CAA : નાગરિકતા સંશોધન કાયદો શું છે? કઈ રીતે મેળવી શકાશે નાગરિકતા?

કેન્દ્ર સરકારે બહુચર્ચિત નાગરિકતા સંશોધન કાયદો, 2019 એટલે કે સીએએ ભારતમાં લાગુ કરી દીધો છે.

કેન્દ્ર સરકારે સોમવારે સાંજે આ કાયદાના નિયમોનું નોટિફિકેશન જાહેર કર્યું હતું.

આ કાયદા અંતર્ગત હવે 31 ડિસેમ્બર, 2014, પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક ઉત્પીડનના કારણે ભારત આવેલા બિનમુસ્લિમ લઘુમતીઓને ભારતનું નાગરકિત્વ મળી શકશે.

ગૃહમંત્રાલયના પ્રવક્તાએ આ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે નાગરિકતા લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે ટૂંક સમયમાં એક પૉર્ટલ લૉન્ચ કરાશે.

સામાન્ય રીતે વિદેશથી ગેરકાયદેસર ભારતમાં આવનાર વ્યક્તિ દેશનું નાગરિકત્વ મેળવી શકતા નથી.

આવી વ્યકિતઓને સામાન્ય રીતે દેશનિકાલ અથવા કેદની સજા કરવામાં આવે છે.

જોકે, કાયદાને સ્થિતિ બદલાઈ છે.

નવા કાયદા થકી આ ત્રણેય દેશોમાંથી આવેલા હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, પારસી અને ખ્રિસ્તી લઘુમતીઓને ભારતની નાગરિકતા મળી શકશે.

સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ શું છે?

1955ના નાગરિકતા અધિનિયમમાં સુચવાયું છે કે 11 વર્ષ કે તેનાથી વધુ સમયથી ભારતમાં રહેનારા વિદેશીને ભારતીય નાગરિકતા મળી શકે છે.

આ કાયદામાં કરાયેલ સુધારા મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતીમાં રહેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકો કે જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી, તેઓ ઓછામાં ઓછાં છ વર્ષ સુધી ભારતમાં રહ્યા હોય તો તેમને ભારતીય નાગરિકતા મળી શકે છે.

આ ઉપરાંત આ કાયદામાં એવી પણ જોગવાઈ કે 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારત આવેલા લોકોનેય ભારતની નાગરિકતા મળી શકશે.

જોકે, આ જોગવાઈમાં મુસલમાનોને સામેલ નથી કરાયા અને આ જ વાત આ કાયદા સંબંધિત વિવાદનું કારણ છે.

નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરનારાનું શું કહેવું છે?

આ કાયદાનો વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે આ કાયદો ભારતના બિનસાંપ્રદાયિક પાયાને ઠેસ પહોંચાડશે. આ કાયદા પર ધર્મનિરપેક્ષતાના ઉલ્લંઘનના આરોપ લગાવાયા છે. ભારતીય બંધારણ અનુસાર દેશમાં કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ આધારે ભેદભાવ ન કરી શકાય, પરંતુ આ કાયદામાં મુસ્લિમોને નાગરિકત્વ આપવાની જોગવાઈ નથી. જે કારણે ધર્મનિરપેક્ષતાના ઉલ્લંઘનના આરોપ લગાવાઈ રહ્યા છે.

ભારતમાં વિરોધ પક્ષની પાર્ટીઓ ધર્મના આધારે નાગરિકતા આપવાની વાતનો વિરોધ કરે છે.

વિરોધીનું કહેવું છે કે, "ભારતીય બંધારણ પ્રમાણે ધર્મના આધારે કોઈનીય સાથે ભેદભાવ ન થવો જોઈએ, પરંતુ આ કાયદો ધાર્મિક ભેદભાવને કાનૂની માન્યતા આપે છે."

તેઓ સરકારને સવાલ કરે છે કે, "જો આ કાયદો લઘુમતીને રક્ષણ આપવાનો હોય તો તેમાં મુસ્લિમોને પણ ઉમેરવા જોઈએ. પાકિસ્તાનના અહમદી અને મ્યાનમારના રોહિંગ્યાને કેમ બાદ કરવામાં આવ્યા છે?"

દિલ્હીસ્થિત વકીલ ગૌતમ ભાટિયા કહે છે કે આ કાયદો સ્પષ્ટપણે ધાર્મિક ભેદભાવને કાનૂની માન્યતા આપે છે.

તેઓ એ પણ પ્રશ્ન ઉઠાવે છે કે કેમ શ્રીલંકામાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શ્રીલંકન તામિલને આ યાદીમાં સ્થાન નથી આપવામાં આવ્યું?

નોંધનીય છે કે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ 2019 વિરુદ્ધ ભારતમાં ભારે પ્રદર્શનો થઈ ચૂક્યાં છે.

કયા પક્ષો વિરોધ કરી રહ્યા છે?

કૉંગ્રેસ, ડીએમકે, તૃણમૂલ કૉંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, સીપીએમ, ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી), રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, આમ આદમી પાર્ટી, પીપલ્સ ડેમૉક્રટિક પાર્ટી અને સેક્યુલર જનતા દળ તેનો વિરોધ કરી રહ્યા છે.

જયારે આ કાયદો લાવવામાં આવ્યો ત્યારે શિવસેનાએ 'સામના'માં સંપાદકીય લેખમાં લખ્યું હતું કે આ કાયદો ગર્ભિતપણે હિંદુ-મુસ્લિમ અલગતાવાદને આગળ પ્રેરશે.

પરંતુ શિવસેના અત્યારે સંસદમાં તેનું સમર્થન કર્યું હતું.

જ્યારે આ કાયદો સંસદમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે ડીએમકેના સાંસદોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો, પરંતુ એઆઇડીએમકેએ બિલને સમર્થન આપ્યું હતું.

નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝનને આ કાયદા સાથે શો સંબંધ છે?

આ બંને બાબતો એકબીજાથી ગાઢ રીતે સંકળાયેલી છે. નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (એનઆરસી)નો હેતુ આસામમાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટોની ઓળખ કરવાનો હતો.

આ માટેની નિશ્ચિત કરાયેલ તારીખ 24 માર્ચ, 1971 હતી.

એનઆરસીની પ્રક્રિયા મુજબ આસામમાં વસતી દરેક વ્યક્તિએ એ સાબિત કરવાનું રહેશે કે તેઓ આ સમયગાળા પહેલાંથી ભારતમાં રહે છે.

આ બંને જોગવાઈઓ ધર્મ આધારિત છે.

નાગરિકતા સંશોધન કાયદામાં બાંગ્લાદેશથી આવતા હિંદુઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે સામેની બાજુએ બાંગ્લાદેશથી આવેલા હિંદુઓને એનઆરસીમાં બાદ રાખવાની વાત કરાઈ છે.

જો આવું થાય તો નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝનમાંથી બાકાત કરાયેલા હજારો માઇગ્રન્ટ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને અને આસામમાં રહી શકશે.

આ કારણે પૂર્વોત્તરનાં રાજ્યોનાં ઘણાં સંગઠનો નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહ્યાં છે.

કયા વિસ્તાર બાકાત રખાયા છે?

ઍન્ટ્રી પરમિટ ફૉર્મ (ઇન-લાઇન પરમિટ) વડે કવર કરાયેલા અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ અને મિઝોરમના વિસ્તારોને આ કાયદાથી બાકાત રાખવામાં આવ્યા છે.

નાગરિકતા સંશોધન કાયદાના સમર્થકો શું કહેવું છે?

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ એ મુસ્લિમ બહુમતીવાળા દેશ છે. કાં તો આ દેશ પોતે એક ઇસ્લામિક રાજ્ય છે.

આ દેશો કાં તો ઇસ્લામિક રાજ્યો છે અથવા તો ઇસ્લામિક વર્ચસ્વવાળા છે.

તેઓ ત્યાં લઘુમતીઓને નિશાન બનાવે છે. શિવરાજ મૅગેઝિનના સંપાદક આર. જગન્નાથને નાગરિકતા સંશોધન બિલને સમર્થન આપ્યું હતું, કારણ કે તેમના મતે ત્યાં રહેતા લઘુમતીઓને સુરક્ષાની જરૂર છે.

નાગરિકતા સંશોધન કાયદા અંગે ભાજપ સરકાર શું કહે છે?

કેન્દ્રીય સરકારે કહ્યું છે કે આ બિલ નાગરિકતા મેળવવામાં અમુક વર્ગો દ્વારા અનુભવાતી તકલીફોને દૂર કરશે.

આ બિલ રજૂ કરતી વખતે દેશના ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે, "કૉંગ્રેસે દેશને ધર્મના નામે વિભાજિત કર્યો છે. આ બિલ તેને સુધારવા માટે છે."

તેમણે તે વખતે સંસદમાં કહ્યું હતું કે, " બાંગ્લાદેશના વિભાજન દરમિયાન અને યુગાન્ડામાં ભારતીય મૂળના લોકો પર હુમલો થયો ત્યારે કેટલીક કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે ત્યાંથી આવેલા લોકોને નાગરિકતા આપવામાં આવી હતી."

તેમણે કહેલું કે, "આ કાયદો 0.001 ટકા પણ લઘુમતીઓ વિરુદ્ધ નથી. તે ઘૂસણખોરોની વિરુદ્ધમાં છે."

મતદાન સમયે સંસદના 293 સભ્યોએ આ બિલની તરફેણમાં અને 82 સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.