ટ્રમ્પની રેલીમાં થયેલા ગોળીબારે અમેરિકામાં સુરક્ષાના તમામ ભ્રમ તોડી નાખ્યા

    • લેેખક, ઍન્થની જર્ચર
    • પદ, બીબીસી સંવાદદાતા, ઉત્તર અમેરિકાથી

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં શનિવારે રાતે એક રેલી ગોળીઓના અવાજથી ગૂંજી ઊઠી. ગોળી ભલે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અડીને નીકળી ગઈ, પણ આ કારણે રેલીમાં સામેલ એક વ્યક્તિનું મોત થયું અને બીજા બે લોકો ઈજાગ્રસ્ત થયા.

આ ઘટનાએ 2024ની અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી પર ખરાબ અસર કરી છે. આ ઘટનાને કારણે દેશના સામાજિક અને સાંસ્કૃતિક માળખાને પણ નુકસાન થયું છે.

આ ઘટનાને કારણે અમેરિકાના રાજકારણમાં ઘણા દાયકાથી રચાયેલો દેશની સુરક્ષાનો ભ્રમ પણ તૂટી ગયો છે.

આ ગોળીબારમાં ટ્રમ્પને સામાન્ય ઈજા થઈ હતી. જોકે, તેમના માટે આ હુમલો ખૂબ જ ગંભીર બની શકતો હતો. અંગ્રેજી સમાચારપત્ર ન્યૂયૉર્ક ટાઇમ્સના ડગ મિલ્સે લીધેલી એક તસવીરમાં પૂર્વ રાષ્ટ્રપતિના માથા પાસેથી એક ગોળી હવામાં રેખાની જેમ જતી જોવા મળી હતી.

વર્ષ 1981માં જૉન હિંકલે જુનિયરે રોનાલ્ડ રીગનની ગોળી મારીને હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના પછી અમેરિકામાં કોઈ પણ રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર વિરુદ્ધ હિંસાની આવી ઘટના થઈ નથી.

આ ઘટના પાંચ દાયકા પહેલાંના અમેરિકાના ઇતિહાસના ખરાબ સમયગાળાની યાદ અપાવે છે. તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બે કૅનેડી ભાઈની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

અમેરિકામાં નાગરિક અધિકાર માટે કામ કરનાર નેતાઓ મેડગર એવર્સ, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને મૅલ્કમ એક્સે પણ રાજકીય હિંસામાં જીવ ગુમાવ્યા હતા.

અમેરિકામાં આજના સમયની જેમ જ 1960ના દાયકામાં પણ દેશમાં રાજકીય ધ્રુવીકરણ અને ભારે અવ્યવસ્થા હતી. આ તે સમયની વાત છે જ્યારે એક બંદૂક અને તેનો ઉપયોગ કરનાર એક વ્યક્તિ ઇતિહાસને બદલી શકતી હતી.

જોકે, અમેરિકામાં પહેલાંથી જ રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચે તેવી ટીકા-ટિપ્પણીઓ કરાઈ રહી છે અને શનિવારે થયેલી ઘટનાની અમેરિકા અને તેની રાજકીય ચર્ચા પર શું અસર થશે તે વિશે અનુમાન કરવું સરળ નથી.

ઘટનાના થોડાક જ કલાકોની અંદર ટ્રમ્પના હરીફ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ડેલાવેયરમાં મીડિયાને નિવેદન આપ્યું હતું.

બાઇડને કહ્યું, “અમેરિકામાં આ પ્રકારની હિંસાને કોઈ સ્થાન નથી. જે વ્યક્તિએ આ કર્યું તે બીમાર છે. આપણે આવા નથી. આપણે આ સહન ન કરી શકીએ.”

રિપબ્લિકન નેતાઓએ ડેમૉક્રેટસ નેતાઓ પર લગાવ્યો આરોપ

રાષ્ટ્રપતિ બાઇડને પછી પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોન પર પણ વાત કરી હતી. તેમણે (બાઇડને) પોતાનો વિકેન્ડ સમુદ્ર કિનારે પસાર કરવાની યોજનાને પડતી મૂકીને વ્હાઇટ હાઉસ પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.

જોકે, આ હિંસા હાલના દાયકામાં અમેરિકાની રાજનીતિની ખાસિયત બની ગયેલી મિલીભગત અને રાજકીય દળો વચ્ચે બનેલી ખીણમાં પહોંચી ગઈ છે.

રિપબ્લિકન પાર્ટીના કેટલાક નેતાઓ આ હુમલા માટે ડેમૉક્રેટિક પાર્ટી પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ડેમૉક્રેટિક પાર્ટીના જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પને કારણે અમેરિકાના લોકતંત્ર સામે પેદા થનાર ખતરા વિશે ચેતવણી આપી હતી.

ઓહાયોના સૅનેટર જેડી વેન્સે સોશિયલ મીડિયા પર લખ્યું કે બાઇડન ટ્રમ્પને રોકવા ઇચ્છે છે. વેન્સ કથિત રૂપે ટ્રમ્પના ઉપરાષ્ટ્રપતિપદના સંભવિત ઉમેદવારોની યાદીમાં સામેલ છે.

તેમણે લખ્યું, “બાઇડનના ચૂંટણી અભિયાનનો મુખ્ય આધાર એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક સરમુખત્યાર અને ફાસીવાદી નેતા છે અને તેમને કોઈ પણ ભોગે રોકવા જ જોઈએ. ટ્રમ્પ વિશે આપેલા આ નિવેદનને કારણે જ શનિવારે ટ્રમ્પની હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.”

બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પનું ચૂંટણી અભિયાન સંભાળનાર ક્રિસ લૈસીવિટાએ કહ્યું, “ડાબેરી કાર્યકર્તાઓ, ડેમૉક્રેટિક પાર્ટીના ડોનરો અને જો બાઇડનને પણ નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં નફરતી નિવેદનો આપવા માટે જવાબદાર ગણાવવા જોઈએ. આ નિવેદનો જ શનિવારે થયેલા હુમલાઓનું કારણ બન્યા છે.”

ડેમૉક્રેટિક પાર્ટી આ વાતનો વિરોધ કરી શકે છે. જોકે, 2011માં જ્યારે ડેમૉક્રેટિક પાર્ટીનાં નેતા અને કૉંગ્રેસનાં સભ્ય ગૈબી ગિફર્ડસ પર એરિઝોનામાં ગોળીબાર થયો હતો ત્યારે કેટલાક વામપંથીઓએ દક્ષિણપંથી લોકોને જવાબદાર ગણાવીને આ પ્રકારની જ ભાષાનો ઉપયોગ કર્યો હતો.

દેખીતી રીતે જ સોમવારે મિલવૉકીમાં શરૂ થનાર રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં પેન્સિલ્વેનિયામાં થયેલી હિંસાની ભારે અસર જોવા મળશે.

આ પ્રકારનાં સ્થળો પર હવે સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરવામાં આવશે અને સંમેલન સ્થળો પર વિરોધપ્રદર્શન અથવા જવાબી વિરોધની નવી તૈયારીઓ સાથે કરવામાં આવી શકે છે.

આ ઘટના પછી ગુરુવારની રાતે જ્યારે પાર્ટીના ઉમેદવાર સ્ટેજ પર આવશે તો રાષ્ટ્રીયસ્તરે તેમના પર સૌની નજર રહેશે.

રિપબ્લિકન પાર્ટી માટે મિલવૉકીના લોકોને આકર્ષિત કરવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને લોહી નીકળતું હોવા છતાં ઊંચી મુઠ્ઠી કરેલી તસવીરો એક સાધન બની શકે છે.

રિપબ્લિકન પાર્ટી પહેલાંથી જ એક મજબૂત વ્યક્તિત્વને એક મોટો મુદો બનાવવાની તૈયારી કરી રહી હતી. શનિવારની ઘટના આ વાતને નવી ઊર્જા આપશે.

ગોળીબારની ઘટના પછી ડોનાલ્ડ ટ્રમ્પના દીકરા એરિક ટ્રમ્પે પોતાના પિતાની એક તસવીર સાથે સોશિયલ મીડિયા પર લખ્યું, “આ તે યોદ્ધા છે, જેની અમેરિકાને જરૂર છે.”

શનિવારની ઘટના પછી ટ્રમ્પની રેલીમાં સુરક્ષા વ્યવસ્થાને સંભાળવા માટે અમેરિકાની સિક્રેટ સર્વિસે પણ મજબૂત તપાસનો સામનો કરવો પડશે, કારણ કે એક વ્યક્તિ ઘાતક બંદૂક સાથે રાષ્ટ્રપતિપદના એક મુખ્ય ઉમેદવારની ફાયરિંગ રેન્જમાં પહોંચી ગઈ હતી.

અમેરિકાના સદનના અધ્યક્ષ માઇક જૉન્સને વાયદો કર્યો છે કે સદન આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે અને તપાસને પૂરી કરવામાં સમય લાગશે.

એક વાત સ્પષ્ટ છે કે ચૂંટણીના માહોલમાં અમેરિકાની રાજનીતિએ એક નવો અને ભયાનક વળાંક લઈ લીધો છે.