ઍરફોર્સ વન, ધ બીસ્ટ, 6 બોઇંગ વિમાનોનો કાફલો કેવી રીતે કરે છે અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષા?

    • લેેખક, સર્વપ્રિયા સાંગવાન
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં જી20 શિખર સંમેલન માટે દુનિયાભરના ટોચના નેતાઓ આવી રહ્યા છે જેને કારણે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડન જી20 શિખર મંત્રણામાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે અને સાથે તેમની સુરક્ષાવ્યવસ્થાનો મોટો કાફલો પણ આવી રહ્યો છે.

તેમને આપવામાં આવતા સુરક્ષાકવચ વિશે સાંભળીએ તો એવું લાગે કે જાણે એ ફિલ્મી છે, પરંતુ એ હકીકત છે.

રાષ્ટ્રપતિની સુરક્ષામાં યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસની મુખ્ય ભૂમિકા હોય છે.

આમ તો આ ઍજન્સી 1865માં બની હતી, પરંતુ 1901માં તેને અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષાનું કામ સોંપવામાં આવ્યું હતું.

લગભગ સાત હજારથી વધુ એજન્ટ્સ અને ઑફિસર સિક્રેટ સર્વિસમાં કામ કરે છે જેમાં મહિલાઓ પણ હોય છે.

તેમની ટ્રેનિંગ દુનિયાની સૌથી મુશ્કેલ ટ્રેઇનિંગમાંથી એક મનાય છે.

ત્રણ મહિના પહેલાંથી તૈયારી

ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ વિશ્વમાં સૌથી શક્તિશાળી મનાતા હોય પરંતુ એમની સુરક્ષાનો નિર્ણય તેઓ જાતે લઈ શકતા નથી. એ કામ સિક્રેટ સર્વિસનું છે.

જો રાષ્ટ્રપતિ ઇચ્છે કે એમને એકલા છોડી દેવામાં આવે તો પણ એ આદેશ માનવામાં નહીં આવે.

જો અમેરિકાના રાષ્ટ્રપતિ કોઈપણ દેશની મુલાકાત લેવાનું નક્કી કરે છે, તો સિક્રેટ સર્વિસ નિર્ધારિત તારીખના લગભગ ત્રણ મહિના પહેલા તેનું કામ શરૂ કરી દે છે.

રાષ્ટ્રપતિ એક પ્રકારના સુરક્ષા કવચમાં ચાલે છે જેમાં બહુ-સ્તરીય સુરક્ષા હોય છે. તે માત્ર મજબૂત જ નથી પણ ખૂબ ખર્ચાળ પણ છે.

હકીકતમાં તો એવી છે કે અમેરિકાએ તેના ચાર રાષ્ટ્રપતિઓની હત્યા જોઈ છે.

1865માં અબ્રાહમ લિંકન, 1881માં જૅમ્સ ગારફિલ્ડ, 1901માં વિલિયમ મૅકિન્લી અને 1963માં જહૉન ઍફ. કૅનેડીની હત્યા થઈ હતી.

તેથી સ્વાભાવિક રીતે જ અમેરિકા તેના રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને ખૂબ જ ગંભીર છે.

આ સુરક્ષામાં શું હોય છે?

ત્રણ સ્તરમાં સુરક્ષા વ્યવસ્થા

રાષ્ટ્રપતિના ત્રણ સુરક્ષા સ્તર હોય છે. સૌથી અંદર રાષ્ટ્રપતિના પ્રૉટેક્ટિવ ડિવિઝન ઍજન્ટ, પછી સિક્રેટ સર્વિસ ઍજન્ટ અને તેના પછી પોલીસ.

હવે એ દિલ્હી આવી રહ્યા છે એટલે એમના માટે દિલ્હી પોલીસ, સીઆરપીએફના સુરક્ષા જવાનોનું પણ એક સિક્યોરિટી લેયર હશે. જે સૌથી બહારનું ચોથું સુરક્ષા સ્તર હશે.

સિક્રેટ સર્વિસ અને વ્હાઇટ હાઉસ સ્ટાફ 2-3 મહિના અગાઉથી આવે છે અને સ્થાનિક એજન્સીઓને મળવાનું શરૂ કરે છે.

તે અહીં ઇન્ટેલિજન્સ બ્યૂરોના વીવીઆઈપી સુરક્ષા નિષ્ણાત સાથે વાત કરે છે.

રાષ્ટ્રપતિ ક્યાં રહેશે તે સિક્રેટ સર્વિસ નક્કી કરે છે. તે સ્થળની સઘન તપાસ કરવામાં આવે છે. હોટલના કર્મચારીઓનું બૅકગ્રાઉન્ડ પણ ચેક કરવામાં આવે છે.

સુરક્ષા પ્રૉટોકોલ

આ સિવાય પણ બીજી ઘણી વ્યવસ્થાઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ઍરપૉર્ટ પર ઍરસ્પેસની જરૂર રહે છે. કારણ કે માત્ર તેમનું ‘ઍરફોર્સ વન’ પ્લેન જ નથી આવતું, પરંતુ છ બૉઇંગ C17 પ્લેન તેની સાથે ઉડે છે. તેમની વચ્ચે એક હેલિકૉપ્ટર પણ હોય છે.

તેમની પાસે લિમોઝીન કાર, કૉમ્યુનિકેશનનાં સાધનો, અન્ય ઘણા એજન્ટો અને સ્ટાફના સભ્યો હોય છે.

સિક્રેટ સર્વિસ અને સ્થાનિક એજન્સી રાષ્ટ્રપતિના કાફલાનો રૂટ નક્કી કરે છે, તે જોવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ઇમર્જન્સીની સ્થિતિમાં ક્યાંથી અને કેવી રીતે બચવું.

કોઈ હુમલો થાય છે તો સુરક્ષિત લોકેશન ક્યું રહેશે.

આજુબાજુ કઈ હૉસ્પિટલ છે એ પણ જોવામાં આવે છે. એજન્ટ એ નક્કી કરે છે કે રાષ્ટ્રપતિ જ્યાં રોકાશે ત્યાંથી હૉસ્પિટલનું ટ્રોમા સેન્ટર 10 મિનિટથી વધુ દૂર ન હોય.

એક એજન્ટ આસપાસની દરેક હૉસ્પિટલમાં તહેનાત રહે છે જેથી કરીને તે ઇમર્જન્સીની પરિસ્થિતિમાં ડૉક્ટરો સાથે કૉ-ઓર્ડિનેટ કરી શકે.

તેમના બ્લડ ગ્રૂપનું બ્લડ પણ સાથે રાખવામાં આવે છે એટલે જો લોહી ચડાવવાની નોબત આવે તો એ પણ સરળતાથી મળી શકે અને રાહ ન જોવી પડે.

તેમની આવવાની તારીખ જેમજેમ નજીક આવે છે તેમ એજન્ટો રાષ્ટ્રપતિના કાફલાના રૂટ પર આવનાર દરેક સ્ટોપ ચેક કરે છે.

જે હોટલમાં તેઓ રોકાવાના હોય છે તેની આસપાસ રસ્તા પર પાર્ક કરવામાં આવેલી કારને હઠાવી દેવામાં આવે છે.

અલગ-અલગ ખતરાના સમયે શું કરવામાં આવે છે તેનું રિહર્સલ પણ કરવામાં આવે છે.

હોટલમાં કેવી વ્યવસ્થા હોય છે?

રાષ્ટ્રપતિની હોટલમાં તેમના માટે સમગ્ર ફ્લોર ખાલી કરવામાં આવે છે એટલું જ નહીં એ જ્યાં રોકાયા હોય તેની નીચેનો અને ઉપરનો માળ પણ ખાલી કરી દેવામાં આવે છે.

સમગ્ર રૂમની સઘન તપાસ કરવામાં આવે છે કે ક્યાંય કોઈ છુપો કૅમેરો ન હોય અને રેકોર્ડિંગ ડિવાઈસ ન હોય.

ટીવી અને હોટેલના ફૉન પણ દૂર કરવામાં આવે છે. બારીઓ પર બુલેટપ્રૂફ શિલ્ડ પણ લગાવવામાં આવે છે.

રાષ્ટ્રપતિનો કૂકિંગ સ્ટાફ પણ સાથે જ આવે છે. તેઓ જ ભોજન બનાવે છે અને પીરસે છે.

સિક્રેટ સર્વિસ ત્યાં પણ સંપૂર્ણ તકેદારી રાખે છે જેથી કોઈ છેડછાડ ન કરી શકે.

સિક્રેટ સર્વિસ પર બીજી પણ મોટી જવાબદારી હોય છે.

તેમણે સૈન્યના એ વ્યક્તિનું પણ રક્ષણ કરવાનું હોય છે જે દરેક સમયે રાષ્ટ્રપતિની સાથે હોય છે. તેની પાસે અમેરિકી પરમાણુ મિસાઈલ લૉન્ચ કરવા માટે બ્રીફકેસ હોય છે.

રાષ્ટ્રપતિ પોતાની લિમોઝીન કારમાં જ મુસાફરી કરે છે.

આ કારને ‘ધ બીસ્ટ’ નામ આપવામાં આવ્યું છે. આ કાર દરેક રીતે સજ્જ છે.

તે માત્ર બુલેટપ્રૂફ નથી, તેની પાસે વધુ રક્ષણાત્મક સાધનો અને ટેકનૉલૉજી પણ છે. જેમ કે સ્મૉક સ્ક્રીન, ટીયરગેસ, નાઇટ વિઝન ટેકનૉલૉજી, રાસાયણિક હુમલાઓથી રક્ષણ અને ગ્રૅનેડ લૉન્ચર.

ડ્રાઇવરો એટલા પ્રશિક્ષિત હોય છે કે હુમલાના સમયે તેઓ વાહનને વિરુદ્ધ દિશામાં એટલે કે 180 ડિગ્રી વળાંક લઈ શકવા સક્ષમ હોય છે.

જ્યારે ઓબામા આવ્યા હતા ભારત

2015માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા.

ભારતની પરંપરા મુજબ તેમણે ભારતના રાષ્ટ્રપતિ સાથે સ્થળ પર આવવાનું હતું, પરંતુ તેઓ તેમની બુલેટપ્રૂફ કાર 'ધ બીસ્ટ'માં સ્થળ પર પહોંચ્યા હતા.

પરંતુ તે દિવસે એક સુરક્ષા પ્રૉટોકોલનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

સિક્રેટ સર્વિસની ગાઈડલાઈન મુજબ રાષ્ટ્રપતિ ઓપન ઍર વેન્યુમાં 45 મિનિટથી વધુ સમય સુધી રહી શકતા નથી. રાષ્ટ્રપતિ ઓબામા બે કલાક સુધી આ સ્થળ પર રોકાયા હતા.

આ બધી માહિતી ગુપ્ત નથી. સિક્રેટ સર્વિસમાં રહી ચૂકેલા કેટલાક લોકોએ પુસ્તકો પણ લખ્યાં છે.

જેમ કે જૉસેફ પેટ્રોએ એક પુસ્તક લખ્યું છે જે 23 વર્ષથી યુએસ સિક્રેટ સર્વિસમાં ખાસ એજન્ટ રહ્યા છે.

તેમના સિવાય, રોનાલ્ડ કેસલરે 100 થી વધુ સિક્રેટ સર્વિસ એજન્ટોની મુલાકાત લઈને એક પુસ્તક લખ્યું છે ‘ઇન ધી પ્રૅસિડેન્ટ્સ સિક્રેટ સર્વિસ’

જ્યારે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ કોઈ જગ્યાએ જાય છે ત્યારે હજારો લોકો તેમાં ભાગ લે છે.

બીબીસીના વ્હાઇટ હાઉસના પત્રકારે એક વખત લખ્યું હતું કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ પ્રવાસ કરે છે ત્યારે દુનિયા અટકી જાય છે.