You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA : નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન જાહેર, બિનમુસ્લિમો કઈ રીતે લઈ શકશે નાગરિકતા?
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવા માટેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
ગૃહમંત્રાલયના પ્રવક્તાએ આ વાતની જાણકારી આપતા કહ્યું છે કે નાગરિકતા લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે ટૂંક સમયમાં એક પૉર્ટલ લૉન્ચ કરાશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે માહિતી આપતાં એક્સ પર લખ્યું કે, “મોદી સરકારે નાગરિકતા (સંશોધન) નિયમ, 2024નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક ઉત્પીડનના કારણે ભારત આવેલા લઘુમતીઓને અહીં નાગરિકતા મળી જશે.”
“આ નોટિફિકેશન દ્વારા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વધુ એક પ્રતિબદ્ધતા પૂર્મ કરી છે, આ દેશોમાં રહેનારા શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને બંધારણના ઘડવૈયા તરફતી કરાયેલો વાયદો પૂરો કર્યો છે.”
નોટિફિકેશન જાહેર કરાયા બાદ કાયદામંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુનરામ મેઘવાલે એક્સ પર લખ્યું, “જે કહ્યું એ કર્યું... મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)નું નોટિફિકેશન જાહેર કરીને પોતાની ગૅરંટી પૂર્ણ કરી.”
અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રાલયના પ્રવક્તાના અધિકૃત એક્સ હૅન્ડલ પર આ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે,“ગૃહમંત્રાલય આજે નાગરિકતા (સંશોધન) કાયદો, 2013ની જોગવાઈઓને લઈને નોટિફિકેશન જાહેર કરશે. આનાથી સીએએ-2019 અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકે છે.”
નોંધનીય છે કે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં આ કાયદાને લાગુ કરી દેવાશે એવું ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં કેટલીય વખત કહી ચૂક્યા છે.
શું છે નાગરિકતા સંશોધન કાયદો?
નાગરિકતા સંશોધન અધિનિયમ 2019, 11 ડિસેમ્બર 2019માં સંસદમાં પસાર થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કાયદોનો ઉદ્દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનને કારણે ભારત આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો છે. જોકે, એમાં મુસલમાનોને સામેલ નથી કરાયા અને એ જ આ કાયદા સંબંધિત વિવાદનું કારણ છે.
આ કાયદા પર ધર્મનિરપેક્ષતાના ઉલ્લંઘનના આરોપ લગાવાયા છે. બારતીય બંધારણ અનુસાર દેશમાં કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ આધારે ભેદભાવ ન કરી શકાય. પરંતુ આ કાયદામાં મુસ્લિમોને નાગરિકત્વ આપવાની જોગવાઈ નથી. જે કારણે ધર્મનિરપેક્ષતાના ઉલ્લંઘનના આરોપ લગાવાઈ રહ્યા છે.
'સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ 2019' વિરુદ્ધ ભારતમાં ભારે પ્રદર્શનો થઈ ચૂક્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2019માં 'સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ બિલ 2019' લોકસભામાં રજૂ કર્યું ત્યારે દેશમાં મોટા પાયે વિરોધ થયો હતો. વિરોધ પક્ષના નેતાઓ અને બિનભાજપી રાજ્ય સરકારોના મુખ્ય મંત્રીઓએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો.
મોટા ભાગનાં શહેરોમાં વિદ્યાર્થીઓએ વિરોધપ્રદર્શનની આગેવાની લીધી હતી. વિરોધપ્રદર્શનોમાં 100થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતા.
એ વખતે જોકે, દેશભરમાં વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં હતાં, ત્યારે 10 જાન્યુઆરી 2020થી કાયદો લાગુ થઈ ગયો હતો.
અત્યાર સુધી સંસદમાં આ કાયદાને લઈને શું શું થયું?
ભાજપે પ્રથમ વખત 2016માં નાગરિકતા કાયદામાં સંશોધન માટે સંસદમાં ખરડો રજૂ કર્યું હતું. તે સમયે તેને લોકસભામાં તો પસાર કરી દેવાયો, પરંતુ રાજ્યસભામાં તે પાસ નહોતો થઈ શક્યો.
2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપે નાગરિકતા સંશોધન કાયદાને દેશમાં લાગુ કરવાનો વાયદો કર્યો હતો. ત્યારે ભાજપે કહ્યું હતું કે પાડોશી મુસ્લિમ દેશોમાં હિંદુ અને શીખ જેવા ધાર્મિક અલ્પસંખ્યકોને હેરાન કરવામાં આવે છે અને જો તેમની સરકાર બનશે તો આ કાયદો બનાવવા ઝડપથી કાર્યવાહી કરાશે.
કેન્દ્રમાં બીજી વાર સરકાર બનાવ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે 9 ડિસેમ્બર, 2019ના રોજ નાગરિકતા (સંશોધન) ખરડો 2019 લોકસભામાં રજૂ કર્યો, જ્યાં 311 સાંસદોએ તેના પક્ષમાં મત આપ્યો.
11 ડિસેમ્બરે રાજ્યસભામાં તે પસાર થયો અને તે પછીના દિવસે એટલે કે 12 ડિસેમ્બરે તેના પર રાષ્ટ્રપતિએ મહોર મારી. પરંતુ તેની સામે દેશમાં કેટલાંક સ્થળોએ વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં. સીએએવિરોધી પ્રદર્શનોમાં કેટલાય લોકોનાં મૃત્યુ પણ થયાં.
રાષ્ટ્રપતિની મહોર પછી પણ તે કાયદો લાગુ નહોતો થઈ શક્યો, કારણ કે તેને અમલી બનાવવા નિયમો જાહેર કરાવાના હતા.
સંસદીય કાર્ય નિયમાવલી મુજબ રાષ્ટ્રપતિની મંજૂરીના છ મહિનામાં કોઈ પણ કાયદાના નિયમો નક્કી કરી દેવા જોઈએ અથવા સરકારે લોકસભામાં અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માગણી કરવાની હોય છે.
2020થી જ ગૃહવિભાગે નિયમો બનાવવા માટે સંસદીય સમિતિઓ પાસે સમયે સમયે વિસ્તરણ માગી લીધું હતું. હવે અંતે 11 માર્ચ 2024 તેને અંતે લાગુ કરી દેવાયો છે.
મમતા બેનરજીએ શું કહ્યું?
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જણાવ્યું છે કે જો દેશમાં સીએએ લાગુ થશે તો તેઓ આનો વિરોધ કરશે.
તેમણે કહ્યું કે દેશમાં સમૂહો વચ્ચે ભેદભાવ થશે તો તેઓ ચૂપ નહીં બેસે. મમતાએ કહ્યું કે સીએએ અને એનઆરસી પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વ માટે સંવેદનશીલ કેસ છે અને તેઓ નથી ઇચ્છતાં કે લોકસભાની ચૂંટણી પહેલાં જ દેશમાં અશાંતિ ઊભી થાય.
કોલકતામાં રાજ્ય સચિવાલયમાં એકાક બોલાવાયેલી પત્રકારપરિષદમાં તેમણે કહ્યું, "એવી અટકળો છે કે સીએએ લાગુ કરવા માટેની અધિસૂચના જાહેર થશે. જોકે, હું સ્પષ્ટ કરું છું કે લોકો વચ્ચે ભેદભાવ કરનારા કોઈ પણ નિર્ણયનો વિરોધ કરવામાં આવશે."
બીબીસીના સહયોગી સંવાદદાતા પ્રભાકરમણિ તિવારી અનુસાર પત્રકારપરિષદમાં તેમણે કહ્યું, "હિંમત હોત તો પહેલાં સીએએ લાગુ કર્યો હોત, ચૂંટણીના પર કેમ? હું કોઈની પણ નાગરિકતા નહીં જવા દઉં."