કમલા હેરિસ : અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસની વાસ્તવિક ઓળખ શું છે

    • લેેખક, રાહેલ લૂકર અને હોલી હોન્ડરિચ
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને માત્ર ચાર જ મહિનાનો સમય બાકી છે ત્યારે ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ એક મુશ્કેલ પરિસ્થિતિમાં છે.

ડિબેટમાં ટ્રમ્પ વિરુદ્ધ જો બાઇડનના નબળા પ્રદર્શનને કારણે તેમની ચૂંટણી જીતવાની ક્ષમતા પર સતત ટીકાઓ થઈ રહી હતી. ડેમોક્રેટિક પાર્ટીના લોકોની પણ ચિંતા તણાવમાં બદલી ગઈ ત્યારે કમલા હેરિસનું નામ બાઇડનને બદલે રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે સૌથી આગળ ચાલી રહ્યું છે.

બાઇડને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો અને પોતાનું સમર્થન ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને આપ્યું. બાઇડનના સમર્થનની સાથે જ હેરિસ એ સ્થિતિ પર પહોંચી ગયા છે જ્યાં તેઓ પહોંચવા ઇચ્છતા હતા. ડેમોક્રેટિક પાર્ટીનાં સંભવિત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને કદાચ ભવિષ્યના રાષ્ટ્રપતિ.

જોકે, હેરિસની આ પદ સુધી પહોંચવાની યાત્રા ખૂબ જ મુશ્કેલીભરી હતી, ખાસ કરીને હાલના કેટલાક મહિનાઓ.

ચાર વર્ષ પહેલાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદ માટે એક સમયના ઉમેદવાર હેરિસે પાર્ટીની પ્રશંસાનું સ્વાગત કર્યું. જોકે, હેરિસની રાજકીય સ્થિતિ જુલાઈ 2024 સુધી અત્યંત અનિશ્ચિત હતી. કારણ કે હેરિસના વધારે એક કાર્યકાળની આશા બાઇડનના પ્રદર્શન પર ટકેલી હતી.

ટ્રમ્પ સામેની ડિબેટમાં બાઇડનના ખરાબ પ્રદર્શનની 24 કલાકની અંદર જ હેરિસે બાઇડન પ્રત્યે પોતાની મજબૂત નિષ્ઠા દર્શાવી હતી.

ઉપ રાષ્ટ્રપતિ હેરિસે સીએનએન, એમએસએનબીસી અને ચૂંટણી સભામાં વાત કરી હતી. તેમણે પોતાના રાજકીય સાથી બાઇડનના રેકર્ડને બચાવ કર્યો અને પોતાના હરિફ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર નિશાનો સાધ્યો હતો.

"અમને અમારા રાષ્ટ્રપતિ જો બાઇડન પર ભરોસો છે અને અમને તેમની નીતિઓ પર વિશ્વાસ છે."

ડેમોક્રેટિક પાર્ટીમાં હેરિસ માટે વધી રહેલા સમર્થન અને બાઇડનની ટીકાને કારણે તેમના પર રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પરત ખેંચવાનું દબાણ હોવા છતાં કમલા હેરિસ બાઇડનનો સાથ આપવામાં ન ડગમગ્યાં.

જોકે, કમલા હેરિસ અમેરિકાનાં પ્રથમ મહિલા છે જેમણે રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટે બીજો મોકો મળશે. આ ઉપરાંત તેઓ શ્વેત અને એશિયન-અમેરિકન મૂળનાં પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ છે.

કમલા હેરિસને 2020ના ચૂંટણી અભિયાન દરમિયાન મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે સંઘર્ષ કરવો પડ્યો અને ઉપ રાષ્ટ્રપતિ તરીકે પણ સરવેમાં તેમનું રેટિંગ નીચે રહ્યું છે. જોકે, હેરિસના સમર્થકો તેમની ગર્ભપાતના અધિકારો માટે વકીલાત, અશ્વેત મતદારોમાં તેમની અપીલ તરફ ધ્યાન દોરે છે. સર્મથકો હેરિસની તરફેણમાં કહે છે કે હેરિસ એક પ્રોસિક્યુટર હતાં, જે રાષ્ટ્રપતિપદ માટે એક દોષિત ઠરેલા ગુનેગાર સામે લડશે.

નાદીયા બ્રાઉન જ્યૉર્જટાઉન યુનિવર્સિટીમાં ‘વીમેન ઍન્ડ જેન્ડર સ્ટડીઝ પ્રોગ્રામ’નાં નિદેશક છે. તેમણે કહ્યું, "મારું માનવું છે કે તેમણે મત અધિકાર અને ઇમિગ્રેશનને લગતા સુધારા જેવા મહત્ત્વના મુદાઓનો ઉકેલ મેળવવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે."

"તેઓ (હેરિસ) ગર્ભપાતના અધિકારોના મુદ્દે અને અશ્વેત સમુદાયો સુધી પહોંચ બનાવવામાં બાઇડનના સૌથી શક્તિશાળી પ્રતિનિધિ છે."

કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ કેવી રીતે બન્યાં?

આજથી માત્ર પાંચ વર્ષ પહેલાં કમલા હેરિસ કૅલિફોર્નિયાનાં સેનેટર હતાં અને રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી નામાંકન મેળવવાની આશા રાખી રહ્યાં હતાં.

કમલા હેરિસે પોતાના કરિયરની શરૂઆત અલામેડા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ ઍટોર્ની ઑફિસથી કરી હતી. તેઓ વર્ષ 2003માં સૅન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ ઍટોર્ની બન્યાં. હેરિસ ત્યારબાદ કૅલિફોર્નિયામાં એટૉર્ની જનરલ બન્યાં. હેરિસ અમેરિકાના સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યમાં મુખ્ય વકીલ અને કાયદા અમલીકરણ અધિકારી તરીકે સેવા આપનાર પ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ બન્યાં.

તેમણે ડેમોક્રેટિક પાર્ટીના ‘ઊભરતાં સિતારા’ પૈકી એક તરીકે ખ્યાતી મેળવી. આ ખ્યાતીનો ઉપયોગ કરીને તેમણે 2017માં કૅલિફોર્નિયામાં જૂનિયર અમેરિકન સેનેટર તરીકે ચૂંટણી જીતી હતી.

જોકે, હેરિસનું 2020માં રાષ્ટ્રપતિ બનવાનું લક્ષ્ય અસફળ રહ્યું.

તેમણી વાદ-વિવાદની કુશળતા નબળી રીતે વ્યક્ત કરેલી નીતિઓને બચાવવામાં માટે પૂરતી ન હતી.

2020માં હેરિસનું અભિયાન એક વર્ષથી ઓછા સમયમાં જ સમેટાઈ ગયું. જોકે, બાઇડને 59 વર્ષીય હેરિસને ઉપ રાષ્ટ્રપતિપદની ટિકિટ આપીને તેમણે ફરીથી રાષ્ટ્રીય ચર્ચામાં લાવી દીધાં.

ગિલ ડ્યૂરાને કહ્યું આ નિર્ણયે હેરિસનું નસીબ પલટી નાખ્યું. ડ્યૂરાન 2013માં કમલા હેરિસના કૉમ્યુનિકેશન ડાયરેક્ટર હતા. તેમણે કમલા હેરિસના રાષ્ટ્રપતિપદની ઉમેદવારીના અભિયાનની ટીકા કરી હતી.

ડ્યૂરાને કહ્યું, "ઘણા લોકોને ભરોસો ન હતો કે હેરિસ પાસે વ્હાઇટ હાઉસમાં પદ સંભાળવા માટે શિસ્ત અને ધ્યાન છે. જોકે, લોકો માનતા હતા કે હેરિસમાં મહત્ત્વાકાંક્ષા અને સ્ટાર બનવાની ક્ષમતા હતી. એ વાત સ્પષ્ટ હતી કે તેમની પાસે પ્રતિભા છે."

હેરિસે વ્હાઇટ હાઉસમાં રહેતાં કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપ્યું અને તેમણે બાઇડન વહીવટીતંત્રની કેટલીક સૌથી પ્રતિષ્ઠિત સિદ્ધિઓ મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

તેમણે રાષ્ટ્રવ્યાપી "ફાઇટ ફૉર રિપ્રોડક્ટિવ ફ્રિડમ (ગર્ભપાતના અધિકારોની સ્વતંત્રતા માટે લડાઈ)" યાત્રાનું આયોજન કર્યું. તેમણે આ યાત્રાનું આયોજન મહિલાઓનાં શરીર પર તેમના પોતાના અધિકારોની વકીલાત માટે કર્યું હતું.

હેરિસે ગર્ભપાત પ્રતિબંધને કારણે થતા નુકસાન વિશે વાત કરી હતી. 2022 માં સુપ્રીમ કોર્ટના રૂઢિચુસ્ત ન્યાયાધીશોએ ગર્ભપાતના બંધારણીય અધિકારને રદ કર્યા હતા. ત્યારબાદ હેરિસે કૉંગ્રેસને આ બંધારણીય અધિકારોને પુનઃસ્થાપિત કરવા માટે કહ્યું હતું.

હેરિલનું નામ અમેરિકાની સેનેટના ઇતિહાસમાં સૌથી વધુ ટાઈ-બ્રેકિંગ મતો આપનારાં ઉપ રાષ્ટ્રપતિ તરીકે નોંધાયેલું છે. હેરિસના મતને કારણે મોંઘવારી ઘટાડવાનો એક કાયદો અને અમેરિકન રેસ્ક્યુ પ્લાન જેવા બિલો પાસ થયા. અમેરિકન રેસ્ક્યુ પ્લાન થકી કોવિડ રાહત ભંડોળ આપવામાં આવ્યું હતું.

હેરિસના ટાઈ-બ્રેકિંગ મતને કારણે જસ્ટિસ કેતનજી બ્રાઉન જેક્સન સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ બન્યા. જોકે, હેરિસને અમેરિકનો વચ્ચે વ્યાપક અપીલ હાંસલ કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો અને તેમને ચારે તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ગે લગ્ન અને મૃત્યુદંડ જેવા મુદ્દાઓ પર ડાબેરી વિચારધારા હોવા છતાં હેરિસની વારંવાર ટીકા કરવામાં આવી કે તેઓ કેટલાક ડેમોક્રેટિક મતદારો માટે વધારે પ્રગતિશીલ નથી.

જો બાઇડને સ્થળાંતરની સમસ્યાનું મૂળ જાણવા માટે હેરિસને નેતૃત્વ આપ્યું હતું. રેકર્ડ સંખ્યામાં ઇમિગ્રન્ટસ અમેરિકા-મેક્સિકો બૉર્ડર પર આવ્યા હતા. વિરોધીઓ કહે છે કે આ એક એવી સમસ્યા છે જેના પર હેરિસે યોગ્ય કામ કર્યું નથી.

હેરિસે ઉપ રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા પછી બૉર્ડર યાત્રાની યોજના બનાવવા માટે છ મહિનાનો સમય લીધો હતો. રિપબ્લિકન અને કેટલાક ડેમોક્રેટસે હેરિસની ભારે ટીકા કરી હતી.

જોકે, બાઇડનની ચૂંટણી જીતવાની ક્ષમતા વિશે અટકળો વધી ત્યારે હેરિસને છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં સમર્થનનો નવો આધાર મળ્યો.

કમલા હેરિસની અનેક ઓળખાણ

કમલા હેરિસનો જન્મ કૅલિફોર્નિયાના ઑકલૅન્ડમાં એક ભારતીય માતા અને જમૈકન પિતાના ઘરે થયો હતો. હેરિસ જ્યારે પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતા પિતાએ છૂટાછેડા લીધા હતા. હેરિસનો ઉછેર મુખ્યત્વે તેમના હિંદુ માતા શ્યામલા ગોપાલન હેરિસે કર્યો હતો. શ્યામલા ગોપાલન હેરિસ એક કેન્સર શોધકર્તા અને સામાજિક કાર્યકર્તા હતાં.

હેરિસે પોતાના ભારતીય વારસા સાથે અભ્યાસ કર્યો. તેઓ પોતાનાં માતા સાથે ભારતના પ્રવાસે પણ જતાં. જોકે, હેરિસે કહ્યું હતું, "મારાં માતાએ ઑકલૅન્ડની અશ્વેત સંસ્કૃતિને અપનાવી અને પોતાની બંને દીકરીને પણ સામેલ કરી."

હેરિસે પોતાની આત્મકથા ‘ધ ટ્રુથ્સ વી હોલ્ડ’માં લખ્યુ છે, "મારાં માતા સારી રીતે સમજતાં હતાં કે તેઓ બે અશ્વેત દીકરીઓનો ઉછેરી રહ્યાં છે. તેઓ જાણતાં હતાં કે અમેરિકા મને અને માયાને અશ્વેત છોકરીઓ તરીકે જ જોશે. મારાં માતા એ વાત સુનિશ્ચિત કરવા બાબતે સ્પષ્ટ હતાં કે અમે (કમલા અને માયા) આત્મવિશ્વાસથી ભરપૂર અને ગૌરવપૂર્ણ અશ્વેત મહિલાઓ બનીએ."

હેરિસના બાયરેસિયલ (આફ્રિકન અને ભારતીય) મૂળ અને ઉછેરને કારણે તેમની ઘણી અલગ-અલગ અમેરિકન ઓળખાણ છે. હેરિસ આ થકી અલગ-અલગ ઓળખાણ ધરાવતા લોકો સાથે જોડાઈ શકે છે. દેશના જે વિસ્તારોમાં રાજકારણને બદલી શકે તે પ્રકારનું વસ્તી વિષયક પરિવર્તન જોવા મળી રહ્યું છે ત્યાં લોકો હેરિસને એક મહત્ત્વાકાંક્ષાનાં પ્રતીક તરીકે જુએ છે.

જોકે, કમલા હેરિસે હૉવર્ડ યુનિવર્સિટીમાં પસાર કરેલા સમયને પોતાના જીવનના સૌથી રચનાત્મક અનુભવો પૈકીનો એક ગણાવ્યો હતો. હૉવર્ડ દેશના પ્રમુખ અને ઐતિહાસિક અશ્વેત કૉલેજ અને યુનિવર્સિટીઓ પૈકીની એક છે.

લિટા રોસારિયો-રિચર્ડસનની મુલાકાત કમલા હૈરિસ સાથે 1980ના દાયકામાં હૉવર્ડમાં થઈ હતી. જ્યારે વિદ્યાર્થીઓ કૅમ્પસના યાર્ડ વિસ્તારમાં એકઠા થઈને રાજકારણ અને ફેશન જેવા વિષયો પર ચર્ચા કરતા હતા.

રોસારિયો-રિચર્ડસને કહ્યું, "મેં જોયું કે તેમની (હેરિસ) પાસે દલીલ કરવાની તીક્ષ્ણ ક્ષમતા હતી."

બંને (હેરિસ અને રોસારિયો-રિચર્ડસન) કૅમ્પસમાં રિપબ્લિકન લોકો સાથે ઊર્જાસભર ચર્ચા, એકલી માતા દ્વારા કરવામાં આવેલા ઉછેરના અનુભવો અને બંનેની એક જ રાશિ હોવાથી એકબીજા સાથે જોડાયા. રાજકીય રીતે પણ તે એક રચનાત્મક યુગ હતો.

રોસારિયો-રિચર્ડસને કહ્યું, "તે સમયે રીગન રાષ્ટ્રપતિ હતા અને રંગભેદનો યુગ હતો. ટ્રાન્સ આફ્રિકા અને માર્ટિન લૂથર કિંગની રજા પર ઘણી ચર્ચા થઈ રહી હતી."

તેમણે જણાવ્યું, "અમે જાણીએ છીએ કે ગુલામ લોકો અને ઉપનિવેશવાદથી બહાર આવેલા અશ્વેત લોકોના વંશજ હોવાને કારણે અમારી એક વિશેષ ભૂમિકા છે. શિક્ષણ પ્રાપ્ત કરવાથી અમને સમાજમાં એક વિશેષ સ્થાન મળે છે જેના થકી અમે પરિવર્તન લાવવામાં મદદ કરી શકીએ છીએ. આ એક દર્શનશાસ્ત્ર અને કાર્ય કરવાનું આહ્વાન હતું જે હેરિસના યુનિવર્સિટી અનુભવોનો હિસ્સો હતો."

જોકે, હેરિસ શ્વેત સમાજના લોકો સાથે પણ સરળતાથી કામ કરે છે. હેરિસે શરૂઆતી વર્ષોમાં થોડોક સમય કૅનેડામાં પણ પસાર કર્યો હતો. હેરિસનાં માતા જ્યારે કૅનેડાની મૅકગિલ યુનિવર્સિટીમાં નોકરી કરતાં હતાં ત્યારે કમલા અને તેમનાં નાનાં બહેન માયાએ મૉન્ટ્રિયલની શાળામાં પાંચ વર્ષ માટે અભ્યાસ કર્યો.

હેરિસે કહ્યું હતું કે તેઓ પોતાની ઓળખાણ બાબતે હંમેશાં સરળ રહે છે અને પોતાને એક ‘અમેરિકન’ તરીકે ઓળખાવે છે.

તેમણે 2019માં અમેરિકાના સમાચાર પત્ર વૉશિંગટન પોસ્ટને કહ્યું હતું કે રાજકારણીઓને તેમના ચામડીના રંગ અથવા પૃષ્ઠભૂમિના આધારે વર્ગીકૃત ન કરવા જોઈએ.

તેમણે કહ્યું હતું, "મારું કહેવું હતું કે હું જેવી છું તેવી છું. મને આ વાતથી કોઈ તકલીફ નથી. તમારે કદાચ આ વાત વિશે જાણકારી મેળવવી પડે, પરંતુ મને એ વાતથી કોઈ તકલીફ નથી."

ડિબેટ ક્લબનું નિર્માણ

હેરિસના મિત્ર રોસારિયો-રિચર્ડસને જણાવ્યા પ્રમાણે કમલા હેરિસે શરૂઆતથી જ પોતાની કુશળતા દેખાડી હતી જેના થકી તેઓ અવરોધોને દૂર કરનાર ગણતરીના મહિલાઓ પૈકી એક બની ગયા.

તેમણે કહ્યું, "આ જ એક કારણને લીધે હું ડિબેટ ટીમમાં જોડાયો હતો. આ કારણ હતું નીડરતા."

બુદ્ધિ અને હાસ્ય આ ડિબેટનાં શસ્ત્રો હતાં. ચૂંટણી જીત્યા પછી વર્ષ 2020માં હેરિસના સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલા એક વીડિયોમાં તેઓ જીતની ખબર શૅર કરે છે. હેરિસ દિલ ખોલીને હસતાં-હસતાં બાઇડનને કહે છે, "આપણે કરી બતાવ્યું. આપણે કરી બતાવ્યું, જો. તમે અમેરિકા રાષ્ટ્રપતિ બનશો."

હેરિસે જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણી પછી મહત્ત્વપૂર્ણ ફોન કર્યો ત્યારે જે હાસ્ય સાથે તેમણે જો બાઇડનનું સ્વાગત કર્યું, હેરિસના મિત્રએ આ હાસ્યને તરત જ ઓળખી લીધું.

"આ તેમના વ્યક્તિત્વને સ્પષ્ટપણે દર્શાવે છે. તેઓ ભલે ચૂંટણી પ્રચારમાં ખૂબ જ ઓછા સમય સામેલ રહ્યાં હોય."

"હેરિસનું હાસ્ય હંમેશાંથી આવું જ રહ્યું છે. તેમની પાસે આ સેન્સ ઑફ હ્યુમર હંમેશાં હતું. તેઓ યુનિવર્સિટી ડિબેટના સંદર્ભમાં પણ આ કુશળતા થકી પોતાની વાત મૂકતાં."

લાઇવ ડિબેટમાં પોતાના હરીફોને કડક શબ્દોમાં જવાબ આપવાની ક્ષમતા ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે તૈયારી પાછળ હેરિસની પ્રેરણા હતી.

કમલા, ‘મોમાલા’, ઇતિહાસ રચનારાં

કમલા હેરિસે 2014માં તત્કાલીન સેનેટર વકીલ ડગ એમહૉફ સાથે લગ્ન કર્યાં અને તેમના બે બાળકોનાં સાવકાં માતા બન્યાં.

તેમણે 2019માં એલે પત્રિકામાં સાવકા માતા બનવાના અનુભવ પર એક લેખ લખ્યો અને એ નામનો ખુલાસો કર્યો જે ત્યારબાદ ઘણી ચર્ચાઓમાં છવાઈ ગયું.

"ડગ અને મારાં જ્યારે લગ્ન થયાં ત્યારે કોલ, એલા અને હું એક વાત પર સંમત થયાં કે અમને ‘સાવકી માતા’ શબ્દ પસંદ નથી." આ નામની જગ્યાએ તેમણે “મોમાલા” શબ્દનો ઉપયોગ કર્યો.

આ શબ્દએ આધુનિક અમેરિકન મિશ્રિત પરિવારના પ્રતીક રૂપે દર્શાવવામાં આવ્યો. એક એવી છબિ જેનો મીડિયાએ પણ સ્વીકાર કર્યો. આ વિશે કેટલીક કોલમ પણ લખવામાં આવી કે આપણે મહિલા રાજકારણીઓ વિશે કેવી રીતે વાત કરીએ છીએ.

નાદીયા બ્રાઉને કહ્યું, "તેઓ પાયાના આયોજકો, ચૂંટાયેલા અધિકારીઓ અને નિષ્ફળ ઉમેદવારોના વારસાનાં વારસદાર છે જેમણે વ્હાઇટ હાઉસ સુધીનો આ માર્ગ મોકળો કર્યો."

"અશ્વેત મહિલાઓને લોકશાહી રાજકારણ અને ડેમોક્રેટિક પાર્ટીમાં સ્વભાવની રાજકીય શક્તિ તરીકે જોવામાં આવે છે," નાદિયા બ્રાઉને બીબીસીને જણાવ્યું હતું.

બ્રાઉને કહ્યું કે ફેની લૌ હેમર, એલા બેકર અને સેપ્ટિમા ક્લાર્ક એવાં નામો છે જેમને હેરિસ અનુસરે છે.

"તેમની જીત ઐતિહાસિક છે પરંતુ તે જીત તેમના એકલાંની નથી. તે જીત અસંખ્ય અશ્વેત મહિલાઓ સાથે શૅર કરવામાં આવી છે જેણે આ દિવસને શક્ય બનાવ્યો."