રહી છે. શાળાઓ અને હૉસ્પિટલોમાં સુવિધાઓ ભારતના લોકોને મળે છે તે હજુ પણ અમને મળતી નથી. નાગરિકતા મળ્યા પછી અમને એ સુવિધાઓ મળવી જોઈએ.”

સોઢા કહે છે, “ત્રાસને કારણે ભારતા આવેલા આ લોકોને માત્ર નાગરિકતા જ ન મળવી જોઈએ પરંતુ તેમના પુનર્વસનની વ્યવસ્થા પણ કરવી જોઈએ.”

તેઓ કહે છે, “તેમની પાસે હજુ વીજળી નથી, પાણી નથી, શાળા નથી, શૌચાલય નથી, રોડ નથી. જ્યારે આ સુવિધાઓ મળશે ત્યારે જ પરિવર્તન આવશે.”

પાકિસ્તાનના વિસ્થાપિતોનો વધુ એક વિસ્તાર

જોધપુર જિલ્લા મથકથી અંદાજે બાર કિલોમીટર દૂર કાલી બેરી છે. જોધપુર કિલ્લાની બાજુમાંથી પસાર થઈ રહેલો રસ્તો સૂરસાગર થઈને કાલી બેરી પહોંચે છે.

કાલી બેરીની નજીકના વિસ્તારમાં પથ્થરોની ખાણ છે. તેમાં પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિતો આવીને મજૂરી કરે છે.

કાલી બેરીમાં ડૉ. આંબેડકર નગર કૉલોનીથી થઈને એક પાક્કો રસ્તો ભીલ વસ્તી તરફ જાય છે. અંદાજે 2800 લોકોની ભીલ વસ્તીમાં પાકિસ્તાનના 400 વિસ્થાપિત પરિવારો રહે છે.

આ ભીલ વસાહતમાં કાચા-પાકા રસ્તાઓ છે, મુખ્ય માર્ગની ડાબી બાજુએ સરકારી શાળા આવેલી છે. તેના બોર્ડ પર 'સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા પાક વિસ્થાપિત' લખેલું છે.

માયાનું ઘર સ્કૂલની બાજુમાં છે. તેઓ તેમના દસ સભ્યોના પરિવાર સાથે 2013માં ભારત આવ્યા હતા.

તેઓ કહે છે, "નાગરિકતા માટે ઘણી કોશિશ કરી, ઘણી કોશિશ કરી પણ નાગરિકતા ન મળી. અંતે હું થાકી ગઈ."

જ્યારે અમે તેમને પૂછ્યું કે શું તેમને સીએએ વિશે કંઈ ખબર છે, તો માયાએ કહ્યું, "મેં ફોન પર જોયું કે સરકાર નાગરિકતા આપવા જઈ રહી છે. અમે ખુશ છીએ. સારું છે કે આ અમારો દેશ છે."

તેઓ કહે છે, "જો અમને નાગરિકતા મળશે તો બાળકોને નોકરી મળશે. તેમની હિલચાલ પર કોઈ પ્રતિબંધ નહીં હોય."

માયાનાં છ સંતાનોમાંથી સૌથી મોટા સંતાનનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેમના પતિ અને બે બાળકો પણ માયા સાથે રહે છે. પાંચમાંથી ત્રણ બાળકો પણ પથ્થરની ખાણમાં કામ કરે છે અને બે બાળકો અભ્યાસ કરે છે.

આ જ વસ્તીમાં રહેનાર ગુડ્ડી તેમના પરિવાર સાથે માર્ચ 2014માં ભારત આવ્યા હતા.

થોડા ખચકાટ સાથે વાત કરતા તેઓ કહે છે, “અમને દીવાળીની હોય એવો આનંદ થઈ રહ્યો છે. પરિવારમાં ચાર બાળકો બે પુત્રો, બે પુત્રીઓ અને મારા પતિ છે.”

“એક છોકરો ભણે છે અને ત્રણ પથ્થરની ખાણમાં કામ કરે છે. પોતાની જમીન ખરીદી શકીએ છીએ, ગાડી લઈ શકીએ છીએ. સરકારી લાભ નાગરિકતાવાળા લોકોને મળે છે. અમને કોઈ લાભ મળતો નથી.”

માયાના પતિ મનુરામ કહે છે, “નાગરિકતા માટે બે વર્ષ પહેલાં આવેદન આપ્યું હતું. એનઓસી મળી ગયું છે પરંતુ હજી સુધી નાગરિકતાનું પ્રમાણપત્ર નથી મળ્યું.”

"હવે સરકારે કાયદો લાવ્યો છે, અમને નાગરિકતા મળશે. અમને સરકારી યોજનાઓનો લાભ મળશે, અમે ગાડી ખરીદી શકીશું, નાગરિકતા વિના અમે મજૂરી સિવાય કોઈ કામ કરી શકતા નથી."

તેઓ કહે છે, "આધારકાર્ડ એ અમારા પાસપોર્ટ અને લાંબાગાળાના વિઝાના આધારે બનાવવામાં આવ્યું હતું."

CAA કાયદાની ખામીઓ

સામાજિક કાર્યકર્તા અરુણા રોયે બીબીસીને કહ્યું, "મને લાગે છે કે આ કાયદો પોતે જ બંધારણમાં આપવામાં આવેલી સમાનતાની જોગવાઈની વિરુદ્ધ છે. એટલા માટે જ આ કાયદા પર એક મોટું પ્રશ્નચિહ્ન છે.”

અરુણા રોય કહે છે, "આ અંગે કોઈની પણ સલાહ લેવામાં આવી નથી, ન તો કાયદા વિશે કોઈ ચર્ચા થઈ છે."

"આરટીઆઈ, નરેગા અને ખાદ્યસુરક્ષા જેવા કાયદાઓમાં લોકભાગીદારી કરવામાં આવી છે. જ્યાં લોકો સાથે વાત કરવામાં આવી હતી, લોકોના મંતવ્યો સાંભળવામાં આવ્યાં હતાં અને પછી તેનો અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ સીએએમાં કોઈની સલાહ લેવામાં આવી નથી."

હિન્દુસિંહ સોઢા કહે છે, "અમને અફસોસ છે કે સરકારે સીએએમાં 31 ડિસેમ્બર, 2014ની સમયમર્યાદા નક્કી કરી છે.”

તેઓ કહે છે, “જે કોઈ ધાર્મિક ઉત્પીડનને કારણે આવી રહ્યું છે તેમને નાગરિકતા આપવી જોઈએ. સીએએમાં મર્યાદિત સંખ્યામાં જ લોકોને નાગરિકતા આપવાનો નિયમ છે. સીએએ હેઠળ પણ સમય આધારિત પ્રક્રિયા હોવી જોઈએ, નહીં તો આ પ્રક્રિયામાં ઘણો સમય લાગશે.”

શું વિસ્થાપિત મુસ્લિમોને પણ નાગરિકતા મળવી જોઈએ?

આ સવાલ પર હિન્દુસિંહ સોઢા કહે છે, "જો તેઓ ઈસ્લામિક દેશમાંથી આવતા હોય તો તેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરીને આવતા નથી. પરંતુ, ભારતમાં અને પાકિસ્તાનની સરહદની નજીક બંને દેશો વચ્ચે લગ્ન થાય છે. તેથી જ મેં અપીલ કરી હતી. 2004માં પણ અમે વહીવટીતંત્રને કહ્યું હતું કે તેમને પણ નાગરિકતા મળવી જોઈએ."

વહીવટીતંત્ર શું કહે છે?

CAA હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત બિન-મુસ્લિમોને નાગરિકતા આપવાની જોગવાઈ છે.

રાજસ્થાનના ગૃહ વિભાગના નાયબ સચિવ રાજેશ જૈને બીબીસીને જણાવ્યું હતું કે 27,674 વિસ્થાપિત લોકો લાંબાગાળાના વિઝા પર રાજસ્થાનમાં રહે છે.

અત્યાર સુધીમાં કેટલા વિસ્થાપિત લોકોને નાગરિકતા આપવામાં આવી છે તે પ્રશ્ન પર તેઓ કહે છે, "2016થી અત્યાર સુધીમાં 3648 વિસ્થાપિત લોકોને નાગરિકતા આપવામાં આવી છે. જ્યારે 1926 વિસ્થાપિત લોકોએ નાગરિકતા માટે અરજી કરી છે, જેની પ્રક્રિયા ચાલી રહી છે."

રાજસ્થાનમાં માત્ર પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકો જ રહે છે. તેમાં પણ જોધપુરમાં સૌથી વધુ 18 હજાર લોકો રહે છે.

સીએએના નિયમો અનુસાર, ભારતમાં આવવા માટેની ડેડલાઇનને કારણે બહુ ઓછા વિસ્થાપિતોને નાગરિકતા મળતી જોવા મળે છે.

જોધપુરના કલેક્ટર ગૌરવ અગ્રવાલે કહ્યું, "જોધપુર જિલ્લામાં લગભગ 18 હજાર પાકિસ્તાની વિસ્થાપિત પરિવારો રહે છે. તેમાંથી લગભગ 3300 લોકોને નાગરિકતા મળી છે."

"નવા સંશોધિત કાયદા હેઠળ, ત્રણથી ચાર હજાર અન્ય લોકોને નાગરિકતા મળશે. આ લોકો જોધપુરના ગંગના, કાલી બેરી, બાસી તંબોલિયન, જવાર રોડ, આંગણવાની આસપાસ રહે છે."

સીએએના અમલ પછી સરકારે નાગરિકતા આપવા માટે નોંધણી પોર્ટલ શરૂ કર્યું છે.

રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી સૂચનાઓ મળી છે કે કેમ તે અંગેના પ્રશ્ન પર રાજસ્થાનના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ આનંદકુમારે બીબીસીને કહ્યું હતું કે હાલમાં અમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ સૂચના મળી નથી.

ફૉરેનર રજિસ્ટ્રેશન ઑફિસર(FRO) એડિશનલ એસપી રઘુનાથ ગર્ગ પણ કહે છે કે, “અમને પણ કોઈ માર્ગદર્શિકા મળી નથી. સૂચનાઓ મળ્યા બાદ અમે તે મુજબ આગળ વધીશું.”

સીએએ પહેલાં કઈ રીતે નાગરિકતા મળતી હતી

સીએએ પહેલાં પાકિસ્તાનમાંથી વિસ્થાપિત લોકોને નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ નાગરિકતા આપવામાં આવતી હતી. તેમની નાગરિકતા કાયદાની કલમ 51(A) થી 51(E) માં વિગતવાર સમજાવવામાં આવી છે.

આ કાયદામાં સુધારા બાદ કેન્દ્ર સરકારે જયપુર, જોધપુર અને જેસલમેરના કલેક્ટરને નાગરિકતા આપવાનો અધિકાર આપ્યો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટના સ્તરે યોગ્ય વિસ્થાપિત લોકોને પ્રક્રિયા મુજબ નાગરિકતા આપવામાં આવતી રહી છે. ગૃહવિભાગના જણાવ્યા અનુસાર, નાગરિકતા આપવાનો છેલ્લો કૅમ્પ નવેમ્બર, 2009માં યોજાયો હતો.